Wednesday, September 10, 2014

Never trust on KENT RO SYSTEM LTD.


Dear Friends,

 

Never trust on KENT  RO SYSTEM LTD. The company is not taking any care of COUSTMERS.

There are no any after sell service.

The Officers are most irresponsible. The dot take Care of COUSTMERS.

This is my personal Experience. So I obey my Humble Duty as a COUSTMER.

 

Thanking You

Prof. Mehboob Desai

Prof. Head

Department of History & Culture

Gujarat Vidiyapith

Ahmadabad

9825114848

 

   

Tuesday, September 9, 2014

ઇતિહાસકાર રત્નમણિરાવ જોટેની અંતરંગ વાતો : ડૉ.મહેબૂબ દેસાઈ

ગુજરાતના ઈતિહાસને સમૃદ્ધ કરનાર આંગળીને વેઢે ગણાય તેટલા ઇતિહાસકારોમાના એક રત્નમણિરાવ ભીમરાવ જોટે(૧૮૯૫-૧૯૫૫)થી ઇતિહાસનો કોઈ અભ્યાસુ અપરિચિત નહિ હોય. અમદાવાદનો પરિચય, ખંભાતનો ઇતિહાસ, ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ, ગુજરાતનું વહાણવટું, અમદાવાદ ગુજરાતનું પાટનગર, ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ ઇસ્લામ યુગ (૧થી૪ ભાગ) જેવા આધારભૂત ગ્રંથોના સર્જક રત્નમણિરાવ ભીમરાવ જોટેનો જન્મ આજ થી એક સો ઓગણીસ વર્ષ પૂર્વે ૧૯ ઓક્ટોબર ૧૮૯૫મા કચ્છમા દીવાન મોતીલાલ લાલભાઈને ત્યાં અધૂરા મહિને થયેલો. તેથી કુંટુંબમાં તેઓ સોને વહાલા હતા. તેમનું કુટુંબનું પેટ નામ ભાણાભાઈ હતું. નાનપણથી જ રત્નમણિરાવને સૌ ભાણાભાઈ કહેતા. એ હુલામણું નામ આજીવન તેમની સાથે જ રહ્યું. આપ્તજનોના વર્તુળોમાં એ નામ એટલું પ્રિય થઇ પડ્યું હતું કે વયોવૃદ્ધ થયેલ રત્નમણિરાવને નાનેરાઓ પણ છેવટ સુધી "ભાણાભાઈ" જ કહેતા. એવી જ નાવિન્ય પૂર્ણ બાબત તેમની અટકની છે. તેમની જોટે અટક ઈતિહાસ વિદોમાં આજે પણ ચર્ચાનો વિષય છે. રત્નમણિરાવ જોટે પોતાની અટક "જોટે" અંગે રસપ્રદ માહિતી આપતા લખે છે,

"અમારી અટક જોટ છે. કેટલાકે એમાંથી જોધ - યોધ ઉપજાવી કાઢી છે. પણ ખરો અર્થ એ નથી. અમારા પૂર્વજો કચ્છ-કાઠીયાવાડ તરફથી આવેલા ત્યારે અહિયાના શહેરી લોકોનો એ જોટ જેવા જોટડા જેવા લગતા. કેમ કે એમના ડીલ ઉપર વાળ હતા. આથી તેમને જોટ એવું ઉપનામ મળ્યું. આમાંના "ઓ"નો સાંકળો ઉચ્ચાર દર્શાવવા મેં શાળામાં એની અંગ્રેજી જોડણી "jhote" કરેલી. એ પરથી કેટલીક જોડણી "જોટ" ને બદલે  "જોટે" સમજી બેઠા."

