Thursday, February 3, 2011

આદર્શ પિતા મહંમદ સાહેબ(સ.અ.વ) : ડૉ. મહેબૂબ દેસાઈ

હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ને આપણે સૌ ઇસ્લામના પુનઃ સર્જક તરીકે ઓળખીયે છીએ.પણ મહંમદ સાહેબ (સ.અ.વ.)સંસારી પણ હતા. પિતા,પતિ અને નાના તરીકેની મહંમદ સાહેબની ભૂમિકાની નોંધ ઇસ્લામિક સાહિત્યમાં વિસ્તૃત રીતે લેવાઈ છે. જો કે પિતા તરીકેની મહંમદ સાહેબની ભૂમિકા ઘણી કપરી રહી હતી. પિતા તરીકે પોતાનો સમગ્ર પ્રેમ એક માત્ર જીવીત પુત્રી હઝરત ફાતિમા પર વરસાવનાર મહંમદ સાહેબ(સ.અ.વ.)ને પિતા તરીકે સમજવા ઘણા મુશકેલ છે. પુત્રીના અમાપ પ્રેમને કારણે ઇસ્લામના નીતિ નિયમો પ્રત્યે મહંમદ સાહેબ (સ.અ.વ.)એ કયારેય બાંધછોડ કરી ન હતી. અને છતાં આપ વિશ્વના આદર્શ પિતા બની રહ્યા હતા.

હઝરત ફાતિમાની શાદી મહંમદ સાહેબે ઈચ્છયું હોત તો અરબસ્તાનના ધનાઢ્ય કુટુંબમાં કરી શકયા હોત. પણ મહંમદ સાહેબે ધન કરતા ઇસ્લામિક સંસ્કારો અને આદર્શોને પ્રાધાન્ય આપ્યું હતું. એક દિવસ જયારે હઝરત અલી (અ.સ.)એ મહંમદ સાહેબ પાસે હઝરત ફાતિમા(ર.અ.)ના હાથની માંગણી કરી, ત્યારે સૌ પ્રથમ એક આદર્શ પિતા તરીકે પુત્રી ફાતિમાની મરજી જાણવાનું મહંમદ સાહેબે મુનાસીબ માન્યું. અને પુત્રી ફાતિમાને આપે પૂછ્યું, “બેટી ફાતેમા, આ રિશ્તા અંગે તારી શું મરજી છે ?”
પુત્રી ફાતિમા પિતાનો પ્રશ્ન સાંભળી મૌન રહ્યા.પણ તેમના ચહેરા પર સંમતિનું સ્મિત જોઈ શકાતું હતું.. મહંમદ સાહેબે એ જોઈ ફરમાવ્યું, “બેટી ફાતિમા,તારી ખામોશી અને સ્મિતમાં મને તારી સંમતિ દેખાય છે.”
અને આમ ચારસો મિસકાલ મિહર (લગભગ એક સો આઠ રૂપિયા)ની રકમથી હઝરત અલી અને હઝરત ફાતિમાના નિકાહ થયા.નિકાહનો ખુત્બો (પ્રાર્થના)ખુદ મહંમદ સાહેબે પઢાવ્યો. જે અંગે મહંમદસાહેબ (સ.અ.વ.)ફરમાવે છે,
“મને અલ્લાહતઆલનો હુકમ છે કે હું ફાતિમાના નિકાહ અલી સાથે કરાવી દઉં. હું તમને સૌને ગવાહ
(સાક્ષી) રાખીને કહું છું કે મેં ફાતિમાના નિકાહ ચારસો મિસકાલ મિહરના બદલામાં અલી સાથે કરાવ્યા છે”

