Wednesday, January 23, 2019

શાયર કા કોઈ મઝહબ નહિ હોતા : ડૉ. મહેબૂબ દેસાઈ



ધર્મ એટલે હિંદુ કે મુસ્લિમ નહિ. પણ ધર્મ એટલે નૈતિક માર્ગ. ધર્મ એવા અજ્ઞાતની શોધ છે, જે અભ્યંતર છે. ધર્મ આનંદનું દ્વાર છે. કારણ કે ધર્મ પોતાના પ્રત્યેની જાગૃતિ છે. જે પોતાના પ્રત્યે જાગે છે તેને તેમા અભાવ લાગતો નથી. પણ તે સાક્ષાત આનંદથી ભરાઈ જાય છે. કારણે કે તેને પછી કઈ જ મેળવવાનું બાકી રહેતું નથી. ધર્મમાં માનનાર દરેક માનવી પરમાત્માની શોધમાં રહે છે. પરમાત્મા કયા છે ? મંદિર મસ્જિત , ગુરુદ્વારા કે ચર્ચમાં ? હા, જરૂર પરમાત્માનું પણ ઘર છે. પણ તે ઈંટ કે પથ્થરોનું બનેલું નથી. ઈંટ કે પથ્થરોથી જે બને છે. તે હિંદુ, મુસ્લિમ શીખ કે ઈસાઈઓનું ઘર હોઈ શકે. પણ પરમાત્માનું તો ન જ હોઈ. આવું મંદિર કે મસ્જિત, આકાશ કે ધરતી પર નથી. પણ આપણા હદયમાં છે. તેને બનાવવાની જરુર નથી. તે તો છે જ.  માત્ર તેને ખોલવાનું છે. તેની સફાઈ કરવાની છે. ઈશ્વર -ખુદાને રહેવા લાયક બનાવવાનું છે. આવી વિશાલ સમાજને સાકાર કરવામાં આપણા શાયરોનો ફાળો વિશેષ છે. શાયર હિંદુ કે મુસ્લિમ નથી હોતો. શયર તો માત્ર શાયર જ હોય છે. તેની રચાનોમાં ધર્મનો કોઈ ભેદ જોવા મળતો નથી. અને જેની રચનાઓમાં હિંદુ મુસ્લિમ ભેદ વ્યક્ત થયા છે તે શાયર નથી. પણ તુકબંધી કરનાર સામાન્ય વ્યક્તિ છે. આજે એવા સાચા શાયરોની થોડી વાત કરાવી છે. જેમણે પોતાની રચનાઓમાં હિંદુ અને ઇસ્લામ બને ધર્મને ઈજ્જત બક્ષી છે. તેની ગરિમા વધારી છે. એ શાયરોમાં સૌ પ્રથમ નામ ડૉ ઇકબાલનું આવે છે. જેમણે આપણને તારાના એ હિંદ આપ્યું. જેમાં તેમણે કહ્યું,
 “મઝહબ નહિ શીખતા આપસ મેં બેર કરના
  હિંદી હૈ હમ, વતન  હૈ હિન્દોસ્તા હમારા”
અર્થાત કોઈ ધર્મ વેરેઝેર પ્રસરાવવાનું કે આપસમાં લડવાનું નથી શીખવતો. શાયર માટે તેની શાયરી તેનો ધર્મ છે. તેમાં હિંદુ કે ઇસ્લામ જેવા કોઈ ભેદ નથી હોતા. શાયરની શાયરીનો વિષય તેની પારદર્શક મનોદશામાથી જન્મતો હોય છે. અલબત્ત તેની રજુઆતમાં શબ્દોની પસંદગી શાયરની પોતાની હોય છે. પણ તેના વિચારોમાં ક્યાંય ધર્મચુસ્તતા કે કટ્ટરતા જોવ નથી મળતી. અને એટલે જ શાયર અન્ય ધર્મના પ્રતિકોને પણ પોતાની શાયરીમાં અભિવ્યક્તિનું ઉત્તમ માધ્યમ બનાવે છે. જેમ કે પાકિસ્તાની મર્હુમ શાયરા પરવીન સાકીર(૧૯૫૨-૧૯૯૪)એ કૃષ્ણ ભગવાનને કેન્દમાં રાખી લખ્યું છે,  

  “કૈદ મેં ગુઝરેગી જો ઉમ્ર બડે કામ કી થી
  પર મેં ક્યાં કરતી કી જંજીર તેરે નામ કી થી
  યે હવા કૈસે ઉડા લે ગઈ આંચલ મેરા 
  યું સતાને કી આદત તો મેરે શ્યામ કી થી”

