Thursday, May 22, 2025

પુસ્તક પરિચય: બકુલા ઘાસવાલા : પ્રેમ હરિ કા રૂપ હૈ - જીવનમર્મ સમજાવતી અનોખી સૂફી કથાઓ : ડો. મહેબૂબ દેસાઈ



“સનાતન સંસ્કૃતિનાં મૂળ વેદોનું પ્રમાણ છે અમને ચારે બાજુથી સદ્ વિચાર પ્રાપ્ત થાઓ.”
“ જે પિંડમાં છે તે બ્રહ્માંડમાં છે.”
“હિન્દુ અને ઈસ્લામ તત્ત્વજ્ઞાન દરેક અર્થમાં સમાન છે હિંદુ જેને ઈશ્વર કહે છે તેને મુસલમાન ખુદા કહે છે, હિન્દુઓ જેને આત્મા-પરમાત્મા કહે છે તે ઈસ્લામમાં રૂહ છે.” - દારા શિકોહ.

‘મુસ્લિમ મહાત્માઓ’ ( જેઠ, સંવત ૧૯૮૪-લગભગ ૯૫ વર્ષ પહેલાં)  પુસ્તકના મૂળ લેખક પાઠક જગજીવન કાલિદાસ ૯૨ મુસ્લિમ મહાત્માઓનો પરિચય અને ૧૦૩૩ વચનામૃત સંકલિત કરે છે જે વિશે ભિક્ષુ અખંડાનંદ પોતાનાં પંદરેક પાનાંનાં નિવેદનમાં લખે છે તેનો ટૂંકસાર એ જ છ કે કોઈપણ ધર્મ જ્ઞાન, ચારિત્ર્ય, સહિષ્ણુતા, સૌહાર્દ, સમન્વય, શાંતિ-સુલેહની જ શિખામણ-ઉપદેશ આપે છે. સૂફી સંતો મૃત્યુને મુક્તિનો મહોત્સવ માને છે એટલે એમના વફાત દિનનો ઉત્સવ ઉર્સ સ્વરૂપે ઊજવાય છે.

ઈતિહાસ- મહેક(૧૯૮૬) , મુસ્લિમ મહાત્માઓ(૨૦૧૦), મુસ્લિમ માનસ(૨૦૦૩), મુસ્લિમ સમાજ- વ્યથા અને વિચાર(૨૦૦૩),  અલખને ઓટલે(૨૦૦૭), મઝહબ હમેં સિખાતા આપસમેં પ્યાર કરના(૨૦૧૨), સૂફીઓ તો તેને રે કહીએ(૨૦૦૭) આ મહત્ત્વનાં નોંધપાત્ર પુસ્તકો ડો. મહેબૂબભાઈ દેસાઈ લિખિત છે.
“પ્રેમ હરિ કા રૂપ હૈ, ત્યોં હરિ પ્રેમ સ્વરૂપ
એક હોય દ્વેય લસે, જ્યોં સૂરજ આઠ ધૂપ”
-રસખાન 
જેમ પ્રેમ પરમાત્માનું સ્વરૂપ છે એમ પરમાત્મા પણ પ્રેમ સ્વરૂપ છે. બન્ને સૂરજ અને ધૂપની જેમ એક બીજાની શોભા છે. રસખાનજીની આ પંક્તિઓ પરથી સૂફી સંતો અને કથાઓનો રસાસ્વાદ ડો. મહેબૂબ દેસાઈ કરાવે છે. એમના મંતવ્યો પ્રમાણે સૂફી સંતોનાં જીવનકવનમાં પણ કેન્દ્રસ્થાને ઈશ્વર કે ખુદાનો પ્રેમ જ છે. જે માનવી સમાજસેવા અને સદ્ ભાવનામાં જીવન પસાર કરે છે તે દરેકને તેઓ  સૂફી સંત માને છે.
“ઈશ્વરની નજરે તમારા સદ્ કાર્યો તમારી મૂડી છે, તમારી શાલીનતા તમારી લાયકાત છે, તમારી માનવતા તમારી ઓળખ છે, સૂફીવાદ જીવનની ક્ષણભંગુરતાને ખૂબ માને છે.સૌંદર્ય અને સમૃદ્ધિનો ગર્વ ન કરવો જોઈએ,” જેને સંત નઝીરના શબ્દોના મર્મ સાથે કવિ શૈલેન્દ્ર હિંદી ગીતમાં રજૂ કરે છે-
સજન રે જૂઠ મત બોલો
ખુદા કે પાસ જાના હૈ
ન હાથી હૈ ન ઘોડા હૈ
વહાં પૈદલ હી જાના હૈ…..

