Wednesday, August 1, 2018

કુરબાનીની કથાના નાયક : ડૉ. મહેબૂબ દેસાઈ



ઇસ્લામના અનુયાયીઓ ૨૨ અને ૨૩ ઓગસ્ટના રોજ ઈદ-ઉલ-અજહા અર્થાત બકરા ઈદની ઉજવણી કરી રહ્યા છે. એ સંદર્ભે સૌ બિરાદરોને મારા તરફથી ઈદ મુબારક. ઇસ્લામની બંને ઈદો આધ્યાત્મિક અભિગમને  વ્યકત કરે છે. ઈદ-ઉલ ફિત્ર અર્થાત રમઝાન માસના અંતે આવતી રમઝાન ઈદ, ઈબાદત અને દાનના મહિમાને વ્યક્ત કરે છે. જયારે ઈદ-ઉલ-અજહા અર્થાત બકરા ઈદ ત્યાગ બલિદાન અને કુરબાનીની ભાવનાને  વ્યક્ત કરે છે. ઈદ-ઉલ-અજહાના કેન્દ્રમાં ઇસ્લામના જે પયગમ્બરની કથા છે, તેને આપણે બહુ ઓછા ઓળખીયે છીએ. એ પયગમ્બરનું નામ છે હઝરત ઈબ્રાહીમ.
ઇસ્લામમાં ખુદાના નામે મા-બાપ, વતન અને પોતાના એક માત્ર સંતાનની કુરબાની આપનાર હઝરત ઈબ્રાહીમની કથામાં સંઘર્ષ અને બલિદાનનું ઉત્તમ દ્રષ્ટાંત છે. ઇસ્લામમાં કુરબાની (ત્યાગ)ની મિશાલ કાયમ કરનાર હઝરત ઈબ્રાહીમને "ખલિલુલ્લાહ" અર્થાત ખુદના પ્યારા દોસ્ત કહેવામાં આવ્યા છે. હઝરત ઈબ્રાહીમનો જન્મ ઈ.સ. પૂર્વે ૨૦૩૨માં થયેલો મનાય છે. તેમના માતા મુસલી અને પિતા આઝર હતા. કુરાને શરીફમાં આપવામાં આવેલા સંદર્ભ મુજબ નાનપણથી જ પિતાના વિચારો સાથે બાળક ઈબ્રાહીમના વિચારો મેળખાતા ન હતા. હઝરત ઈબ્રાહીમ પિતાને કહેતા,
"ખુદા એક છે અને તેની ઈબાદત કરો. એ જ સત્ય છે"
જયારે પિતા કહેતા,
"તું મારા ઘરમાંથી બહાર નીકળી જા. મારા ધર્મમાંથી તું ચલિત થઇ ગયો છે"
યુવાવસ્થામાં પણ હઝરત ઈબ્રાહીમ પોતાના આ વિચારોનો પર્ચાર-પ્રસાર કરતા રહ્યા. હઝરત ઈબ્રાહીમના આવા વિચારોની જાણ ઈરાકના બાદશાહ નમરુદને થઇ. અને તેણે હઝરત ઈબ્રાહીમને પોતાની સાથે ચર્ચા કરવા તેડાવ્યા. કુરાને શરીફની સુરા: બકરાહમાં હઝરત ઈબ્રાહીમ અને બાદશાહ નમરુદ વચ્ચેના કેટલાક સુંદર સંવાદો આપવામાં આવ્યા છે.
નમરુદ હઝરત ઈબ્રાહીમને પૂછે છે,
"તારો રબ (ખુદા-ઈશ્વર)કોણ છે ?"
હઝરત ઈબ્રાહીમે જવાબ આપ્યો,
"મારો રબ એ છે જેના અધિકારમાં જીવન અને મૃત્યુ છે"
બાદશાહ નમરુદ અહંકારથી કહે છે,
"જીવન અને મૃત્યુ તો મારા અધિકારમાં છે"
હઝરત ઈબ્રાહીમએ ફરમાવ્યું,
"એ સત્ય નથી. એમ જ હોય તો ખુદા સુર્યને હંમેશા પૂર્વમાંથી ઉગાડે છે. તું તેને એકવાર પશ્ચિમમાંથી ઉગાડી દેખાડ"
અને હઝરત ઈબ્રાહીમની આ દલીલ સામે બાદશાહ નમરુદ નિરુત્તર બની ગયા.
જો કે હઝરત ઈબ્રાહિમના આવા એકેશ્વરવાદ અર્થાત "તોહીદ"ના વિચારોથી રાજા નમરુદ અને તેની પ્રજામાં હઝરત ઈબ્રાહિમ વિરુદ્ધ સખત વિરોધ વ્યાપી ગયો. પરિણામે હઝરત ઈબ્રાહીમના ખુદા પરના આવા ઈમાન (વિશ્વાસ)ને કારણે તેમને અનેક યાતનાઓ ભરી કપરી કસોટીઓથી પસાર થવું પડ્યું. એકવાર પ્રજાએ હઝરત ઈબ્રાહીમને જીવતા સળગાવી મુકવાનો નિર્ણય કર્યો. શહેરની નજીક કોસી નામના પહાડની તળેટીમાં એક ખાડો ખોદવામાં આવ્યો. એ ખાડામાં અઢળક લાકડાઓ નાખવામાં આવ્યા. એ પછી હઝરત ઈબ્રાહીમને બાંધીને તે ખાડામાં બેસાડવામાં આવ્યા. કુરાને શરીફમાં આ અંગે લખવામાં આવ્યું છે,
"અને તેમને ધગધગતા અગ્નિમાં નાખવામાં આવ્યા" અને "હવે જોઈએ છીએ તારો ખુદા તને કેવી રીતે બચાવે છે ?"
બરાબર એ જ વખતે ખુદાના ફરિશ્તા હઝરત જિબ્રીલે આવીને હઝરત ઇબ્રાહિમને પૂછ્યું,
"અય ખલિલુલ્લાહ, તમારે મારી મદદની જરૂર છે ?"
હઝરત ઈબ્રાહીમે ફરમાવ્યું,
"મારે તમારી નહિ, મારા ખુદાનીં મદદની જરૂર છે. મને વિશ્વાસ છે કે તે મને જરૂર મદદ કરવા આવશે"
ખુદાના મિત્ર સમા હઝરત ઈબ્રાહીમનો આવો અડગ વિશ્વાસ જોઈને ખુદા અંત્યત ખુશ થયા. અને જે આગને પ્રગટાવવામાં સાત દિવસ લાગ્યા હતા, તે આગ એકાએક ઠંડી પડવા લાગી. હઝરત ઈબ્રાહિમના બંધનો એક પછી એક તૂટવા લાગ્યા. અને તેઓ આગમાંથી હેમખેમ મુક્ત થઇ ગયા.

