જે માસની ઇસ્લામનો દરેક અનુયાયી આતુરતાથી રાહ જોવે છે, તે મુબારક રમઝાન માસ દર વર્ષની જેમ પુનઃ સવાબ લુંટાવવા આવી ચડ્યો છે. આ જ માસમા કુરાન-એ-શરીફનું અવતરણ થયું છે. આ જ માસમાં ખુદા પોતાના કરોડો બંદાઓને બેહિસાબ સવાબ-પુણ્યની નવાજે છે. આ જ માસમાં કરેલી ઈબાદત અને જકાત-ખેરાતનો અનેક ગણો બદલો ખુદા તેના બંદાને આપે છે. પણ તે માટે ખુદાની બે શરતોનું પાલન દરેક મુસ્લિમે કરવું પડે છે. એક, સમગ્ર માસ દરમિયાન દરેક મુસ્લિમ ખુદાની ઈબાદતમા લીન રહે. અને બે, બુરા મત દેખો, બુરા મત સૂનો. બુરા મત કહો અને બૂરા મત સોચોના મૂલ્યોને ઈમાનદારીથી વળગી રહે. રોઝા અર્થાત ઉપવાસ- સોમમા આ બાબતોનું પાલન અનિવાર્ય છે. માત્ર ભૂખ્યા તરસ્યા રહેવું એટલે રોઝો નહિ. એમ તો ગરીબ માનવી ઘણીવાર ભૂખ્યા-તરસ્યા રહે છે. પણ તેમને રોઝનો સવાબ (પુણ્ય) પ્રાપ્ત થતો નથી. કારણ કે તેમની ભૂખ્યા- તરસ્યા રહેવાની એ ક્રિયામા ઈબાદત નથી, મજબૂરી છે. રમઝાન શબ્દમાં પણ ગુનાહોને ઈબાદત અને સદ્કાર્યો દ્વારા બાળવાનો ભાવ રહેલો છે. “રમઝ” અરબી ભાષાનો શબ્દ છે. તેનો અર્થ થાય છે બાળવું.
ઇસ્લામના મહાન ગ્રન્થ કુરાન-એ-શરીફમાં કહ્યું છે,
“ “હે મુસ્લિમો, તમારા ઉપર રોઝા ફર્ઝ કરવામાં આવ્યા છે””
અર્થાત નાના મોટા દરેક તંદુરસ્ત મુસ્લિમ માટે રોઝા ફરજીયાત છે. જો કે ઇસ્લામ માનવ ધર્મ છે. જેના નિયમોમાં કયાંય જડતા કે અમાનવીયતા નથી. એટલે જ કુરાન-એ-શરીફમા સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે,
“ “રમઝાન માસમાં કોઈ બીમાર હોઈ કે મુસાફરીમાં હોઈ તો તે અન્ય દિવસોમાં જયારે તે તંદુરસ્ત હોઈ ત્યારે રોઝા રાખી પોતાના રોઝા પૂર્ણ કરી શકે છે””
એટલે કે ઇસ્લામે કોઈ મુસ્લિમને રોઝાથી મુક્તિ નથી આપી.રોઝા, ઉપવાસ કે સોમ એ મુખ્યત્વે શરીર અને આત્માની શુદ્ધિનો માર્ગ છે. ગાંધીજીએ પણ ઇસ્લામના આ સિધ્ધાંતનો સ્વીકાર કર્યો છે. જયારે ગાંધીજીને કોઈ ભૂલ કે પાપ કર્યાનો અહેસાસ થતો ત્યારે તે પ્રાયશ્ચિત માટે ઉપવાસ કરતા. પણ આપણે તો ત્રણસો પાંસઠ દિવસોના ગુનાહોને ધોવા-પ્રાયશ્ચિત કરવા ખુદાની ઇબાદત સાથે માત્ર ત્રીસ દિવસના રોઝા કે ઉપવાસ કરવામાં પણ આળસ કરીએ છીએ.અને એટલે જ આપણા રોઝા ખુદા કબુલ કરે છે કે નહી તેની આપણને ખુદને ખબર નથી હોતી. અને એટલે જ રમઝાન માસના આરંભે દરેક મુસ્લિમે ત્રીસ દિવસ ઈબાદત અને રોઝાના સમન્વય સાથે સનિષ્ઠ રીતે જીવવાનો પ્રયાસ કરવો જોઈએ અને જકાત-ખેરાત (દાન) કરી વધારેમાં વધારે સવાબ પુણ્ય મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
રમઝાન માસની પવિત્રતાને કારણે જ મુસ્લિમ વકીલ આ માસમાં કેસ લડવાનું કે ચલાવવાનું ટાળે છે. મુસ્લિમ વેપારીઓ ધંધામાં નૈતિકતાને પ્રાધાન્ય આપે છે. આંગણે આવેલ ગરીબ-ગુરબાને પાછા કાઢવાનો આ માસ નથી. પાસપાડોશી, સગાંસંબંધી અને આપણા આશરે જીવતા દરેક માનવીને છુટા હાથે દાન કરવાનો આ માસ છે. માલમિલકત, પૈસા, સોનું-ચાંદી જે કંઇ મુસ્લિમ પાસે હોય તેના સરવાળાના અઢી ટકા જકાત પેઠે કાઢવા ફરજિયાત છે. જકાત એટલે દાન. એ ઇસ્લામનો સમાન સમાજ રચના માટેનો આગવો સિદ્ધાંત છે. તેનું પાલન કરવામાં સાચો મુસલમાન કયારેય અચકાતો નથી. જકાતમાં મનચોરી એ ગુનાહ છે.
