ઇસ્લામી વિશ્વમાં દારુલ ઉલુમ દેવબંદનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે. તેણે ભારતના જ નહિ,પરંતુ સમગ્ર વિશ્વના મુસ્લિમોને પોતાની શૈક્ષણિક સિધ્ધિઓથી પ્રભાવિત કર્યા છે. ૧૪૪ વર્ષની લાંબી વિકાસ યાત્રા પછી આજે દારુલ ઉલુમ દેવબંદ માત્ર ઇસ્લામિક વિશ્વ વિદ્યાલય નથી રહ્યું, પણ એક વિચારધારા બની ગયું છે. જેણે સમાજના અંધવિશ્વાસ, કુરિવાજો અને આડંબરો સામે ઇસ્લામના મૂળભૂત સ્વરૂપને વ્યક્ત કરી, સમાજ સુધારણાનું ઉત્તમ કાર્ય કર્યું છે. અને એટલે જ આ વિચારધારામાં માનનાર મુસ્લિમોને દેવબંદી કહેવામાં આવે છે. દેવબંદ ઉત્તર પ્રદેશનું એક નાનકડુ નગર છે. જેની વસ્તી માત્ર એકાદ લાખ જેટલી છે. પરંતુ દારુલ ઉલુમ વિશ્વ વિદ્યાલયને કારણે આજે તે ઉત્તર પ્રદેશનું વિશ્વ વિખ્યાત નગર બની ગયું છે. દારુલ ઉલુમ દેવબંદ વિશ્વ વિદ્યાલયને કારણે આજે દેવબંદ નગર ભારતીય અને ઇસ્લામી શિક્ષણ અને સંસ્કૃતિના સમન્વયનું ઉમદા પ્રતિક બની ગયું છે. વિશ્વમાં અરબી ઇસ્લામી શિક્ષણનું તે મુખ્ય કેન્દ્ર છે. તેમાં માત્ર ઇસ્લામી શિક્ષણ અને સંશોધનનું જ કાર્ય થતું નથી,પણ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના ઊચ્ચ આદર્શોનું જતન પણ થાય છે.
૩૦ મેં ૧૮૬૬ન રોજ હાજી આબિદ હુસેન અને મોલાના કાસીમ નાનોતવી એ આ સંસ્થાનો પાયો નાખ્યો હતો. એ સમયે ભારતના ઇતિહાસનો કપરો કાળ હતો. ૧૮૫૭નો પ્રથમ મુક્તિ સંગ્રામ નિષ્ફળ ગયો હતો. અંગ્રજોનો ભારતીય પ્રજા ઉપરનો રોષ હજુ શમ્યો ન હતો. ૧૮૫૭ના એ કપરા કાળમાં માત્ર દેવબંદ જેવા નાનકડા નગરમાં જ ૪૦ લોકોને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા હતા.જયારે કેટલાકને જેલમાં નાખવામાં આવ્યા હતા.તો કેટલાક શહીદ થયા હતા. આમ છતાં અંગ્રેજોનો રોષ હજુ શમ્યો ન હતો. ૧૮૫૭ પછી ભારતીય અને ઇસ્લામી શિક્ષણ સંસ્થાઓ નામશેષ રહી ગઈ હતી. તેના અસ્તિત્વને ટકાવી રાખવાનું કાર્ય શિક્ષણવિદો માટે કપરું બન્યું હતું. આવા સમયમાં દારુલ ઉલુમ દેવબંદની સ્થાપના થઈ. જેણે ભારતીય અને ઇસ્લામી શિક્ષણને જીવંત રાખવામા મહત્વનું કાર્ય કર્યું.
જો કે આરંભના દિવસો દારુલ ઉલુમ માટે કપરા હતા. અંગ્રેજોની શિક્ષણ પ્રથાનો મુખ્ય ઉદેશ કારકુનો પેદા કરવાનો હતો. ભારતીય કે ઇસ્લામી સભ્યતા કે શિક્ષણના જતન અને વિકાસમાં તેમને કોઈ રસ ન હતો. પરિણામે આવી શિક્ષણ સંસ્થાઓ પ્રત્યે અંગ્રેજોની નીતિ અત્યંત ક્રૂર હતી.તેની સ્થાપના કે વિકાસમા બને તેટલા અવરોધો નાખવા અંગ્રેજો તત્પર રહેતા. એવા યુગમાં દેવબંદની એક નાનકડી મસ્જિતમા દારુલ ઉલુંમનો મદ્રેસો શરુ થયો. દેવબંદની જુમ્મા મસ્જીતમાં પણ તે થોડો સમય ચાલ્યો.
