Saturday, August 18, 2018

બહુધર્મી સંવાદ : ડૉ. મહેબૂબ દેસાઈ


ભારતીય ગણરાજ્ય દક્ષિણ એશિયામાં સ્થિત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. ભારત દેશની મૂળભૂત અને આગવી વિશિષ્ટતા તેની સાંસ્કૃતિક વિવિધતા અને સમન્વયમા રહેલ છે. લગભગ ૧૪૦૦ વર્ષોથી ભારતમાં હિંદુ મુસ્લિમ એક સાથે રહે છે. બંને વચ્ચે સામાજિક અને આર્થિક સમન્વય અને સંવાદ યથાવત છે. બંનેની એક બીજાના દુઃખ દર્દો, તહેવારો અને ખુશીઓમા એક સરખી શામીલગીરી રહી છે. આમ છતાં ધર્મના મામલામાં બંને વચ્ચે સમન્વય કે સુઝબુઝનો અભાવ જોવા મળે છે. જો કે બંને ધર્મના વિદ્વાનો અને બુદ્ધિજીવીઓએ પ્રત્યેક યુગમાં એક બીજાની સંસ્કૃતિ અને સભ્યતાને સમજવાનો અને પ્રજાને સમજાવવાનો સતત પ્રયાસ કર્યો છે. તેને ઇતિહાસમાં બહુધર્મી સંવાદ તરીકે ઓળખવામાં આવે છે. આવા બહુધર્મી સંવાદના અનેક ઉદાહરણો ઇતિહાસના પાનાઓ પર આજે પણ જીવંત છે. ભારતમાં હિંદુ ધર્મ અને ઇસ્લામ વચ્ચે બહુધર્મી સંવાદનો આરંભ મુસ્લિમોના ભારતમાં આગમન સાથે જ થઈ ગયો હતો. જેને બંને ધર્મના ધર્મ ગુરુઓ અને બુધ્ધીજીવોએ સુદ્રઢ કર્યો હતો. બહુધર્મી સંવાદનું સૌ પ્રથમ માધ્યમ મુસ્લિમ પર્યટકો બન્યા. જેમણે ભારત પરિભ્રમણ દરમિયાનના પોતાના અનુભવોને અરબી ભાષામાં રજુ કર્યા. અને અરબ જગત ને ભારતીય ધર્મો અને સંસ્કૃતિનો પરિચય કરાવ્યો. એ વૃદ્ધ પર્યટકોમાં બિન શહરયાર, સુલેમાન સૈરાફી મસાઉદ્દીન, અને ઇબ્ને ખરરવાજબા મુખ્ય હતા.
એ સમયે ઇસ્લામી હકુમતનું કેન્દ્ર બગદાદ હતું. ઇસ્લામી ઈતિહાસવિદો અને વિદ્વાનો ભારતના ધર્મો, ઈતિહાસ અને જ્ઞાનને જાણવા ઉત્સુક હતા. એટલે તેઓ ભારતથી આવતા પ્રવાસીઓ પાસેથી અને અન્ય માધ્યમો દ્વારા ભારત અંગેનું જ્ઞાન મેળવતા હતા. કેટલાક મુસ્લિમ ઈતિહાસકારો જેવા કે બલાજરી, યાકૂબી અને મુકીદ્સીના ગ્રંથોમા ભારતના વર્ણનો જોવા મળે છે. રબ્નેનદીમએ પોતાના ગ્રંથ “અલફહીરસ્ત”મા એક આખું પ્રકરણ ભારતના ધર્મો પર લખ્યું છે. એ સમયે બગદાદમા અનેક હિંદુ પંડિતો અને કેટલાક નવ મુસ્લિમો પણ રહેતા હતા. સય્યદ સુલેમાન નદવીએ લખ્યું છે કે એ સમયે બગદાદમા અનેક હુંદુ પંડિતો હતા. તેમાના કેટલાકના નામો ઇતિહાસમાં આજે પણ સુરક્ષિત છે. જેમ કે કનક પંડિત, મનકા પંડિત, અને કપિલરાય. આ પંડિતોમાંના કેટલાકે સંસ્કૃત ગ્રંથોના અનુવાદ અરબી ભાષામાં કર્યા હતા. આ પહેલા આર્યભટ્ટે એક પુસ્તક “બ્રહ્મ સિદ્ધાંત”નો અનુવાદ ઈબ્રાહીમ ફરાજીની સહાયથી અરબીમાં કર્યો હતો. આ યુગમાં પણ અનેક પુસ્તકોના અનુવાદ સંસ્કૃતમાંથી અરબીમાં થયા હતા. આવા અનુવાદો અને મૌખિક પરંપરા દ્વારા ભારતીય ધર્મો અંગે જાણકારી અરબીસમાજમાં આધારભૂત રીતે ઉપલબ્ધ થવા પામી હતી. તેનો ખ્યાલ જાહીજ અને અલબેરુનીના ગ્રંથો દ્વારા થાય છે. જેમાં તેમણે ભારતીય ધર્મો પર ઘણો પ્રકાશ પાડ્યો છે.