રત્નમણિરાવનું મોસાળ અમદાવાદમાં આવેલ ખાડીયની સાંકળી શેરીમાં હતું. તેમના પ્રાથમિક શિક્ષણની શરૂઆત ભદ્રમાં આવેલ મિડલ સ્કુલમાં અંગ્રેજી માધ્યમમાં થઇ હતી. ત્યાં થોડો વખત અભ્યાસ કરી તેઓ આર.સી. હાઇસ્કુલમાં જોડાયા હતા. અને ઈ.સ. ૧૯૧૪મા તેમણે મેટ્રિકની પરીક્ષા ત્યાંથી જ પાસ કરી. ઈ.સ ૧૯૧૯મા ચોવીસ વર્ષની વયે સંસ્કૃત અને અગ્રેજી સાથે ગુજરાત કોલેજમાંથી બી.એ. થયેલા રત્નમણિરાવ ઇતિહાસના ઊંડા અભ્યાસુ અને સંશોધક બનશે એવી કોઈને કલ્પના સુધ્ધ ન હતી. સૌ પ્રથમ એમણે "ગુજરાતની સંસ્કૃતિ અને ઇતિહાસનું વિહંગાવલોકન" નામે એક અભ્યાસપૂર્ણ લેખ લખ્યો. ત્યારથી એમની તરફ સૌનું ધ્યાન ખેંચાયું.પછી તો એ યુવાને એવી સિદ્ધિ હાંસલ કરી કે ગુજરાતના ઇતિહાસ પર સંશોધન કરવા ઇચ્છતા કોઈ પણ અભ્યાસુ કે વિદ્યાર્થીએ રત્નમણિરાવ જોટેને વાંચવા જ પડે. તેમના પુસ્તકો જોયા વગર કે તેના સંદર્ભો લીધા વગર ગુજરાતનો આધારભૂત ઇતિહાસ આલેખી શકાય જ નહિ. આવા ઇતિહાસના પ્રખર અભ્યાસુ અને ચિંતક રત્નમણિરાવ નાનપણમાં કેવા રમતિયાળ અને મજાકિયા હતા તેની નોંધ લેતા તેમના મામા ચૈતન્યપ્રસાદ મોતીલાલ દીવાન તેમના એક લેખમાં લખે છે,

"ઉતરાણને દિવસે એ પતંગ ચગાવે નહિ. પણ પાસે એક કાતર રાખી અગાસીમાં આવી બેસી રહેતા.અને અમારી ઉપર બીજાની દોર આવી પડે હોય તો તે કાપી લેતા. પછી અમારો પતંગ બરાબર ચડ્યો હોય, લાંબો દોર મુક્યો હોય અને બરાબર રસ જાગ્યો હોય ત્યારે ધીમે રહીને ઠંડે કલેજે કાતરથી દોરી કાપી નાખતા.અને અમે હાથમાંથી દોર જતા "એ ગયો" કહી બાઘા બની ઉઠતા. એ જોવાની એમને બહુ ગમ્મત પડતી"

પ્રારંભમાં રત્નમણિરાવે "કુમાર" નામના જાણીતા સામાયિકમાં શોધ નિબંધો લખવાનું શરુ કર્યું. ગુજરાતની અસ્મિતાની અલગ ઓળખ અને જાળવણી અર્થે એમણે સોમનાથ મંદિરના પુનરુદ્વાર વખતે આધારભૂત સંશોધન કાર્ય કરી સરદાર વલ્લભભાઈ પટેલના અભિયાનને નૈતિક સમર્થન પણ પૂરું પાડ્યું હતું.  ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને વિદ્વાન સર ચીનુભાઈ બેરોનેટ સાથે રત્નમણિરાવના પારિવારિક નીકટના સંબધો હતા. રત્નમણિરાવ અવારનવાર ચીનુભાઈના સંપર્કમાં આવતા રહ્યા. સર ચીનુભાઈ બેરોનેટને  જ્યારે રાજા જ્યોર્જ છઠ્ઠાને હાથે "બેરોનેટ" નો ઈલ્કાબ મળ્યો, ત્યારે ચીનુભાઈ સાથે રત્નમણિરાવ પણ દિલ્હી ગયા હતા. જાણ્યે અજાણ્યે રત્નમણિરાવ પર સર ચીનુભાઈ બેરોનેટની ઘાટી અસર હતી. એ જ રીતે આચાર્ય આનંદશંકરધ્રુવ સાથે પણ તેમના સંબંધો નીકટના અને પૂજ્ય હતા.

ગંભીર વાંચન, લેખન અને ચિંતનમા રત રહેતા રત્નમણિરાવ સ્વભાવે અત્યંત રમુજી અને વિનોદી હતા. તેનો એક પ્રસંગ ચૈતન્યપ્રસાદે નોંધતા લખ્યું છે,

"ક્રિકેટની રમતનો તેમને બિલકુલ શોખ નહિ. છતાં કલબના ખેલાડીઓ માટે બેજ સાથેના બ્લેઝર કરાવ્યા, ત્યારે ભાણાભાઈએ ખાસ આગ્રહથી પોતાન માટે પણ બ્લેઝર કરાવ્યો. અને જ્યારે જયારે અમારી કલબની મેચ હોય ત્યારે એ પહેરીને પોતે આવતા. એક વખત એવું બન્યું કે અમારી સામે વાળી ક્લબના એક મુરબ્બીએ ઠાવકાઈથી બ્લેઝર પહેરી બેઠેલા ભાણાભાઈને પૂછ્યું.