ઈ.સ. ૧૮૭૯મા દારુલ ઉલુમની પ્રથમ ઈમારત બની. એ પછી જરૂરિયાત મુજબ દારુલ ઉલુમની શૈક્ષણિક ઈમારતો બનતી ગઈ. મદ્રેસાનો ભવ્ય દરવાજો અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ બાદશાહ ઝહિર શાહના અનુદાનથી બનાવવામાં આવ્યો. જેથી તેનું નામ “બાબુલ ઝહિર” રાખવામાં આવ્યું. મદ્રેસાના પ્રથમ વર્ષમાં માત્ર ૧૬ વિદ્યાર્થીઓ એ પ્રવેશ લીધો હતો. એક સદીના અવિરત વિકાસ પછી આજે એ નાનકડો મદ્રેસો વિશાલ વિશ્વ વિદ્યાલય બની ગયો છે. જેમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ઇસ્લામિક શિક્ષણ અને સંસ્કારોનું ભાથું લઈને વિશ્વમા પ્રવેશે છે.
આજદીન સુધી લગભગ ૯૫ હાજાર જેટલા રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય વિદ્વાનો અર્પનાર દારુલ ઉલુમેં ભારતની આઝાદીની લડતમાં પણ પોતાનું આગવું પ્રદાન નોંધાવ્યુ છે. જેમાં અગ્ર છે દારુલ ઉલુમ દેવબંદના પ્રથમ સ્નાતક “શૈખુલ હિન્દ” મોલાના મહમુદ હસન (૧૮૫૧-૧૯૨૦). ૧૮૫૭ના મુક્તિ સંગ્રામના છ વર્ષ પૂર્વે ઈ.સ. ૧૮૫૧મા બરેલીમાં જન્મેલ અને સમગ્ર વિશ્વમાં શૈખુલ હિન્દના નામે જાણીતા થયેલા મહમુદ હસનના પિતા ઝુલ્ફીકાર અલી પણ અરેબીકના ઉચ્ચ વિદ્વાન હતા. અને બરેલીના શિક્ષણ વિભાગમાં અધ્યાપક હતા.મહમુદ હસનનું બચપણ બરેલીની ગલીઓમાં પસાર થયું હતું. મહમુદ હસન દારુલ-ઉલુમ-દેવબંદ” ના પ્રથમ વિદ્યાર્થી અને પ્રથમ સ્નાતક (ઈ.સ.૧૮૭૩) હતા. એ પછી ઈ.સ. ૧૮૭૪મા એ જ સંસ્થામા તેઓ શિક્ષક તરીકે જોડાયા. ઈ.સ. ૧૮૯૦મા દારુલ-ઉલ-દેવબંદના આચાર્ય તરીકે તેઓ નિયુક્ત થયા અને જીવનપર્યંત સંસ્થાની સેવા કરતા રહ્યા. શૈક્ષણિક સક્રિયતા ઉપરાંત મોલાના મહમુદ હસન ભારતના રાજકારણમા પણ સક્રિય હતા. અંગેજો સામેની લડતમાં ભારતીય અને મુસ્લિમ પ્રજાને જાગૃત કરવામાં તેમની ભૂમિકા નોંધપાત્ર હતી. વીસમી સદીનો બીજો દસકો ભારતના રાજકારણ માટે અત્યંત મહત્વનો હતો. ભારતમાં ગાંધીજીનું આગમન થયું.પણ ગાંધીજીના અહીંસાના વિચારો પ્રત્યે પ્રજામાં હજુ વિશ્વાસ કેળવાયો ન હતો. એવા સમયે મહમુદ હસને અંગ્રજો સામે સશસ્ત્ર ક્રાંતિની યોજના ઘડી કાઢી. અને તે માટેના સ્વયમસેવકોને તાલીમ આપવા ભારતમાં જુદા જુદા સ્થળોએ તાલીમ શાળાઓ યોજી. તેમના આ કાર્યમાં મોલાના ઉબાદુલ્લાહ સિંધી અને મોલાના મોહમદ મનસુર અન્સારી મોખરે હતા. આ બને પણ દેવબંદ દારુલ ઉલુમના જ વિદ્યાર્થીઓ હતા. ભારતમાં સશસ્ત્ર ક્રાંતિની તાલીમ શાળાઓ સાથે તેમણે વિદેશમાંથી પણ આ ક્રાંતિ માટે સહાય મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ઈ.સ. ૧૯૧૫ના મધ્યમાં મોલાના ઉબાદુલ્લાહ સિંધી કાબુલ અને મોલાના મોહમદ મનસુર અન્સારી તુર્કી ગયા હતા. મોલાના મોહંમદ મનસુર અન્સારી હિજાબમાં તુર્કના ગવર્નર ગાલીબ પાશાને મળ્યા. ગાલીબ પાશાએ અંગ્રેજો સામેની લડતમાં ભારતને સંપૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપી. પરિણામે મોલાના મહમુદ હસન તુર્કમા ગાલીબ પાશાને મળ્યા.