ભારત વિષે પ્રત્યક્ષ માહિતી ઉપલબ્ધ કરાવવાનો આરંભ અલબેરુનીએ કર્યો હતો. એ લગભગ ૪૦ વર્ષ ભારતમા રહ્યો હતો. તેણે સંસ્કૃત ભાષા શીખી હતી. હિંદુ ધર્મનું જ્ઞાન તેણે મૂળભૂત સંસ્કૃત હિંદુ ધર્મ ગ્રંથોમાથી મેળવ્યું. તેના આધારે તેણે “તહકીકુલ માહિદ” નામક પુસ્તક લખ્યું. જેમાં તેણે અત્યંત સકારાત્મક રીતે હિંદુ ધર્મ અને સંસ્કૃતિનો પરિચય દુનિયાને કરાવ્યો. એ “ભારતશાસ્ત્ર” (ઇન્ડોલોજી) નો પ્રથમ ગ્રંથ છે, જેણે ભારત વિષે અને ખાસ કરીને હિંદુ ધર્મ વિષે દુનિયાને આધારભૂત માહિતી પૂરી પાડી હતી. આ ગ્રંથમાં એ બાબતનો પણ ઉલ્લેખ છે કે ઇસ્લામના અનુયાયીઓને હિંદુ ધર્મને સમજવામાં ક્યાં મુશ્કેલી પડે છે. આ સમય દરમિયાન ઇસ્લામ અને હિંદુ ધર્મ વચ્ચે સમન્વયનો સેતુ સતત બંધાતો ગયો. સિંધ અને બગદાદમા તો આ વિષય પર ઘણી શાશ્તાર્થ ચર્ચાઓ પર આરંભાઈ હતી.આ જ અરસામાં કુરાનનો હિન્દુસ્તાની ભાષામાં અનુવાદ પણ થયો. હિંદુ રાજાઓએ મુસ્લિમ વિદ્વાનોને પોતાના દરબારમાં સ્થાન આપી, તેમના દ્વારા ઈસ્લામને સમજવાની કોશિશ પણ કરી.
ભારતમાં સલ્તનત યુગ (ઈ.સ. ૧૨૦૬ થી ૧૫૨૬) માં સુફી અને હિંદુ સંતો તથા હિન્દીના કવિઓએ  બંને ધર્મો વચ્ચે સમન્વયના સેતુને જીવંત રાખ્યો હતો. સુફીઓએ ઇસ્લામના એકેશ્વરવાદને અદ્વેતમના સ્વરૂપમાં રજુ કર્યો. જેમાં હિંદુ સંતોને વેદાંતમાં રજુ થયેલ એકેશ્વરવાદના વિચારની ઝલક દેખાઈ. જયારે બીજી બાજુ હિંદુ ભક્તોએ ભક્તિ આંદોલનમા ઇસ્લામ અને હિંદુ ધર્મના  બાહ્ય રીત રીવાજોથી અલગ એક એવું વાતાવરણ ઉત્પન કર્યું જેમાં અંતઃકરણના વિવેચન પર વિશેષ ભાર આપવામાં આવ્યો. પરિણામે હિંદુ અને મુસ્લિમો વચ્ચે સામંજસ્ય અને સમરસતાનું એવું વાતાવરણ સર્જાયું, જેણે ભારતમા બહુધર્મીય સમાજની રચના કરી. એ માટે જે મહાપુરુષો સહભાગી બન્યા તેમાં મુલ્લા દાઉદ, કબીર, રસખાન, માલિક મુહમદ જાયસી, ગુરુનાનક, સુરદાસ, અને તુલસીદાસનો સમાવેશ કરી શકાય. સૂફી સંતોમાં શેખ નિઝામુદ્દીન ઓલિયા, બાબા ફરીદુદ્દીન ગંજશકર, ખ્વાજા ગરીબ નવાઝ વગેરે પણ આ પારસ્પરિક સંવાદના સુત્રધાર બન્યા હતા અને તેમણે એ યુગના સમાજને એક અદભૂત સૂત્ર આપ્યું.
