(ડૉ મહેબૂબ દેસાઈ ના ૪૫ વર્ષના શૈક્ષણિક જીવનના વિદ્યાર્થીઓએ તેમના અધ્યાપક ડૉ મહેબૂબ દેસાઈ અંગે લખેલા લેખોનો સંગ્રહ "અમારા સર ડૉ મહેબૂબ દેસાઈ" પુસ્તકના લોકાર્પણ કાર્યક્રમનો શ્રી અહેમદ ગીનાનીએ આપેલ અહેવાલ, તેમના ફેસબૂક પરથી સાભાર)
ગઈ કાલે, ૫ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવારે, મિત્ર Khokhar Gulmoin મારફતે અચાનક એક પુસ્તક લોકાર્પણ કાર્યક્રમમાં જવાનું સૌભાગ્ય મળ્યું. પુસ્તક હતું - “અમારા સર ડો. મહેબૂબ દેસાઈ”, જેનું સંપાદન ડો. હરપાલ રાણા અને ડો. ભાવિન પરમારે કર્યું છે અને પ્રકાશન આર. આર. શેઠ દ્વારા થયું છે.
અમદાવાદમાં રહેતા પ્રાધ્યાપક ડો. મહેબૂબ દેસાઈ સાહેબ વિશેનું આ પુસ્તક માત્ર એક વ્યક્તિ વિશેનું પુસ્તક નથી લાગ્યું; આખો કાર્યક્રમ જાણે એક શિક્ષક અને તેમના વિદ્યાર્થીઓ વચ્ચેના દાયકાઓ જૂના સંબંધોનું જીવંત દસ્તાવેજ બની ગયો હતો. અને સૌથી સુંદર વાત, આજે શિક્ષક દિવસ હતો ! એટલે પુસ્તકનું લોકાર્પણ પણ કોઈ સામાન્ય કાર્યક્રમ નહીં, પરંતુ જાણે શિક્ષક માટેનો એક મોટો ઉત્સવ હોય એવો અનુભવ થયો. મારા માટે આ કાર્યક્રમનું એક વિશેષ મહત્વ એ પણ હતું કે તેમાં પૂર્વ શિક્ષણમંત્રી Bhupendrasinh Chudasama સાહેબ, જાણીતા હાસ્ય કલાકાર Shahbuddin Rathod ( શાહબુદ્દીન રાઠોડ ) સાહેબ અને ખુદ Mehboob Desai સાહેબને મળવાનો અવસર મળ્યો. પરંતુ કાર્યક્રમમાંથી હું માત્ર આ મહાનુભાવોને મળવાની યાદ લઈને પાછો આવ્યો એવું નથી. એક શિક્ષકની સાચી કમાણી શું હોય છે, તેનો જીવંત જવાબ લઈને પાછો આવ્યો.
કાર્યક્રમમાં Mehboob Desai સાહેબના અનેક જૂના વિદ્યાર્થીઓ હાજર હતા. ઘણા તો હવે નિવૃત્ત પણ થઈ ચૂક્યા છે. પરંતુ તેમના વક્તવ્યો સાંભળતાં એક વાત ખૂબ સ્પષ્ટ જણાઈ: મહેબૂબ સાહેબ અને તેમના વિદ્યાર્થીઓનો સંબંધ માત્ર “પ્રોફેસર અને વિદ્યાર્થી” પૂરતો નહોતો. વર્ષો વીતી ગયા, જીવનમાં બધા પોતપોતાના ક્ષેત્રમાં આગળ વધ્યા, છતાં સાહેબ પ્રત્યેનો પ્રેમ અને આત્મીયતા આજે પણ એવી જ હતી. વિદ્યાર્થિની વૈભવીબેને એક સુંદર વાત કહી કે ગુરુ માત્ર પુસ્તકમાં લખેલું નથી શીખવતો; તે પોતાની વિચારસરણી, વાણી, વર્તન અને વ્યવહાર દ્વારા જીવન જીવતા શીખવે છે. ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ જેવા કંટાળાજનક લાગતા વિષયને મહેબૂબ સાહેબે એટલો રસપ્રદ બનાવી દીધો કે વિદ્યાર્થીઓ સામેથી વધારાના વર્ગો લેવા કહેતા!
અને વર્ષો પછી પણ જ્યારે સાહેબને મળ્યા ત્યારે જૂના વિદ્યાર્થીઓને લાગ્યું કે તેઓ જાણે ફરી એ જ કોલેજના વર્ગખંડમાં પહોંચી ગયા હોય.
સરના એક અન્ય વિદ્યાર્થી Umesh Vala સાહેબ સમગ્ર કાર્યક્રમનું ખૂબ સુંદર સંચાલન કરી રહ્યા હતા. તેમણે પોતાનો એક જૂનો પ્રસંગ સંભળાવ્યો. વર્ષો પહેલાં મહેબૂબ સાહેબે કેટલાક વિદ્યાર્થીઓને અલગ-અલગ કામ સોંપ્યાં. તેમાં ઉમેશભાઈને સ્ટેજ પર ભાષણ આપવાનું કહ્યું.