ખુદાના આવા દોસ્ત હઝરત ઈબ્રાહીમને એક રાત્રે સ્વપ્નું આવ્યું. સ્વપ્નમાં ખુદાએ તેમના પ્યારા પુત્ર ઈસ્માઈલની ખુદના નામે કુરબાની આપવાનો આદેશ આપ્યો. ખુદાના આદેશનું પાલન કરવા પોતાના એકના એક વ્હાલસોયા પુત્રને લઇ હઝરત ઈબ્રાહીમ જંગલમાં જવા નીકળી પડ્યા. મુનહર પહાડી પર પહોંચ્યા, પોતાના પુત્રને એક પથ્થર પર સુવડાવી તેની કુરબાની કરવા તેના ગાળા પર તેમણે છરી ફેરવી ત્યારે તેમને આકાશવાણી સંભળાય.
"ઈબ્રાહીમ, તે ખુદાના આદેશનું શબ્દસહ પાલન કર્યું છે. ખુદા પોતાના નેક બંદાઓની આ જ રીતે કસોટી કરે છે. તું ખુદાની કસોટીમાથી પાર ઉતાર્યો છે. તેથી તારા વહાલા પુત્રને બદલે પ્રતિક રૂપે એક જાનવરની કુરબાની કર"
અને તે દિવસથી બકરા ઈદ અર્થાત ઈદે-એ-કુર્બાનો આરંભ થયો. આ કથા હઝરત ઇબર્હીમની ખુદાએ લીધે કસોટી વ્યક્ત કરે છે. ખુદા માટે પોતાના વહાલા પુત્રનો પણ ત્યાગ કરવાની ભક્તની કેટલી તૈયારી છે, તે જ તેમાં તપાસવાનો પ્રયાસ છે. અને એટલે જ કથાનું હાર્દ વ્યક્ત કરતા કુરાને શરીફમાં કહેવામાં  આવ્યું છે,
"ખરેખર તો એ એક કસોટી  હતી"


No comments:

Post a Comment