મહંમદ પયગંબરે સાહેબ(સ.અ.વ), સત્તારશાહ બાપુ, રૂમી, કબીર, તુલસીદાસજી, મીરા, સૂરદાસ, દારા શિકોહ-ગ્રંથ (’સફીનતુલ અવલીયા’, ‘મજ્મ ઉલ બહરૈન-સમુદ્ર સંગમહ’  નો હિન્દી-સંસ્કૃતઅનુવાદ જગન્નાથ પાઠક સાહેબે કર્યો છે), દારા શિકોહના ગુરુ હઝરત સમરદ શહીદ-નંગા ફકીર, કૃષ્ણ ભક્ત રસખાન, મહંમદ બેગડો, હઝરત લુકમાન, હઝરત રાબિયા બસરી( સાધિકા એ રાધાનું રૂપ લાગે એટલા અલ્લાહના હતાં), સંત ઉસ્માન, સંત નઝીર, સૂફી સંત હબીબ અજમી,સંત ડાયોજિનસ, અમીર ખુસરો, સંત દાદુ દયાળ, સંત કમાલ, સંત હઝરત મુસા, ગુરુ દયાલ મલિક (જેમણે સિંધના સૂફીઓ પર અંગ્રેજીમાં પુસ્તક લખ્યું છે,’ ડિઝાઈન ડેવલ્સ ઑફ ડેઝર્ટ-ગુજરાતી અનુવાદ નલિન ઉપાધ્યાય,‘મરુભૂમિના દિવ્ય દરવેશ.’ હાલ પુસ્તક અપ્રાપ્ય),
 બાબા ફરીદ( ફરીદકોટ,પંજાબ),  સ્વામી વિવેકાનંદ, પૂજનીય રામકૃષ્ણ પરમહંસ, શારદામાઈ, મહર્ષિ રમણ(ચિત્તની શૂન્યના ઈશ્વર પાસે પહોંચવા અનિવાર્ય), બુલ્લે શાહ, ઈનાયત શાહ, સાહિર
લુધિયાનવી(ગીત- મૈં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા), હઝરત અહેમદ ખટું ગંજબક્ષ સાહેબ,  સૂફી સંત ફરીદુદ્દીન અત્તાર(પ્રખ્યાત ગ્રંથ- મસ્નવી અત્તાર, મનકી-ઉ-ઈયાર:પક્ષીઓનું સંમેલન, આધ્યાત્મિક ગ્રંથ - ઈલાહી-નામા), સૂફી સંત સલમાન ફારસી, સૂફી સંત ઉમર ખય્યામ, હઝરત ઉસ્માન( ‘ મદરીજીબ મઆરિજ’ ગ્રંથના રચયિતા),  ફિલ્મ અને નાટ્ય કલાકાર અશરફખાન, સૂફી સંત અનવર મિયાં-અનવરનાં કાવ્યો, યારી સાહેબ( એકાત્મવાદી અને એકેશ્વરવાદી હતા), હઝરતબલ(શ્રીનગર-બલ એટલે જગ્યા), સૂફી સંત ખ્વાજા ગરીબ નવાઝ, હઝરત દાવલશાહને (હિંદુઓ પરમ શ્રદ્ધાથી પૂજે છે જે વિશે પાના નંબર -૧૪૪ પર કથા છે), સૂફી લતીફ શાહ, અમીર ખુસરો, ચિરાગ એ દિલ્લી-સંત ચિરાગ, શાસક મહંમદ બેગડો, પ્રભાશંકર પટ્ટણી, કાયમુદ્દીન ચિશ્તી-સમરસતાના પ્રતીક, કવિ શૈલેન્દ્ર, સ્વામી વિવેકાનંદ, સંત ગાંધી…..ડો. મહેબૂબ દેસાઈની દૃષ્ટિએ આ સર્વ મહાન સૂફી સંત હતા.

આ સર્વ સૂફી સંતોનું કહેવું છે,”હદયનાં દ્વાર ખુલ્લાં રાખો, માનવીના નિઃસ્વાર્થ-શુદ્ધ પ્રેમને પામો એટલે ઈશ્વરને પામ્યા.”
“ અહિંસા પરમ ધર્મ છે, સત્ય એ જ ઈશ્વર છે, કોઈની તકલીફ કે લાચારીનો ગેરલાભ ઉઠાવવો એમાં કાયરતા છે.”  મહાત્મા ગાંધી
 “ઈશ્વરીય પ્રેમ પામવાનું પગથિયું માનવીયપ્રેમ છે” સંત લતીફ
“ સૂફી જમાલુદ્દીન કહે છે,”વધુ પ્રેમ કરવાથી જ માનવી દિવ્ય હેતુઓમાં વધુ ડૂબકી લગાવી શકે છે. પ્રેમ સ્વર્ગીય રહસ્યોને માપતું સાધન છે. એ જ તો મલમ છે. જે આધ્યાત્મિક આંખને સ્વચ્છ બનાવી દિવ્ય દૃષ્ટિ બક્ષે છે.”
ગાંધીજીએ દાંડીકૂચ યાત્રા અગાઉ ૫/૩/૧૦૩૦ ના દિને સંત કમાલનું ભજન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ પાસે સાંભળેલું.
“સમાજ બૂઝ દિલ ખોજ પિયારે
         આશક હોતરજિના ક્યા?
જિન નૈનોને નિંદ ગવાઈ
            તકિયા સેફ બિછાના ક્યા?
રૂખાસૂકા રામ કા ટુકડા
             ચિતના ઔર સલોના ક્યા?
કહત કમાલ પ્રેમ કા માર્ગ
                સીસ દિયા ફિર રોના ક્યા?
સંત કમાલ જેઓ આચારવિચારમાં પિતાથી પ્રભાવિત હતા અને સંપ્રદાયના સખત વિરોધી હતા. હિંદુ-મુસ્લિમ જેવા ભેદભાવથી પર હતા. સર્વધર્મ સમભાવને ઉજાગર કરનાર સર્જક હતા.
ગાંધીજી અને પ્રભાશંકર પટ્ટણી વચ્ચે પ્રગાઢ મિત્રતા હતી ઉપરાંત તેઓ ઊંડાં ચિંતક અને ગહન વિચારક હતા. પારદર્શકતા એમનો વિશિષ્ટ ગુણ હતો. એમના ઘરમાં ચોરી કરનાર ચાકર પકડાઈ તો તે સમયે એને સામેથી પચાસ રૂપિયા જેવી રકમ આપી દે એવો ઉમદા સ્વભાવ ધરાવતા શાસક હતા!  પ્રભાશંકરજી કહેતા કે  એણે ચોરી એટલે કરી હશે કે એને જરૂર હશે (પાનું:૧૭૦).