જયારે તુર્કીથી પાછા ફરતા મોલાના મોહમદ મનસુર અન્સારી બગદાદ અને બલુચિસ્તાન થઈ ભારત આવ્યા. આમ સશસ્ત્ર ક્રાંતિ માટેનો તખ્તો ગોઠવાયો. આ ક્રાંતિ માટે જે પત્ર વ્યવહાર થયો હતો, તે રેશમી રૂમાલ પર થયો હતો, એટલે ઇતિહાસમાં તે “રેશમી રૂમાલની ચળવળ”ના નામે ઓળખાય છે. જો કે આ સશસ્ત્ર ક્રાંતિની જાણ અંગ્રેજ સરકારને થઈ ગઈ. પરિણામે આખી યોજના નિષ્ફળ ગઈ હતી.
આ ઉપરાંત મોલાના મહમુદ હસને ખિલાફત ચળવળ માટે આપેલો રાષ્ટ્ર વ્યાપી ફતવો પણ ભારતના ઇતિહાસમાં જાણીતો છે. ભારતના મુસ્લિમોને ખિલાફત ચળવળમાં સામેલ કરવા તેઓ મક્કાના ગવર્નરને મળ્યા હતા. મક્કાના ગવર્નરે ભારતના મુસ્લિમોને ખિલાફત ચળવળમાં સામેલ થવા કેટલાક અગત્યના દસ્તાવેજો મોલાના મહેમુદ હસનને આપ્યા હતા. એ દસ્તાવેજોના આધારે જ મહેમુદ હસને પેલો ઐતિહાસિક ફતવો બહાર પડ્યો હતો. જેના કારણે મોલાના મહમુદ હસનની મક્કામાંથી ૧૯ ડિસેમ્બર ૧૯૧૬ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેમને મક્કાથી કેરો થઈ માલ્ટા દરિયાઈ જહાંજમા લઈ જવામાં આવ્યા. ૨૨ ફેબ્રુઆરી ૧૯૧૭ના રોજ તેઓ માલ્ટા પહોચ્યા. ત્યાં તેમના પર દેશદ્રોહી ચળવળ ચલાવવા બદલ કેસ ચલાવવામાં આવ્યો અને તેમને ત્રણ વર્ષ અને ચાર માસની સખ્ત કેદની સજા કરવામાં આવી. સજા ભોગવી ૮ જુન ૧૯૨૦ના રોજ તેઓ મુંબઈ આવ્યા. ત્યારે ભારતના વાતાવરણમાં અસહકાર આંદોલન પ્રસરેલું હતું. મહમુદ હસને અસહકાર આંદોલનમાં ઝંપલાવ્યું. ૧૯૨૦ના ઓકટોબર માસમાં તેમણે જામિયા મિલિય ઇસ્લામિયા યુનિવર્સીટી,અલીગઢનો પાયો નાખ્યો. અને ૩૦ નવેમ્બર ૧૯૨૦ના રોજ તેમનું અવસાન થયું.
દારુલ ઉલુમ દેવબંદના આવ અનેક જાંબાઝ સીપાયોએ હિન્દોસ્તાનના મુક્તિ યજ્ઞમાં પોતાના બલિદાનો આપ્યા છે. એ બાબત જ નિર્દેશ કરે છે કે દારુલ ઉલુમ દેવબંદે શિક્ષણ સાથે ચારિત્ર ધડતરનું ઉમદા કાર્ય પણ કર્યું છે. અને એટલે જ અફઘાનિસ્તાન, મધ્ય એશિયા, તુર્કી, કજાન, દગિસ્તાન,ચીન, બર્મા , મલેશિયા, ઇન્ડોનેશિયા, શ્રીલંકા , નેપાળ, ઈરાક, કુવેત, હિજાબ , યમન ,અને દક્ષિણ-પૂર્વીય આફ્રિકી દેશોમાંથી અભ્યાસ અર્થે અહિયા વિદ્યાર્થીઓ આવે છે. દારુલ ઉલુંમમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ૫૦ વધુ વિષય ભણાવવામાં આવે છે. જેમાં મુખ્યત્વે કુરાન અને તનું વ્યાકરણ,હદીસ, ઇસ્લામી કાનૂન, તેનું વ્યાકરણ અને તેની રચનાઓ, સાહિત્ય,તર્કશાસ્ત્ર , દર્શનશાસ્ત્ર ,ગણિતશાસ્ત્ર , ચિકિત્સાશાસ્ત્ર. ઉપરાંત ઇતિહાસ, ભૂગોળ,સામાન્ય જ્ઞાન , નાગરિકશાસ્ત્ર , અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, રહસ્યવાદ, છંદશાસ્ત્ર,અલંકારશાસ્ત્ર, અંગ્રજી ,હિન્દી અને કોમ્પ્યુટર જેવા વિષયોનો અભ્યાસ અહિયા થયા છે.
