Sunday, December 23, 2018

આમાલ-એ-મોરારીબાપુ : ડૉ. મહેબૂબ દેસાઈ



મહુવાના મુસ્લિમ સમાજમાં જાણીતા મહેંદી બાપુ થોડા દિવસ પૂર્વે મને મળવા આવ્યા. મહુવામાં મહેંદી બાપુના પ્રયાસોથી હઝરત ઈમામ હુસેનની શહાદ અનવ્યે યોજાતા કોમી એખલાસના કાર્યક્રમોમાં મોરારીબાપુની ઉપસ્થિતિ જાણીતી છે. પરિણામે આજે પણ મહુવામાં કોમી સદભાવ જળવાઈ રહ્યો છે. વીસેક મિનીટની અમારી મુલાકાતમાં મહેંદી બાપુ સાથે ગાંધીજીની દોઢસો વર્ષની જન્મજયંતી અન્વયે એક માતબર કાર્યક્રમના આયોજન બાબત વાત થઈ. એ વાત તેમણે મહુવા જઈ મોરારીબાપુને કરી. અને બાપુનો મારા પર ફોન આવ્યો. તેમણે સપૂર્ણ શ્રદ્ધાથી મને કહ્યું,
“મહેબૂબભાઈ, ગાંધીજીના કાર્યક્રમમા આપને મારો સહકાર છે.”
હું તેમનો ગાંધીપ્રેમ તેમની વાણીમાં અનુભવી રહ્યો. જો કે મોરારીબાપુનો ગાંધી પ્રેમ બહુ જાણીતો છે. ૨૦૧૩મા નીતિન વડગામીએ મોરારીબાપુની મુલાકાત લીધી હતી. એ મુલાકાતની નાનકડી પુસ્તિકા “મુખોમુખ” મારા નાનકડા ગ્રંથાલયમાં સચવાયેલી હતી તે મેં કાઢી. તેમાં વ્યક્ત થયેલા મોરારીબાપુના  ગાંધીજી અંગેના વિચારો આજે પણ યથાર્થ ભાસે છે. તેમાં ગાંધીજી અંગે મોરારીબાપુએ કહ્યું હતું,