નિકાહ પછી એક સામાન્ય પિતા પોતાની પુત્રીને દુઃખી હદયે વળાવે, તેમજ મહંમદ સાહેબ ભારે હદયે પુત્રીને પોતાના ઘરના બારણાં સુધી વળાવવા ગયા હતા. વિદાય આપતા પૂર્વે પુત્રી ફાતિમાના કપાળ પર ચુંબન કરી આપે ફરમાવ્યું હતું, “હવે તમે બંને તમારા ઘરે જાવ” ધાર્યું હોત તો પુત્રી ફાતેમાને વિદાય વેળાએ મહંમદ સાહેબ(સ.અ.વ.) દુનિયાની તમામ નેમતો (ભેટ સોગાતો) આપી શકયા હોત.પણ મહંમદ સાહેબ સાદગીના ઉપાસક હતા. તેમણે પોતાની વહાલસોઈ પુત્રી ફાતેમાને વિદાય સમયે માત્ર અગીયાર વસ્તુઓ જ આપી હતી. જે દહેજના દુષણમાં માનતા સમાજ માટે આજે પણ માર્ગદર્શક છે. મહંમદ સાહેબે હઝરત ફાતેમાને એક વાણનો ખાટલો, એક ચામડાનું ગાદલું જેમાં ખજૂરના પાંદડા ભરેલા હતા.બે પાણી ભરવાની ગાગર,બે માટીના વાડકા,એક પાણી ભરવાની મશક, એક ખજુરીનો મસલો (નમાઝ પઢવાની શતરંજી), એક તસ્બી (માળા) અને એક લોટ દળવાની પથ્થરની ઘંટી આપી હતી.
પુત્રીની વિદાયના બીજા દિવસે મહંમદ સાહેબ (સ.અ.વ.) પુત્રી ફાતેમાને મળવા તેમના ઘરે ગયા
હતા.દરવાજા બહાર ઉભા રહી એક પિતાએ પોતાની પુત્રીના ઘરમાં પ્રવેશવા રજા માંગી.
“બેટા, હું અંદર આવી શકું ?”
પિતાનો અવાજ સાંભળી પુત્રી ફાતેમા દરવાજા પર દોડી આવ્યા.મહંમદસાહેબ(સ.અ.વ.)પુત્રીને જોઈને ભેટી પડ્યા.પછી એક વાસણમાં પાણી મંગાવ્યું. અને પોતાન બંને હાથ તેમાં ભીના કરી,જમાઈ હઝરત અલી પર એ પાણીનો છંટાવ કર્યો. પછી પુત્રી ફાતેમાના માથા પર હાથ ફેરવતા ફરમાવ્યું,
“બેટા ફાતેમા, મેં સૌથી ઉચ્ચ અને પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે તારા નિકાહ કર્યા છે”
અને બીજો હાથ હઝરત અલીના ખભા પર મુક્તા ફરમાવ્યું,
“અલી, તારી પત્ની દુનિયાની શ્રેષ્ઠ સ્ત્રીઓમાની એક છે. અને મારા કલેજાનો ટુકડો છે.”આટલું બોલતા તો
મહંમદ સાહેબ (સ.આ.વ.)ના ગળાની ભીનાશ તેમની આંખોમાં ઉતરી આવી. અને પોતાના આંસુઓને ખાળતા મહંમદસાહેબ ઘરની બહાર નીકળી ગયા. નિકાહ પછી પણ ઘરસંસારના વહનમાં પુત્રી ફાતેમાએ પિતાની હિદાયત (શિખામણ)ને આચરણમાં મૂકી હતી. એકવાર હઝરત અલી થાક્યા પાક્યા સફર(પ્રવાસ)માંથી ઘર આવ્યા અને કહ્યું,
“મને ભુખ લાગી છે.જે કઈ જમવાનું હોઈ તે મને આપો” હઝરત ફાતેમાએ કહ્યું, “ ત્રણ દિવસથી ઘરમાં જવનો દાણો નથી” હઝરત અલી(અ.સ.)ને નવાઈ લાગી. “તે મને પહેલા કેમ કહ્યું નહિ ?”
હઝરત ફાતેમા બોલ્યા, “ મારા પિતાની નસીહત (શિખામણ) છે કે પતીને કદી સમસ્યાઓથી પજવશો નહિ”
હઝરત ફાતેમા ઘરનું તમામ કામ પોતાના હાથે જ કરતા.પાણી ભરવું,વાસણો સાફ કરવા,લોટ દળવો વગેરે કામ કરતા તેઓ કયારે સંકોચ અનુભવતા નહિ. કયારેક તો લોટની ઘંટી ચલાવતા ચલાવતા આપના હાથોમાં છાલા પડી જતા. છતાં સબ્રથી ઘર કામ કરતા રહેતા. આ જોઈ એકવાર હઝરત અલીને પત્નીની દયા આવી.તેમણે મહંમદ સાહેબ(સ.અ.વ.)ને વિનંતી કરી,
“ફાતેમા ઘર કામ કરીને ખુબ થાકી જાય છે. આપ ગનીમત (ભેટ)ના માલમાં આવેલ નોકરાણીઓમાંથી એક નોકરાણીને અમારે ત્યાં રાખો તો ફાતેમાને રાહત થાય”
મહંમદસાહેબે(સ.અ.વ)એ ફરમાવ્યું,
“હાલ મસ્જિત-એ-નબવીમાં ચારસો ઇસ્લામના પ્રચારકો આવ્યા છે.તેમની ખિદમત(સેવા)માંથી નોકરોને ફારિગ (મુક્ત)કરી શકાય નહિ”
આ સાંભળી હઝરત અલી ચુપ થઈ ગયા. પિતા-પુત્રીનો આવો સ્પષ્ટ અને સાચુકલો પ્રેમ સમગ્ર માનવજાતની જણસ છે.

1 comment:

  1. મારા હજારો સલામ હુજુર(સ.અ.વ) અને હઝરત અલી(અ.સ.) અને ફાતેમતુઝ્ઝહેરા પર.
    પ્રો.સાહેબ આપને આજની પોસ્ટ માટે અભિનંદન અને સલામ

    ReplyDelete