કબીરના દોહામાં સૂફી વિચારધારા ગાઢ સ્વરૂપે વણાયેલી છે. હિંદુ અને ઈસ્લામના મૂળ મૂલ્યો  પ્રેમ, ભક્તિ અને જ્ઞાનના ત્રિવેણી સંગમ સાથે વિચારોની ગહનતા અને સરળ અભિવ્યક્તિ જોડાયેલી છે. કહેવાય છે કે ઉચ્ચ બ્રાહ્મણકુળમાં જન્મેલ કબીરનો ઉછેર મુસ્લિમ દંપતી નીરુ અને નીમા દ્વારા થયો હતો. કબીર અર્થાત્ મહાન.
“ઐસી વાણી બોલીએ, મન કા આપા ખોય,
ઔરન કો સીતલ કરે, આપહુ સીતલ હોય.”
મનમોહક વાણી બોલો જેનાથી સાંભળનારને શીતળતાનો અહેસાસ થાય અને બોલનારને શાતા મળે.
કબીરની જેમ રહીમના દોહામાં પણ સૂફીવાદ ગુંથાયેલો છે. શહેનશાહ અકબરે એનું પાલન શાહજાદાની જેમ કર્યું હતું. રહીમના દોહાઓ વર્ગ, વર્ણ, વાણી, પારકાં-પોતાનાં, સત્ય-અસત્યના ભેદભાવ સમજવામાં સાચો માર્ગ બતાવે છે.
“બડે બડાઈ ના કરે, બડે ન બોલે બોલ,
રહિમન હીરા કબ કહે, લાખ ટકા હૈ મોલ.”
“રહિમન ધાગા પ્રેમ કા મત તોડો ચૂકાય,
ચૂંટે સે ફિર ના જુડે, જુડે ગાંઠ પરિ જાય.
-અબ્દુલ રહીમ ખાન.

“ પ્રેમથી મોં ન ફેરવ, જોકે એ સાચો પ્રેમ નથી પણ એ સાચા પ્રેમ માટેની તૈયારી છે.”
ઈશ્કે મજાઝી માટે મુલ્લા જામી- મસ્નવી’ યુસુફો ઝુલૈખા.’

“ ઈશ્કે મજાઝીને ઈશ્કે ઈલાહી તરફ જવાનો પૂલ માનવામાં આવે છે.”

“ભજન કે ઈબાદતમાં સૂરતાલ ન હોય તો ચાલે પણ ભાવ અત્યંત જરૂરી છે.” અજ્ઞાત ભક્ત.

“તમામ બાબતોનાં મૂળમાં માત્ર બે જ સિદ્ધાંત છે, એક એ કે જે તમારા માટે સર્જાયું છે તે તમને જ મળશે અને તમને મળતું કોઈ રોકી શકશે નહીં, બીજો સિદ્ધાંત એ કે તમારા માટે જે નથી તે તમે ગમે તેટલા પ્રયાસો કરશો છતાં નહીં જ મળે કારણ કે ખુદાએ તમારા માટે એ સર્જી જ નથી.” હઝરત અબુ હાઝીમ. ‘દીન -એ-ઇલાહી એટલે તૌહિદ-એ-ઈલાહી મતલબ એકેશ્વરવાદ જેને માટે અંગ્રેજ ઈતિહાસકાર વારહોલીએ લખ્યું છે- ‘દીન-એ-ઈલાહી ધર્મ’ સમ્રાટ અકબર પ્રેરિત હતો જેમાં
વિભિન્ન ધર્મોનાં તત્ત્વોનું મિશ્રણ હતું જેમાં અંશત: મહંમદ સાહેબના કુરાન, હિંદુ ધર્મગ્રંથો, અને ઈસા મસીહાના ઈન્જિલમાંથી ઉત્તમ સિદ્ધાંતો લેવામાં આવ્યા હતા.”

બેબાક સુફી સંત અહમદ ખટું ગંજબક્ષ પોતાના સુવર્ણકાળમાં અમદાવાદ આવ્યા અને એમણે અમદાવાદની સ્થાપના કરી. આજે પણ એમની મઝાર-દરગાહ સરખેજ રોઝામાં છે. (પાનું-૯૩)
“જાની ઊઠા લે અબ તો એ પરદા નીકાબ કા,
આશક કે રૂબરૂ હૈ ક્યા આઅસ હિજાબ કા.”
સૂફી સંતો પોતાને ખુદાનો આશક સમજે છે.
-સૂફી સંત અનવર મિયાં.

સૂફી સંત હસન બસરીનો ઈસ્લામ એટલે શું નો જવાબ,”મુસલમાની ઈસ્લામ માત્ર કિતાબમાં છે, દર કિતાબ વ મુસલમાન દર ગોર અર્થાત્ ઈસ્લામ માત્ર કિતાબોમાં છે અને સાચા મુસ્લિમો માટી નીચે કબરમાં છે.“
“પરહેજગારી ઈસ્લામનાં મૂળમાં છે.” પરહેજગારી એટલે લોભ, લાલચનો ત્યાગ.(પાનું: ૧૦૫)