તેમણે ગભરાઈને કહ્યું: “સાહેબ, હું ક્યારેય સ્ટેજ પર બોલ્યો નથી.”
સાહેબે કહ્યું: “મને તારો અવાજ ગમે છે. આજથી શરૂઆત કર.”
આજે એ જ વિદ્યાર્થી સફળ શિક્ષક છે, સફળ વક્તા છે - અને લાંબા સમયથી ઓલ ઈન્ડિયા રેડિયો સાથે પણ વોઇસ સેવા આપે છે. ક્યારેક શિક્ષકનું એક વાક્ય વિદ્યાર્થીના આખા જીવનની દિશા બદલી નાખે છે! ઉમેશભાઈએ એક બીજી અદ્ભુત વાત કહી: “એક સારો શિક્ષક વર્ગખંડ છોડે છે, પરંતુ વિદ્યાર્થીનું જીવન નહીં.” Umesh Vala સાહેબે એક અન્ય સુંદર વાર્તા પણ કહી.
હથોડીએ ચાવીને પૂછ્યું: “હું આટલી શક્તિથી તાળા પર પ્રહાર કરું છું, છતાં તાળું ખુલતું નથી. તું આટલી સરળતાથી કેવી રીતે ખોલી નાખે છે?”
ચાવીએ જવાબ આપ્યો: “હું પહેલાં તાળાના હૃદય સુધી પહોંચું છું, પછી તેમાં ઉતરી જાઉં છું… એટલે તાળું આપોઆપ ખુલી જાય છે.”
પછી તેમણે કહ્યું: સાચો શિક્ષક વિદ્યાર્થી પર હથોડીની જેમ પ્રહાર નથી કરતો; તે ચાવીની જેમ તેના દિલ સુધી પહોંચે છે.
મહેબૂબ સાહેબ વિશે સાંભળતાં આ વાત ખૂબ યોગ્ય લાગી.
૧૯૭૯ ના ગાંધી મહિલા કોલેજના વિદ્યાર્થિની શશીબેને ધંધુકિયાએ જણાવ્યું કે મહેબૂબ સાહેબ સાથે તેમનો લગભગ ૫૦ વર્ષ જૂનો સંબંધ છે. તેમણે કહ્યું કે બહુ ઓછા શિક્ષકો એવા હોય છે જે ખરેખર “ગુરુત્વ” પ્રાપ્ત કરે છે. એ સમયના શિક્ષકો પાસે વિદ્યાર્થીઓ માત્ર ભણતર માટે જ નહીં, પરંતુ પોતાના વ્યક્તિગત જીવનના પ્રશ્નો લઈને પણ જતા - વિચારાત્મક, સામાજિક, કૌટુંબિક કે અન્ય કોઈ મુશ્કેલી હોય, શિક્ષકો માર્ગદર્શન પણ આપતા, અને જરૂર પડે ત્યાં મદદ પણ કરતા!
અને મહેબૂબ સાહેબે પોતાના વક્તવ્યમાં ખૂબ વિનમ્રતાથી કહ્યું: “તમારા વિદ્યાર્થીઓનો આટલો બધો પ્રેમ જ મારી જિંદગીની સાચી મૂડી છે.”
મને લાગે છે કે આ જ કદાચ એક શિક્ષકની સૌથી મોટી કમાણી છે. બેંક બેલેન્સ નહીં.
પદ નહીં. પ્રસિદ્ધિ નહીં. પરંતુ વર્ષો પછી પણ પોતાના વિદ્યાર્થીઓના હૃદયમાં જીવતો રહેતો પ્રેમ. મહેબૂબ સાહેબે વિદ્યાર્થીઓની સફળતાની વાત કરતાં પણ પોતાનો જશ લીધો નહીં.
તેમણે ખૂબ સુંદર રીતે કહ્યું કે: “મને તો માત્ર આંગળી ચીંધ્યાનું પુણ્ય મળે છે; તમારી સફળતા માટેનો સંઘર્ષ તો તમે પોતે કર્યો છે.” આટલી નમ્રતા પણ કદાચ એક સાચા શિક્ષકની ઓળખ છે. તેમણે એક પ્રસંગ યાદ કર્યો કે વર્ષો પછી એક દવાખાનામાં એક મહિલા અચાનક આવીને તેમના પગે લાગી અને કહ્યું: “સાહેબ, હું તમારી વિદ્યાર્થી છું!” કદાચ એવા પ્રસંગો જ શિક્ષકને અંદરથી કહેતા હશે - “મારું જીવન વ્યર્થ ગયું નથી.”
