સૂફીસંત મહેમુદ શાહ બુખારી શ્રદ્ધાનો દરિયો
Mehboob Desai
ગત અઠવાડિયે (૧૧ રજબ) ધંધૂકા તાલુકાના ભડિયાદ ગામે મહેમુદ શાહ બુખારી સાહેબનો ઉર્સ મુબારક હતો. ગુજરાતના ખૂણે ખૂણેથી માનવ મહેરામણ ઊભરાયું હતું. જાણે શ્રદ્ધાનો દરિયો હિલોળે ચડયો હતો.
એ દિવસે હું ગાડી લઇને અમદાવાદથી ભાવનગર જઇ રહ્યો હતો ત્યારે રસ્તા પર પગપાળા ભડિયાદ તરફ વહી રહેલ માનવ પ્રવાહને જાણવાની તક સાંપડી. મહેમુદ શાહ બુખારી સાહેબના ઉર્સમાં અમદાવાદથી ધંધૂકા થઇ મેદની ભડિયાદ પહોંચે છે.
જ્યારે સુરત, વડોદરાની મેદની તારાપુર, વટામણ ચોકડી અને ધોલેરા થઇ ભડિયાદ પહોંચે છે. કાઠિયાવાડમાંથી મહુવા, પાલિતાણા, ભાવનગરની મેદની ધોલેરા થઇ ભડિયાદ પહોંચે છે. મેદનીમાં આબાલવૃદ્ધ સૌ કોઇની શ્રદ્ધા જોઇ-સાંભળી હૃદય ભરાઇ ગયું.
ટ્રાઇસિકલ પર છેક ભરથોલ (તા.કરજણ)થી બંને પગે અપંગ એવા વિજયભાઇ સાધુ ધોલેરા રોડ પર ભરતડકે પરસેવે રેબઝેબ ભડિયાદ ભણી જઇ રહ્યા હતા. તેમની સાથે કબોડા ગામના મહંમદભાઇ જુમ્મા સાઇકલ પર સાથ આપી રહ્યા હતા. મેં વિજયભાઇને કહ્યું, ‘આપ તો હિંદુ છો, છતાં ભડિયાદ દાદામાં આટલી શ્રદ્ધા જોઇ નવાઇ લાગે છે.’
હસતા હસતા વિજયભાઇ બોલ્યા, ‘સાહેબ, શ્રદ્ધાને કોઇ ધર્મ નથી હોતો.’
હું એક સામાન્ય ઇન્સાનનો ઉચ્ચ તર્ક જાણી નવાઇ પામ્યો. છતાં જરા વધુ જાણવા મેં પૂછ્યું,‘કોઇ માનતા પૂરી કરવા જાવ છો?’
‘ના સાહેબ ના, માત્ર ભડિયાદ દાદાની મહોબ્બતથી ખેંચાઇને જઉ છું.’
રસ્તાની બંને બાજુ નાનાં મોટાં વાહનોમાં ખાધ વસ્તુઓ યાત્રાળુઓને વિના મૂલ્યે આપવામાં આવતી હતી. એવી એક કવાલીસ ગાડીના પાંચેક સ્વયં સેવકો યાત્રાળુઓને ખાધ વસ્તુઓ વહેંચી રહ્યા હતા. એ ગાડીના ગુલામભાઇ મલેકને મેં પૂછ્યું,‘યાત્રાળુઓને શું વહેંચો છો?’
‘ઠંડા પાણીનાં પાઉચ, ચોકલેટ અને ટેસ્ટીકોલા.’
‘અત્યાર સુધીમાં કેટલાંક પેકેટો વહેંરયાં હશે?’
‘એવું કાંઇ યાદ નથી, પણ લગભગ ચારેક હજાર પાઉચ, પાંચેક હજાર ચોકલેટ્સ અને ૭૦ પેકેટ્સ ટેસ્ટીકોલા વહેંચી હશે.’
‘આનો ખર્ચ કોણ આપે છે?’
‘સાહેબ, મારી અંગત નાનકડી આવકમાંથી ઉર્સ માટે બચાવીને રાખું છું. દાદાના ભકતોની સેવા કરવામાં સંતોષ મળે છે.’
ભાવનગરના જમના કુંડમાં રહેતાં વહીદાબહેન પરસેવે રેબઝેબ જઇ રહ્યાં હતાં. મેં તેમને રોકીને પૂછ્યું, ‘દાદાની દરગાહે પગપાળા કેમ જાવ છો?’
‘ત્રણ વર્ષ પહેલાં મારી નણંદને સાપ કરડયો હતો. તે બચી જશે તો દાદાની દરગાહે પગપાળા જવાની માનતા માની હતી.’
બાંધણી ગામ (તા. પેટલાદ, જિ.આણંદ)થી પગપાળા ભડિયાદ જઇ રહેલા યુવાન તોસીફને પૂછ્યું, તું શા માટે પગપાળા ભડિયાદ જાય છે?’
‘સાહેબ, મેં માનતા રાખી હતી. દસમા ધોરણમાં પાસ થઇ જઇશ તો ચાલીને ભડિયાદ જઇશ.’ તોસીફના ચહેરામાં મને ૪૦ વર્ષ પહેલાંનો યુવાન મહેબૂબ દેસાઇ દેખાયો. જે પણ એસ.એસ.સી.ની પરીક્ષામાં પાસ થયા પછી ભડિયાદ ચાલીને ગયો હતો.
સૂર્યના ઓસરતા પ્રકાશમાં હું શ્રદ્ધાના દરિયાની ભરતી યાત્રિકો ના ચહેરા પર અનુભવી રહ્યો અને શ્રદ્ધાના વરસાદમાં તરબતર થઇ મેં મારી ગાડી ભાવનગર તરફ દોડાવી મૂકી
No comments:
Post a Comment