૧૬ ફેબ્રુઆરીએ ઇસ્લામના અનુયાયીઓ મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબનો જન્મદિવસ ઉજવશે. એ નિમિતે આ માસ આપણે મહંમદ સાહેબ(સ.અ.વ.)ના જીવન કવનનાં વિવિધ પાસોની વાત કરીશું.ઇસ્લામના પુનઃ સર્જક અને પ્રચારક મુહંમદ સાહેબ(સ.અ.વ.)નો જન્મ ઇસ્લામી માસ રબ્બી ઉલ અવ્વલની ૧૨મી તારીખે સોમવારના દિવસે સવારે થયો હતો. અંગ્રેજી તારીખ ૨૦ અપ્રિલ ઈ.સ.૫૭૧.
મહંમદ સાહેબ(સ.અ.વ.)ના જન્મનું વર્ણન ઇસ્લામિક ગ્રંથોમાં અત્યંત પ્રભાવશાળી રીતે આપવામાં આવ્યું છે. જે સાચ્ચે જ માણવા જેવું છે. વસંત ઋતુની સોહામણી સવાર હતી. વાતવરણમાંથી પ્રભાતના કિરણોની કોમળતા હજુ ઓસરી ન હતી. મક્કા શહેરમા આવેલા કાબા શરીફની નજીક હાશમની હવેલી(આજે તે મકાન પાડી નાખવામાં આવ્યું છે)ના એક ઓરડામાં બીબી આમેના સુતા હતા. આજે વહેલી સવારથી જ તેમની ઊંઘ ઉડી ગઈ હતી.પ્રભાતના પહેલાના કિરણોના આગમન સાથે જ તેમને અવનવા અનુભવો સતાવી રહ્યા હતા. જાણે પોતાના ઓરડામાં કોઈના કદમોની આહટ તેઓ સાંભળી રહ્યા હતા. સફેદ દૂધ જેવા કબૂતરો તેમની નાજુક પાંખો બીબી આમેનાની પ્રસવની પીડાને પંપાળીને ઓછી કરવા પ્રયત્ન કરતા હતા. અને તેમના એ પ્રયાસથી બીબી આમેનાનું દર્દ ગાયબ થઈ જતું હતું. આ અનુભવો દરમિયાન બીબી આમેનાના ચહેરા પર ઉપસી આવતા પ્રસ્વેદના બુન્દોમાંથી કસ્તુરીની ખુશ્બુ આવતી હતી. ઓરડામાં જાણે સફેદ વસ્ત્રોમા સજ્જ ફરિશ્તાઓ પુષ્પોની વર્ષા કરતા, હઝરત મુહંમદ સાહેબ(સ.અ.વ.)ના આગમનની આતુરતાથી રાહ જોઈ ઉભાં હતા.
આવા આહલાદક વાતાવરણમાં બીબી આમેનાની કુખે ખુદાના પ્યારા પયગમ્બરનો જન્મ થયો. તેમના જન્મ સાથે આખો ઓરડો પ્રકાશથી ઝળહળી ઉઠ્યો. આસપાસ ઉભેલી સ્ત્રીઓની આંખો આ નૂરાની પયગમ્બરના આગમનથી અંજાઈ ગઈ.અને એ સાથે જ દુનિયાને ઇસ્લામના સિધાંતો દ્વારા માનવતાનો મહિમા શીખવવા હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)સાહેબે આ દુનિયામાં આંખો ખોલી. હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)ને જન્મ આપી, દૂધપાન કરાવી માતા આમેના તો ધન્ય બની ગયા.પણ એ ધન્યતાને પામનાર એક બાંદી સુબીયાહ પણ હતા.જન્મ પછી આપને સાત દિવસ સુધી માતા આમેનાએ દૂધપાન કરાવ્યું. એ પછીના સાત દિવસ આપને બાંદી સુબીયાહએ દૂધપાન કરાવ્યું હતું. એ ઘટના માનવતાના મસીહા મહંમદ સાહેબ (સ.અ.વ.)જીવન ભર ભૂલ્યા ન હતા.હઝરત ખદીજા સાથે આપના નિકાહ થયા પછી પણ આપના જીવનમાં સુબીયાહનું સ્થાન માનભર્યું અને “મા”ની બરાબરીનું જ રહ્યું હતું. જયારે જયારે સુબીયાહ આપને મળવા આવતા ત્યારે ત્યારે આપ ખુદ ઉભા થઈ તેમનું સ્વાગત કરતા. હિજરત પછી પણ આપ હંમેશા સુબીયાહને આદરપૂર્વક ભેટ સોગાતો મોકલતા રહેતા. હિજરતના સાતમાં વર્ષે સુબીયાહના અવસાનના સમાચાર મળતા આપ ગમગીન થઈ ગયા હતા. સુબીયાહના અવસાન પછી પણ તેમના કુટુંબની તમામ જવાબદારીઓ મુહંમદ(સ.અ.વ.)સાહેબે અદા કરી હતી.
