ઓગસ્ટ માસ ભારતની આઝાદીની લડત માટે જાણીતો છે. ૧૫ ઓગસ્ટ આપણો સ્વાતંત્ર દિન છે. ૮ ઓગસ્ટના રોજ ગાંધીજીએ આઝાદીની અંતિમ લડત “હિન્દ છોડો”નો આરંભ કર્યો હતો. ભારતની આઝાદીમાં હિદુ મુસ્લિમ બંને પ્રજાએ પોતાના બલીદાનોથી આઝાદીના યજ્ઞને પ્રજ્વલિત રાખ્યો હતો. એવા જ એક મુસ્લિમ સેનાની હતા “શૈખુલ હિન્દ” મોલાના મહમુદ હસન ઈ.સ. ૧૯૨૦મા જામિયા મિલિયા યુનિવર્સીટીનો પાયો નાખનાર અને ભારતની આઝાદીની લડતના સક્રિય સેનાની મોલાના મહમુદ હસન (૧૮૫૧-૧૯૨૦)નો જન્મ ૧૮૫૭ના મુક્તિ સંગ્રામના છ વર્ષ પૂર્વે ઈ.સ. ૧૮૫૧મા બરેલીમાં થયો હતો. સમગ્ર વિશ્વમાં શૈખુલ હિન્દના નામે જાણીતા થયેલા મહમુદ હસનના પિતા ઝુલ્ફીકાર અલી પણ અરેબીકના ઉચ્ચ વિદ્વાન હતા અને બરેલીના શિક્ષણ વિભાગમાં અધ્યાપક હતા.મહમુદ હસનનું બચપણ બરેલીની ગલીઓમાં પસાર થયું. ઇ.સ. ૧૮૬૬માં હાજી મોહંમદ આબિદ હુસેને ઉત્તર પ્રદેશના સરહાનપુર જિલ્લાના દેવબંદ ગામે ”દારુલ-ઉલુમ-દેવબંદ” નામક ઇસ્લામિક શૈક્ષણિક સંસ્થાનો આરંભ કર્યો. મહમુદ હસન તેના પ્રથમ વિદ્યાર્થી બન્યા.ઈ.સ. ૧૮૭૩મા તેઓ સંસ્થાના પ્રથમ સ્નાતક બન્યા. અને ઈ.સ. ૧૮૭૪મા એ જ સંસ્થામા શિક્ષક તરીકે જોડાયા. ઈ.સ. ૧૮૯૦મા દારુલ-ઉલ-દેવબંદના આચાર્ય તરીકે તેઓ નિયુક્ત થયા અને જીવનપર્યંત સંસ્થાની સેવા કરતા રહ્યા.
આજે દારુલ-ઉલ-દેવબંદ ઇસ્લામિક શિક્ષણ આપતી એશિયાની બીજા ક્રમની વિશાળ શિક્ષણ સંસ્થા છે.તેના વિકાસમાં મોલાના મહમુદ હસનનો ફાળો નાનોસુનો નથી. જીવનના ૪૦ વર્ષો દારુલ-ઉલ-દેવબંદ પાછળ ખર્ચનાર મહમુદ હસને શૈક્ષણિક અને વહીવટી દ્રષ્ટિએ દારુલ-ઉલ-દેવબંદને નામાંકિત આંતરરાષ્ટ્રીય ઇસ્લામી શિક્ષણ સંસ્થા બનાવી છે. અફઘાનિસ્તાન,મધ્ય એશિયા, તુર્કી, કજાન, દગિસ્તાન,ચીન, બર્મા , મલેશિયા, ઇન્ડોનેશિયા,શ્રીલંકા , નેપાળ, ઈરાક, કુવેત, હિજાબ , યમન ,અને દક્ષિણ-પૂર્વીય આફ્રિકી દેશોમાંથી અનેક છાત્રો દારુલ-ઉલ-દેવબંદમાં ઇસ્લામિક શિક્ષણ લેવા આવે છે. શૈક્ષણિક સક્રિયતા ઉપરાંત મોલાના મહમુદ હસન ભારતના રાજકારણમા પણ સક્રિય હતા. અંગેજો સામેની લડતમાં ભારતીય અને મુસ્લિમ પ્રજાને જાગૃત કરવમાં તેમની ભૂમિકા નોંધપાત્ર હતી.