અને એજ શાયરા ખુદા અને તેના બંદાને નજર સમક્ષ રાખી લખે છે,

 ગવાહી કૈસે તૂટતી મુઆમલા ખુદા કા થા
  મેરા ઔર ઉસકા રાબ્તા તો હાથ ઔર દુવા કા થા”

ભારતના એક અન્ય મશહુર શાયર બેતલ ઉતાહી પણ કૃષ્ણ ભગવાનને કેન્દ્રમાં રાખી લખે છે,
 “જિસ કી હર શાખ પર રાધાએ મચલતી હોગી
  દેખના કૃષ્ણ ઉસી પેડ કે નીચે હોંગે”

અન્ય એક શાયર હસન કમાલ રામાયણના ધનુષ્ય તોડવાના પ્રસંગને આલેખતા લખે છે,
 “અબ કોઈ રામ નહિ ગમ કા ધનુષ તોડે
 ઝીંદગી હોતી હૈ સીતા કે સ્વયંવર કી તરહ”

એક બહુ જાણીતા શાયર કુંવર મહેન્દ્ર સિંગ બેદી હતા. તેમની શાયરીમાં સરળતા અને તથ્યનો સુભગ સમન્વય જોવા મળતો. તેઓ તેમના એક બેબાક શેર કહે છે,
“ઈશ્ક હો જાયે કિસી સે કોઈ ચારા તો નહિ
 સિર્ફ મુસ્લિમ કા મહંમદ પર ઈજારા તો નહિ”

આપણા જાણીતા કવિ અને સંગીતકાર રવીન્દ્ર જૈનનો એક શેર છે, 
“ તુમ અપને દિલ મેં મદીને કી આરઝુ રખના
  ફિર ઉસકા કામ હૈ જજબે કી આબરૂ રખના”
તું તારા દિલમાં મદીનાની આરઝુ રાખ. અર્થાત ઈચ્છા કે આસ્થા રાખ. પછી તારી આસ્થાની ઈજ્જત રાખવાનું કામ તો તેનું છે, અર્થાત ખુદા ઈશ્વરનું છે.
ક્રિષ્ણ બિહારી નૂર કહે છે,
“મર ભી જાઓ તો નહિ મીલતે હૈ મરને વાલે
 મૌત લેજા કે ખુદા જાને કહાં છોડતી હૈ
 જપ્તે ગમ ક્યાં હૈ તુઝે કૈસે સમજાઉં
 દેખના મેરી ચિતા કિતના ધૂંવા છોડતી હૈ”


આવા શાયરો કે જેમણે મઝહબને મહોબ્બત અને એખલાસનો સેતુ બનાવ્યો. જેમણે સમાજમાં મઝહબની નવી પરીભાષા આપી. તેવા તમામ શાયરીને સલામ.  