રોઝાની ક્રિયા પણ પવિત્રતાનું પતિક છે. રોઝો રાખવાના સમયને શહેરી કહે છે. સૂર્યનો ઉદય થતાં પહેલાં નાહી, સ્વરછ વસ્ત્રો ધારણ કરી, પાક થઇ દરેક મુસ્લિમ રોઝાનો નિર્ધાર (નિયત) કરે છે અને પછી જરૂર પૂરતું જ જમી ઉપવાસ આરંભે છે. ઉપવાસ કરવો એટલે સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી કશું ખાવું પીવું નહીં. નમાજ દ્વારા સતત ખુદાની ઇબાદતમાં રત રહેવું. પણ આ તો તેનો સામાન્ય અર્થ છે. રોઝો રાખી કોઇની ગીબત એટલે કે નિંદા કરવી, ખોટું બોલવું, ચોરી કરવી, બદઇરાદો સેવવો એ પણ રોજાના ભંગ સમાન છે. એટલે રોઝોએ મન, વચન અને કર્મ દ્વારા નૈતિક મૂલ્યોનું જતન કરવાનો માર્ગ છે. ભૂખને મારીને, તરસને દબાવીને માત્ર આખો દિવસ જેમ તેમ કરી કાઢી નાખવો એટલે રોઝો નહીં. આવા શરીર અને મનને શુદ્ધ કરતાં રોઝાની સમાપ્તિ સૂર્યના અસ્ત પછી થાય છે. તેને ઇફતાર કહે છે. રોઝો પૂર્ણ થવાની ઘડીએ પણ સંયમ, પવિત્રતા અને શ્રદ્ધા આવશ્યક છે. નમક કે ખજૂરથી ઉપવાસ છોડવા પર ઇસ્લામે ભાર મુક્યો છે. ગરીબ ગુરબા અને જરૂરતમંદ ઇન્સાનોને રોઝો છોડાવવામાં રહેલું પુણ્ય (સવાબ) અપાર છે માટે જ ઇસ્લામના અનુયાયીઓ રોજો છોડવા મોટા ભાગે મસ્જિદમાં ખાધ સામગ્રી લઇને જવાનું પસંદ કરે છે. જયાં ખુદાના તમામ બંદાઓ નાના-મોટા, અમીર-ગરીબ જેવા ભેદભાવોને ભૂલી જઇ એકસાથે ખુદાને યાદ કરે છે અને એક જ થાળમાંથી રોઝાની સમાપ્તિ સમયે જમે છે.
મારા અનેક હિંદુ સ્વજનો પણ રોઝા રાખે છે. અમદાવાદના જીગનેશભાઈ મોદી, રણુંના મહંત મા. રાજેન્દ્રગીર મહારાજ અને ભાવનગરના હર્ષદભાઈ ત્રિવેદી રમઝાન માસનો ૨૭મો રોઝો હમેશા રાખે છે. અને તે માટેનું જરૂરી માર્ગદર્શન મેળવવા મારો સંપર્ક કરે છે.આપણા જાણીતા લેખક અને મારા વડીલ મિત્ર શ્રી ગુણવંત શાહને રોઝા અંગે તેમનો પ્રતિભાવ આપવા કહ્યું ત્યારે બોલ્યા,
“ “અલ્લાહના સાનિધ્યમા રહેવાનો પ્રયાસ એટલે રોઝો”
ચાલો,આપણે સૌ આખો રમઝાન માસ આલાહના સાનિધ્યમાં રહેવાનો સંનિષ્ટ પ્રયાસ કરીએ. આપણા સૌના એ પ્રયાસને અલ્લાહ સફળ બનાવે એ જ દુઆ – આમીન .
No comments:
Post a Comment