"તમે પણ રમવાના છો ?"

ત્યારે ભાણાભાઈએ જવાબ આપતા કહ્યું,

"ના ના  હું શું રમું ? મારા વગર જ તમારો આટલો ડૂચો નીકળે છે, તો પછી હું રમું તો શું થાય ?"

પેલાએ પૂછ્યું,

"તમે કોણ છો ?"

ભાણભાઈએ જવાબ આપ્યો,

"હું તો આ લોકોનો ક્રિકેટ શિક્ષક છું"

પેલો એ સંભાળી બોલ્યો,

"તો તો સારું છે તમે નથી રમતા"

ગુજરાતના વિરલ સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશી પોતાના ગ્રંથમા રત્નમણિરાવનું વર્ણન કરતા લખે છે,

"શ્રી ભાણાભાઈ એક ગુલાબી સ્વભાવના, કોઈ ધૂળધોયા વેદિયા કરતા તદન ઉલટા જ સ્વભાવના, હસમુખા સજ્જન હતા. ચાના રકાબી-પ્યાલાના રણકારને એ ઉત્તમ સંગીત માનતા"

રત્નમણિરાવનું જીવન અંત્યંત સાદું હતું. તદન સાદા વસ્ત્રો. લાંબો કોટ, કાળી કે કથાઈ ટોપી, ધોતિયું અને પગમાં સ્લીપર. તેમની સાદગી કોઈ પણ સાદા માનવીને પણ ટપી જાય તેવી હતી. અંગ્રેજ શાસનમા ઉછર્યા હોવા છતાં પ્રશ્ચિમ સંસ્કૃતિની તેમના પર બિલકુલ અસર ન હતી. દેખાવમાં  સાદા અને સ્વભાવમા સરળ ભાણાભાઈ ભોજનના રસિયા હતા. એમને જુદી જુદી વાનગીઓ અને તેના સ્વાદની ઊંડી સમજ હતી. એમને દાળ-ઢોકળી, લાડુ-દાળ, મુઠીયા પ્રિય વાનગીઓ હતી.

બહુ ઓછા લોકો જાણતા હશે કે નાનપણમાં ભાણાભાઈ એક હસ્તલિખિત કૌટુંબિક સાપ્તાહીક "ઘર સમાચાર" કાઢતા.ત્રણ ચાર પાનાના આ સાપ્તાહિકે તો કમાલ કરેલી. ઘરના બધાનું એ ખુબ માનીતું થઇ ગયેલું. તેનું મુખ્ય આકર્ષણ તેની રજુઆત હતી. તેમાં એક નાનો અગ્રલેખ, પરિવારના લોકોની ટેવો, લાક્ષણિકતાઓ, રીતો વગેરે પર કઈને કઈ ટકોર-ટીકા હોય. પણ એ એવી કે વાંચતા જ ઘરમાં સર્વત્ર

હસાહસ થઇ જતી. એ સાપ્તાહિકનું બીજું આકર્ષણ તેની જાહેરાતો હતી. "જોઈએ છે", "ખોવાયું છે", "વેચવાનું છે" એવી ઘણી જાતની જાહેરાતો સાપ્તાહિકમાં એવી કુનેહથી એ મુકવામાં આવતી વાંચનાર ચકિત થઇ જતા. સાથો સાથ ચાલુ વાર્તા રૂપે એકાદ અંગ્રેજી નવલકથાનો ગુજરાતી અનુવાદ દર હપ્તે તેમાં આવતો. રત્નમણિરાવની અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ કરવાની ટેવને કારણે ગુજરાતી સાહિત્યને જેમ્સ બેરીના "The Admirable Crichton" હાસ્ય નાટકનું "સંભવિત સુંદરલાલ" નામક ગુજરાતી નાટક મળ્યું હતું. આ નાટકના બેત્રણ શો પણ થયા હતા. એક ઇતિહાસકાર હાસ્ય નાટકો લખે, કાવ્યો લખે, જ્યોતિષ શાસ્ત્ર વિષે વાંચે વિચારે એ ઘટના જ તેના ઇતિહાસકાર તરીકેના વ્યક્તિત્વના વિકાસમાં રહેલા વિવિધ પાસાઓને વ્યક્ત કરે છે.