 સ્વામી વિવેકાનંદનાં વ્યક્તિત્વમાં પણ મહેબૂબ ભાઈ સૂફીવાદ જુએ છે. ગણિકાનું ભજન સાંભળી એની માફી માંગવી જેવા બનાવો એમનાં જીવનકવન સાથે જોડાયેલાં છે. સૂફી વિચારમાં સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક સમાનતા અને બંધુતાનો સિદ્ધાંત પાયામાં છે. વિશ્વના પ્રથમ સૂફી સંત મહંમદસાહેબ(સ.અ.વ)ના વ્યક્તિત્વમાંથી નીતરતા એ સિદ્ધાંત વિશે વિવેકાનંદજી કહે છે,”પયગમ્બર સાહેબ દુનિયામાં સમતા અને સમાનતાના પ્રખર સંદેશવાહક હતા. તેઓ ભ્રાતૃભાવના મહાન પ્રચારક હતા.” વિવેકાનંદજીના મતે શિક્ષિત મુસ્લિમો, સૂફીઓને હિંદુઓથી  અલગ કરવા મુશ્કેલ છે. (પાનું:૧૭૩) 

અહમદાબાદ વસાવનારા ચાર સંતો પાટણના હઝરત કાઝી અહમદજૂદ, હઝરત મલિક અહમદ-કાલુપુર, બલુચવાડ, હઝરત અહમદ ગંજબક્ષ અને ચોથા સુલતાન અહમદ જેમનાં કારણે બાંધણી, સ્થાપત્ય, દેખાવમાં અમદાવાદ અદ્વિતીય છે, અમદાવાદનો પાયો નંખાયો એ સ્થળ માણેક બુરજ-૨૬/૨/૧૪૧૧ છે(પાનું:૧૧૯),

અમુક લેખોમાં પુનરાવર્તન છે દા. ત. પાનું ૧૩૧-૧૩૨-૧૬૬. ઔરંગઝેબ અને દારા શિકોહના ગુરુ હઝરત સહમત વચ્ચે બનેલી ઘટના.  પાનું- ૧૪૬: બે ગોવાલણનો સંવાદ.

ગઝલનાં મૂળ પર્શિયનભાષાના ‘કશીદા’નામના કાવ્યપ્રકારમાં પડ્યાં છે, ગઝલની શરૂઆત ૧૦મી સદીમાં ઈરાનમાંથી. કશીદા એટલે પ્રશંસાકાવ્યો. હઝરત મહંમદ સાહેબે જેમની પ્રશંસા કરતાં કાવ્યો લખેલાં તે કશીદા. કશીદામાંથી તશબીબ જેમાં સૌંદર્યની પ્રશંસા, પ્રેમ અને પ્રિયતમાની લાગણીઓની અભિવ્યક્તિ, તશબીબીમાંથી ગઝલનો વિકાસ થયો.

 ચિશ્તિયા પરંપરાનો આરંભ કરનાર ખ્વાજા અબુ અબ્દુલ્લાહ ચિસ્તી, એમના શિષ્ય કુત્બુદ્દીન બખ્તયાર અને એમના શિષ્ય ફરીદબાબા છે. ગુજરાતમાં ચિસ્તી પરંપરાના જાણીતા સંતોમાં સોળમી સદીના સંત કાયમુદ્દીન ચિસ્તીનું નામ અગ્ર છે. આઠમાં વર્ષે એમને કુરાન કંઠસ્થ હતું. તેઓ ગુજરાતી, સંસ્કૃત, ફારસી અને અરબી ભાષાના જાણકાર હતા. તેમનો ગ્રંથ’નૂરે રોશન’ છે. ૨૦૦૯માં એ પુન:પ્રકાશિત થયો છે. ૧૭૫૫માં એમના મૂળ ગ્રંથનો અનુવાદ શ્રી ભગત સુલેમાન અહમદે કર્યો હતો.

હઝરત મહમંદ સાહેબની દાઢીનો બાલ શ્રીનગરમાં ખ્વાજા નૂરુદ્દીનની પુત્રી ઈનાયતબેગમને એમના પિતાના  મૃતદેહ સાથે સોંપવામાં આવ્યો જેમનાં નિકાહ પાંડે પરિવારમાં થયા હતા. એમણે એ પવિત્ર બાલ માટે એક દરગાહ બનાવી. આજે પણ એ દરગાહની નિગરાની પાંડે પરિવાર રાખે છે! (પાનું:૧૩૯)

ધર્મ, જાતિ, કોમના ભેદભાવ વગરની માન્યતાનાં કારણે જેઓ કોમી એકતાની મિસાલ બની ગયાં હતા એસુફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી મહંમદ સાહેબના વંશજ હતા એમનો ઉપદેશ: “દરિયા જેવી સખાવત, સૂરજ જેવી ભલાઈ અને ધરતી જેવા પરોણાગત હશે તે અલ્લાહના સાચો મિત્ર હશે.”
“ભૂખ્યાંને ભોજન, પીડિતોને સહાય, હાજતમંદને( જરૂરિયાતમંદ ) મદદ, પક્ષીને ચણ, તરસ્યાંને જળ,
દુશ્મન સાથે માનવતાપૂર્વકનો વ્યવહાર કરવો.” આ જ ગૃહસ્થધર્મ છે જે હિંદુ સોળ સંસ્કારમાં લગ્ન બાદ ગૃહસ્થી સાથે સંલગ્ન છે.

