સૂફીસંત અબુ મહંમદ જરેરી સાદગીના ઉપાસક હતા. ઈબાદતના બાદશાહ હતા. કષ્ઠ વેઠીને ઈબાદત
કરવામાં તેમની તોલે કોઈ આવી શકે તેમ ન હતું. સંયમ તેમના જીવનનો આદર્શ હતો. સૌ પ્રથમ તેમના કેટલાક સુવાક્યો આપણે માણીએ.
“પ્રેમ વિશ્વાસ રૂપી વૃક્ષનું ફળ છે, અને આડંબર શંકાનું થોર છે.”
“હદયનું મુખ્ય કાર્ય સત્યના સંપર્કમાં રહી ખુદાની સર્જનતાને પામવાનું છે.”
“જરૂરતની તરફેણ કરનાર તેનો ગુલામ છે.”
“રૂહની ખુશી અને શાતા માટે જરૂરી છે, મહેનત અને નેમત(ભેટ)માં ફર્ક કરવો. અને એ ફર્ક જે મહેસૂસ કરે તે જ સબ્ર”
“જે માનવીને ખુદા જ્ઞાનના પ્રકાશથી દૈદિપ્યમાન કરે છે, તે કયારેય મરતો નથી”
હઝરત મહંમદ જરેરીના ઉપરોક્ત વિચારો કોઈ ઉંચા દરજાના સંતને વ્યક્ત કરે છે. તેમના વિચારોમાં ઇલમ સાથે ઈમાનની ભરપુર દોલત હતી. તેમના જ્ઞાનને કોઈ સીમા ન હતી. અને એટલે જ તેઓ ઈલમના બાદશાહ કહેવાતા હતા. આમ છતાં અભિમાન તેમને સ્પર્શ્યું ન હતું. તેઓ જ્ઞાન મેળવવા બોલતા ઓછું અને સાંભળતા વધુ.નાનામાં નાના માનવી સાથેના પ્રસંગોમાંથી તેઓ સૂફી વિચારોનો અર્ક મેળવી લેતા. તેમના જીવનના પ્રસંગોમાંથી તે જાણી શકાય છે. વળી, તેમની ઈબાદત અત્યંત કષ્ઠદાયક હતી. મક્કમા એક વર્ષ તેઓ રહ્યા. પણ ન રાતે સુતા, ન કોઈ સાથે ક્યારેય વાત સુધ્ધા કરતા. હરમ શરીફની દીવાલના ટેકે બેસી દિવસ રાત ઈબાદત કરતા રહ્યા. તેમની આવી આકરી ઈબાદતને જોઈ કોઈકે તેમને પૂછ્યું,
“આવી કષ્ટદાયક ઈબાદત કરાવાની આપને શક્તિ કયાંથી મળે છે ?”
અત્યંત શાંત સ્વરે આપે ફરમાવ્યું,
“મારી આંતરિક શક્તિ મને શારીરિક અને માનસિક શક્તિ અર્પે છે.”
એકવાર એક ફકીર મસ્જીતમાં આવ્યો. વઝું કર્યું. અને અસરની નમાઝ અદા કરી. પછી માથું ઝુકાવી છેક મગરીબની નમાઝ સુધી સિજદામા જ રહ્યો. એ દિવસે ખલીફાએ સૂફીઓની દાવત(ભોજનનું નિમંત્રણ)રાખી હતી. એટલે સૂફીસંત અબુ મહંમદ જરેરીએ સિજદામા રહેલા એ ફકીરને જગાડીને ખલીફાની દાવતમા આવવા કહ્યું,
પેલા ફકીરે સિજદામા જ કહ્યું,
“મારે ખલીફા સાથે શો સંબધ ? પણ તમે મારા માટે થોડો હલવો લેતા આવજો”
અબુ મહંમદ જરેરી એ સાંભળી ચાલતા થયા. પણ દાવતમાંથી પેલા કકીર માટે હલવો લાવવાનું વિસરી ગયા. દાવતમાંથી પરત આવી મસ્જીતની પરસાળમા સુઈ ગયા. અને તેમના સ્વપ્નમાં હઝરત મહમદ પયગમ્બર (સ.અ.વ.)આવ્યા. પણ તેમનાથી નારાજ મો ફેરવી ઉભેલા હતા. મહંમદ સાહેબ(સ.અ.વ)ની નારાજગી જોઈ અબુ મહંમદ જરેરી વ્યાકુળ થઈ ગયા અને કરગરીને મહંમદ સાહેબ (સ.અ.વ.)ને પૂછ્યું,
“પણ હુજુર,મારી ખત્તા (ભૂલ) શું છે ?”