“હર કૌમ રાસ્ત દિને, રસ્મે વ કીબ્લાહે”  અર્થાત “હર કોમ ને પોતનો એક ધર્મ, રીતરિવાજ અને (કિબલા) ઈબાદતનું સ્થાન હોય છે.”
અમીર ખુસરો જેઓ આ સાંઝી ગંગા જમની સંસ્કૃતિના પ્રારંભિક નાયક હતા, તેમણે બહુધર્મી સંવાદમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ સંદર્ભમા કાશ્મીરના મુસ્લિમ ઋષીઓનો ઉલ્લેખ કરવો પણ અનિવાર્ય બની જાય છે. કાશ્મીરમાં સુફી સંતોનો એક મોટો વર્ગ હતો, જેને ઋષીઓ કહેવામાં આવતા હતા, તેઓ હિંદુ અને મુસ્લિમ બંને સમાજોમાં લોકપ્રિય હતા. તેમનો સૌ આદર કરતા હતા. આવા સંતો મુસ્લિમ અને હિંદુઓમા અલગ અલગ નામોથી પ્રસિદ્ધ હતા. જેમ કે સુફી સંત શેખ નુરુદ્દીન હિંદુઓમાં નંદ ઋષિના નામે જાણિતા હતા. આવા ઋષીઓ નમાઝ, રોઝા અને અન્ય ધાર્મિક આદેશોનું પાલન કરતા પણ માંસ ખાતા ન હતા.  

મોગલ યુગ (૧૫૨૬ થી  ૧૭૦૭)મા ધાર્મિક સમરસતા વિસ્તરતી પ્રતીત થાય છે. કારણ કે તેમાં મુસ્લિમ શાશકોએ વિશેષ રૂચી લેવાનો આરંભ કર્યો હતો. મોગલ શાશનના સ્થાપક બાબરે તેના પુત્ર હુમાયુને જે નસીહત આપી હતી, તેમાં તેનો વિશેષ ઉલ્લેખ જોવા મળે છે. તે નાસીતોમાં તેને તેના પુત્રને કહ્યું હતું,
“તારા માટે એ જરૂરી છે કે તું તારા દિલમાંથી તમામ ધાર્મિક દ્વેષ દૂર કરી દે. અને દરેક ધર્મના નિયમોને ધ્યાનમાં રાખી ઇન્સાફ કર. તું દેશમાં ગાયની કુરબાની કરવાનું બંધ કર. એ દ્વારા જ તું હિંદુઓના દિલ સુધી પહોંચી શકીશ. દેશની પ્રજા તારા એ કૃત્યથી તારી હંમેશા ઋણી રહેશે. જે કોમ શાશકના આદેશોનું પાલન કરે છે તેના ધાર્મિક સ્થાનોની રક્ષા કરવાની તારી પવિત્ર ફરજ છે.”