 વેદ, વેદાંત, ઉપનિષદો, હિંદુધર્મના ચાહક દારા શિકોહ સાચા અર્થમાં મુસલમાન અને કુરાનેશરીફ અને તસવ્વુફને પચાવનાર સંત હતા, ધાર્મિક કટ્ટરતાના વિરોધી દારા શિકોહની હત્યા એના નાનાભાઈ ઔરંગઝેબે સત્તા હાંસલ કરવા માટે કરી હતી. દારા શિકોહ સર્વધર્મ સમભાવના ચાહક હતા.ઔરંગઝેબે જિનાલયને મસ્જિદ બનાવવાની જાહેરાત કરેલી જેને અમદાવાદના સુબેદાર તરીકે દારા શિકોહે રદ કરાવી હતી. દારા શિકોહે યોગ વશિષ્ઠ ગીતા અને પ્રબોધ ચંદ્રવિદ્યા જેવા ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો. (પાનું: ૧૪૫) 

“મનુષ્યનાં પ્રત્યેક અંગમાં શહવત અને લાલચ છુપાયેલા છે, જ્યાં સુધી એે એનાથી મુક્ત નહીં થાય ત્યાં સુધી ગંતવ્ય સ્થાને ન પહોંચી શકે.” રોશન ચિરાગ એ દિલ્લી.  જેનો  અર્થ દિલ્હીની પ્રબુદ્ધ રોશની થાય છે.

કેટલાક શબ્દપ્રયોગો ખુદાતઆલા, તૌબા કરી, નેકનામી, ઈબાદત, ખિદમત, બોરી, ખુદાના નૂરના દીદાર, ઉમ્મી, નમાઝની એહમિયત, મઝાર, મુરાદ, ગુજારીશ, ઈશ્કે હકીકી- પરમાત્મા પ્રત્યેનો પ્રેમ, ઈશ્કે મજાઝી- માનવપ્રેમ, તસવ્વુફમા-અદ્વૈત, શાહરાહ(બાયઝીદ બિસ્માનીની દેણ), 
ઈશ્ક-એ-અકીકી, તામીર, સબ્ર, ખોફ, વફાત, લાઈકરા ફુદ્દીના-ધર્મનો પ્રચાર બળજબરીથી ન કરો,
અનલ હક્ક, ખલક,  વગેરે ધ્યાનમાં આવે છે.

 અંતે સંતાના શહેનશાહ રૂમીની ’મસનવી’ અને ‘દીવાન-એ-શમ્સતબરેઝ’ ના ઉલ્લેખ સાથે સમાપન:
“ અહંકાર એ મનુષ્ય અને ઈશ્વર વચ્ચેનો મોટો સઘન પડદો છે.”
“ ખૂબસૂરતી આપણી ચારેબાજુ છે પરંતુ આપણે એને ફક્ત બગીચામાં શોધીએ છીએ.”
“ તમારું કામ પ્રેમને શોધવાનું નથી પરંતુ એ વિઘ્નોને શોધવાનું છે, તે તમે જ તમારાં મનમાં પ્રેમનાં વિરોધમાં સ્થાપિત કરી રાખ્યા છે.”
“સાસાંરિક પ્રેમસે અપના મુંહ મત મોડ યહ તુઝે હક તક ઊંચા ઉઠા સકતા હૈ.”
“ જ્યારે હું અવસાન પામું ત્યારે મારા મકબરાને જમીન પર ન શોધશો, તેને લોકોનાં હ્યદયમાં શોધશો.”

રાબિયા: “ડર અને અપેક્ષાથી મુક્ત થઈ નિઃસ્વાર્થપણે ખુદાની ઈબાદત કરો એ જ સાચી ઈબાદત છે.”  પણ પ્રેમ, સૌહાર્દ, માનવીય મૂલ્યોનું જતન, સમાનતા, એકતાનો જ મહિમા કરવામાં આવ્યો છે એટલે અંતે તો નીરક્ષીરવિવેકથી વ્યક્તિએ માણસ બનીને રહેવાનું છે. એ જ નિષ્કર્ષ મળે છે. ગેરમાર્ગે દોરાયેલાં લોકો અન્યનું જીવન તહસનહસ કરી અંતે તો હતાશ જ થાય છે. સમગ્ર પુસ્તક કોઈપણ દૃષ્ટિથી વાંચો એનું હાર્દ એક જ અને સમાન છે.
ગીતા કહે છે, “કોઈપણ પરિસ્થિતિમાં  સ્થિરતા રાખી શકનાર તે સ્થિતપ્રજ્ઞ. મને લાગે છે કે સૂફી સંતો એટલે સ્થિતપ્રજ્ઞ માનવીઓ પુસ્તકને આવકાર.


મૂલ્ય: ₹૨૨૫/-
આર.આર.શેઠ એન્ડ કંપની.
ફોન નંબર: ૦૨૨૨૨૦૧૩૪૪૧ મુંબઈ
૦૭૯૨૫૫૦૬૫૭૩ અમદાવાદ

સ્નેહની સરવાણી : શ્રી નરેન્દ્ર મોદી : ડૉ. મહેબૂબ દેસાઈ

 

ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથેનો મારો નાતો એ જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારનો છે. પણ એ સબંધોમાં ક્યારેય મારે રાજકીય નરેન્દ્રભાઈ સાથે મળવાનું થયું નથી. અમે જ્યારે પણ મળ્યા છીએ ત્યારે એક અધ્યાપક અને એક અદના ઇન્સાન જેમ જ મળ્યા છીએ. તેમની રાજકીય કારકિર્દી અંગે ન તો કશું લખવાની મારી લાયકાત છે, કે ન રાજકારણ અંગેની મારી એવી ઊંડી સમજ છે. પણ તેમને એક ઇન્સાન તરીકે જોવાની મળવાની મને ઘણી તકો સાંપડી છે. આજે એ અંગે  થોડી વાત કરવી છે.

