Thursday, October 31, 2019

કોમ, રાજય અને ધર્મના સ્થાપક મહંમદ સાહેબ (સ.અ.વ.) : ડો. મહેબૂબ દેસાઈ



“જે અન્યાય કરે તેને તું ક્ષમા આપ. જે તેને પોતાનાથી વિખુટો કરે તેની સાથે મેળ કર. જે તારી પ્રત્યે બુરાઈ કરે, તેની પ્રત્યે તું ભલાઈ કર. અને હંમેશા સત્ય બોલ. ભલે પછીએ એ તારી વિરુદ્ધ જતું હોય”
જેમની તલવારની મુઠ પર આ શબ્દો કોતરાયેલા હતા, એ ઇસ્લામના સર્જક હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબનો જન્મ દિવસ  ઈદ-એ-મિલાદ અર્થાત બારે વફાત ૧૦ નવેમ્બરના રોજ ઇસ્લામના અનુયાયીઓ ઉજવશે. ઇસ્લામના પુનઃ સર્જક અને પ્રચારક મુહંમદ સાહેબ(સ.અ.વ.)નો જન્મ ઇસ્લામી માસ રબ્બી ઉલ અવ્વલની ૧૨મી તારીખે સોમવારના દિવસે સવારે થયો હતો. અંગ્રેજી તારીખ ૨૦ અપ્રિલ ઈ.સ.૫૭૧. મહંમદ સાહેબ(સ.અ.વ.)ના જન્મનું વર્ણન ઇસ્લામિક ગ્રંથોમાં અત્યંત પ્રભાવશાળી રીતે આપવામાં આવ્યું છે. જે સાચ્ચે જ માણવા જેવું છે. વસંત ઋતુની સોહામણી સવાર હતી. વાતવરણમાંથી પ્રભાતના કિરણોની કોમળતા હજુ ઓસરી ન હતી. મક્કા શહેરમા આવેલા કાબા શરીફની નજીક હાશમની હવેલી(આજે તે મકાન પાડી નાખવામાં આવ્યું છે)ના એક ઓરડામાં બીબી આમેના સુતા હતા. આજે વહેલી સવારથી જ તેમની ઊંઘ ઉડી ગઈ હતી.પ્રભાતના પહેલાના કિરણોના આગમન સાથે જ તેમને અવનવા અનુભવો સતાવી રહ્યા હતા. જાણે પોતાના ઓરડામાં કોઈના કદમોની આહટ તેઓ સાંભળી રહ્યા હતા. સફેદ દૂધ જેવા કબૂતરો તેમની નાજુક પાંખો બીબી આમેનાની પ્રસવની પીડાને પંપાળીને ઓછી કરવા પ્રયત્ન કરતા હતા. અને તેમના એ પ્રયાસથી બીબી આમેનાનું દર્દ ગાયબ થઈ જતું હતું. આ અનુભવો દરમિયાન બીબી આમેનાના ચહેરા પર ઉપસી આવતા પ્રસ્વેદના બુન્દોમાંથી કસ્તુરીની ખુશ્બુ આવતી હતી. ઓરડામાં જાણે સફેદ વસ્ત્રોમા સજ્જ ફરિશ્તાઓ પુષ્પોની વર્ષા કરતા, હઝરત મુહંમદ સાહેબ(સ.અ.વ.)ના આગમનની આતુરતાથી રાહ જોઈ ઉભાં હતા.આવા આહલાદક વાતાવરણમાં બીબી આમેનાની કુખે ખુદાના પ્યારા પયગમ્બરનો જન્મ થયો. તેમના જન્મ સાથે આખો ઓરડો પ્રકાશથી ઝળહળી ઉઠ્યો. આસપાસ ઉભેલી સ્ત્રીઓની આંખો આ નૂરાની પયગમ્બરના આગમનથી અંજાઈ ગઈ.અને એ સાથે જ દુનિયાને ઇસ્લામના સિદ્ધાંતો દ્વારા માનવતાનો મહિમા શીખવવા હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)સાહેબે આ દુનિયામાં આંખો ખોલી.
યુવાનીમાં "અલ અમીન" અર્થાત શ્રધ્ધેય અથવા વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકે આખા અરબસ્તાનમાં જાણીતા બનેલા મહંમદ પયગમ્બર (સ.અ.વ.)સાહેબ એક સારા વેપારી હતા. હઝરત ખદીજાના વેપારી જહાજો લઈને વિદેશમાં ઈમાનદારીથી વેપાર કરી સારો નફો રળીને લાવ્યા હતા. તેમનામાં આવી રહેલ આધ્યાત્મિક પરિવર્તનની નોંધ લેતા સર વિલિયમ મ્યુર તેમના પુસ્તક "લાઈફ ઓફ મહંમદ" માં લખે છે,
"મહંમદ સાહેબમાં શરૂઆતથી જ ચિંતનની આદત અને એક જાતની ગંભીરતા દેખાતી હતી. હવે તે ઘણી વધી ગઈ હતી. અને હવે તેઓ પોતાનો ઘણો સમય એકાન્તમાં ગાળવા લાગ્યા હતા. તેમનું મન ધ્યાન અને ચિંતનમાં ચોંટેલું રહેતું હતું. પોતાની કોમની પડતીનો તેમના મન પર ભારે બોજો હતો. સાચો ધર્મ શો, એ વિષય એમના આત્માને અસ્વસ્થ કરતો હતો. તેઓ ઘણું ખરું મક્કાની નજીકની સૂમસામ ખીણો અને ટેકરીઓ પર એકાંતમાં રહેવા, ચિંતન કરવા અને શાંતિ પ્રાપ્ત કરવા ચાલ્યા જતા. હીરા પહાડની તળેટીમાં ઉતારાની ઉપર આવેલી એક ગુફા તેમની સૌથી પ્રિય જગ્યા હતી."