“ગાંધી બાપુ મને ગમે છે. તેમની નાનપણથી તે નિર્વાણ સુધીની જીવનની જે યાત્રા છે, એ કદાચ કોઈ પણ જીવની મહાત્મા બનવાની યાત્રા છે. એક જીવાત્મા મહાત્મા સુધી કેમ વિકસે એની આખી યાત્રા છે, એની એક આખી માર્ગદર્શિકા, એક આખી ગાઈડ છે એમની આખી યાત્રા. ક્યાં એ હતા અને એમનું જીવન ક્યાં સુધી પહોંચે છે ! એ એટલા માટે ગમે છે કે આ સંભાવના દરેકમાં પડી છે. કોઈ પણ જીવાત્મા, મહાત્મા થવા માટે અધિકારી છે, એ એનો અધિકાર છે, ધારે તો કરી શકે, પરમાત્મા સુધી પહોંચી શકે, એટલે ગાંધી મને બહુ ગમે છે.”
મોરારીબાપુએ મુસ્લિમ સમાજ સમક્ષ આપેલ વ્યાખ્યાનોનો સંગ્રહ “મજહબ-એ-મોહબ્બત”નામક પુસ્તક રૂપે પ્રકાશિત થયેલ છે. જયદેવ માંકડે સંપાદિત કરેલ હિંદી ભાષાનું આ પુસ્તક દરેક મુસ્લિમે વાંચવા જેવું છે. તેના પ્રથમ વ્યાખ્યાનમાં મોરારીબાપુએ એક સૂફીસંતને શોભે તેવી સુંદર વાત કરી છે.
“અગર તું મસ્જિત મેં હૈ, તો મંદિર મેં કૌન હૈ ?
 અગર તું મંદિર મેં હૈ, તો મસ્જિત મેં કૌન હૈ ?
 અગર તું તસબીહ કે એક દાને મેં હૈ, તો હર દાને દાને મેં કૌન હૈ ?
 અગર તું વીરાને મેં પલતા હૈ, તો ગુલીસ્તા મેં કૌન હૈ ?
 અગર તું શમ્મા મેં જલતા હૈ, તો પરવાને મેં કૌન હૈ ?”
એક સૂફીસંતે આવું જ કંઈક બે લાઈનમાં કહ્યું છે.
“વો મંદિર મસ્જિત ગુરુદ્વારા મેં નહિ રહેતા
 વો સુરદાસ કી લાઠી મેં આવાઝ બન કે રહેતા”
માનવતા એ જ સાચો મઝહબ છે. એવું કહેવા માત્રના મોરારીબાપુ આગ્રહી નથી. પણ તેમનું જીવન એક સૂફીસંત જેમ જ આમાલ અર્થાત આચરણમાં માને  છે.
મોરારીબાપુના ગામ તલગાજરડામા નાથાભાઈ રહે. તેમનું મૂળનામ યુસુફભાઈ. ઇસ્લામના અનુયાયી. લાંબી સફેદ દાઢી અને દુબળો પાતળો બાંધો. બધાની સાથે હંમેશા હસીને વાત કરે. પોતાની પાસે જે કઈ છે તેનાથી સંતુષ્ટ થઈ જીવતા યુસુફભાઈ સમય મળે ત્યારે ચિત્રકૂટધામમા બાપુના પાસે આવે અને સત્સંગ કરે. બાપુના માટે સત્સંગ એટલે,
“આપણે બે જણા કોઈ સારી વાત કરતા હોઈએ તો એ સત્સંગ છે.”
એક દિવસ બાપુએ યુસુફભાઈને પૂછ્યું,
“નાથાભાઈ, હજ પઢવા ગયા છો ?”
“બાપુ, હજ પઢવા જવાનુ મારુ ગજુ નથી. એટલા બધા નાણાની જોગવાઈ હું કયારેય કરી ન કરી શકું.”
બાપુએ એક પળનો વિચાર કર્યા વગર કહ્યું,
“ચિત્રકૂટ તરફથી તમે હજ પઢવા જાવ તો ?”
યુસુફભાઈ અર્થાત નાથાભાઈ બાપુની શુદ્ધ ભાવનાથી વાફેક હતા. એટલે તેમણે સંમતિ આપી. પાસપોર્ટ અને અન્ય વિધિ કરવામાં ખાસ્સો સમય પસાર થઈ ગયો. પરિણામે હજ કમિટીના સમાન્ય કોટામા જગ્યા ન મળી. એટલે બાપુએ નાથાભાઈ અને તેમના પત્નીને વી.આઈ.પી. કોટામા હજ પઢવા મોકલ્યા. હજ યાત્રાએ જતા નાથાભાઈને વિદાઈ આપતા બાપુએ કહ્યું,
“નાથાભાઈને હનુમાન રહેમાનને ત્યાં મોકલે છે.”
એકવાર આણંદ જિલ્લાના મરિયમપુરા ગામના ખ્રિસ્તી ધર્મી શિક્ષક શ્રી જીતુ ફીલીપે મોરારીબાપુને પોતાને ત્યાં આવવા નિમંત્રણ આપ્યું. બાપુએ  નિમંત્રણ સહર્ષ સ્વીકાર્યું. એક દિવસ બાપુ તેમના ઘરે પહોંચી ગયા અને તેમને ત્યાં ભોજન પણ લીધું.
આવા સૂફીસંતને પૂછવામાં આવ્યું,
“ભક્તિ અને મુક્તિમાંથી આપ શું પંસદ કરો છો ?”
બાપુએ કહ્યું,
“બહુ સ્પષ્ટ છે કે, “હરિ જન તો મુક્તિ ન માંગે, માંગે જનમ જનમ અવતાર”. મુક્તિ તમે પસંદ કરો તો ભક્તિ આવે કે કેમ એની ખાતરી નથી, પણ ભક્તિ (ઈબાદત)નો માર્ગ લો તો મુક્તિ આવે જ.

આવા મોરારીબાપુને ભારતવાસીઓના સો સો સલામ.






1 comment:

  1. ખૂબજ સરસ લેખ છે .મોરારી બાપુ એ સંત છે અને સંતનો કોઈ ધર્મ નાં હોય અને બાપુનું અમલ અને વાણી એમના સંત હોવાની ખાત્રી આપે છે .

    ReplyDelete