અમારી પ્રથમ મુલાકાત અચાનક અને આશ્ચર્યજનક થઈ હતી. તેઓ જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા, એ દિવસોમાં ભાવનગર યુનિવર્સિટીના એક સેમિનાર માટે પ્રવાસન નિગમના ચેરમેન

શ્રી પી કે. લેહરી સાહેબને મળવા હું અને મારા મિત્ર સંજય બારોટ ગાંધીનગર ગયા હતા. લેહરી સાહેબે સેમિનાર માટે એક લાખનું અનુદાન યુનિવર્સિટીને આપ્યું. તેનો ચેક લઈ અમે તેમની ચેમ્બર બહાર નીકળ્યા. સંજય બારોટ બહાર આવતા અચાનક બોલી ઉઠયા,

“દેસાઇ સાહેબ, સેમિનારનું ઉદ્ઘાટન આપણે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પાસે કરવી એ તો

કેમ ?”

“એ તો ઠીક છે. પણ હું ક્યારેય તેમને મળ્યો નથી. અને તેમને મળવા અગાઉથી સમય લેવો પડે. વળી, મુખ્યમંત્રીના કાર્યાલય સુધી પહોંચવા અનેક વિધિ માંથી પસર થવું પડે. એટલે અત્યારે તો એ શક્ય નથી.”

“ દેસાઇ સાહેબ, હું આપને મુખ્યમંત્રીના કાર્યાલય સુધી પહોંચાડી દઉં. પછી તમારે પ્રયાસ કરવો પડે.”

મે કહ્યું , “ઠીક છે, ચાલો.”

અને સંજય બારોટે એકાદ બે ફોન કર્યા. અને તેમના પ્રયાસોથી અમે મુખ્યમંત્રીના કાર્યાલય સુધી પહોંચી ગયા. મુખ્યમંત્રીના કાર્યાલય બહાર મુલાકાતીઓની મોટી ભીડ હતી. આટલી ભીડમાં મુખ્ય મંત્રી અમને મુલાકત આપે એવી કોઈ શક્યતા જ ન હતી. છતાં મે મુખ્યમંત્રી કાર્યાલયની પી.એ. કચેરીમાં મારુ અધ્યાપક તરીકેનું કાર્ડ આપ્યું અને કહ્યું,

“ આપ સાહેબને કાર્ડ પહોંચાડો, જો સમય આપશે તો અમે રોકાઈશું. અન્યથા જતાં રહીશું.”

કાર્યાલયનાં પી. એ. એક નજરે મને જોઈ રહ્યા. આટલી મોટી મુલાકાતીઓની ભીડમાં તેમને મારી વાત નવાઈ પમાડે તેવી લાગી. છતાં કાર્ડ તેમણે સ્વીકારી લીધું અને કહ્યું,

“તમે મુલાકાતીઓની લોબીમાં બેસો.” 

હું અને સંજય બારોટ મુલાકાતીઓઓની લોબીમાં બેઠા. લગભગ એકાદ કલાક પછી એક પટ્ટાવાળો જોર જોરથી મારા નામનો પોકાર કરતો મુલાકાતી લોબીમાં આવ્યો. સંજય બારોટ એ સાંભળી બોલી ઉઠયા,

“દેસાઇ સાહેબ, આપના નામની બૂમ પડી રહી છે.”

મે કહ્યું,

“મિયાંના નામની બૂમ બે વખતે જ પડે, કયા તો તેને પકડવાનો હોય ,કયા તો તેને પાડવાનો હોય”

અને અમે બંને હસી પડ્યા. સંજય બારોટ હસતાં હસતાં એ પટ્ટાવાળા પાસે ગયા અને તેમને માહિતી આપતા કહ્યું,

“પ્રોફેસર દેસાઈ ત્યાં બેઠા છે.”

પટ્ટાવાળો દોડતો મારો પાસે આવ્યો અને બોલ્યો,

“સાહેબ આપે અહિયાં નથી બેસવાનું. આપ મારી સાથે ચાલો”

અને તે અમને એક ભવ્ય વી. આઈ. પી. રૂમમાં દોરી ગયો.

“આપ અહિયાં બેસો. આપ ચા નાસ્તો કઈ લેશો ?”

મે કહ્યું “ના” તેણે કહ્યું,

“સાહેબ આપને થોડીવારમાં બોલાવશે. આપ અહિયાં જ તેમની રાહ જોશો”

વી. આઈ. પી. ખંડમાં અમે અડધી કલાક સાહેબના બુલાવાના ઇન્તજારમાં બેસી રહ્યા. દરમિયાન ચા, નાસ્તો અને ઠંડા પીણાં અમારી મહેમાનગતિ માટે આવતા રહ્યા. લગભગ અડધી કલાક પછી સાહેબના પી. એ. ખુદ અમારી પાસે આવ્યા. અને અમને ખુશખબર આપતા કહયું,

“સાહેબ આપને યાદ કરે છે.”

અમે વી. આઈ. પી સોફા નો ત્યાગ કરી તુરત સાહેબની ચેમ્બર તરફ કદમો માંડ્યા. દરવાજા પાસે આવી દરવાજો ખોલવા આગળ વધ્યા ત્યાં તો દરવાજો એકાએક ખૂલ્યો અને ખુદ સાહેબે અમને આવકાર્ય. અને તેઓ અમને તેમના ટેબલ સુધી દોરી ગયા. અમને બેસવાનું કહી તેઓ તેમની મુખ્યમંત્રીની ચેરમાં બિરાજ્યા અને બોલ્યા,

“મહેબૂબ ભાઈ, હું તમારા વિષે બધુ જાણું છું. તમે ધંધુકાના વતની છો. તમારા પિતાજી અને દાદા પોલીસ વિભાગમાં અધિકારી હતા. તમે છેલ્લા પચ્ચીસેક વર્ષોથી ભાવનગર યુનિવર્સિટીમાં અધ્યાપક છો. સારા અધ્યાપક છો, સારા લેખક છો. અને નિષ્કલંક કારકિર્દી ધરાવો છો.”