Tuesday, January 15, 2019

શ્રીનગરની હઝરતબલ દરગાહ : ડૉ. મહેબૂબ દેસાઈ


શ્રીનગર (કાશ્મીર)ના પ્રવાસે જતા પ્રવાસીઓ શ્રીનગરની સુંદરતા સાથે ડલ લેઈક, શાલીમાર ગાર્ડન વગેરેના દીદાર કરવાનું ચૂકતા નથી. બહુ ઓછા પ્રવાસીઓ હઝરતબલ જેવા આધ્યાત્મિક અને ઐતિહાસિક સ્થાનની મુલાકાત લેવા જતા હોય છે. પંદરેક વર્ષ પહેલા હું શ્રીનગર ગયો ત્યારે મારી પણ એ જ હાલત હતી. પણ શ્રીનગરના પ્રવાસ દરમિયાન મને એક રીક્ષા ચાલકે હઝરતબલ જવાની સલાહ આપી. અને તેનો થોડો ઈતિહાસ પણ કહ્યો. પરિણામે બધું પડતું મૂકી મેં તે રીક્ષા ચાલકને રીક્ષા સીધી હઝરતબલની દરગાહ પર લઇ લેવા કહ્યું. આમ શ્રીનગરના પ્રવાસ દરમિયાન મને અનાયાસે એક ઐતિહાસિક અને પવિત્ર સ્થાનના દીદાર કરવાની તક સાંપડી. સફેદ સંગેમરમરના પથ્થરોથી તામીર થયેલ આ દરગાહ ડલ ઝીલમાં તરતા ખુબસુરત મોતી જેવી ભાસે છે. હઝરતબલની દરગાહ સાથે જ સુંદર મસ્જિત પણ આવેલી છે. આ મસ્જિત પહેલા એક મહેલ હતી. ઈ.સ. ૧૬૨૩મા મોઘલ બાદશાહ શાહજહાંના સુબેદાર સાદિક ખાને પોતાના માટે અહિયાં એક મહેલ અને સુંદર બગીચો બનાવ્યો હતો. ઇ.સ. ૧૬૩૪મા શાહજહાં કાશ્મીર આવ્યો ત્યારે તેણે એ મહેલને ઈબાદત ખાનું અર્થાત મસ્જિત બનાવવાનો આદેશ આપ્યો. આમ એક સુંદર મહેલ મસ્જીતમાં તબદીલ થઈ ગઈ. અને એટલે જ હઝરતબલ દરગાહ અંદરથી અત્યંત વિશાલ અને ભવ્ય છે. આવી ભવ્ય મસ્જિતમા નમાઝ પઢવાનું સૂકુન વષો પછી આજે પણ હું મહેસૂસ કરું છું.
હઝરતબલની દરગાહમા ઇસ્લામના અંતિમ પયગંબર હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)ના દાઢીનો બાલ સચવાયેલો છે, જેની સાથે વિશ્વના કરોડો મુસ્લિમોની આસ્થા જોડાયેલી છે. કાશ્મીરી ભાષામાં “બલ”નો અર્થ “જગ્યા” થાય છે. એ દર્ષ્ટિએ હઝરતબલનો અર્થ હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)નું સ્થાન કે જગ્યા એવો થાય છે. ફારસી ભાષામાં “બાલ” શબ્દનોં અર્થ “મૂ’ અથવા “મો” થાય છે. હઝરતબલની દરગાહમાં રાખવામાં આવેલ બાલ ને “મો-એ-મુકદ્દસ” પવિત્ર બાલ પણ કહે છે. કેટલાક આ દરગાહને “મદીનાત અસનીત” અથવા “ અશેરે શરીફ” પણ કહે છે. હઝરતબલની દરગાહ શ્રીનગરમાં ડલ ઝીલની ડાબી બાજુએ લગભગ છ સાત કિલોમીટરના અંતરે આવેલ છે. ડલ ઝીલ પ્રવાસી સ્થાન છે. જયારે હઝરતબલએ શહેરનો રહેણાકી વિસ્તાર છે. અહિયાં આપને કાશ્મીરી સંસ્કૃતિ અને સમાજની ઝલક બખૂબી જોવા મળે છે.
હઝરતબલની દરગાહની ઐતિહાસિક કથા પણ જાણવા જેવી છે. હઝરત મહંમદ પયગંબર (સ.અ.વ.)સાહેબના વંશજ સૈયદ અબ્દુલ્લાહ ઈ.સ. ૧૬૩૫મા મદીનાથી પગપાળા ભારત આવ્યા હતા. અને આજના કર્નાટક રાજ્યના બીજાપુર શહેરમાં તેમણે વસવાટ કર્યો હતો. તેઓ તેમની સાથે હઝરત મહંમદ પયગંબર સાહેબનો દાઢીનો બાલ લઈને આવ્યા હતા. સૈયદ અબદુલ્લાહના અવાસન પછી તેમના પુત્ર સૈયદ હામિદને તે પવિત્ર બાલ વારસમાં મળ્યો. એ સમયે ભારતમાં મોઘલ શાસન હતું. કોઈક અગમ્ય કારણો સર મોઘલ શાસકોએ સૈયદ હામિદની જમીન જાયદાત જપ્ત કર્યા. પરિણામે આર્થિક પરેશાનીઓને કારણે સૈયદ હામિદએ પોતાને વારસામાં મળેલ એ બાલ કાશ્મીરના એક ધનિક વેપારી ખ્વાજા નૂરુદ્દીન ઈશાનીને વેચી નાખ્યો. આ ઘટનાની જાણ એ સમયના મોઘલ બાદશાહ ઔરંગઝેબને થઈ. તેમણે એ પવિત્ર બાલ ખ્વાજા નૂરુદ્દીન પાસેથી લઈને અજમેરના સૂફી સંત મોઉદ્દીન ચિસ્તીની દરગાહને સાચવવા આપ્યો. અને ખ્વાજા નૂરુદ્દીનને આવા અવશેષનો વેપાર કરવાના ગુનાહસર કેદ કરવામાં આવ્યો.
કેટલાક વર્ષો પછી ઔરંગઝેબને તેની ભૂલ સમજાઈ. પોતાન કૃત્ય અંગે તેને પસ્તાવો થયો. તેથી તેણે ખ્વાજા નૂરુદ્દીનને કેદમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો.અને તેને તે પવિત્ર બાલ કાશ્મીર લઇ જવાની પરવાનગી આપી. પરંતુ ત્યારે તો કેદમાં નૂરુદ્દીનનું અવસાન થઈ ગયું હતું. એટલે એ પવિત્ર બાલ તેના મૃતુદેહ સાથે ઈ.સ. ૧૭૦૦મા કાશ્મીર લાવવામાં આવ્યો. કાશ્મીરમાં નૂરુદ્દીનની પુત્રી ઈનાયત બેગમને એ પવિત્ર બાલ સોંપવામાં આવ્યો. ઈનાયત બેગમે પવિત્ર બાલ માટે એક દરગાહ બનાવી. ઈનાયત બેગમના નિકાહ શ્રીનગરના પાંડે પરિવારમાં થયા હતા. તેથી મહંમદ સાહેબનો દાઢીનો એ પવિત્ર બાલ આજે પાંડે પરિવારની નિગરાનીમાં છે.