૨૪ સપ્ટેમ્બર ૧૯૫૫ના રોજ શનિવારે બપોર પછી સાડાત્રણ વાગ્યે પોતાના પરિવાર પત્ની,પુત્ર,પુત્રીઓ, જમાઈઓ સૌની હાજરીમાં પોતાની મોટી પુત્રીના ખભે માથું મૂકી ઘણી જ શાંતિથી તેમને પ્રાણ છોડ્યા હતા. ૬૦ વર્ષની વયે ગુજરાતના સાહિત્ય, ઈતિહાસ અને સંસ્કૃતિના સંવર્ધન માટે પોતાનું જીવન સમર્પિત કરી લાંબી યાત્રાએ નીકળી પડેલા ભાણાભાઈ ઉર્ફ રત્નમણિરાવ જોટે ઇતિહાસનો જે વારસો મુકતા ગયા છે, તે યુવા ઇતિહાસકારો, સંશોધકોને હંમેશા માર્ગ ચીંધતો રહશે.

Monday, September 8, 2014

ઇલ્મ અને આલિમ : ડૉ. મહેબૂબ દેસાઈ


ઇલ્મ એટલે જ્ઞાન. વિદ્યા, જાણકારી કે વિજ્ઞાન. આલીમ એટલે જ્ઞાની, વિદ્વાન. ઉર્દૂ ભાષાના આ શબ્દનો  અર્થ શબ્દ કોશમાં આપતા કહેવામાં આવ્યું છે,
"જેના વાણી વર્તન અભ્યાસ અનુસાર આચરણમાં પણ હોય તેવો વિદ્વાન એટલે આલિમ" અત્રે આલીમ એટલે ધર્મિક જ્ઞાન આપનાર વ્યક્તિ એવો સંકુચિત અર્થ યોગ્ય નથી. ધર્મ અંગે માર્ગદર્શન આપનાર વ્યક્તિને મૌલવી કે ઈમામ કહે છે. મૌલવી ઇસ્લામ કે કુરાને શરીફના આદેશો આમ મુસ્લિમ સમાજમાં સ્પષ્ટ કરે છે. તેને સમજાવે છે. મદ્રેસામાં બાળકોને ધાર્મિક જ્ઞાન આપનાર વ્યક્તિ મૌલવી છે. જયારે ઈમામ એટલે જેમની પાછળ મસ્જીતમાં ઉભા રહી આમ મુસ્લિમ નમાઝ પઢે છે. જે મસ્જીતમાં નમાઝ પઢાવવાનું કાર્ય કરે છે. ઈમામ એ મુસ્લિમ સમાજના નેતા કે મસીહા નથી. તેમને ઇસ્લામની ધાર્મિક બાબતો સિવાય અન્ય કોઈ રાજકીય આદેશ આપવાનો અધિકાર નથી. તે તેમનું કાર્ય ક્ષેત્ર પણ નથી.  

આલીમ શબ્દ તો સ્પષ્ટ રીતે ઇલ્મ કે જ્ઞાન સાથે જ સંકળાયેલો છે. તેનો અર્થ જ્ઞાન જ થાય છે. ઇસ્લામમાં જ્ઞાનનું અત્યંત મહત્વ છે. મહંમદ (સ.અ.વ.) પર ઉતરેલ પહેલી વહીનો પહેલો શબ્દ "ઇકરાહ" હતો. જેનો અર્થ થાય છે "પઢ, વાંચ". એ દ્રષ્ટિએ ઇસ્લામમાં જ્ઞાન કે ઇલ્મનો અત્યંત મહિમા છે. ઇસ્લામિક ગ્રંથોમાં જ્ઞાન મેળવવા માટેની હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ની કેટલાક નોંધપાત્ર અને બહુ જાણીતી હદીસો છે. જેમાં તેમણે કહ્યું છે,

"શહીદોના ખુન કરતા વિદ્યાર્થીની શાહી વધુ પવિત્ર છે"

"જ્ઞાન પ્રાપ્તિ માટે જે ઘર છોડે છે, તે ખુદાના માર્ગે કદમ માંડે છે"

"ચીનમાં પણ વિદ્યા મળે તો એ પ્રાપ્ત કરવાની તલબ રાખો"

"જે જ્ઞાનની શોધમાં મુસાફરી કરે છે, તેને ખુદા અવશ્ય માર્ગ બતાવે છે"

આવી રીતે જ્ઞાન મેળવનાર આલીમ છે.