દારુલ ઉલુમના કુલપતિને સરપરાસ્ત અને ઉપ કુલપતિને મોહતમીમ કહેવામાં આવે છે. જયારે વિભાગીય અધ્યક્ષને મદરીસ અને ધાર્મિક મસલા અને સમસ્યાના અધ્યક્ષને મુફ્તી કહેવામાં આવે છે.આ પદો પર ઉચ્ચ શિક્ષણવિદો જેવા કે મોલાના મોહમદ કાસમ નનોતવી , હાજી મોહમદ આબિદ હુસેન, મોલાના રસીદ અહમદ ગંગોહી, મોલાના મોહમદ યાકુબ, મોલાના અશરફ અલી થાનવી, “શૈખુલ હિન્દ” મોલાના મહમુદ હસન કાર્ય કરી ચુક્યા છે.
દારુલ ઉલુંમમાં ઇસ્લામી અધ્યયનનો અગિયાર વર્ષનો અભ્યાસક્રમ છે.જે નિઝામી પાઠ્યક્રમ પર આધરિત છે. અગિયાર વર્ષમાં નવ વર્ષ નિર્ધારિત પુસ્તકોનું અધ્યયન અને બે વર્ષ ભાષા,સાહિત્ય અને ધર્મ અંગેનો અભ્યાસ કરવાનો હોય છે. આલીમની પદવી સાત વર્ષે અને ફાજિલની પદવી નવ વર્ષે આપવામાં આવે છે. જયારે કામિલની પદવી અગિયાર વર્ષના સઘન અભ્યાસ પછી પ્રાપ્ત થાય છે. આ તમામ પદવીઓ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય વિશ્વ વિદ્યાલયોમાં માન્ય છે. આંતર રાષ્ટ્રીય વિશ્વ વિદ્યાલય “અલ અજહર(કાહિરા), સાઉદી અરબ અને મદીના વિશ્વ વિદ્યાલયમા આ પદવીઓ બહુમૂલ્ય ગણાય છે. ભારતમાં અલીગઢ વિશ્વ વિદ્યાલય અને જામિયા મિલિય વિશ્વ વિદ્યાલયમા પણ આ પદવીઓ સ્વીકાર્ય છે.
દારુલ ઉલુમ દેવબંદની સ્થાપના કાળથી જ તેના સ્થાપકોએ એક નિયમ સ્વીકાર્યો છે.સરકારી અનુદાન કે શરતી દાન સ્વીકારવું નહિ. પરિણામે આજ દિન સુધી શૈક્ષણિક મૂલ્યો અને સંસ્થાના ઉદેશોનું સ્વતંત્ર પણે જતન કરવામાં કોઈ સમસ્યા ઉત્પન થઈ નથી. આવા આવાસી વિશ્વ વિદ્યાલયમા પ્રવેશ માટે વિદ્યાર્થીએ ટેસ્ટ આપવી પડે છે. એ પરીક્ષામાં વિદ્યાર્થી પાસ થાય તો તેને પ્રવેશ મળે છે. સંસ્થામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થીને અભ્યાસ ફી, આવાસ- નિવાસ ખર્ચ કે પુસ્તકોનો ખર્ચ આપવાનો રહેતો નથી. ટૂંકમાં પ્રવેશ પામનાર વિદ્યાર્થીની સંપૂર્ણ જવાબદારી દારુલ ઉલુમની રહે છે.
આવી ૧૪૪ વર્ષ જૂની અને ઇસ્લામિક શિક્ષણમાં નવો ચીલોચાતરનાર દારુલ ઉલુમ દેવબંદને સો સો સલામ.
No comments:
Post a Comment