અબુલ ફઝલએ તેના પુસ્તક “આઈને અકબરી” મા હિંદુ ધર્મનો પરિચય આપતું એક આખું પ્રકરણ લખ્યું છે. અકબરે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કરાવ્યા હતા. એ સમયે બંને ધર્મો વચ્ચેના સંવાદની પરંપરાના મુખ્ય સુત્રધાર શેખ અબ્દુલ કુંદદૂસ ગંગોહી, મિર્ઝા મજહર ખાનખાના, મૌલાના ફઝલુરહમાનગંજ મુરાદાબાદી, મૌલના ફઝલુલહસન  હસરત મૌહાની જેવા અનેક વિદ્વાનો હતા. એ પરંપરાને યથાવત રાખવાનો સંઘર્ષ કરનાર આધુનિક યુગમા મૌલના આઝાદ, મૌલાના હુસૈન અહમદ મદની જેવા અનેક વિદ્વાનો હતા. હિંદુ સમાજના અગ્ર સુધારક રાજા રામ મોહન રાયએ “તોહફતુલ મોહિદીન” નામક પુસ્તક લખીને એ બાબત સિદ્ધ કરી હતી કે બધા ધર્મનું મૂળ “તોહીદ” અર્થાત “એકેશ્વરવાદ”મા છે. અને આ માન્યતા દરેક ધર્મમાં સમાન છે. રસપ્રદ બાબત એ છે કે રાજા રામ મોહન રાયે આ પુસ્તક ફારસીમાં લખ્યું હતું અને તેની વિસ્તૃત પ્રસ્તાવના અરબીમાં લખી હતી. ઇતિહાસમાં એ તથ્ય હજુ ઉજાગર નથી થયું કે રાજા રામ મોહન રાયએ પ્રારંભિક શિક્ષણ “મદ્રેસા”માં લીધી હતું અને એ પછીનું શિક્ષણ “ગુરુકુલ”મા લીધું હતું. રાજા રામ મોહન રાય પછી બહુધર્મી સંવાદની પરંપરાને આગળ ધપાવવાનું કાર્ય સ્વામી વિવેકાનંદએ કર્યું હતું. તેમણે હિંદુ ધર્મને વિશ્વવ્યાપકતા પ્રદાન કરી અને બહુધર્મી સંવાદને વિશ્વમાં પ્રચલિત કર્યો. તેમણે હિંદુ મુસ્લિમ સબંધોને “વેદાંતી બુદ્ધિ” અને “ઇસ્લામી શરીર” (એન ઇસ્લામિક બોડી વિથ વેદાંતી બ્રેન)વાળા સુંદર ભારતની પરિકલ્પના કરી. તેમણે
યથાર્થવાદિતા અને સહિષ્ણુતાનો પરિચય કરાવતા કહ્યું કે,
“ભારત પર મુસ્લિમોનો વિજય ગરીબ અને કચડાયેલા લોકો માટે મુક્તિનો માર્ગ સાબિત થયો છે.”
વિનોબા ભાવે અને પંડિત સુંદરલાલ જેવા મહાનુભાવોએ આ બહુધર્મી સંવાદને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. વિનોબાજીએ “રુહુલ કુરાન” અને પંડિત સુંદરલાલએ
“ગીતા અને કુરાન” પુસ્તકો લખી સમન્વયની પરંપરાને આગળ વધારવાનું નોંધપાત્ર કાર્ય કર્યું હતું. આધુનિક ભારતમાં બહુધર્મી સંવાદને બે અન્ય મહાનુભાવોએ પણ પોતાના કાર્યો દ્વારા સાકાર કર્યો હતો. એક હતા મહાત્મા ગાંધી અને બીજા જવાહરલાલ નહેરુ. મહાત્મા ગાંધીએ પોતાની પ્રારંભિક આયુમાં કુરાન અને મહંમદ સાહેબ (સ.અ.વ.)નું જીવન ચરિત્ર વાંચ્યા હતા.તેઓ હઝરત મહંમદ સાહેબના જીવનથી અત્યંત પ્રભાવિત હતા.ગાંધીજીએ ભારત     ની તુલના એક વિરાટ સમાજ સાથે કરી હતી, જેમાં વિભિન્ન ધર્માવલંબી રહે છે. અને દરેકને સમાન અધિકાર પ્રાપ્ત છે. ગાંધીજીએ એ જ કારણે ખિલાફત ચળવળમાં ભારતની સામેલગીરીને સંમતિ આપી હતી. જેના કારણે અસહકાર આંદોલનમા સમગ્ર ભારતની એકતાના દર્શન થયા હતા.
બહુધર્મી સંવાદની આ દીર્ઘ પરંપરા આજે પણ યથાવત છે.