આ કથા અહિયાં સમાપ્ત થતી નથી. જવાહરલાલ નહેરુ ભારતના વડા પ્રધાન હતા ત્યારે ૨૭ ડીસેમ્બર ૧૯૬૩ના રોજ એક આઘાતજનક ઘટના બની. હઝરતબલની દરગાહમાં સાચવી રાખવામાં આવેલ મહંમદ સાહેબના મુકાદ્સ બાલની ચોરી થઈ ગઈ. આ ઘટના ૨૭ ડીસેમ્બરની રાત્રે બે વાગ્યે બની.
આ વાત અગ્નિની જેમ સમગ્ર દેશમાં પ્રસરી ગઈ. પરિણામે કાશ્મીર અને દેશના અન્ય ભાગોમાં જેવા કે પશ્ચિમ બંગાળમા અશાંતિ પ્રસરી ગઈ. પૂર્વ પાકિસ્તાનમા પણ તેની અસર થઈ. શ્રીનગરમાં લાખોની સંખ્યામાં લોકો સડક પર ઉતારી આવ્યા. અનેક અફવાઓએ પણ અશાંતિને વધુ પ્રસરાવવામા મદદ કરી. ૨૭ ડીસેમ્બરના રોજ સવારે સમાચાર મળતા જ કાશ્મીરના મુખ્યમંત્રી ખ્વાજા શમ્સ ઉદ દીન દરગાહ પર પહોંચી ગયા. અને તેમણે પવિત્ર બાલ શોધી આપનાર કે તેની માહિતી આપનારને એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત પણ કરી. ૩૧ ડિસેમ્બરે ભારતના વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ તેની તપાસ સીબીઆઈને સોપવાની જાહેરાત કરી. સીબીઆઈના વડા બી.એમ. મુલ્લીક કાશ્મીર પહોંચી ગયા. અને તેમણે તપાસ આરંભી. એ સાથે જ આ માટે એક તપાસ કમિટીની પણ રચના કરવામાં આવી. તમામ સક્રિય પ્રયાસોને કારણે ૪ ડીસેમ્બર ૧૯૬૪ના રોજ મહંમદ સાહેબનો મુકાદ્સ અને ઐતિહાસિક બાલ શોધી કાઢવામાં આવ્યો. તેના માનમાં કાશ્મીરના રાજા કરણ સિંગે હિંદુ મંદિરમાં ભવ્ય પૂજાનું આયોજન કર્યું. અને કાશ્મીર અને દેશમાં શાંતિ જાળવવા પ્રજાને અપીલ કરી. જયારે સીબીઆઈ વડા બી.એમ. મુલ્લીકએ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને મહંમદ સાહેબનો બાલ મળી ગયાના સમાચાર આપ્યા ત્યારે નહેરુ એટલું જ બોલ્યા હતા,
“મુલ્લીક, તમે કાશ્મીર અને દેશની હિફાઝત કરી છે.”
એ સમયના દેશના ગૃહ પ્રધાન ગુલઝારીલાલ નંદાએ પાર્લામેન્ટ પોતાના વ્યાખ્યાનમાં કહ્યું હતું,
“હઝરત મહંમદ સાહેબના બાલની ચોરી કરનાર ચોર પકડાઈ ગયા છે.”
હઝરતબલ અર્થાત હઝરત મહંમદ પયગંબર સાહેબના પવિત્ર બાલને પુનઃ સ્થાપિત કરવાની ઘટનાને આજે ૫૫ વર્ષ પૂર્ણ થયા છે. આજે પણ એ દરગાહ પર લોકોની આસ્થા અને પ્રેમ યથાવત છે અને રહેશે.  


