ગુજરાતના ઈતિહાસને સમૃદ્ધ કરનાર આંગળીને વેઢે ગણાય તેટલા ઇતિહાસકારોમાના એક રત્નમણિરાવ ભીમરાવ જોટે(૧૮૯૫-૧૯૫૫)થી ઇતિહાસનો કોઈ અભ્યાસુ અપરિચિત નહિ હોય. અમદાવાદનો પરિચય, ખંભાતનો ઇતિહાસ, ગુજરાતનો
સાંસ્કૃતિક ઇતિહાસ, ગુજરાતનું વહાણવટું, અમદાવાદ ગુજરાતનું પાટનગર, ગુજરાતનો
સાંસ્કૃતિક ઇતિહાસ ઇસ્લામ યુગ (૧થી૪ ભાગ) જેવા આધારભૂત ગ્રંથોના સર્જક રત્નમણિરાવ ભીમરાવ જોટેનો જન્મ આજ થી એક સો ઓગણીસ વર્ષ પૂર્વે ૧૯
ઓક્ટોબર ૧૮૯૫મા કચ્છમા દીવાન મોતીલાલ લાલભાઈને ત્યાં અધૂરા મહિને થયેલો. તેથી
કુંટુંબમાં તેઓ સોને વહાલા હતા. તેમનું કુટુંબનું પેટ નામ ભાણાભાઈ હતું. નાનપણથી જ
રત્નમણિરાવને સૌ ભાણાભાઈ કહેતા. એ હુલામણું નામ આજીવન તેમની સાથે જ રહ્યું. આપ્તજનોના
વર્તુળોમાં એ નામ એટલું પ્રિય થઇ પડ્યું હતું કે વયોવૃદ્ધ થયેલ રત્નમણિરાવને નાનેરાઓ પણ છેવટ સુધી
"ભાણાભાઈ" જ કહેતા. એવી જ નાવિન્ય પૂર્ણ બાબત તેમની અટકની છે. તેમની જોટે અટક ઈતિહાસ વિદોમાં આજે પણ
ચર્ચાનો વિષય છે. રત્નમણિરાવ
જોટે પોતાની અટક "જોટે" અંગે રસપ્રદ માહિતી આપતા લખે છે,
"અમારી
અટક જોટ છે. કેટલાકે એમાંથી જોધ - યોધ ઉપજાવી કાઢી છે. પણ ખરો અર્થ એ નથી. અમારા પૂર્વજો
કચ્છ-કાઠીયાવાડ તરફથી આવેલા ત્યારે અહિયાના શહેરી લોકોનો એ જોટ જેવા જોટડા જેવા
લગતા. કેમ કે એમના ડીલ ઉપર વાળ હતા. આથી તેમને જોટ એવું ઉપનામ મળ્યું. આમાંના
"ઓ"નો સાંકળો ઉચ્ચાર દર્શાવવા મેં શાળામાં એની અંગ્રેજી જોડણી "jhote" કરેલી. એ પરથી કેટલીક જોડણી
"જોટ" ને બદલે "જોટે"
સમજી બેઠા."
રત્નમણિરાવનું મોસાળ
અમદાવાદમાં આવેલ ખાડીયની સાંકળી શેરીમાં હતું. તેમના પ્રાથમિક શિક્ષણની શરૂઆત
ભદ્રમાં આવેલ મિડલ સ્કુલમાં અંગ્રેજી માધ્યમમાં થઇ હતી. ત્યાં થોડો વખત અભ્યાસ કરી
તેઓ આર.સી. હાઇસ્કુલમાં જોડાયા હતા. અને ઈ.સ. ૧૯૧૪મા તેમણે મેટ્રિકની પરીક્ષા ત્યાંથી
જ પાસ કરી. ઈ.સ ૧૯૧૯મા ચોવીસ વર્ષની વયે સંસ્કૃત અને અગ્રેજી સાથે ગુજરાત
કોલેજમાંથી બી.એ. થયેલા રત્નમણિરાવ ઇતિહાસના ઊંડા અભ્યાસુ અને સંશોધક બનશે એવી
કોઈને કલ્પના સુધ્ધ ન હતી. સૌ પ્રથમ એમણે
"ગુજરાતની સંસ્કૃતિ અને ઇતિહાસનું વિહંગાવલોકન" નામે એક અભ્યાસપૂર્ણ લેખ
લખ્યો. ત્યારથી એમની તરફ સૌનું ધ્યાન ખેંચાયું.પછી તો એ યુવાને એવી સિદ્ધિ હાંસલ કરી કે ગુજરાતના
ઇતિહાસ પર સંશોધન કરવા ઇચ્છતા કોઈ પણ અભ્યાસુ કે વિદ્યાર્થીએ રત્નમણિરાવ જોટેને