                                                                                                

Wednesday, August 8, 2018

ઇસ્લામના કેટલાક પ્રતિબંધિત કાર્યો : ડૉ.મહેબૂબ દેસાઈ


ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફમા અનેક મુલ્યનિષ્ઠ આદેશો ઠેર ઠેર જોવા મળે છે. એ જ રીતે હઝરત મહંમદ પયગંબર (સ.અ.વ.) સાહેબના જીવનકવનમાંથી પણ અનેક આદર્શો દરેક માનવીએ અપનાવવા જેવા છે. એવા સાહિત્યને ઇસ્લામમાં “હદીસ” કહે છે. મહંમદ સાહેબ સાથે રહેનાર તેમના જીવનને નજીકથી જોનાર સહાબીઓએ નોધેલ મહંમદ સાહેબના જીવન પ્રસંગો કે ઉપદેશો ઇસ્લામમાં હદીસ”ના નામે પ્રચલિત છે. અર્થાત ઇસ્લામના અન્ય ધર્મ પુસ્તકો જેમાં મહંમદ સાહેબના કાર્યો અને ભિન્ન ભિન્ન પ્રસંગોએ કહેલા વચનો કે વૃતાંતોને હદીસ કહેવામાં આવે છે. એવી જુદી જુદી હદીસોમા મહંમદ સાહેબે ઇસ્લામના અનુયાયીઓને ન કરવા જેવી પ્રતિબંધિત અનેક વાતોનો ઉલ્લેખ કર્યો છે. જેમાની કેટલી બાબતોનો અત્રે ઉલ્લેખ કરવો છે. એ આદેશો જોતા એવું લાગે છે કે મૂલ્યનિષ્ઠ સમાજ ઇચ્છનાર કોઈ પણ માનવીએ તેનું પાલન કરવું જોઈએ. અત્રે એવા કેટલાક પ્રતિબંધિત આદેશો આપ્યા છે. મહંમદ સાહેબના આ આદેશ પછી કૌંસમા આપવામાં આવેલ શબ્દ હદીસનો આધાર સૂચવે છે.
1.       કોઈને ક્યારેય નુકસાન ન પહોંચાડો કે ક્યારેય નુકસાન કરનારના સહાયક ન બનો. (અહમદ)
2.       કોઈ પણ વ્યક્તિને નફરત કે ધૃણા ન કરો (અહમદ)
3.       પેશાબ કે સંડાસ કયારેય કાબા શરીફ તરફ મુખ રાખીને ન કરો.(અબુ દાઉદ)
4.       કયારેય વાસણમા શ્વાસ ન લો (મુસ્લિમ)
5.       ઉભા ઉભા પેશાબ ન કરો (ઈબ્ન માજાહ)
6.       બાથરૂમ અર્થાત સ્નાન કરાવના સ્થાન પર પેશાબ ન કરો. (અબુ દાઉદ)
7.       રોજ માથું ઓળવામાં સમય વ્યય ન કરો. (અબુ દાઉદ)
8.       પેશાબ અને સંડાસને રોકીને નમાઝ ન પઢો. (ઈબ્ન માજાહ)
9.       પેશાબ અને સંડાસ કરતા સમયે વાતો ન કરો. (અબુ દાઉદ)
10.   કોઈને ઉઠાડી તેની જગ્યા પર ન બેસો. (બુખારી)
11.   કાચું લસણ કે ડુંગળી ખાઈને કયારેય મસ્જિતમાં ન જાઓ.(મુસ્લિમ)
12.   નમાઝ પઢનારની આગળથી પસાર ન થાઓ. (બુખારી)
13.   નમાઝ પઢતા સમયે આજુ બાજુ ન જોવો. (અબુ દાઉદ)
14.   વઝું કર્યા પછી બંને હાથોની આંગળીઓ એક બીજામાં ન નાખો. (અબુ દાઉદ)
15.   જુમ્માની નમાઝ પહેલા ખુત્બા (ધાર્મિક પ્રવચન) દરમિયાન વાતચીત ન કરો. (મુસ્લિમ)
16.   મૃત્યું સમયે માતમ કે મોટેથી આક્રંદ ન કરો. (ઈબ્ન માજાહ)
17.   મૌતની ઈચ્છા ન કરો કે તેની દુવા ન માંગો. (તીરમીઝી)
18.   અસત્ય બોલીને કશું ન વેચો. (બુખારી)
19.   પુરુષ કયારેય સોનું કે રેશમ ન પહેરે (નાસાઈ)