Friday, January 4, 2019

“જયહિન્દ” અને “વન્દેમાતરમ” : ડૉ. મહેબૂબ દેસાઈ


એક સમયે ભારતના મુસ્લિમો “વન્દેમાતરમ”નું ગાન નથી કરતા અથવા ધાર્મિક બાદને કારણે તેઓ એ રાષ્ટ્રીય ગીત ગાતા નથી એવી ચર્ચા ચાલી હતી. એ સમયે પણ ઇસ્લામના વિદ્વાન મૌલવી સાહેબોએ વારંવાર કહ્યું હતું,
“કુરાને શરીફમાં એક શબ્દ છે " તયમ્મુમ " જેનો અર્થ થાય છે. જયારે વઝુ (નમાઝ પૂર્વે પવિત્ર થવાની ક્રિયા) કરવા માટે પાણી ઉપલબ્ધ ન હોય ત્યારે જે સ્થળે તમે હોવ ત્યાની મીટ્ટી-માટીને હાથ, પગ અને મોં પર ફેરવી દો તો પણ નમાઝ માટેની પવિત્રતા પ્રાપ્ત થઈ જાય છે. જે ધર્મમાં વતનની મીટ્ટી-માટીને પવિત્રતા માટેના માધ્યમ જેટલી અહેમિયત આપવામાં આવી હોય, તે ધર્મ વતન પ્રેમને વ્યક્ત કરતા ગીત "વન્દેમાતરમ" ને ગાવાની પાબંધી કેવી રીતે કરી શકે ?

ઈ.સ.૧૮૭૫ના દુર્ગા પુજાના તહેવાર નિમિતે બંકીમચંદ્ર ચટોપાધ્યાય (૧૮૩૮-૧૮૯૪)પોતાના વતન કાન્તાલ્પાડા ટ્રેનમાં જઈ રહ્યા હતા.ટ્રેનના ડબ્બાની બહાર દેખાતા ખેતરો, વૃક્ષો , ફૂલો, ફળો ,નદી , ઝરણાંને જોઈ બંકિમચંદ્રને પ્રેરણા મળી. અને તેમણે ટ્રેનના ડબ્બામાં જ એક ગીત રચ્યું.એ ગીત એ જ "વંદેમાતરમ". પછી તો તેમણે એ ગીત તેમની નવલકથા "આનંદમઠ"માં મુક્યું. આનંદમઠ નવલકથામાં એક મુસ્લિમ અંગ્રેજ શાશકો સાથે મળીને આમપ્રજાનું શોષણ કરે છે. એ શોષણ સામે પ્રજા પ્રચંડ બંડ પોકારે છે.અને ત્યારે પ્રજા "વંદેમાતરમ" ગાય ઉઠે છે. રાષ્ટ્રીય જાગૃતિ પ્રેરક આનંદમઠ નવલકથાને કારણે "વંદેમાતરમ" ગીત કાફી પ્રચલિત થયું. પરિણામે ઈ.સ.૧૮૯૬માં કલકત્તા મુકામે કોંગ્રસનું અધિવેશન મળ્યું ત્યારે એ અધિવેશનમાં રવીન્દ્રનાથ ઠાકુરે પ્રથમવાર વંદેમાતરમ" ગીત સ્વર અને સંગીત સાથે ગાયું.એ અધિવેશનના પ્રમુખ એક પ્રખર મુસ્લિમ મહંમદ રહેમતુલ્લા સયાની હતા. જેમણે પણ એ ગીત લોકો સાથે ગર્વ ભેર ગાયું હતું. ઈ.સ.૧૯૦૫ના બંગાળના ભાગલા પછી ભારતમાં સ્વદેશી આંદોલન સક્રિય થયું.એ આંદોલનમાં બંગાળના મુસ્લિમો જુસ્સા પૂર્વક "વંદેમાતરમ" ગીત ગાતા. આ અંગે ગાંધીજી લખે છે,
"બંગભંગ સમયે "વંદેમાતરમ" ગીત હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતિક સમું હતું"
ઈ.સ. ૧૯૦૬માં કોંગ્રસનું બાવીસમું અધિવેશન કલકત્તામાં મળ્યું . ત્યારે જ "વંદેમાતરમ"ને રાષ્ટ્રગીતનો દરજ્જો આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રવાદી મહમદઅલી જીન્ના પ્રાંરભના દિવસોમાં "વંદેમાતરમ" ગીત ઉત્સાહ પૂર્વક ગાતા. પણ ૧૯૩૫ પછી તેમનો રાજકીય અભિગમ બદલાયો અને ૧૯૩૭માં તો જીન્નાએ "વંદેમાતરમ" ગીતનો સખ્ત વિરોધ કર્યો. પરિણામે મૌલાના આઝાદ,પંડિત નહેરુ , સુભાષચન્દ્ર બોઝ અને આચાર્ય નરેન્દ્ર દેવની એક સમિતિ રચાય.તેમણે આ ગીતનો પૂર્ણ અભ્યાસ કર્યો અને તારણ કાઢ્યું ,
“ગીતની પ્રથમ બે પંક્તિ ગાવા અંગે મુસ્લિમો માટે કોઈ ધર્મબાદ નથી.ગીત રાષ્ટ્રીય ગીત તરીકે પૂર્ણ યોગ્ય છે"
જો કે આ જ વિચારને અલીબંધુઓ મૌલાના શોકતઅલી અને મોહંમદઅલીએ વર્ષો પૂર્વે વ્યક્ત કર્યો હતો અને રાષ્ટીય ચળવળમાં"વંદેમાતરમ" ગીત અનેકવાર ઉત્સાહભેર ગાતા જોવા મળ્યા હતા.