પૂર્વ શિક્ષણમંત્રી અને કૃષિમંત્રી રહી ચૂકેલા Bhupendrasinh
Chudasama સાહેબે તો આખા કાર્યક્રમમાં પોતાની રમૂજી શૈલીથી વાતાવરણ હળવું રાખ્યું. મહેબૂબ સાહેબે કહ્યું હતું કે પ્રોફેસરને ૪૫ મિનિટનો સમય પણ ઓછો પડે! ચુડાસમા સાહેબે તરત જ કહ્યું: “હું પ્રોફેસર તો છું જ, ઉપરથી રાજકારણી પણ છું… એટલે હિસાબ માંડી લેજો!” હોલ હાસ્યથી ગુંજી ઉઠ્યો.
પરંતુ રમૂજની વચ્ચે તેમણે શિક્ષકની એક ખૂબ મહત્વની વાત કરી. તેમણે કહ્યું કે શિક્ષણના ક્ષેત્રમાં અલગ-અલગ સ્તરના શિક્ષકો વચ્ચે પણ સતત સંપર્ક અને નેટવર્કિંગ હોવું જોઈએ.
તેમણે કૃષિ ક્ષેત્રનું ઉદાહરણ આપ્યું - મિલના માલિકો ખેડૂતો સાથે સતત સંપર્કમાં રહે છે, કારણ કે આવતી કાલે એ જ ખેડૂતોનો પાક તેમની મિલમાં આવવાનો છે.
એ જ રીતે કોલેજના શિક્ષકો સુધી પહોંચતા વિદ્યાર્થીઓ પહેલાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો પાસેથી પસાર થઈને આવે છે. શિક્ષણ એક સાંકળ છે; તેની દરેક કડીનું પોતાનું આગવું મહત્ત્વ છે.
છેલ્લે જેની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે હાસ્ય કલાકાર Shahbuddin Rathod ( શાહબુદ્દીન રાઠોડ ) સાહેબ. તેમણે પોતાની આગવી શૈલીમાં એક પછી એક જોક્સ સંભળાવીને આખા હોલને હાસ્યથી ગુંજાવી દીધો. પરંતુ તેમના હાસ્યની વચ્ચે પણ જીવનની ઘણી ગંભીર વાતો હતી. તેમણે એક સુંદર વિચાર રજૂ કર્યો: માણસ સજ્જન બને, એ સજ્જનો સંગઠિત થાય અને પછી સક્રિય થાય - તો મોટામાં મોટું કામ પણ અશક્ય નથી. તેમણે ઈતિહાસના પોતાના અભ્યાસની વાત કરતાં મરાઠા સેનામાં મુસ્લિમોના યોગદાન સહિત અનેક ઐતિહાસિક પ્રસંગો પણ રસપ્રદ રીતે રજૂ કર્યા. અને વચ્ચે વચ્ચે હાસ્યનો ડોઝ તો ચાલુ જ!
એક સુંદર દિવસ… અને ઘણી બધી શીખ
આ સમગ્ર કાર્યક્રમમાંથી મને સૌથી વધુ જે વાત સ્પર્શી ગઈ તે એ હતી કે - એક શિક્ષકની અસર વર્ગખંડની ચાર દીવાલોથી ઘણી આગળ જઈ શકે છે. એક શિક્ષક વિષય શીખવે છે.
સારો શિક્ષક વિચારવાનું શીખવે છે. અને મહાન શિક્ષક કદાચ જીવન જીવવાનું શીખવે છે.
ગઈ કાલે મને એવા જ એક શિક્ષકની ૪૫ વર્ષની યાત્રાની ઝલક જોવા મળી.
મારા પરમ મિત્ર Khokhar Gulmoin એ મારી સાથે રહીને સ્ટેજ પર ઉપસ્થિત મહાનુભાવોને મારા દ્વારા ગુજરાતી-અનુવાદિત પુસ્તક “Quranic
Wisdom” ભેટ આપ્યું અને તેમનું સન્માન કરવાની તક પણ આપી. પછી સ્વાદિષ્ટ ભોજનની મજા, નવી ઓળખાણો અને અનેક રસપ્રદ વાતો..
આમ, અચાનક મળેલો આ કાર્યક્રમ મારા માટે માત્ર એક પુસ્તક લોકાર્પણ રહ્યો નહીં.
મારો આ શિક્ષક દિવસ એક યાદગાર અનુભવ બની ગયો.
અને ઘરે પાછો ફરતી વખતે મનમાં એક જ વિચાર હતો:
શિક્ષક વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થીઓ ભણાવે છે એ મહત્વનું નથી;
વર્ષો પછી કેટલા વિદ્યાર્થીઓના હૃદયમાં જીવતો રહે છે - એ કદાચ વધારે મહત્વનું છે.
Mehboob Desai અને તેમના તમામ વિદ્યાર્થીઓને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
અને Khokhar Gulmoin નો હૃદયપૂર્વક આભાર - આ સુંદર અનુભવનો ભાગ બનવાની તક આપવા બદલ.


No comments:
Post a Comment