Thursday, December 13, 2018

બે સૂફીકથાઓ : ડૉ. મહેબૂબ દેસાઈ


સ્વામી વિવેકાનંદના પિતાજીનું અવસાન થયું. પિતાજી કર્ઝ મુકીને ગયા હતા. તે ચૂકવવાનો કોઈ માર્ગ વિવેકાનંદજીને સૂઝતો ન હતો. કારણ કે તેઓ તો આધ્યાત્મિક દુનિયામા લીન હતા. રામકૃષ્ણ પરમહંસ તેમની મનોભૂમિ પર છવાયેલા હતા. તેમની સાથે સત્સંગમા તેઓ ચોવીસે કલાક રચ્યાપચ્યા રહેતા. પણ વિધવા માને કર્ઝની ચિંતા હતી. વળી, ઘરની આર્થિક સ્થિત પણ ચિંતાજનક હતી. ક્યારેક ઘરમાં ભોજન ન બનતું, તો કયારેક એકાદ માણસ પુરતું જ ઉપલબ્ધ થતું. એવા સમયે વિવેકાનંદજી માને કહેતા,
“મા, તું જમી લે આજે મારે મારા મિત્રને ત્યાં જમવાનું નિમંત્રણ છે.”
અને તેઓ ઘરની બહાર નીકળી જતા. સડકો પર, ગલીઓમા ભુખ્યા પેટે ફરતા રહેતા. પાણી પીને પેટ ભરી લેતા. અને ઘરે પાછા આવી માને પકવાનો આરોગ્યાની વાતો કરતા. એક દિવસ રામકૃષ્ણ પરમહંસને વિવેકાનંદજીની આ સ્થિતિની જાણ થઈ. તેમણે શિષ્યને સલાહ આપતા કહ્યું,
“તું તો માનો ભક્ત છે. માના મંદિરમાં જઈને મા પાસે જે કઈ માંગવું હોય તે માંગી લે ને. મા અવશ્ય તારી તમામ સમસ્યાઓ દૂર કરશે.”
વિવેકાનંદજી ગુરુની આજ્ઞા સાંભળી રહ્યા. તેમની ઈચ્છા મા પાસે કશું માંગવાની ન હતી. છતાં ગુરુની આજ્ઞા માનીને તેઓ માની મૂર્તિ સામે જતા. બે ત્રણ કલાક ભક્તિમાં લીન રહેતા અને મા પાસે કશું માંગ્યા વગર પાછા આવી જતા. તેની જાણ રામકૃષ્ણ પરમહંસને થઈ. તેમણે શિષ્યને પુનઃ કહ્યું,
“તું મા પાસે કેમ તારી સમસ્યાની વાત કરતો નથી. મા તારી બધી તકલીફો દૂર કરી દેશે”
વિવેકાનંદજી ગુરુની વાત એક ધ્યાને સાંભળી રહ્યા. પછી માની મૂર્તિ સામે એક નજર કરી બોલ્યા,
“માની મૂર્તિ સામે જયારે જયારે હૂં જઉં છું ત્યારે ત્યારે તેમની ભક્તિમાં લીન થઈ બધું ભૂલી જઉં છું. વળી, મા શું નથી જાણતા ? તેઓ તો સર્વજ્ઞાની છે. તેમની પાસે કશું માંગવાની મને જરૂર નથી લાગતી.”
ગુરુ રામકૃષ્ણ પરમહંસ આ સાંભળી ખુશ થયા. અને શિષ્ય સામે સ્મિત કરતા બોલ્યા,
“તે મા પાસે કશું માંગ્યું હોત તો હું સમજી જત કે તું ત્યાગી નહિ સંસારી છે. પણ તે મા પાસે કશું ન માંગી સિદ્ધ કરી દીધું કે તું તો સાચો ત્યાગી છે. આ માર્ગ પર તો એ જ ચાલી શકે જે સાચો ત્યાગી હોય.”