એવો જ બીજો એક પ્રસંગ હમણાં જ બન્યો. થોડા દિવસો પૂર્વે શાળાઓમાં હાજરી પૂરતા સમયે “જય હિંદ” બોલવા અંગે પણ નિરર્થક ચર્ચાઓ શરુ થઈ છે. વર્ષોથી શાળાઓમાં હાજરી પૂરતા સમયે “યસ સર” અથવા “ જી સર” જેવા શબ્દો સાંભળવા મળતા હતા. પણ હવે તેના સ્થાને “જયહિન્દ” સાંભળવા મળશે. એ સાચ્ચે જ આનંદની બાબત છે. થોડા સમય પહેલા એ અંગેનો આદેશ દરેક શાળાને આપવામાં આવ્યો છે. આ નિયમ દરેક શાળાને લાગુ પડે છે. ઇસ્લામિક શાળાઓ અને મદ્રેસાઓમા પણ હાજરી પૂરતા સમયે પોતાની હાજરી દર્શાવવા મુસ્લિમ બાળકોએ પણ “જયહિન્દ” શબ્દ ઉચ્ચારવો પડશે. પરિણામે મુસ્લિમ શાળાના શિક્ષકો અને સંચાલકોએ પણ પોતાના બાળકોને હાજરી પૂરતા સમયે “જયહિન્દ” શબ્દ બોલવાની સુચના આપી છે. જે ખરેખર ઇસ્લામિક મઝહબમા પણ આવકાર્ય છે.
અત્રે “જય હિંદ” શબ્દનો ઈતિહાસ પણ જાણવા જેવો છે. “જય હિંદ” શબ્દના પ્રયોજક એક મુસ્લિમ  સૈયદ આબિદ હસન સફરાની (૧૯૧૧-૧૯૮૪) હતા. જેઓ સુભાષ ચદ્ર બોઝના સાથી હતા. આઝાદ હિંદ ફોજના અગ્ર સિપાઈ હતા. સુભાષ ચંદ્ર બોઝ આઝાદ હિંદ ફોજના સિપાઈઓ યુનિફોર્મમા એકબીજા સાથે કયા શબ્દમાં અભિવાદન કરે તે અંગે વિચારી રહ્યા હતા. એવા સમયે આબિદ હસને નેતાજીને “જય હિન્દુસ્તાન કી” શબ્દ સૂચવ્યો હતો. જેનું ટૂંકું સ્વરૂપ નેતાજીએ શોધી કાઢ્યું અને આમ “જયહિન્દ” શબ્દ આઝાદ હિંદ ફોજમા અભિવાદના માધ્યમ તરીકે પ્રસિદ્ધ થઈ ગયો.

આ નિયમના અમલ અંગે અનેક મૌલવી સાહેબોએ પોતાના પ્રતિભાવો આપ્યા છે. અને કહ્યું છે કે જયહિન્દ શબ્દ દેશભક્તિનું સૂચક છે, ઈસ્લામી શાળાઓ કે મદ્રેસાઓમાં તેનો ઉપયોગ આવકાર્ય છે. આ આ અંગે દારુલ ઉલુમ, રામપુર, સુરતના મૌલવી મુફ્તી મહંમદ મેમન કહે છે,
“ ”જયહિન્દ” અને “જયભારત” શબ્દનો અર્થ થયા છે હિંદ અને ભારતનું મસ્તક હંમેશા ઊંચું રહે અને તે હંમેશા વિકાસ કરતો રહે.વળી, “જયહિન્દ” શબ્દ મૂળભૂત રીતે ભારતને આપનાર એક મુસ્લિમ સ્વાતંત્ર્ય સૈનિક હતા. તેમનું નામ સિપેહસલાર આબિદ હસન સફરાની છે. જેમણે ૧૯૪૨ની હિંદ છોડો લડતમાં “જયહિન્દ”નો નારો આપ્યો હતો. એટલે મુસ્લિમ બાળકો હાજરી માટે “જયહિન્દ” શબ્દ બોલે તેમાં કોઈ મઝહબી બાદ બિલકુલ ન હોઈ શકે.” 