20.   કીડી કે મધમાખી ન મારો. (અબુ દાઉદ)
21.   દેડકાને ન મારો. (અબુ દાઉદ)
22.   ડાબા હાથે ન ખાઓ કે ન પીઓ. (મુસ્લિમ)
23.   ભોજનના થાળમાં વચ્ચેથી ન ખાઓ. (તીરમીઝી)
24.   ખાધા પછી આંગળીઓ બરાબર ચાટી લીધા પછી જ હાથ ધોવો. (મુસ્લિમ)
25.   સોના ચાંદીના વાસણોમાં ન ખાઓ ન પીઓ. (બુખારી)
26.   પાણી ઉભા ઉભા ન પીઓ. (મુસ્લિમ)
27.   “મા” ના સોગંદ ન ખાઓ. (બુખારી)
28.   કોઈ મુસ્લિમ બીજા મુસ્લિમ સામે હથિયાર ન ઉપાડે. (બુખારી)
29.   ચાડી ચુગલી ન કરો. (બુખારી)
30.   દુનિયા (જમાના)ની બૂરાઇ ન કરો. (બુખારી)
31.   જાદુગર પાસે ન જાઓ. (બુખારી)
32.   તમારા ધરોમાં જીવિતની તસ્વીરો ન રાખો. (તીરમીઝી)
33.   જીવિતની તસ્વીર ન બનાવો. (તીરમીઝી)
34.   ઉભા ઉભા જૂતા ન પહેરો. (અબુ દાઉદ)
35.   સ્ત્રીઓ પુરુષો જેવા વસ્ત્રો ન પહેરે.(અબુ દાઉદ)
36.    સ્ત્રીઓ બારીક કે પાતળા અને ચુસ્ત વસ્ત્રો ન પહેરે (મુસ્લિમ)
37.   માત્ર એક પગરખું પહેરી ન ચાલો. (બુખારી)
38.   નમાઝે ઈશા અર્થાત રાત્રીની નમાઝ પહેલા ન સુવો. (અબુ દાઉદ)
39.   કોઈના ઘરમાં ડોકિયા ન કરો. (બુખારી)
40.    અજાણી સ્ત્રી સાથે એકાંતમાં ન રહો. (બુખારી)
41.   કોઈ મુસ્લિમ અન્ય મુસ્લિમ સાથે ત્રણ દિવસથી વધુ અબોલા કે નારાજગી ન રાખે. (મુસ્લિમ)
42.   ગુસ્સો ન કરો. (બુખારી)
43.   કોઈને ચહેરા પર ન મારો. (મુસ્લિમ)
44.    એક બીજાની ઈર્ષા ન કરો. (મુસ્લિમ)
45.   એક બીજા સાથે હદયથી દુશ્મની ન રાખો. (મુસ્લિમ)
46.   મૃતક માનવીની ટીકા ન કરો. (બુખારી)
47.   લોકોને હસાવવા માટે અસત્ય ન બોલો. (અબુ દાઉદ)
48.   રસ્તા પર બેસવાથી બચો. (મુસ્લિમ)
49.   વેચતી કે ખરીદતી વખતે સોગંદ ન ખાઓ. (મુસ્લિમ)
50.   યહુદીઓ અને ઈસાઈઓની અયોગ્ય રીતભાત ન અપનાવો. (તીરમીઝી)
51.   ક્યારેય કોઈની હત્યા ન કરો. (અબુ દાઉદ)
52.   કોઈને ક્યારેય શારીરિક ક્ષતિ ન પહોંચાડો. (અબુ દાઉદ)
53.    સૂતા સમયે એક પગ બીજ પગ પર ન રાખો. (તીરમીઝી)
54.   કાબા શરીફ તરફ ક્યારેય ન થૂંકો. (અબુ દાઉદ)
55.   કાબા શરીફ તરફ મુખ રાખી નાક ન સાફ કરો. (ઈબ્ન હબ્બાબ)
56.   સ્ત્રી પોતના પતિની સંમતિ વગર ઘર બહાર ન જાય. (અબુ દાઉદ)
57.   પોતાની પત્નીને ગુલામની જેમ ન રાખો. (બુખારી)
58.   કોઈ પતિ તેની પત્ની પ્રત્યે દ્વેષ ભાવ ન રાખે. (મુસ્લિમ)


હઝરત મહંમદ સાહેબના ઉપરોક્ત આદેશો માત્ર ઇસ્લામના અનુયાયી માટે જ નથી. સમગ્ર માનવ સમાજ માટે છે. કારણે કે તેમાં જીવનના મુલ્યો સમાયેલા છે. આજે એકવીસમી સદીમાં પણ તે સ્વચ્છ અને તંદુરસ્ત સમાજના સર્જન માટે ઉપયોગી લાગે છે. ખુદા ઈશ્વર આપણને સૌને તેનું પાલન કરવાની હિદાયક અને મનોબળ આપે એજ દુવા – આમીન. 