હું તેમને આશ્ચર્ય ચકિત નજરે તાકી રહ્યો. મારા વિષે આટલી વિસ્તૃત માહિતી એક મુખ્યમંત્રી એકત્રિત કરીને રાખે એ મારા માટે આનંદની ઘટના હતી. મે કહ્યું,

“નરેન્દ્રભાઈ, મારા વિષે આટલી વિગતો આપના મુખે સાંભળી મને ચોક્કસ નવાઈ લાગી છે.”

ચહેરા પર સ્મિત પાથરતા તેઓ બોલ્યા,

“એના માટે આપનો એક લેખ જવાબદાર છે. આપે ૨૦૦૨ના રમખાણો પછી મારા અંગે એક લેખ લખ્યો હતો. જેનું શીર્ષક હતું “શુક્રિયા, મૌલાના નરેન્દ્ર મોદી”. એ લેખ મને ગમ્યો હતો.”

મે કહ્યું,

“એ જાણી આનંદ થયો કે મારો એ લેખ આપને ગમ્યો. વળી, આજે આપે અમને અચાનક મળવાનો સમય ફાળવ્યો તે માટે પણ હું આપનો ખૂબ ખૂબ આભારી છું. મારી આપને ઘણા સમયથી મળવાની ઈચ્છા હતી. પણ આમ અચાનક એ ઈચ્છા પૂરી થશે તેની મને કલ્પના પણ ન હતી.”

“હું પણ એ લેખ વાંચ્યા પછી આપણે મળવા ઉત્સુક હતો”

“સર, અમે ભાવનગર યુનિવર્સિટીમાં એક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરી રહ્યા છીએ. એ સેમિનારનું ઉદ્ઘાટન આપના હસ્તે થાય તેવી અમારી ઈચ્છા છે.”

“મહેબૂબભાઈ, મારા કાર્યક્રમો અગાઉથી નિર્ધારિત છે. એટલે ઉદ્ઘાટન સમારંભમાં તો નહીં ઉપસ્થિત રહી શકું. પણ શુભેચ્છા સંદેશ જરૂર મોકલી આપીશ.”

અમો નરેન્દ્રભાઇ સાથે લગભગ વીસેક મિનિટ બેઠા હઈશું. એ દરમિયાન બે ત્રણવાર તેમના પી. એ.નો ફોન આવી ગયો. બહાર મુલાકાતીઓની લાંબી કતાર હતી. પણ એ તરફ બિલકુલ ધ્યાન આપ્યા વગર નરેન્દ્રભાઈ ખૂબ નિરાંતે અમારી સાથે વાતો કરતાં રહ્યા. અંતે મે કહ્યું,

“સર જી આપને મળવા બહાર લાંબી કરતાં છે. એટલે આપનો વધુ સમય ન લેતા અમને રજા આપો’

અને સસ્મિત નરેન્દ્રભાઈ એ અમને વિદાય આપી.

અમે ચેમ્બર બહાર નીકળ્યા ત્યારે એક સંનિષ્ટ નાગરિક મુખ્યમંત્રીનું આવરણ ઉતારીને એક સાધારણ અધ્યાપકને મળ્યાનો અહેસાસ અમારા હદયમાં ખુશ્બૂ બની મહેકી રહ્યો હતો.  



Friday, April 18, 2025

મા તુઝે સલામ : ડૉ. મહેબૂબ દેસાઈ

 વિશ્વમાં મધર્સ ડેની ઉજવણી ૧૧ મેના રોજ સામાન્ય રીતે થાય છે. વર્ષના મેં માસના બીજા રવિવારને મધર્સ ડે તરીકે વિશ્વમાં ઉજવવામા આવે છે. એ દિવસે “મા”ની મહત્તાને સ્વીકારી તેને માનપાન આપવાનો રીવાજ વિકસ્યો છે. પણ માત્ર એક દિવસ માન આપી “મા”નું ઋણ ચૂકવવું શક્ય નથી. એ સનાતન સત્ય દરેક સમાજ અને ધર્મમાં સ્વીકારવામાં આવેલ છે. આપણા પુરાણોમાં માની મહત્તા નો વારંવાર ઉલ્લેખ કારવામાં આવ્યો છે. ઋગવેદમાં કહ્યું છે,

“માતૃ દેવો ભવ” અર્થાત માતાને હંમેશા ઈશ્વર સમાન પૂજો.

ઉપનિષદમાં કહ્યું છે “નાસ્તિ માતૃસમો ગુરૂ - માતા સમાન કોઈ ગુરૂ નથી”

મહાભારતમાં ઉલ્લેખ છે, “જેનાથી માતા પ્રસન્ન થાય છે તેનાથી આખી પૃથ્વી પ્રસન્ન થાય છે.”

યાજ્ઞાવલ્કય કહે છે, “માતાની પૂજા વગર તમામ પૂજા વ્યર્થ છે”  ચાણક્ય કહે છે, “માતા માનવ જીવનનું ગંગાજળ છે” રામાયણમાં ઉલ્લેખ છે, “જનની અને જન્મભૂમિ સ્વર્ગથીય ચડિયાતાં છે”

શંકરાચાર્ય કહે છે, ”પુત્ર કુપુત્ર થાય છે પણ માતા કદીય કુમાતા થતી નથી”

 

આપણા જાણીતા ગુજરાતી કવિ શ્રી બોટાદકરે મા ની મહત્તા વ્યક્ત કરતું સુંદર કાવ્ય લખ્યું છે. જેમાં કહ્યું છે,

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ

એથી મીઠી તે મોરી માત રે

જનનીની જોડ સખી નહી જડે રે લોલ.