ટૂંકમા કોઈ ધર્મ કે મઝહબ દેશ કે રાષ્ટ્રના પ્રેમ વચ્ચે આવતો જ નથી. કારણ કે દેશ અને રાષ્ટ્ર વગર મઝહબ અને તેના અનુયાયીઓનું વજૂદ નથી. પ્રજાસત્તાક દિનની ઊજવણી સમયે આપણે આ સત્યને સૌને પ્રથમ સ્વીકારીએ એ જ  અભ્યર્થના.






Thursday, January 3, 2019

સુહાસિની હૈદર અને ઇસ્લામ : ડૉ. મહેબૂબ દેસાઈ


બીજેપીના સાંસદ સ્વામી સુબ્રમણ્યમની નાની પુત્રી સુહાસિનીએ એક મુસ્લિમ સાથે નિહાહ કર્યા છે. તેમના પતિનું નામ નઈમ હૈદર છે. સુહાસિનીએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો છે. અને તેઓ તેમના પતિ સાથે હજયાત્રા પણ કરી આવ્યા છે. એ ઘટના કરતા પણ વધુ મહત્વની બાબત એ છે કે તેઓ એક સુંદર અને અસરકાર કવિયત્રી છે. અખબારના સંપાદક અને કોલમિસ્ટ છે. ઇસ્લામ અંગેનું તેમનું અધ્યન ઘણું ઊંડું છે. ઇસ્લામ અંગેના તેમના વિચારો અત્યંત સ્પષ્ટ અને પારદર્શક છે. ઉર્દુ અને હિંદી બંને ભાષાઓ પર તેમનું વર્ચસ્વ અદભૂત છે. તેમની એક નઝમ ઉર્દુ અને હિંદી બંને ભાષાઓને ધર્મના નામે અલગ કરી, તે પ્રત્યે ઓરમાયું વર્તન કરનાર માટે એક સબક સમાન છે. સૌ પ્રથમ તેમની એ રચનાને માણીએ.

“મેં હિંદી કી વો બેટી હું, જિસે ઉર્દૂને પાલા હૈ
 અગર હિંદી કી રોટી હૈ, તો ઉર્દુ નિવાલા હૈ
 મુઝે હૈ પ્યાર દોનો સે, મગર એ ભી હકીકત હૈ
 લતા જબ લડખડાતી હૈ, હયા ને હી સંભાલા હૈ
 મેં જબ હિંદી સે મિલતી હું, તો ઉર્દુ સાથ આતી હૈ
 ઔર જબ ઉર્દુ સે મિલતી હું, તો હિંદી ઘર બુલાતી હૈ
 મુઝે દોનો હી પ્યારી હૈ, મેં દોનો કી દુલારી હું
 ઇધર હિંદી સી માઈ હૈ, ઉધર ઉર્દુ સી ખાલા હૈ
 યહી કી બેટીયા દોનો, યહી પે જન્મ પાયા હૈ
 સિયાસતને ઇન્હેં હિંદુ ઔર મુસ્લિમ કયો બનાયા હૈ
 મુઝે દોનો કી હાલત એક સી માલુમ હોતી હૈ
 કભી હિંદી પર બંદિશ હૈ, કભી ઉર્દુ પે તાલા હૈ
 ભલે અપમાન હિંદી કા હો, યા તોહીન ઉર્દુ કી
 ખુદા કી હૈ કસમ હરગીઝ, હયા યે સહ નહિ સકતી 
 મેં દોનો કે લિયે લડતી હું, ઔર દાવે સે કહતી હું  
 મેરી હિંદી ભી ઉત્તમ હૈ, મેરી ઉર્દુ ભી આલા હૈ”