સામાન્ય રીતે જ્ઞાન અને વિજ્ઞાનના ઉપાસકને જ આપને આલિમ કહેવાનું અને સ્વીકારવાનું પસંદ કરીએ છીએ. પણ તે આપણી સંકુચિત સમજ છે. તે સત્ય નથી. બાર્બર અર્થાત વાળ કાપવામાં કે સંવારવામાં નિષ્ણાત હોય તો તે એ વિષયનો જ્ઞાની કે આલિમ છે. તેમ કહેવાનું આપણે મોટે ભાગે પસંદ કરતા નથી. પરિણામે તેને આલિમ કે વિદ્વાન જેવું માન કે સન્માન આપતા નથી. પણ ઇસ્લામ સરળ અને ગહન ગમે તેવું જ્ઞાન ધરાવનાર ગરીબ-અમીર, દોસ્ત-દુશ્મન નાના-મોટા, સૌને જ્ઞાની કે આલિમ કહી તેને માન સન્માન આપવાનું કહે છે.

એક વખત હઝરત ઈમામ આજમ (ર.અ) ડોલીમાં બેસી ભરબજારમાથી પસાર થઇ રહ્યા હતા. એકાએક તેમની નજર એક ગરીબ સફાઈ કામદાર પર પડી. મેલાં ઘેલાં વસ્ત્રોમાં હાથમાં ઝાડું લઇ તે રસ્તો વાળતો હતો. હઝરત ઈમામ અજમએ ડોલી ઉભી રાખી.ડોલીમાંથી ઉતારી ભરબજારમાં લોકો જુવે તેમ એ સફાઈ કામદારનો હાથ ચૂમી તેના ખબરઅંતર પૂછ્યા. એ જોઈ એક શિષ્યએ તેમને જીજ્ઞાસાથી પૂછ્યું,

"આપે એ સફાઈ કામદારને આટલી ઈજ્જત શા માટે બક્ષી ?"

આપે ફરમાવ્યું,

"એ સફાઈ કામદારને કુતરાનું સારું જ્ઞાન છે. એકવાર મારે કુતરાઓની પુખ્તતાની નિશાની જાણવી હતી. ઘણી તપાસ કરી પણ તેની ચોક્કસ નિશાની મને ન મળી. અંતે આ સફાઈ કામદારને એકવાર અચાનક પૂછ્યું. તો તેણે એક જ વાક્યમાં મને તેની નિશાની જણાવતા કહ્યું જયારે કુતરો એક પગ ઉંચો કરી લઘુશંકા કરે ત્યારે તે પુખ્ત થઇ ગયો છે તેમ માનવું. નાનામાં નાના માણસ પાસે પણ જ્ઞાનનો એવો ભંડાર હોય છે, જે મોટા જ્ઞાની પાસે પણ નથી હોતો. તેણે આપેલ આ જ્ઞાન બદલ  હું તેને આલિમ માનું છું. અને તેથી જ ભરબજારમાં તેનો હાથ ચૂમી મેં તેની ઈજ્જત કરી છે"

આ ઘટના આલિમની નમ્રતા પણ વ્યક્ત કરે છે. આલિમને પોતાના જ્ઞાનનો ગર્વ ,અભિમાન કે અહંકાર ન હોવો જોઈએ. મળેલ જ્ઞાન માટે તે હંમેશા અલ્લાહનો શુક્ર (આભાર) અદા કરતો હોવો જોઈએ. અલ્લાહે કુરાને શરીફમાં ફરમાવ્યું છે,

"અમે દાઉદ અને સુલયમાનને ઇલ્મ આપેલ છે. તે બંનેએ તેનો શુક્ર અદા કરતા કહ્યું છે,' તમામ તારીફ એક માત્ર અલ્લાહની છે જેણે અમને પોતાના અનેક બંદો કરતા વધુ ઇલ્મની બક્ષીશ આપેલ છે"

કુરાને શરીફની આ આયાત ઈલ્મી કે જ્ઞાની માટેનું પ્રથમ લક્ષણ વ્યક્ત કરે છે. દાઉદ અને સુલયમાન બંને પયગમ્બરોને ખુદાએ આપેલ જ્ઞાનની દોલત અને ઊંચા દરજ્જા માટે ખુદાનો શુક્ર અદા કરેલ છે. જ્ઞાનનો મહિમા અપરંપાર છે. તેનું મુલ્ય અનેક ઘણું છે. પણ તેનો અહંકાર જરૂરી નથી. જ્ઞાન ખુદાએ બક્ષ્યું છે તો એ ખુદાની મહેરબાની છે. રહેમત છે. અલ્લાહનો શુક્ર છે. તેનો ગર્વ કે અભિમાન ખુદાની બક્ષેલ દોલતનું અપમાન છે. એમ દ્રઢપણે માનવું દરેક જ્ઞાની કે આલિમ માટે અનિવાર્ય છે.