વીસમી સદીનો બીજો દસકો ભારતના રાજકારણ માટે અત્યંત મહત્વનો હતો. ભારતમાં ગાંધીજીનું આગમન થયું.પણ ગાંધીજીના અહીંસાના વિચારો પ્રત્યે પ્રજામાં હજુ વિશ્વાસ કેળવાયો ન હતો. એવા સમયે મહમુદ હસને અંગ્રજો સામે સશસ્ત્ર ક્રાંતિની યોજના ઘડી કાઢી. અને તે માટેના સ્વયમસેવકોને તાલીમ આપવા ભારતમાં જુદા જુદા સ્થળોએ તાલીમ શાળાઓ યોજી. તેમના આ કાર્યમાં મોલાના ઉબાદુલ્લાહ સિંધી અને મોલાના મોહમદ મનસુર અન્સારી મોખરે હતા. એ સમયે મોલાના મહમુદ હસન દ્રઢ પણે માનતા હતા કે અં આઝાદી માટે સશસ્ત્ર ક્રાંતિ જ એક માત્ર માર્ગ છે. અને એટલે જ તેમણે સશસ્ત્ર ક્રાંતિનો માર્ગ અપનાવ્યો હતો. ભારતમાં સશસ્ત્ર ક્રાંતિની તાલીમ શાળાઓ સાથે તેમણે વિદેશમાંથી પણ આ ક્રાંતિ માટે સહાય મેળવવા ઈ.સ. ૧૯૧૫ના મધ્યમાં મોલાના ઉબાદુલ્લાહ સિંધીને કાબુલ અને મોલાના મોહમદ મનસુર અન્સારીને તુર્કી મોકલ્યા. મોલાના મોહંમદ મનસુર અન્સારી હિજાબમાં તુર્કના ગવર્નર ગાલીબ પાશાને મળ્યા. ગાલીબ પાશાએ અંગ્રેજો સામેની લડતમાં ભારતને સંપૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપી. પરિણામે મોલાના મહમુદ હસન તુર્કમા ગાલીબ પાશાને મળ્યા. જયારે તુર્કીથી પાછા ફરતા મોલાના મોહમદ મનસુર અન્સારી બગદાદ અને બલુચિસ્તાન થઈ ભારત આવ્યા. આમ સશસ્ત્ર ક્રાંતિ માટેનો તખ્તો ગોઠવાયો. આ ક્રાંતિ માટે જે કરારો થયા, તે રેશમી રૂમાલ પર થયા હતા. એટલે ઇતિહાસમાં તે “રેશમી રૂમાલની ચળવળ”ના નામે ઓળખાઈ. ઇતિહાસનું હંમેશા પુનરાવર્તન થાય છે. એ નાતે ૧૮૫૭ જેમ જ આ સશસ્ત્ર ક્રાંતિની યોજનાની જાણ પણ અંગ્રેજ સરકારને થઈ ગઈ. પરિણામે લડતની આખી યોજના નિષ્ફળ ગઈ.
આ ઉપરાંત મોલાના મહમુદ હસને ખિલાફત ચળવળ માટે આપેલો રાષ્ટ્ર વ્યાપી ફતવો પણ ઇતિહાસમાં જાણીતો છે. ભારતના મુસ્લિમોને ખિલાફત ચળવળમાં સામેલ કરવા તેઓ મક્કાના ગવર્નરને મળ્યા હતા. મક્કાના ગવર્નરે ભારતના મુસ્લિમોને ખિલાફત ચળવળમાં સામેલ થવા કેટલાક અગત્યના દસ્તાવેજો મોલાના મહેમુદ હસનને આપ્યા હતા. એ દસ્તાવેજોના આધારે જ મહેમુદ હસને પેલો ઐતિહાસિક ફતવો બહાર પડ્યો હતો. જેના કારણે મોલાના મહમુદ હસનની મક્કામાંથી ૧૯ ડિસેમ્બર ૧૯૧૬ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેમને મક્કાથી કેરો થઈ માલ્ટા દરિયાઈ જહાંજમા લઈ જવામાં આવ્યા. ૨૨ ફેબ્રુઆરી ૧૯૧૭ના રોજ તેઓ માલ્ટા પહોચ્યા. ત્યાં તેમના પર દેશદ્રોહી ચળવળ ચલાવવા બદલ કેસ ચલાવવામાં આવ્યો અને તેમને ત્રણ વર્ષ અને ચાર માસની સખ્ત કેદની સજા કરવામાં આવી. સજા ભોગવી ૮ જુન ૧૯૨૦ના રોજ તેઓ મુંબઈ આવ્યા. ત્યારે ભારતના વાતાવરણમાં અસહકાર આંદોલન પ્રસરેલું હતું. મહમુદ હસને અસહકાર આંદોલનમાં ઝંપલાવ્યું. એ સાથે તેમણે મુસ્લિમ સમાજમાં જાગૃતિનું ઉમદા કાર્ય પણ ઉપાડી લીધું. ઉલેમાઓની એક વિશાળ જાહેસભામાં તેમણે સાડા ત્રણ વર્ષના જેલમાં કરેલ મનોમંથનનો નિચોડ આપતા કહ્યું હતું,
“હું માલ્ટાની જેલમાં જીવનના બે મોટા પાઠો શીખ્યો છું.”
સૌ એક ધ્યાને ૮૦ વર્ષના વયોવૃદ્ધ નેતાનો નિચોડ જાણવા ઉત્સુક હતા. એક પળ અટકી તેઓ બોલ્યા,
“એક, કુરાનના અભ્યાસ, ચિંતન અને સમજની મુસ્લિમ સમાજમાં તાતી જરૂર છે. અને બીજું, મુસ્લિમ સમાજમાં એકતા અને સંગઠનની જરૂર છે”
૧૯૨૦ના ઓકટોબર માસમાં તેમણે જામિયા મિલિય ઇસ્લામિયા યુનિવર્સીટી,અલીગઢનો પાયો નાખ્યો. અને ૩૦ નવેમ્બર ૧૯૨૦ના રોજ તેમનું અવસાન થયું.
(વધુ વિગતો માટે જુવો : Shaikh-ul-Hind Maulana Mahmud Hasan And The Indian Freedom Movement, Author: Rafiya Nisar Publisher: Jamiat Ulama-i-Hind / Manak Publication)
No comments:
Post a Comment