ઉત્તમ શાયર અને કવિયત્રી એવા સુહાસિની હૈદર પોતાના ઇસ્લામ પ્રવેશ અંગેના અનુભવોને ટાંકતા કહે છે,
“મેં ઈસ્લામને સમજવા તેના ગ્રંથો વાંચવાનું શરુ કર્યું. અને ત્યારે સાચ્ચે જ એ ધર્મ મારી રૂહમાં ઉતરી ગયો. અને મને અહેસાસ થયો કે ઇસ્લામ એક સારો મઝહબ છે. તેના વિષે જે જાણે છે તે તેનાથી પ્રભાવિત થયા વગર રહી શકતો નથી. અલબત્ત આજે ઇસ્લામ અંગે ઘણી ગેરસમજો પ્રવર્તે છે. એ માટે તેના અનુયાયીઓની ઇસ્લામ અંગેની પૂરતી સમજનો અભાવ છે. એ માટે હું મારી આસપાસના લોકોને ઇસ્લામની સાચી સમજ આપવાનો પ્રયાસ કરું છું. હું મારી આસપાસ પણ ઈસ્લામ અંગેની થોડી ઘણી ગેરસમજ દૂર કરવામાં સફળ થઈશ, તો પણ ઇસ્લામની ઉમદા સેવા કર્યાનું માનીશ”
“જો કે આરંભમાં જયારે હું મુશાયરા જતી ત્યારે હિંદુ સમાજના લોકો મને પૂછતાં કે મુસલમાનો વચ્ચે જતા તમને ડર નથી લાગતો ?”
તેમની વાત સાંભળી મને નવાઈ લાગતી. અને હું તેમને કહેતી,
“આવા તહજીબ અને અદબ વાળા લોકો કેવી રીતે ખરાબ હોઈ શકે ?”
“મેં ઇસ્લામની હદીસનો અભ્યાસ કર્યો છે. મારે ત્યાં “ઇન્કલાબ” નામક ઉર્દુ અખબાર આવે છે. તેની ઇસ્લામિક કોલમ હું નિયમિત વાંચું છું. એવી જ એક હદીસ પરથી મેં ચાર લાઈનો લખી છે. તેમા મેં લખ્યું છે,
“મેરા કિરદાર કહેતા હૈ, મેરા કામ કહેતા હૈ
 મેરા આમાલ કહેતા હૈ, એ મેરા નામ કહેતા હૈ
 બડે ઘરમેં રહેને સે, બડા હોતા નહિ કોઈ
 હૈ જિસકા દિલ બડા વો હૈ બડા, એ ઇસ્લામ કહેતા હૈ”
આ રચના ઇસ્લામના તમામ અનુયાયીઓ માટે મોટી હિદાયત અર્થાત ઉપદેશ સમાન છે. મુસ્લિમનું વ્યક્તિત્વ, તેના કાર્યો અને તેનું નામ જ, તેની સાચી ઓળખ છે. મોટા ઘરમાં રહેવાથી કે જન્મ લેવાથી મોટા થવાતું નથી. પણ જેનું દિલ મોટું છે અર્થાત માનવતાથી તરબતર છે, તે જ મોટો માણસ છે. એવી જ બીજી પણ ચાર લાઈનો સુહાસિની હૈદરની માણવા જેવી છે. તેઓ લખે છે,
“ખુદા જિસ કી હિફાઝત કી ઠાન લેતા હૈ,
 તો મકડી કી જાલો કી ચાદર તાન લેતા હૈ 
 અગર વો ઝિંદગી લીખ દે, તો સમુન્દર રાહ દે દેતા હૈ
 અગર વો મૌત લીખ દે તો, મચ્છર ભી જાન લેતા હૈ”
પ્રથમ બે લાઈનોમાં હઝરત મહંમદ પયગંબર (સ.અ.વ.)ના જીવનનો એક કિસ્સો છુપાયેલો છે. મહંમદ સાહેબ મક્કાથી મદીના જવા નીકળ્યા ત્યારે દુશ્મનો તેમની જાન લેવા તેમની પાછળ પડ્યા હતા. ત્યારે ખુદાએ ગુફાના દ્વાર પર મકડી અર્થાત કરોળિયાનું જાળું બનાવી તેમની હિફાઝત કરી હતી. એટલે કે ખુદા જેને ઝિંદગી આપવા ઈચ્છે છે, તેના માટે દરિયામાં પણ રસ્તો કરી નાખે છે. અને જેનું મૌત મુકરર  કરી દે છે તેનો જીવ નાનકડો મચ્છર પણ લઇ શકે છે.
આજે સુહાસિની હૈદર જેવી વિભૂતિઓ ધર્મને વાડાઓના મર્યાદિત બંધનમાંથી દૂર કરી, એક વિશાલ માનવીય અભિગમ તરફ વાળી રહી છે. એ માટે સુહાસિનીબહેનને સાચ્ચે જ સો સો સલામ.