પોતાને માત્ર સાત દિવસ દૂધપાન કરાવનાર એક સામન્ય બાંદી સુબીયાહ જેમ જ પોતાની દૂધ બહેન
શૈમાસને પણ હઝરત મુહંમદ સાહેબ(સ.અ.વ.)જીવનભર ભૂલ્યા ન હતા. બચપણમાં મહંમદસાહેબ (સ.અ.વ.) હઝરત હલીમાને ત્યાં રહેતા હતા. હઝરત હલીમાની પુત્રી શૈમાસ રોજ મહંમદ સાહેબ(સ.અ.વ.)ને ગોદમાં ઉપાડી ફરતા, રમાડતા. એક દિવસ શૈમાસ મહંમદ સાહેબને ગોદમાં ઉપાડી રમાડતા હતા.અને અચાનક બાળક મહંમદે શૈમાંસના ખભા પર બચકું ભરી લીધું. શૈમાસના ખભામાંથી લોહી નીકળ્યું.અસહ્ય વેદનાને કારણે શૈમાસની આંખો આંસુઓથી ઉભરાઈ ગઈ.પણ તેણે મહંમદ સાહેબ(સ.અ.વ.)ની આ ચેષ્ઠા સામે જરા પણ રોષ ન કર્યો. મહંમદ સાહેબે ભરેલા બચકાનું નિશાન શૈમાસના ખભા પર કાયમ માટે અંકિત થઈ ગયું. લગભગ પંચાવન વર્ષ પછી ગઝવ-એ-હુનૈનની લડાઈમા એક દિવસ કેટલાક સિપાઈઓ એક વૃદ્ધાને પકડીને લાવ્યા. ત્યારે એ સ્ત્રીએ કહ્યું,
“મારે તમારા નબીને મળવું છે.”
ઘણી આનાકાની પછી સિપાઈઓ મહંમદ સાહેબ પાસે એ સ્ત્રીને લઈ ગયા. ૬૦ વર્ષની એ વૃદ્ધાને જોઈ મહંમદ સાહેબ (સ.અ.વ.)બોલ્યા,
“તમારે મારું શું કામ છે?”
“મને ન ઓળખી ? હું તમારી દૂધબહેન શૈમાસ છું.”
અને મહંમદ સાહેબ (સ.અ.વ.)પોતાના સ્થાન પરથી એકદમ ઉભા થઈ ગયા. આત્મીય સ્વરે આપ પૂછ્યું,
“તમેં શૈમાસ છો ?”
“હા, હું શૈમાસ છું.”
એમ કહી પેલી વૃદ્ધ સ્ત્રીએ ખભા પરનું કપડું ખસેડી પેલું નિશાન બતાવ્યું. એ નિશાન જોઈ મહંમદ સાહેબને પંચાવન વર્ષ પહેલાનો એ પ્રસંગ યાદ આવી ગયો.અને મહંમદ સાહેબના કદમો શૈમાસ તરફ ઝડપથી ઉપડ્યા.શૈમાસ પાસે આવી પોતાના ખભા પરની કાળી કામળી જમીન પર પાથરી આપે ફરમાવ્યું,
“બહેન શૈમાસ, તમે તો વર્ષો પછી મને મળ્યા. આવો આ કામળી પર બેસો અને ફરી એકવાર મને રમાડતા મારા બહેન બની જાવ”
આ દ્રશ્ય જોઈ રહેલા સિપાયોની આંખો પણ ભાઈ-બહેનનું મિલન જોઈ આનંદના આંસુઓથી ઉભરાઈ આવી. પછી તો ભાઈ-બહેને કલાકો સુધી બચપનની વાતો વાગોળી. અંતે મહંમદ સાહેબે ફરમાવ્યું,
“બહેન, મારી સાથે મદીના ચાલો. ત્યાં જ રહેજો. તમે બચપનમાં મારી ખુબ સંભાળ રાખી છે. હવે હું તમારી સંભાળ રાખીશ”
પણ શૈમાસે પોતાના વતન જવાની ઇચ્છા વ્યક્ત કરી. મહંમદ સાહેબે તેની સંપૂર્ણ વ્યવસ્થા કરી આપી. અને અશ્રુભીની આંખે પોતાની દૂધ બહેનને વિદાય આપી.
માનવ સંબંધોનું આવું અદભૂત જતન કરનાર મહંમદ સાહેબ(સ.અ.વ.)નું જીવન માનવ ઇતિહાસમાં એક મિશાલ છે.
No comments:
Post a Comment