વાંચવા જ પડે. તેમના પુસ્તકો જોયા વગર કે તેના સંદર્ભો લીધા વગર ગુજરાતનો આધારભૂત ઇતિહાસ
આલેખી શકાય જ નહિ. આવા ઇતિહાસના પ્રખર અભ્યાસુ અને ચિંતક રત્નમણિરાવ નાનપણમાં કેવા
રમતિયાળ અને મજાકિયા હતા તેની નોંધ લેતા તેમના મામા ચૈતન્યપ્રસાદ મોતીલાલ દીવાન
તેમના એક લેખમાં લખે છે,
"ઉતરાણને દિવસે
એ પતંગ ચગાવે નહિ. પણ પાસે એક કાતર રાખી અગાસીમાં આવી બેસી રહેતા.અને અમારી ઉપર
બીજાની દોર આવી પડે હોય તો તે કાપી લેતા. પછી અમારો પતંગ બરાબર ચડ્યો હોય, લાંબો
દોર મુક્યો હોય અને બરાબર રસ જાગ્યો હોય ત્યારે ધીમે રહીને ઠંડે કલેજે કાતરથી દોરી
કાપી નાખતા.અને અમે હાથમાંથી દોર જતા "એ ગયો" કહી બાઘા બની ઉઠતા. એ
જોવાની એમને બહુ ગમ્મત પડતી"
પ્રારંભમાં રત્નમણિરાવે "કુમાર"
નામના જાણીતા સામાયિકમાં શોધ નિબંધો લખવાનું શરુ કર્યું. ગુજરાતની અસ્મિતાની અલગ
ઓળખ અને જાળવણી અર્થે એમણે સોમનાથ
મંદિરના પુનરુદ્વાર વખતે આધારભૂત સંશોધન કાર્ય કરી સરદાર વલ્લભભાઈ
પટેલના અભિયાનને નૈતિક સમર્થન પણ પૂરું પાડ્યું હતું. ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને વિદ્વાન સર
ચીનુભાઈ બેરોનેટ સાથે રત્નમણિરાવના પારિવારિક નીકટના સંબધો હતા. રત્નમણિરાવ
અવારનવાર ચીનુભાઈના સંપર્કમાં આવતા રહ્યા. સર ચીનુભાઈ બેરોનેટને જ્યારે રાજા જ્યોર્જ છઠ્ઠાને હાથે
"બેરોનેટ" નો ઈલ્કાબ મળ્યો, ત્યારે ચીનુભાઈ સાથે રત્નમણિરાવ પણ દિલ્હી
ગયા હતા. જાણ્યે અજાણ્યે રત્નમણિરાવ પર સર ચીનુભાઈ બેરોનેટની ઘાટી અસર હતી. એ જ
રીતે આચાર્ય આનંદશંકરધ્રુવ સાથે પણ તેમના સંબંધો નીકટના અને પૂજ્ય હતા.
ગંભીર વાંચન, લેખન અને ચિંતનમા રત રહેતા
રત્નમણિરાવ સ્વભાવે અત્યંત રમુજી અને વિનોદી હતા. તેનો એક પ્રસંગ ચૈતન્યપ્રસાદે
નોંધતા લખ્યું છે,
"ક્રિકેટની રમતનો તેમને બિલકુલ
શોખ નહિ. છતાં કલબના ખેલાડીઓ માટે બેજ સાથેના બ્લેઝર કરાવ્યા, ત્યારે ભાણાભાઈએ ખાસ
આગ્રહથી પોતાન માટે પણ બ્લેઝર કરાવ્યો. અને જ્યારે જયારે અમારી કલબની મેચ હોય
ત્યારે એ પહેરીને પોતે આવતા. એક વખત એવું બન્યું કે અમારી સામે વાળી ક્લબના એક
મુરબ્બીએ ઠાવકાઈથી બ્લેઝર પહેરી બેઠેલા ભાણાભાઈને પૂછ્યું.
"તમે પણ રમવાના છો ?"
ત્યારે ભાણાભાઈએ જવાબ આપતા કહ્યું,
"ના ના હું શું રમું ? મારા વગર જ તમારો આટલો ડૂચો નીકળે
છે, તો પછી હું રમું તો શું થાય ?"
પેલાએ પૂછ્યું,
"તમે કોણ છો ?"