Wednesday, August 1, 2018

કુરબાનીની કથાના નાયક : ડૉ. મહેબૂબ દેસાઈ



ઇસ્લામના અનુયાયીઓ ૨૨ અને ૨૩ ઓગસ્ટના રોજ ઈદ-ઉલ-અજહા અર્થાત બકરા ઈદની ઉજવણી કરી રહ્યા છે. એ સંદર્ભે સૌ બિરાદરોને મારા તરફથી ઈદ મુબારક. ઇસ્લામની બંને ઈદો આધ્યાત્મિક અભિગમને  વ્યકત કરે છે. ઈદ-ઉલ ફિત્ર અર્થાત રમઝાન માસના અંતે આવતી રમઝાન ઈદ, ઈબાદત અને દાનના મહિમાને વ્યક્ત કરે છે. જયારે ઈદ-ઉલ-અજહા અર્થાત બકરા ઈદ ત્યાગ બલિદાન અને કુરબાનીની ભાવનાને  વ્યક્ત કરે છે. ઈદ-ઉલ-અજહાના કેન્દ્રમાં ઇસ્લામના જે પયગમ્બરની કથા છે, તેને આપણે બહુ ઓછા ઓળખીયે છીએ. એ પયગમ્બરનું નામ છે હઝરત ઈબ્રાહીમ.
ઇસ્લામમાં ખુદાના નામે મા-બાપ, વતન અને પોતાના એક માત્ર સંતાનની કુરબાની આપનાર હઝરત ઈબ્રાહીમની કથામાં સંઘર્ષ અને બલિદાનનું ઉત્તમ દ્રષ્ટાંત છે. ઇસ્લામમાં કુરબાની (ત્યાગ)ની મિશાલ કાયમ કરનાર હઝરત ઈબ્રાહીમને "ખલિલુલ્લાહ" અર્થાત ખુદના પ્યારા દોસ્ત કહેવામાં આવ્યા છે. હઝરત ઈબ્રાહીમનો જન્મ ઈ.સ. પૂર્વે ૨૦૩૨માં થયેલો મનાય છે. તેમના માતા મુસલી અને પિતા આઝર હતા. કુરાને શરીફમાં આપવામાં આવેલા સંદર્ભ મુજબ નાનપણથી જ પિતાના વિચારો સાથે બાળક ઈબ્રાહીમના વિચારો મેળખાતા ન હતા. હઝરત ઈબ્રાહીમ પિતાને કહેતા,
"ખુદા એક છે અને તેની ઈબાદત કરો. એ જ સત્ય છે"
જયારે પિતા કહેતા,
"તું મારા ઘરમાંથી બહાર નીકળી જા. મારા ધર્મમાંથી તું ચલિત થઇ ગયો છે"
યુવાવસ્થામાં પણ હઝરત ઈબ્રાહીમ પોતાના આ વિચારોનો પર્ચાર-પ્રસાર કરતા રહ્યા. હઝરત ઈબ્રાહીમના આવા વિચારોની જાણ ઈરાકના બાદશાહ નમરુદને થઇ. અને તેણે હઝરત ઈબ્રાહીમને પોતાની સાથે ચર્ચા કરવા તેડાવ્યા. કુરાને શરીફની સુરા: બકરાહમાં હઝરત ઈબ્રાહીમ અને બાદશાહ નમરુદ વચ્ચેના કેટલાક સુંદર સંવાદો આપવામાં આવ્યા છે.
નમરુદ હઝરત ઈબ્રાહીમને પૂછે છે,
"તારો રબ (ખુદા-ઈશ્વર)કોણ છે ?"
હઝરત ઈબ્રાહીમે જવાબ આપ્યો,
"મારો રબ એ છે જેના અધિકારમાં જીવન અને મૃત્યુ છે"
બાદશાહ નમરુદ અહંકારથી કહે છે,
"જીવન અને મૃત્યુ તો મારા અધિકારમાં છે"
હઝરત ઈબ્રાહીમએ ફરમાવ્યું,
"એ સત્ય નથી. એમ જ હોય તો ખુદા સુર્યને હંમેશા પૂર્વમાંથી ઉગાડે છે. તું તેને એકવાર પશ્ચિમમાંથી ઉગાડી દેખાડ"
અને હઝરત ઈબ્રાહીમની આ દલીલ સામે બાદશાહ નમરુદ નિરુત્તર બની ગયા.