*****

એક સૂફી થઈ ગયા. તેઓ નસ્સાજના નામે ઓળખતા હતા.ગામના પાદરે એક ઝાડ નીચે ફાટલા વસ્ત્રોમા તેઓ બેસી રહેતા. શરીરે તંદુરસ્ત. કદકાઠી મજબૂત. એક મુસાફર ત્યાંથી પસાર થયો. નસ્સાજને જોઈ તેના મનમાં વિચાર આવ્યો,
આ તો કોઈ ભાગેલો ગુલામ લાગે છે. શરીરે તંદુરસ્સ્ત છે. જો હું તેને મારો ગુલામ બનાવી દઉં તો મારું ઘણું કામ મફતમાં તે કરશે.”
મુસાફરે નસ્સાજ પાસે જઈ પૂછ્યું,
તું ભાગેલો ગુલામ લાગે છે?
નસ્સાજ મુસાફરની વાત સાંભળી મનોમન હસ્યા અને બોલ્યા,
હા, હૂં સાચ્ચે જ ખુદાથી ભાગેલો ગુલામ છું.”
મારી ગુલામી કરીશ?” મુસાફરે પૂછ્યું.
નસ્સાજે એક નજર આકાશ તરફ કરી જાણે ખુદાની રજામંદી ન લેતા હોય. પછી કહ્યું,
હા, હું તમારી ગુલામી કરીશ.” પછી મનોમન બોલ્યા,
વર્ષોથી ખુદાને શોધી રહ્યો છું. કદાચ તમારા સ્વરૂપમાં તે મને મળી જાય” અને નસ્સાજ એ મુસાફર સાથે તેમના ગામ ચાલી નીકળ્યા. મુસાફરે ઘરે પહોંચી કહ્યું,
જો હવે હું તારો માલિક છું. અને તું મારો ગુલામ છે. જે કામ હું તને ચીંધુ તે તારે કરવાનું છે.”
નસ્સાજે કહ્યું,
હું પણ એવું જ ઈચ્છું છું કે કોઈ મારો રાહબર બને. આ દુનિયામા મનમાની કરી કરીને તો હું ફસાઈ ગયો છું.”
માલિકને નસ્સાજની વાતોથી નવાઈ લાગી. તે વિચારવા લાગ્યો, ક્યાં તો આ માણસ પાગલ છે, ક્યાં તો જ્ઞાની છે. પણ પછી તે મનમા બોલ્યો, “મારે શું ? મને તો એક સારો ગુલામ મફતમા મળે છે ને”
નસ્સાજે એ માણસને ત્યા દસ વર્ષ ગુલામ તરીકે કાર્ય કર્યું. તેના માલિકની ખુબ સેવા કરી. તેને બહુ માન આપ્યું. એક દિવસ તેના માલિકના મનમાં ખુદા વસ્યો. તેના મનમાં દસ વર્ષ સુધી નસ્સાજનું શોષણ કર્યાનો ડંખ જન્મ્યો. તેને પસ્તાવો થયો. અને તેણે નસ્સાજને બોલાવીને કહ્યું,
મને સતત લાગ્યા કરે છે કે મેં દસ વર્ષ સુધી તમારું ખુબ શોષણ કર્યું છે. હું વધુ સમય તમને ગુલામ બનાવી, ખુદાનો ગુનેગાર બનવા નથી માંગતો. આજથી હું તમને મારી ગુલામીમાંથી મુક્ત કરું છું. આજથી તમે તમારા માલિક છો.”
નસ્સાજ આ સાંભળી મલકાયા. અને પછી બોલ્યા,
તમારી મોટી મહેરબાની. એક ઈન્સાનની ખિદમતે મારો અંહકાર ઓગળી નાખ્યો છે. પરિણામે હૂં ખુદાની વધુ નજીક આવ્યો છું. હું તો આજે મુક્ત થઈ ગયો. પણ તમે કયારે આ દુનિયાની ગુલામીમાંથી મુક્ત થશો ?”
એટલું કહી નસ્સાજ ખુદાના માર્ગ પર ચાલી નીકળ્યા. જયારે તેનો માલિક તેના શબ્દોનો મર્મ સમજવા મથતો રહ્યો.   

1 comment:

  1. ત્યાગ ,ત્યાગ એજ મુક્તિ છે .

    ReplyDelete