એ જ રીતે જ્ઞાનીના જ્ઞાનમાં  જેમ જેમ વૃદ્ધિ થતી જાય તેમ તેમ તેની નમ્રતા વધતી જાય છે. જેમ આંબાને ફળ લાગે તેમ તે ઝૂકતો જાય છે. તેમ જ જ્ઞાનીની નમ્રતા અને નિરભિમાન વધવા જોઈએ. રહીમ તેના એક દોહામાં કહે છે,

"બડે બડાઈ ના કરે, બડે ના બોલે બોલ

રહીમન હીરા કબ કહે, લાખ ટકા હૈ મોલ"

એક જ્ઞાની બીજા જ્ઞાનીને ક્યારેય ઉતારી પાડવાનો પ્રયાસ નથી કરતો. તેના પર પોતાના જ્ઞાનનો રોફ નથી છાંટતો. બલકે સાચો જ્ઞાની એ છે જે બીજાના જ્ઞાનનો આદર કરે છે. તેને માન સન્માન આપે છે. જ્ઞાન એ તો દરિયો છે. તેમાં હું સાચો અને તું ખોટો જેવો વિચાર કે વ્યવહાર નથી હોતો. તેમાં તો દરેક વિચારને માન છે. સ્થાન છે. દરેક વિચારનું મહત્વ છે. કારણ કે દરેક વિચાર વ્યક્તિની સમજ મુજબ યોગ્ય છે. વિચારમાં અધુરપ કે ગેરસમજ હોય શકે. પણ વિચાર સાચો કે ખોટો નથી હોતો. અલબત વિચાર નૈતિક કે અનૈતિક જરૂર હોય છે. એવા અનૈતિક વિચારનું સમર્થન ના હોય. જ્ઞાની માનવી એવ અનૈતિક વિચાર સામે પોતાનો નૈતિક વિચાર મૂકી શકે છે. પણ તેના અમલીકરણ માટે દુરાગાહ નથી સેવતો.

ટૂંકમાં, આજે જ્ઞાનનો વિસ્ફોટ થયો છે. પરિણામે જ્ઞાન કે ઇલ્મ એ માનવજીવનની જરૂરિયાત બની ગયું છે. તેને સમાજમાં પ્રસરાવવાનું કે પહોંચાડવાનું કાર્ય જ્ઞાની અર્થાત આલીમ જ કરે છે. અને એટલે જ એક સંસ્કૃતના શ્લોકમાં કહ્યું છે,

"સ્વદેશે પૂજયતે રાજા, વિદ્વાન સર્વત્રૈ પૂજયતે"

અર્થાત  "રાજા માત્ર તેના દેશમાં પુજાય છે, જયારે આલિમ-વિદ્વાન-જ્ઞાની સમગ્ર વિશ્વમાં પુજાય છે"

