Saturday, July 25, 2009

Kuran-e-Sharif & Non-Violence by Prof. Mehboob desai

કુરાને શરીફમાં અહિંસાનો મહિમા


ડો. મહેબૂબ દેસાઈ


ઇસ્લામનો ધર્મગ્રંથ કુરાને શરીફ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર વહી દ્વારા ઉતરેલ ખુદાના સંદેશાઓનો સંગ્રહ છે. આ સંગ્રહમાં માત્ર ધાર્મિક બાબતો નથી, પણ તે જીવન જીવવાની કળા શીખવતો ગ્રંથ છે. પ્રેમ, દયા, કરુણા, અહિંસા, નીતિમત્તા, સત્ય, સમભાવ, ભાઈચારો, પાડોશીધર્મ અને સર્વધર્મ સમભાવ જેવા અનેક વિષયો અને કથાઓ આ ગ્રંથમાં છે. ઇસ્લામ જેના માટે વિશેષ ચર્ચામાં રહ્યો છે તે જિહાદ અને કુરબાની જેવા વિષયો અંગે પણ સ્પષ્ટ આદેશો તેમાં આપવામાં આવ્યા છે.
હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર રમજાન માસમાં ઉતરેલ પ્રથમ વહી શિક્ષણ અને જ્ઞાનના મહત્ત્વને વ્યકત કરે છે. તેમાં કયાંય હિંસાનો ઇશારો સુઘ્ધાં નથી. એ પ્રથમ વહીમાં ખુદાએ મહંમદસાહેબ (સ.અ.વ.)ને કહ્યું હતું,
પઢો-વાંચો પોતાના ખુદાના નામે જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદમાંથી ઇન્સાનનું સર્જન કર્યું છે. એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું અને ઇન્સાન જે નહોતો જાણતો,જેનાથી તે અજ્ઞાન હતો, તે બધું તેને શીખવ્યું છે..
કુરાને શરીફનો આરંભ બિસ્મિલ્લાહ હિરરહેમા નિરરહિયમમથી થાય છે. જેનો અર્થ થાય છે, શરૂ કરું છું અલ્લાહના નામે જે બેહદ મહેરબાન અને દયાળુ છે.કુરાને શરીફમાં પ્રેમ, કરુણા, અહિંસાને લગતી આયાતો ઠેર ઠેર જૉવા મળે છે. જેમ કે, ખુદા ક્ષમાશીલ અને પ્રેમાળ છે.
એવું એક પણ પ્રાણી આ પૃથ્વી પર નથી કે જેની આજીવિકાનો ભાર ખુદા પર ન હોય, તે પ્રાણીમાત્રના નિવાસ અને અંતિમ વિશ્રામધામને જાણે છે.
અને ખુદા તમારા ઉપર કૃપાદૃષ્ટિ રાખવા ઇરછે છે, પણ શુદ્ર, વાસનાઓની પાછળ ભટકનાર લોકો તમે આડે માર્ગે જઈને ખુદાથી દૂર ચાલ્યા જાવ છો.
ધરતી પર ફસાદ ઉત્પન્ન ન કરો. અલ્લાહને પુકારતા રહો નિશ્ચિત અલ્લાહની કૃપા સારા ચારિત્ર્યવાળા લોકોની સમીપ છે.
જે કોઈ રજમાત્ર પણ નેકી (સદ્કાર્ય) કરશે અને જે રજમાત્ર પણ બુરાઈ કરશે, તેને સૌને ખુદા જૉઈ રહ્યો છે.
તારો રબ(ખુદા) એવો નથી કે તે વિનાકારણ વસ્તીઓને નષ્ટ કરે..
અલ્લાહને શું પડી છે કે તે તમને અકારણ યાતનાઓ આપે? જૉ તમે કૃતજ્ઞતા દેખાડતા રહો અને શ્રદ્ધાથી નીતિના માર્ગે ચાલતા રહો.
અને જૉ તમે લોકોથી બદલો લો તો બસ એટલો જ લો જેટલી તમારી ઉપર બળજબરી કરવામાં આવી હોય, પરંતુ જો સબ્ર રાખો તો તે ખુદાને વધારે પસંદ છે..
તેઓ જે સદ્કાર્યો કરે છે તેની કદર કરવામાં આવશે. અલ્લાહ સંયમી લોકોને સારી રીતે ઓળખે છે.
જયારે તમને કોઈ સલામ કરે તો તમે પણ તેને અત્યંત સારા શબ્દોમાં જવાબ વાળો. અથવા જેવા શબ્દો તેણે કહ્યા છે તેવા જ શબ્દોમાં જવાબ વાળો. અલ્લાહ દરેક બાબતોનો નિગેહબાન છે..શેતાન માત્ર એટલું જ ઇરછે છે કે દારૂ અને જુગાર દ્વારા તમારી વરચે દુશ્મનાવટ અને વેરભાવના ઉત્પન થાય. તમને અલ્લાહની યાદ અને નમાજથી અટકાવે. શું તમે અટકી જશો?
આવી પ્રેમ, શ્રધ્ધા, કરુણા અને અહિંસાની શીખ આપતી આયાતોથી ભરપૂર કુરાને શરીફ અંગે ગાંધીજીએ કહ્યું છે, મહંમદ(સલ.) પણ ભારે કળાકાર કહેવાય. તેમનું કુરાન અરબી સાહિત્યમાં સુંદરમાં સુંદર છે. પંડિતો પણ તેને એવું જ વર્ણવે છે. એનું કારણ શું? કારણ એ જ કે તેણે સત્ય જૉયું અને સત્ય પ્રગટ કર્યું.
(‘દિવ્યભાસ્કર’4એપ્રીલ 2008ના સૌજન્યથી)

No comments:

Post a Comment