અને એક દિવસ તેમને ખુદાનો સંદેશ પ્રાપ્ત થયો. એ સંદેશ લોકો સુધી પહોંચાડવા તેમણે અનેક કષ્ટો, યાતાનો અને અપમાનો સહન કર્યા. પણ ખુદાએ આપેલ આદેશને તેઓ વળગી રહ્યા. ધીમે ધીમે અરબસ્તાનના લોકોમાં તેમનો વિશ્વાસ વધતો ગયો. લોકો તેમની વાતને ગંભીરતાથી સાંભળવા લાગ્યા. અને ત્યારે પણ પોતાની વાત નમ્રતા અને શાંતિથી જ લોકો સમક્ષ તેઓ મુકતા. યુરોપિયન તત્વજ્ઞાની કાર્લાઇલ કહે છે,
"તેઓ પ્રકૃતિના મોટા ખોળામાંથી નીકળેલો એક જબરજસ્ત બળનો અગ્નિ હતા, જગતના સર્જનહારની આજ્ઞાથી જગતને પ્રકાશમાન કરવા અને તેને જગાડવા માટે આવ્યા હતા."
યુરોપના એક અન્ય વિદ્વાન બોસ્વર્થ સ્મિથ તેમાના પુસ્તક "મહંમદ એન્ડ મહંમદઇઝમ"માં લખે છે,
"મહંમદ સાહેબને એક સાથે ત્રણ વસ્તુ સ્થાપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એક કોમ (નેશન), એક રાજય (સ્ટેટ) અને એક ધર્મ. ઇતિહાસમાં ક્યાય આ જાતનો બીજો દાખલો જોવા નથી મળતો"
ઇતિહાસકાર ટી. ડબલ્યુ. આર્નોલ્ડ તેમના પુસ્તક "પ્રીચિંગ ઓફ ઇસ્લામ" માં લખે છે,
"મહંમદ સાહેબના અવસાન પછી સો વરસે આરબોનું સામ્રાજ્ય જેટલું મોટું અને જેટલી દૂર સુધી વિસ્તરેલું હતું તેટલું મોટું અને તેટલું દૂર સુધી વિસ્તરેલું તો રોમન સામ્રાજય પણ પોતાનાં સારા કાળમાં ન હતું" 
આવી મહાન હસ્તીના કેટલાક જીવન પ્રસંગોના આચમન સાથે આ લેખ પૂર્ણ કરીએ.
એક વખત હજરત મહંમદ પયગમ્બર (..)ને તેમના એક અનુયાયીએ પૂછ્યું,
 મારા સારા ઉછેર અને સંસ્કાર માટે કોને જવાબદાર ગણી શકાય?’
મહંમદસાહેબે કહ્યું, ‘તારી માતાને.
વ્યકિતએ પૂછ્યું, માતા પછી કોણ?’
તારી માતાફરી જવાબ મળ્યો.
પછી કોણ?’
મહંમદસાહેબે ફરમાવ્યું,   પછી તારા પિતા.
એક સહાબીએ મહંમદસાહેબને પૂછ્યું, ‘ઔલાદ પર મા બાપના શા હક્કો છે?’
આપે ફરમાવ્યું, ‘ઔલાદની જન્નત (સ્વર્ગ) અને દોઝક (નર્ક ) માબાપ છે.
અર્થાત્ મા બાપની સેવાથી જન્નત મળે છે અને તેમની સાથેની નાફરમાની અને ગેરવર્તણૂકથી દોઝક મળે છે.
મહંમદસાહેબને અવારનવાર સોનું-ચાંદી અને કમિંતી ચીજવસ્તુઓની ભેટો મળતી રહેતી, પણ પોતાની કુટીરમાં તે વસ્તુઓ એક રાત પણ તેઓ રાખતા નહીં. વસ્તુઓ જેવી આવે કે તરત તેને જરૂરતમંદોમાં તકસીમ (વહેંચી) કરી દેતા. એક રાત્રે તેમને બેચેની જેવું લાગવા માંડયું. કંઇ ચેન પડે. અંતે તેમણે પત્ની આયશાને પૂછ્યું, ‘આપણી છત નીચે પૈસા કે કંઇ સોનું-ચાંદી નથી ને?’આયશાને યાદ આવી જતાં બોલી ઠયાં, ‘અબ્બા (અબુબક્ર) ગરીબો માટે થોડા પૈસા આપી ગયા છે. તે પડયા છે.
રસૂલેપાક (..) ફરમાવ્યું, ‘અત્યારે ને અત્યારે તે પૈસા હાજતમંદોમાં વહેંચાવી દે. તને ખબર નથી, પ્રેષિતોની છત નીચે ધન હોય.
મુસાફરીમાં એક વાર સાથીઓ સાથે હજરત મહંમદ પયગમ્બરસાહેબ પગપાળા જઇ રહ્યા હતા. ભોજનનો સમય થતા કાફલો એક જગ્યાએ રોકાયો. રાંધવા માટે સૌએ કામની વહેંચણી કરી લીધી. પયગમ્બરસાહેબે બળતણ ભેગું કરવાનું પોતાના માથે લીધું. સાથીઓએ કહ્યું, ‘આપ તકલીફ લો. કામ અમે કરી લઇશું.
મહંમદસાહેબે બોલ્યા,
પણ હું મારી જાતને તમારા કરતાં ચી રાખવા નથી માગતો. જે પોતાને પોતાના સાથીઓ કરતાં ઉરચ ગણે છે તેને ખુદા નથી ચાહતા.’ 