જો કે હઝરત ઈબ્રાહિમના આવા એકેશ્વરવાદ અર્થાત "તોહીદ"ના વિચારોથી રાજા નમરુદ અને તેની પ્રજામાં હઝરત ઈબ્રાહિમ વિરુદ્ધ સખત વિરોધ વ્યાપી ગયો. પરિણામે હઝરત ઈબ્રાહીમના ખુદા પરના આવા ઈમાન (વિશ્વાસ)ને કારણે તેમને અનેક યાતનાઓ ભરી કપરી કસોટીઓથી પસાર થવું પડ્યું. એકવાર પ્રજાએ હઝરત ઈબ્રાહીમને જીવતા સળગાવી મુકવાનો નિર્ણય કર્યો. શહેરની નજીક કોસી નામના પહાડની તળેટીમાં એક ખાડો ખોદવામાં આવ્યો. એ ખાડામાં અઢળક લાકડાઓ નાખવામાં આવ્યા. એ પછી હઝરત ઈબ્રાહીમને બાંધીને તે ખાડામાં બેસાડવામાં આવ્યા. કુરાને શરીફમાં આ અંગે લખવામાં આવ્યું છે,
"અને તેમને ધગધગતા અગ્નિમાં નાખવામાં આવ્યા" અને "હવે જોઈએ છીએ તારો ખુદા તને કેવી રીતે બચાવે છે ?"
બરાબર એ જ વખતે ખુદાના ફરિશ્તા હઝરત જિબ્રીલે આવીને હઝરત ઇબ્રાહિમને પૂછ્યું,
"અય ખલિલુલ્લાહ, તમારે મારી મદદની જરૂર છે ?"
હઝરત ઈબ્રાહીમે ફરમાવ્યું,
"મારે તમારી નહિ, મારા ખુદાનીં મદદની જરૂર છે. મને વિશ્વાસ છે કે તે મને જરૂર મદદ કરવા આવશે"
ખુદાના મિત્ર સમા હઝરત ઈબ્રાહીમનો આવો અડગ વિશ્વાસ જોઈને ખુદા અંત્યત ખુશ થયા. અને જે આગને પ્રગટાવવામાં સાત દિવસ લાગ્યા હતા, તે આગ એકાએક ઠંડી પડવા લાગી. હઝરત ઈબ્રાહિમના બંધનો એક પછી એક તૂટવા લાગ્યા. અને તેઓ આગમાંથી હેમખેમ મુક્ત થઇ ગયા.

ખુદાના આવા દોસ્ત હઝરત ઈબ્રાહીમને એક રાત્રે સ્વપ્નું આવ્યું. સ્વપ્નમાં ખુદાએ તેમના પ્યારા પુત્ર ઈસ્માઈલની ખુદના નામે કુરબાની આપવાનો આદેશ આપ્યો. ખુદાના આદેશનું પાલન કરવા પોતાના એકના એક વ્હાલસોયા પુત્રને લઇ હઝરત ઈબ્રાહીમ જંગલમાં જવા નીકળી પડ્યા. મુનહર પહાડી પર પહોંચ્યા, પોતાના પુત્રને એક પથ્થર પર સુવડાવી તેની કુરબાની કરવા તેના ગાળા પર તેમણે છરી ફેરવી ત્યારે તેમને આકાશવાણી સંભળાય.
"ઈબ્રાહીમ, તે ખુદાના આદેશનું શબ્દસહ પાલન કર્યું છે. ખુદા પોતાના નેક બંદાઓની આ જ રીતે કસોટી કરે છે. તું ખુદાની કસોટીમાથી પાર ઉતાર્યો છે. તેથી તારા વહાલા પુત્રને બદલે પ્રતિક રૂપે એક જાનવરની કુરબાની કર"
અને તે દિવસથી બકરા ઈદ અર્થાત ઈદે-એ-કુર્બાનો આરંભ થયો. આ કથા હઝરત ઇબર્હીમની ખુદાએ લીધે કસોટી વ્યક્ત કરે છે. ખુદા માટે પોતાના વહાલા પુત્રનો પણ ત્યાગ કરવાની ભક્તની કેટલી તૈયારી છે, તે જ તેમાં તપાસવાનો પ્રયાસ છે. અને એટલે જ કથાનું હાર્દ વ્યક્ત કરતા કુરાને શરીફમાં કહેવામાં  આવ્યું છે,
"ખરેખર તો એ એક કસોટી  હતી"