Sunday, August 31, 2014

લવ "જિહાદ" : ડૉ. મહેબૂબ દેસાઈ

હમણાં લવ જિહાદ શબ્દ ઘણો વિવાદમાં છે. પ્રેમ લગ્ન કરી ધર્મ પરિવર્તન કરાવવાની ક્રિયા એટલે લવ જિહાદ. એવી ખોટી વ્યાખ્યા સાથે આ શબ્દનો પ્રયોગ થઇ રહ્યો છે. હિંદુ મુસ્લિમ નિકાહ કે લગ્ન એ કોઈ આજના યુગની કે નવી વાત નથી, ભારતના ઇતિહાસમાં આવા સફળ લગ્નોની પરંપરા જોવા મળે છે. અનીલ વિશ્વાસ-મહેરુન્નીસા,સુનીલદત્ત-નરગીસ, શર્મિલા ટેગોર-પટોડી નવાબ, સલીમ ખાન-હેલન, પંકજ કપૂર-નીલિમા આઝમી, સચિન પાયલોટ-સારા અબ્દુલ્લાહ, અરુણ ગવલી-આયશા, આદિત્ય પંચોલી-ઝરીના વહાબ, મનીષ તિવારી-નાઝનીન સિફા, મનોજ પ્રભાકર-ફહરીન, સુનીલ શેટ્ટી-માના કાદરી, મુખ્તાર અહેમદ નદવી-સીમા, શાહ નવાઝ હુસેન-રેણું, નાના ચુડાસમા-મુનીરા જસદણવાળા,સીતારામ યેચુરી-સીમા ચિસ્તી, વિદુ-ફરાહ નાઝ, અતુલ અગ્નિહોત્રી-સલમાન ખાનની બહેન અલવીરા ખાન, રીતિક રોશન-સુઝાન ખાન, સુબ્રમણ્યમ સ્વામીની પુત્રી સુહાસીની-નદીમ. આ લીસ્ટ ઘણું મોટું છે. આ તો માત્ર થોડા ઉદાહરણો છે. ઉપરોક્ત તમામ લગ્નોને નજીકથી જોનાર કે તેનો અભ્યાસ કરનાર કોઈ પણ બુદ્ધિજીવી વિના સંકોચે એક પળનો પણ વિચાર કર્યા વગર કહી શકશે કે તેમાં ક્યાય ધર્મ પરિવર્તનની વાત સુદ્ધા જોવા મળતી નથી. વળી, આ લગ્નોમા ધર્મ પરિવર્તનનો કોઈ વિવાદ આજ દિન સુધી જાણવામાં કે માણવામા આવ્યો નથી. અખબારોમા તેની કોઈ ચર્ચા પણ આવી નથી. મારા એક આઈપીએસ અધિકારી મિત્ર સૈયદ સાહેબે વર્ષો પૂર્વે એક ક્ષત્રિય કન્યા સાથે લગ્ન કર્યાં હતા. બંનેના આગ્રહથી હું વર્ષો પહેલા તેમને ત્યાં ભોજન માટે ગયો હતો. ત્યારે મેં એક બાજુ ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર જોયું હતું. જયારે બીજા રૂમમાં સૈયદ સાહેબ નિયમિત નમાઝ અદા કરતા હતા. ભારતની બિનસાંપ્રદાયિકતાના આ જ ઉત્તમ ઉદાહરણો છે. આ જ ભારતીય સંસ્કૃતિની મોટી વિશિષ્ટતા છે. વિવિધતામાં એકતાનું આજ સાચું દર્શન છે. જો કે આ માત્ર હિંદુ મુસ્લિમ લગ્નો જ છે. તેમાં એકથી વધુ પત્ની કરવાના ઉદેશથી ઇસ્લામના ચાર પત્નીના સિધ્ધાંતનો સ્વીકાર કરી થયેલા ધર્મેન્દ્ર-હેમામાલીની જેવા લગ્નોનો ઉલ્લેખ નથી. એવા લગ્નો અંગે પણ એક અલગથી લેખ થઇ શકે. પણ અત્રે તેની ચર્ચા અસ્થાને છે.
દેશ અને વિદેશમાં આજકાલ ઇસ્લામ અને તેના અનુયાયીઓના સારા દિવસો નથી ચાલતા. એટલે ઇસ્લામના ઉમદા સિદ્ધાંતોને પણ નરસા કરી રજુ કરવની હોડ ચાલી છે. ઇસ્લામનો એક શબ્દ તો આજે ખાસ્સો બદનામ થયો છે. તે છે "જિહાદ". સૌ પ્રથમ તેને આતંકવાદ સાથે જોડી તેના સાચા અર્થને મૂળમાંથી વિસારે પાડી દઇ, તેની ગેરસમજમાં વૃદ્ધિ કરવામાં આવેલ છે. હવે એજ શબ્દ સાથે લવને જોડી ધર્મ પરિવર્તનના નામે તેને બદનામ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જિહાદ શબ્દનો અનર્થ કરી અનેક કહેવાતા મુસ્લિમ કે ગેર મુસ્લિમ વ્યક્તિઓ પોતાનો રાજકીય કે ધાર્મિક હેતુ સર કરવમાં મશગુલ છે. એવા સમયે એ શબ્દ પાછળની આધ્યાત્મિક ભાવના સમજવાનો કે સમજાવવાનો કોઈ આલીમ કે કોઈ મૌલવી એ કયારેય પ્રયાસ કર્યો નથી.