Friday, September 6, 2019

અય હુસૈન ઇબ્ને હૈદર હજારો સલામ. : કુતુબ આઝાદ : ડૉ. મહેબૂબ દેસાઈ



ઇસ્લામનો મહોરમ માસ શોક અને દુઃખમાં સૌને ડુબાડી વિદાય લઇ રહ્યો છે. પણ હઝરત ઈમામ હુસેન અને તેમના ૭૨ સાથીઓની શહાદ સમગ્ર વર્ષ દરમિયાન દરેક મોમીનને સતાવતી રહે છે.

“ઉઠી ખંજર તળે જેની નઝર શુક્રે ખુદા માટે,
 કર્યું જેણે બધું કુરબાન ઉમ્મતના ભલા માટે
 પ્રશંશા શી રીતે “આઝાદ” કરવી ઇબ્ને હૈદરની,
 મને શબ્દો નથી મળતા શહીદે કરબલા માટે.”

કરબલાના શહીદ માટે આવું હદયસ્પર્શી લખનાર ગુજરાતના જાણીતા શાયર કુતુબ આઝાદ (૧૯૨૨-૨૦૦૬) તેમની રચનો માટે જાણીતા છે. મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના ધોરણ ૭ અને ૧૧ના પાઠ્યપુસ્તકમાં તેમની ગઝલો વિદ્યાર્થીઓ ભણે છે. જાણીતા ગઝલ ગાયક મનહર ઉદાસના ત્રણ આલ્બમ આવાઝ, આલાપ અને અપેક્ષમાં તેમની ગઝલો સ્વરબદ્ધ થઇ છે. આવા ઉમદા ગઝલકારની કરબલાના શહીદોને બિરદાવતી ગઝલો માણવા જેવી છે. ૧૯૬૦માં “લોહીની ખુશ્બુ” અને ૧૯૮૦માં પસિદ્ધ થયેલ “તસ્વીર-એ -ખુશ્બૂ” નામક સંગ્રહમાં કરબલાના શહીદોને બિરદાવતી તેમની અદભુદ રચનો આજે પણ જીવંત છે. આજે એમની કરબલાના શહીદોને શ્રધ્ધાંજલી અર્પતી કેટલીક રચાનોઓની વાત કરવી છે. “અર્પણ જીવન કર્યું છે” નામક એક રચનામાં તેઓ લખે છે,

