શ્રીનગર (કાશ્મીર)ના
પ્રવાસે જતા પ્રવાસીઓ શ્રીનગરની સુંદરતા સાથે ડલ લેઈક, શાલીમાર ગાર્ડન વગેરેના
દીદાર કરવાનું ચૂકતા નથી. બહુ ઓછા પ્રવાસીઓ હઝરતબલ જેવા આધ્યાત્મિક અને ઐતિહાસિક
સ્થાનની મુલાકાત લેવા જતા હોય છે. પંદરેક વર્ષ પહેલા હું શ્રીનગર ગયો ત્યારે મારી
પણ એ જ હાલત હતી. પણ શ્રીનગરના પ્રવાસ દરમિયાન મને એક રીક્ષા ચાલકે હઝરતબલ જવાની સલાહ
આપી. અને તેનો થોડો ઈતિહાસ પણ કહ્યો. પરિણામે બધું પડતું મૂકી મેં તે રીક્ષા ચાલકને
રીક્ષા સીધી હઝરતબલની દરગાહ પર લઇ લેવા કહ્યું. આમ શ્રીનગરના પ્રવાસ દરમિયાન મને અનાયાસે
એક ઐતિહાસિક અને પવિત્ર સ્થાનના દીદાર કરવાની તક સાંપડી. સફેદ સંગેમરમરના પથ્થરોથી
તામીર થયેલ આ દરગાહ ડલ ઝીલમાં તરતા ખુબસુરત મોતી જેવી ભાસે છે. હઝરતબલની દરગાહ
સાથે જ સુંદર મસ્જિત પણ આવેલી છે. આ મસ્જિત પહેલા એક મહેલ હતી. ઈ.સ. ૧૬૨૩મા મોઘલ
બાદશાહ શાહજહાંના સુબેદાર સાદિક ખાને પોતાના માટે અહિયાં એક મહેલ અને સુંદર બગીચો
બનાવ્યો હતો. ઇ.સ. ૧૬૩૪મા શાહજહાં કાશ્મીર આવ્યો ત્યારે તેણે એ મહેલને ઈબાદત ખાનું
અર્થાત મસ્જિત બનાવવાનો આદેશ આપ્યો. આમ એક સુંદર મહેલ મસ્જીતમાં તબદીલ થઈ ગઈ. અને એટલે
જ હઝરતબલ દરગાહ અંદરથી અત્યંત વિશાલ અને ભવ્ય છે. આવી ભવ્ય મસ્જિતમા નમાઝ પઢવાનું
સૂકુન વષો પછી આજે પણ હું મહેસૂસ કરું છું.
હઝરતબલની દરગાહમા ઇસ્લામના
અંતિમ પયગંબર હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)ના દાઢીનો બાલ સચવાયેલો છે, જેની સાથે વિશ્વના
કરોડો મુસ્લિમોની આસ્થા જોડાયેલી છે. કાશ્મીરી ભાષામાં “બલ”નો અર્થ “જગ્યા” થાય
છે. એ દર્ષ્ટિએ હઝરતબલનો અર્થ હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)નું સ્થાન કે જગ્યા એવો થાય
છે. ફારસી ભાષામાં “બાલ” શબ્દનોં અર્થ “મૂ’ અથવા “મો” થાય છે. હઝરતબલની દરગાહમાં રાખવામાં
આવેલ બાલ ને “મો-એ-મુકદ્દસ” પવિત્ર બાલ પણ કહે છે. કેટલાક આ દરગાહને “મદીનાત અસનીત”
અથવા “ અશેરે શરીફ” પણ કહે છે. હઝરતબલની દરગાહ શ્રીનગરમાં ડલ ઝીલની ડાબી બાજુએ
લગભગ છ સાત કિલોમીટરના અંતરે આવેલ છે. ડલ ઝીલ પ્રવાસી સ્થાન છે. જયારે હઝરતબલએ
શહેરનો રહેણાકી વિસ્તાર છે. અહિયાં આપને કાશ્મીરી સંસ્કૃતિ અને સમાજની ઝલક બખૂબી
જોવા મળે છે.
હઝરતબલની દરગાહની ઐતિહાસિક
કથા પણ જાણવા જેવી છે. હઝરત મહંમદ પયગંબર (સ.અ.વ.)સાહેબના વંશજ સૈયદ અબ્દુલ્લાહ
ઈ.સ. ૧૬૩૫મા મદીનાથી પગપાળા ભારત આવ્યા હતા. અને આજના કર્નાટક રાજ્યના બીજાપુર શહેરમાં
તેમણે વસવાટ કર્યો હતો. તેઓ તેમની સાથે હઝરત મહંમદ પયગંબર સાહેબનો દાઢીનો બાલ લઈને
આવ્યા હતા. સૈયદ અબદુલ્લાહના અવાસન પછી તેમના પુત્ર સૈયદ હામિદને તે પવિત્ર બાલ
વારસમાં મળ્યો. એ સમયે ભારતમાં મોઘલ શાસન હતું. કોઈક અગમ્ય કારણો સર મોઘલ શાસકોએ
સૈયદ હામિદની જમીન જાયદાત જપ્ત કર્યા. પરિણામે આર્થિક પરેશાનીઓને કારણે સૈયદ
હામિદએ પોતાને વારસામાં મળેલ એ બાલ કાશ્મીરના એક ધનિક વેપારી ખ્વાજા નૂરુદ્દીન
ઈશાનીને વેચી નાખ્યો. આ ઘટનાની જાણ એ સમયના મોઘલ બાદશાહ ઔરંગઝેબને થઈ. તેમણે એ પવિત્ર
બાલ ખ્વાજા નૂરુદ્દીન પાસેથી લઈને અજમેરના સૂફી સંત મોઉદ્દીન ચિસ્તીની દરગાહને
સાચવવા આપ્યો. અને ખ્વાજા નૂરુદ્દીનને આવા અવશેષનો વેપાર કરવાના ગુનાહસર કેદ
કરવામાં આવ્યો.