એકવાર હઝરત મહંમદ સાહેબ તેમના સહાબીઓ (અનુયાયીઓ) સાથે બેઠા હતા. એક યુવાન પ્રવેશ્યો અને અરજ કરતા તેણે કહ્યું,
"હુજુર, મારી પત્ની કર્કશ છે. ઝગડાળુ છે. હું તેને તલાક આપવા ઈચ્છું છું. આપ મને ઇજાજત આપો"
મહંમદ સાહેબે થોડીવાર મૌન રહી ફરમાવ્યું.
"જા તારી પત્ની સાથે નિભાવ કરવાની જિહાદ કર"
ઇસ્લામના ધર્મ ગ્રંથ કુરાને શરીફમાં અવારનવાર જિહાદ શબ્દનો પ્રયોગ થયો છે. પણ જિહાદ સાથે ક્યાય સશસ્ત્ર લડાઈ કે યુદ્ધ એવો અર્થ કરવામાં આવ્યો નથી. એ માટે તો કુરાને શરીફમાં "કિતાલ" શબ્દનો પ્રયોગ થયો છે. એ અર્થમાં "જિહાદ" એટલે
"જે વસ્તુ અયોગ્ય કે અનૈતિક હોય તેને પોતાના પુરા આત્માબળથી બદલવાની કે સુધારવાની ક્રિયા કે પ્રયાસ"
કુરાને શરીફમાં એક જગ્યાએ "જિહાદ-એ-ફી સબીલ્લાહ"શબ્દનો પ્રયોગ થયો છે. જેનો અર્થ થાય છે ખુદના માર્ગે પ્રયાસ કરવો. સૂફી સંતો ખુદાની પ્રપ્તિ માટે જે આધ્યાત્મિક મહેનત કરે છે તે પણ જિહાદ છે. સામાન્ય માનવી પોતાની કુટેવો,વ્યસનો કે અનૈતિક કાર્યોમાંથી મુક્ત થવા સંઘર્ષ કરે છે તે પણ જિહાદ છે. ઇસ્લામના આરંભકાળમાં કુરેશોના જુલ્મો અને અત્યાચારોથી પોતાની જાતને, પોતાના ધર્મને બચાવવા જે મુસ્લીમો મક્કા છોડી ઇથોપિયા ચાલ્યા ગયા. તેમની આ હિજરતને "ખુદાના માર્ગે જિહાદ" તરીકે ઓળખવામાં આવેલ છે. કુરાને શરીફમાં કેટલીક જગ્યાયે મહંમદ સાહેબને પણ કહેવામાં આવ્યું છે,
"જે લોકો તમારી વાતમાં વિશ્વાસ રાખતા નથી અથવા મુસ્લિમ થવા છતાં સચ્ચાઈ અને પવિત્રતા સાથે વર્તતા નથી. તેમની સામે જિહાદ ચાલુ રાખો. એ સૌને નિષ્ઠાપૂર્વક સમજાવવાના પ્રયાસો ચાલુ રાખો"
આ સંદર્ભમા કહી શકાય કે ઈસ્લામમાં નૈતિક મુલ્યોના જતનમાં થતા દરેક પ્રયાસો "જિહાદ" છે. કુરાને શરીફ તે વિચારને વધુ સ્પષ્ટ કરતા કહે છે,
"મુસ્લિમોમાંથી એ લોકો જેઓ કોઈ લાચારી વિના ઘરમાં બેસી રહે છે. અને જેઓ અલ્લાહના માર્ગમા જાનમાલ વડે જિહાદ કરે છે. એ બંનેનો દરજ્જો સમાન નથી. અલ્લાહના માર્ગ પર ચાલવા સમજાવનાર મુસ્લિમમોનો દરજ્જો ઉંચો છે. જો કે દરેક માટે અલ્લાહે ભલાઈનું વચન આપ્યું છે"
કુરાને શરીફમા લડાઈ, ઝગડા અંગે ખાસ કહ્યું છે,
"લાતુ ફસીદુ" અર્થાત ફસાદ ન કર. મહંમદ સાહેબને કોઈ કે પૂછ્યું,
"સૌથી મોટી જિહાદ કઈ ?"
મહંમદ સાહેબે ફરમાવ્યું,
"સૌથી મોટી જિહાદ પોતાની વૃતિઓ પર કાબુ સંયમ મેળવવાની છે. એટલે કે પોતાના ક્રોધ અને વાસનાઓ પર જીત મેળવવી એ સૌથી મોટી જિહાદ છે"
ટૂંકમાં, જિહાદ સાથે આતંકવાદ કે લવને જોડવાની ક્રિયા જ મૂળભૂત રીતે અસત્ય છે. ઇસ્લામમાં ધર્મના મામલામાં કયારેક બળજબરી ન કરવાનો આદેશ છે. કુરાને શરીફમાં કહ્યું છે,
"લા ઇકરા ફીદ્દીન" અર્થાત ધર્મની બાબતમાં કયારેય બળજબરી ન કરીશ.