મહંમદ સાહેબ (સ.અ.વ.)એ ફરમાવ્યું,
“મારો એક બંદો ઇબાદતમાં લીન છે. તેણે તારી પાસે થોડો હલવો મંગાવ્યો હતો. તે તું ભૂલી ગયો”
અને મહંમદ સાહેબ (સ.અ.વ.)ના આ કથન સાથે જ અબુ મહંમદ જરેરીની આંખો ખુલી ગઈ. તેમણે પેલા ફકીર પર એક નજર કરી. હજુ તે સિજદામા જ હતો. પોતાની ભૂલ તેમને સમજાઈ.તેઓ તુરત ઉઠ્યા અને હલવો લઇ આવ્યા. અને પછી પેલા ફકીરને આપતા કહ્યું ,
“માફ કરજો હું આપના માટે હલવો લાવવાનું ભૂલી ગયો”
પેલા ફકીરે એક નજર અબુ મહંમદ જરેરી અને હલવા પર કરી અને કહ્યું,
“ખુદાના સાચા બંદાઓને પહેલા ઓળખ અને પછી ખુદા પાસે જવાની કોશિશ કર”
આટલું બોલી એ ફકીર પાછો સિજદામા જતો રહ્યો. પણ જતા જતા અબુ મહંમદ જરેરીને એક ઉમદા સબક આપતો ગયો.
બગદાદની જુમ્મા મસ્જિત પાસે એક વયોવૃદ્ધ રહેતા હતા.તેઓ હંમેશા એક માત્ર જર્જરિત પોષક પહેરતા. એકવાર અબુ મહંમદ જરેરીએ તેમને તેનું કારણ પૂછ્યું. તેના ઉત્તરમાં એ વૃદ્ધ બોલ્યા,
“એકવાર મેં સ્વપ્ન જોયું. જન્નતમાં કેટલાક લોકો સુંદર વસ્ત્રો ધારણ કરી, ઉમદા પકવાનો આરોગી રહ્યા હતા. હું પણ તેમની સાથે બેસી ગયો. પણ તે સર્વેએ મને ઉઠાડી મુક્યો.અને કહ્યું કે તું અહિયા બેસવાને લાયક નથી. મેં બાજુમાં ઉભેલા એક ફરીશ્તાને તેનું કારણ પૂછ્યું. એ કરીશ્તાએ કહ્યું,
“જન્નતમાં સુંદર વસ્ત્રો ધારણ કરી , ઉમદા પકવાનો આરોગતા આ માનવીઓએ જિંદગીભર એક જ જર્જરિત વસ્ત્ર ધારણ કર્યું હતું”
સૂફીસંત અબુ મહંમદ જરેરી આ ઘટનાનું તારણ આપતા કહે છે,
“દુનિયાના મોજશોખમાં રચ્યાપચ્યા રહેશો તો દોઝક મળશે. અને જર્જરિત વસ્ત્રો સાથે રૂખીસુકી રોટી આરોગી ખુદાની ઇબાદતમાં રત રહેશો તો જન્ન્ત (સ્વર્ગ) મળશે”
સૂફીસંત મહંમદ જરેરીની આવી સૂફી વાતો જીવનના અર્કને પામવા જરૂરી નથી લાગતી ? .
Nice Work Sir May ALLAH bless u
ReplyDelete