કેટલાક વર્ષો પછી
ઔરંગઝેબને તેની ભૂલ સમજાઈ. પોતાન કૃત્ય અંગે તેને પસ્તાવો થયો. તેથી તેણે ખ્વાજા
નૂરુદ્દીનને કેદમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો.અને તેને તે પવિત્ર બાલ કાશ્મીર લઇ
જવાની પરવાનગી આપી. પરંતુ ત્યારે તો કેદમાં નૂરુદ્દીનનું અવસાન થઈ ગયું હતું. એટલે
એ પવિત્ર બાલ તેના મૃતુદેહ સાથે ઈ.સ. ૧૭૦૦મા કાશ્મીર લાવવામાં આવ્યો. કાશ્મીરમાં નૂરુદ્દીનની
પુત્રી ઈનાયત બેગમને એ પવિત્ર બાલ સોંપવામાં આવ્યો. ઈનાયત બેગમે પવિત્ર બાલ માટે
એક દરગાહ બનાવી. ઈનાયત બેગમના નિકાહ શ્રીનગરના પાંડે પરિવારમાં થયા હતા. તેથી
મહંમદ સાહેબનો દાઢીનો એ પવિત્ર બાલ આજે પાંડે પરિવારની નિગરાનીમાં છે.
આ કથા અહિયાં સમાપ્ત
થતી નથી. જવાહરલાલ નહેરુ ભારતના વડા પ્રધાન હતા ત્યારે ૨૭ ડીસેમ્બર ૧૯૬૩ના રોજ એક
આઘાતજનક ઘટના બની. હઝરતબલની દરગાહમાં સાચવી રાખવામાં આવેલ મહંમદ સાહેબના મુકાદ્સ બાલની
ચોરી થઈ ગઈ. આ ઘટના ૨૭ ડીસેમ્બરની રાત્રે બે વાગ્યે બની.
આ વાત અગ્નિની જેમ
સમગ્ર દેશમાં પ્રસરી ગઈ. પરિણામે કાશ્મીર અને દેશના અન્ય ભાગોમાં જેવા કે પશ્ચિમ
બંગાળમા અશાંતિ પ્રસરી ગઈ. પૂર્વ પાકિસ્તાનમા પણ તેની અસર થઈ. શ્રીનગરમાં લાખોની
સંખ્યામાં લોકો સડક પર ઉતારી આવ્યા. અનેક અફવાઓએ પણ અશાંતિને વધુ પ્રસરાવવામા મદદ
કરી. ૨૭ ડીસેમ્બરના રોજ સવારે સમાચાર મળતા જ કાશ્મીરના મુખ્યમંત્રી ખ્વાજા શમ્સ ઉદ
દીન દરગાહ પર પહોંચી ગયા. અને તેમણે પવિત્ર બાલ શોધી આપનાર કે તેની માહિતી આપનારને
એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત પણ કરી. ૩૧ ડિસેમ્બરે ભારતના વડા પ્રધાન
પંડિત જવાહરલાલ નહેરુએ તેની તપાસ સીબીઆઈને સોપવાની જાહેરાત કરી. સીબીઆઈના વડા
બી.એમ. મુલ્લીક કાશ્મીર પહોંચી ગયા. અને તેમણે તપાસ આરંભી. એ સાથે જ આ માટે એક
તપાસ કમિટીની પણ રચના કરવામાં આવી. તમામ સક્રિય પ્રયાસોને કારણે ૪ ડીસેમ્બર ૧૯૬૪ના
રોજ મહંમદ સાહેબનો મુકાદ્સ અને ઐતિહાસિક બાલ શોધી કાઢવામાં આવ્યો. તેના માનમાં કાશ્મીરના
રાજા કરણ સિંગે હિંદુ મંદિરમાં ભવ્ય પૂજાનું આયોજન કર્યું. અને કાશ્મીર અને દેશમાં
શાંતિ જાળવવા પ્રજાને અપીલ કરી. જયારે સીબીઆઈ વડા બી.એમ. મુલ્લીકએ વડા પ્રધાન
પંડિત જવાહરલાલ નહેરુને મહંમદ સાહેબનો બાલ મળી ગયાના સમાચાર આપ્યા ત્યારે નહેરુ એટલું
જ બોલ્યા હતા,
“મુલ્લીક, તમે
કાશ્મીર અને દેશની હિફાઝત કરી છે.”
એ સમયના દેશના ગૃહ
પ્રધાન ગુલઝારીલાલ નંદાએ પાર્લામેન્ટ પોતાના વ્યાખ્યાનમાં કહ્યું હતું,
“હઝરત મહંમદ સાહેબના
બાલની ચોરી કરનાર ચોર પકડાઈ ગયા છે.”
હઝરતબલ અર્થાત હઝરત
મહંમદ પયગંબર સાહેબના પવિત્ર બાલને પુનઃ સ્થાપિત કરવાની ઘટનાને આજે ૫૫ વર્ષ પૂર્ણ
થયા છે. આજે પણ એ દરગાહ પર લોકોની આસ્થા અને પ્રેમ યથાવત છે અને રહેશે.
No comments:
Post a Comment