“કરબલામાં હસતા મુખે અર્પણ જીવન કર્યું છે,
 દઈ પ્રાણ ધર્મનું તે લીલું ચમન કર્યું છે.
 તારી કથાથી દુનિયા ધીરજનો પાઠ શીખી
 તે લાખ સંકટોમાં હકનું જતન કર્યું છે.
 એ લાડલા અલીના સિંચીને લોહી તારું,
 વેરણ કરબલામાં ઊંભું ચમન કર્યું છે. 
 પ્યારા હુસેન તારી કોઈ કથા શું ભૂલે
 જીવનનો મોહ ત્યાગી વહાલું મરણ કર્યું છે.
 બોંતેર ભોગ દઈને હકને ઉગારનાર,
 દુનિયાએ તુજ કથાનું રૂડું મનન કર્યું છે.”
જે શહેરમાં સત્ય અને અસત્યનું યુદ્ધ થયું હતું તેનું નામ કરબલા છે. મધ્ય ઈરાકમાં આવેલ કરબલા નામક  શહેરમાં હઝરત ઈમામ હુસૈનએ યઝદી નામક ક્રૂર શાસકના અત્યાચારો સામે જંગ છેડી હતી. એ મુસ્લિમ શિયા સમુદાય માટે મક્કા પછીનું સૌથી મોટું યાત્રાસ્થાન છે. એ કરબલા વિષે કુતુબ આઝાદ લખે છે,

“ઇન્સનીયાતની નાવનો આરો છે કરબલા
 આરો ન હોય તેનો કિનારો છે કરબલા
 બેચેન ઝીંદગીનો સહારો છે કરબલા
 હૈદરના લડાલાનો ઉતારો છે કરબલા
 આદર્શ જિંદગીના વિચારો છે કરબલા
 મઝલુમના હદયની પુકારો છે કરબલા
 માણસ અસત્ય સમાઈ કડી પણ નામે નહિ
 એ વાતનો ગંભીર ઈશારો છે કરબલા
 એવી રીતે અમર છે જમાનામાં કરબલા
 જાણે કે ઠેર ઠેર હજારો છે કરબલા
 કુરબાનીઓનો એક અનુપમ છે બોધપાઠ
 કીર્તિનો એક ઉંચો મિનારો છે કરબલા
 પ્રત્યેક દર્દ માટે દવા એ જમીન છે,
 ખોવાયેલા જીવનની બહારો છે કરબલા
 પાખંડ આંખ કોઈ દી ઉંચી નહિ કરે
 પાખંડ સાથે એવ પ્રહારો છે કરબલા
 “આઝાદ” કરબલા વિષે જો ટૂંકમાં કહું
 ઇસ્લામની કિસ્મતનો સિતારો છે કરબલા’ 

તેમના સંગ્રહ “તસ્વીરે-એ-કરબલા”ની એક રચના પણ માણવા જેવી છે.

“ઉઠો હુશિયાર થાઓ કરબલાની વાત કરાવી છે,
 અલીના લાલની સબ્રો રાઝની વાત કરાવી છે.
 સદાકતની, ઈબાદતની, વફાની વાત કરાવી છે,
 શહીદોની સબર ને વિરતાની વાત કરાવી છે.
 તરસની ભૂખની જોરો જફાની વાત કરાવી છે
 સિતમની ઝુલ્મની કાળી ઘટની વાત કરાવી છે.
 નવાસાએ મોહમદ મુસ્તુફાની વાત કરાવી છે,
 અલીને ફાતમાના લાડલાની વાત કરવી છે. 
 કઝાને આવકારી હોંશથી જેણે જવાનીમાં
 અલી અકબર સમા એ નૌજવાનની વાત કરાવી છે.
 સકીનાની તરસની ને તડપની વાત કરાવી છે
 નદી ધ્રુજી ઉઠે એ વેદનાની વાત કરાવી છે,
 ખુશીથી મૌતને ભેટી ગયો માસુમ અસગર પણ
 કઝા કંપી ઉઠી, એ વલ્વલાની વાત કરાવી છે.
 મને “આઝાદ” આજે રસ થઇ કો અન્ય વાત કરવામાં,
 શહાદતની અમર એવી કથાની વાત કરાવી છે.”