પ્રભુના પ્રેમ તણી પૂતળી રે લોલ,

જગથી જૂદેરી એની જાત રે જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,

વ્હાલનાં ભરેલાં એના વેણ રે જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,

હૈયું હેમંત કેરી હેલ રે જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,

શશીએ સિંચેલ એની સોડ્ય રે જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,

અચળા અચૂક એક માય રે જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,

સરખો પ્રેમનો પ્રવાહ રે જનનીની

વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,

માડીનો મેઘ બારે માસ રે જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,

એનો નહિ આથમે ઉજાસ રે

જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

ઇસ્લામે પણ જનની અર્થાત જન્મ આપનાર માતાના મહત્તાને સ્વીકારેલ છે. એકવાર એક અનુયાયીએ હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)ને પૂછ્યું,

સ્વર્ગ કયા છે?”

આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું,

સ્વર્ગ તમારી માના કદમોમાં છે”

દિલ્હીના જાણીતા સૂફી સંત નિઝામુદ્દીન ઓલિયા ઘણી ગરીબીમાં ઉછર્યા હતા. બાળક નિઝામુદ્દીનના ઘરમાં ઘણીવાર ભોજન ન હોય. અને ભૂખ્યા જ રહેવાનું બને. ત્યારે બાળક નિઝામુદ્દીનની માતા તેમને કહેતા,

"બેટા, આજે આપણે ખુદા મહેમાન છીએ" અને બાળક નિઝામુદ્દીન તે દિવસે મા પાસે ભોજન ન માંગતા. પણ જયારે ઘરમાં લાગલગાટ રસોઈ બનતી ત્યારે બાળક નિઝામુદ્દીન ભોળપણમાં માતાને પૂછતાં,

"મા આપણે ખુદાના મહેમાન કયારે થઈશું ?"

આવા સંસ્કારોનું સિંચન કરનાર મા માત્ર જન્મ આપનાર જ ન હોય શકે. પણ ઉછેર કરનાર મા પણ એટલા જ માન અને મરતબાને કાબિલ છે. ભગવાન શ્રી કૃષ્ણની બંને માતાઓ માટે સુંદર ભજન લખાયું છે.

कन्हैया किसको कहेगा तू मैया
एक ने तुझको जनम दिया रे एक ने तुझको पाला

હઝરત મહંમદ સાહેબના દૂધમાતા બીબી હલીમા કે જેમણે પોતાનું દૂધ પાઈને મહંમદ સાહેબને પાંચ વર્ષના કર્યા હતા. તેમની પણ મહંમદ સાહેબ ખુબ ઈજ્જત કરતા હતા. જ્યારે પણ આપના દૂધમાતા હલીમા રૂમમાં પ્રવેશતા ત્યારે આપ ઉભા થઈ તેમને આવકાર આપતા અને પોતાની પાસે જ તેમને બેસાડતા. એ જ રીતે પોતાને માત્ર સાત દિવસ દૂધપાન કરાવનાર સુબીયાહને પણ મહંમદ સાહેબ જીવન ભર ભૂલ્યા ન હતા. તેમના અવસાન પછી તેમની બધી કૌટુંબિક જવાબદારીઓ મહંમદ સાહેબે અદા કરી હતી. આમ ઇસ્લામમા પણ માનો દરજ્જો ખુદા પછીનો ગણવામાં આવ્યો છે. 

માનવીના સર્જનની પ્રક્રિયાની “મા” સહભાગી છે. મા એવી વિભૂતિ છે જે નવ માસ સુધી તેના ઉદરમાં બાળકને ઉછેરે છે, તેના જન્મની અઢળક પીડા સહે છે. અને બાળકને આ દુનિયા દેખાડે છે. જો કે અહિયાં “મા”નું કાર્ય પૂર્ણ થતું નથી. બાળકને દુનિયા દેખાડવાની સાથે તેની પરવરીશ કરી, તેને આ દુનિયામાં રહેવા લાયક પણ “મા” જ બનાવે છે. તેમા સંસ્કારોનું સિંચન કરે છે.

એકવાર હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)એ એક અનુયાયીએ પૂછ્યું,

મારા સારા ઉછેર અને સંસ્કાર માટે કોને જવાબદાર ગણી શકાય?”

મહંમદ સાહેબે (સ.અ.વ.)એ કહ્યું,

તારી માને”

માતા પછી કોને ?”

તારી માને”

એ પછી કોણ?”

તારા પિતાને”

ડૉ. ઇકબાલે તેમના એક ફારસી કાવ્યની પંક્તિમા કહ્યું છે,

માદરી અઝ હિસ્સાએ પયગમ્બરી” અર્થાત “માતાપણું, માતૃત્વ એ પયગમ્બરના કાર્યનો ભાગ છે”.

આવી જન્મદાતા અને સંસ્કારોનું સિંચન કરનાર માતાને શત શત વંદન 

Friday, March 14, 2025

सद्भावना का इतिहास


आज से १८ साल पहले मुंबई में इस किताब "अलखने ओटले (महमंद साहब और मुस्लिम संतों के जीवन प्रसंग) का अनावरण जैन संत नम्रमुनि महाराज साहेब के कर कमलों से हुआ था : उस वक्त मुंबई के विधान सभ्य बाबा सिद्दीकी भी उपस्थित थे. उन दोनों के शुभ आशीष उन के हस्ताक्षरों में मौजूद है : किताब का प्रकाशन खर्च जैन मित्र सुरेशभाई गाला ने उठाया था. खुदा आज ऐसी सद्भावना की हम सब मिलकर दुआ माँगते है : आमीन