ભાણભાઈએ જવાબ આપ્યો,
"હું તો આ લોકોનો ક્રિકેટ શિક્ષક
છું"
પેલો એ સંભાળી બોલ્યો,
"તો તો સારું છે તમે નથી
રમતા"
ગુજરાતના વિરલ સાહિત્યકાર શ્રી ઉમાશંકર
જોશી પોતાના ગ્રંથમા રત્નમણિરાવનું વર્ણન કરતા લખે છે,
"શ્રી ભાણાભાઈ એક ગુલાબી
સ્વભાવના, કોઈ ધૂળધોયા વેદિયા કરતા તદન ઉલટા જ સ્વભાવના, હસમુખા સજ્જન હતા. ચાના
રકાબી-પ્યાલાના રણકારને એ ઉત્તમ સંગીત માનતા"
રત્નમણિરાવનું જીવન અંત્યંત સાદું
હતું. તદન સાદા વસ્ત્રો. લાંબો કોટ, કાળી કે કથાઈ ટોપી, ધોતિયું અને પગમાં સ્લીપર.
તેમની સાદગી કોઈ પણ સાદા માનવીને પણ ટપી જાય તેવી હતી. અંગ્રેજ શાસનમા ઉછર્યા હોવા
છતાં પ્રશ્ચિમ સંસ્કૃતિની તેમના પર બિલકુલ અસર ન હતી. દેખાવમાં સાદા અને સ્વભાવમા સરળ ભાણાભાઈ ભોજનના રસિયા
હતા. એમને જુદી જુદી વાનગીઓ અને તેના સ્વાદની ઊંડી સમજ હતી. એમને દાળ-ઢોકળી,
લાડુ-દાળ, મુઠીયા પ્રિય વાનગીઓ હતી.
બહુ ઓછા લોકો જાણતા હશે કે નાનપણમાં
ભાણાભાઈ એક હસ્તલિખિત કૌટુંબિક સાપ્તાહીક "ઘર સમાચાર" કાઢતા.ત્રણ ચાર
પાનાના આ સાપ્તાહિકે તો કમાલ કરેલી. ઘરના બધાનું એ ખુબ માનીતું થઇ ગયેલું. તેનું
મુખ્ય આકર્ષણ તેની રજુઆત હતી. તેમાં એક નાનો અગ્રલેખ, પરિવારના લોકોની ટેવો, લાક્ષણિકતાઓ,
રીતો વગેરે પર કઈને કઈ ટકોર-ટીકા હોય. પણ એ એવી કે વાંચતા જ ઘરમાં સર્વત્ર
હસાહસ થઇ જતી. એ સાપ્તાહિકનું બીજું
આકર્ષણ તેની જાહેરાતો હતી. "જોઈએ છે", "ખોવાયું છે",
"વેચવાનું છે" એવી ઘણી જાતની જાહેરાતો સાપ્તાહિકમાં એવી કુનેહથી એ
મુકવામાં આવતી વાંચનાર ચકિત થઇ જતા. સાથો સાથ ચાલુ વાર્તા રૂપે એકાદ અંગ્રેજી
નવલકથાનો ગુજરાતી અનુવાદ દર હપ્તે તેમાં આવતો. રત્નમણિરાવની અંગ્રેજીમાંથી ગુજરાતી
અનુવાદ કરવાની ટેવને કારણે ગુજરાતી સાહિત્યને જેમ્સ બેરીના "The Admirable
Crichton" હાસ્ય નાટકનું "સંભવિત
સુંદરલાલ" નામક ગુજરાતી નાટક મળ્યું હતું. આ નાટકના બેત્રણ શો પણ થયા
હતા. એક ઇતિહાસકાર હાસ્ય નાટકો લખે, કાવ્યો લખે, જ્યોતિષ શાસ્ત્ર વિષે વાંચે
વિચારે એ ઘટના જ તેના ઇતિહાસકાર તરીકેના વ્યક્તિત્વના વિકાસમાં રહેલા વિવિધ
પાસાઓને વ્યક્ત કરે છે.
૨૪ સપ્ટેમ્બર ૧૯૫૫ના રોજ શનિવારે બપોર
પછી સાડાત્રણ વાગ્યે પોતાના પરિવાર પત્ની,પુત્ર,પુત્રીઓ, જમાઈઓ સૌની હાજરીમાં
પોતાની મોટી પુત્રીના ખભે માથું મૂકી ઘણી જ શાંતિથી તેમને પ્રાણ છોડ્યા હતા. ૬૦
વર્ષની વયે ગુજરાતના સાહિત્ય, ઈતિહાસ અને સંસ્કૃતિના સંવર્ધન માટે પોતાનું
જીવન સમર્પિત કરી લાંબી યાત્રાએ નીકળી પડેલા ભાણાભાઈ ઉર્ફ રત્નમણિરાવ જોટે ઇતિહાસનો
જે વારસો મુકતા ગયા છે, તે યુવા ઇતિહાસકારો, સંશોધકોને હંમેશા માર્ગ ચીંધતો રહશે.
No comments:
Post a Comment