અને છેલ્લે તેમની એક જાણીતી રચનાને યાદ કરી, વાત પૂરી કરીશ. એ રચાનનું નામ છે અય હુસૈન ઇબ્ને હૈદર હજારો સલામ. જેમાં તેઓ લખે છે,
 
 કરબલા કારવાં લઈને આવી ગયો
 
જે મુસીબત પડી તે ઉઠાવી ગયો
 
શાન હૈદરની જાણે બતાવી ગયો
 
તું નમીને બધાને નમાવી ગયો
 
લોહી સીંચી વચનને નિભાવી ગયો,
 
રણ હતું ત્યાં બગીચો બનાવી ગયો.....અય હુસૈન ઇબ્ને હૈદર હજારો સલામ.

 સબ્ર એવી કરી સબ્ર શરમાઈ ગઈ
 
જોઈ તુજને કઝા પણ પરેશાન થઇ
 
કેવી તકદીર તારાથી બદલાઈ ગઈ
 
તારી ઉમ્મત પણ તારાથી પલટાઈ ગઈ
 
તું હતો કે બધુયે નિભાવી ગયો,
 
રણ હતું ત્યાં બગીચો બનાવી ગયો.... અય હુસૈન ઇબ્ને હૈદર હજારો સલામ.

કરબલાના શહીદોને આવી અદભૂદ અંજલી આપનાર શાયર કુતુબ આઝાદ ને લાખો સલામ.

Sunday, June 23, 2019

ઔરંગઝેબની મંદિર મસ્જિત નીતિ : ડૉ. મહેબૂબ દેસાઈ




ઔરંગઝેબની ધાર્મિક નીતિ અંગે ઘણું કહેવાયું છે, લખાયું છે. આપણા રાષ્ટ્રીય ઇતિહાસકાર સર જદુનાથ સરકારે તો ઔરંગઝેબ પર પાંચ ગ્રંથો  લખ્યા છે. એ પછી આધુનિક ઈતિહાસકાર પ્રોફે. બી.એન. પાંડેએ પણ એક પુસ્તક લખ્યું છે, જેનુ નામ “ભારતીય સંસ્કૃતિ અને મુઘલ સામ્રાજય” છે. પ્રોફે. બી.એન.પાંડે ઓરિસ્સાના ભૂતપૂર્વ રાજ્યપાલ અને રાજ્યસભાના સભ્ય હતા. અલહાબાદ નગરપાલિકાના ચેરમેન રહી ચુકેલા ઇતિહાસકાર પ્રોફે. બી.એન. પાંડેએ પોતાના ઉપરોક્ત ગ્રંથમાં ઔરંગઝેબની ધાર્મિક નીતિને ઉજાગર કરતા અનેક નવાઈ પમાડે તેવા દ્રષ્ટાંતો આપ્યા છે. જેમાના કેટલાક દ્રષ્ટાંતોની અત્રે વાત કરવી છે. સૌ પ્રથમ ઔરંગઝેબે બનારસનું વિશ્વનાથ મંદિર તોડ્યાના કિસ્સાની વાત કરતા પ્રોફે. બી. કે. પાંડે લખે છે,
“જયારે ઔરંગઝેબ તેના કાફલા સાથે બંગાળ જઈ રહ્યો હતો, ત્યારે તેનો કાફલો બનારસ પાસેથી પસાર થયો. તેના કાફલામાં અનેક હિંદુ રાજાઓ અને તેમની મહારાણીઓ હતી. હિંદુ રાજાઓએ ઔરંગઝેબને નિવેદન કર્યું કે કાફલાને એક દિવસ માટે બનારસથી થોડે દૂર રોકવો. જેથી તેમની રાણીઓ બનારસ જઈ ગંગા સ્નાન કરી વિશ્વનાથજીના દર્શન કરી શ્રધ્ધા સુમન અર્પણ કરી શકે. ઔરંગઝેબે રાજાઓના એ સૂચનનો સ્વીકાર કર્યો. અને કાફલાના પડાવથી પાંચ માઈલના માર્ગ પર લશ્કરનો કડક પહેરો ગોઠવી દીધો. જેથી રાણીઓ પાલખીઓમાં સુરક્ષિત ગંગા સ્નાન અને વિશ્વનાથજીના દર્શન કરવા જઈ શકે. મોટાભાગની રાણીઓ ગંગા સ્નાન અને દર્શન કરી પરત આવી ગઈ. પણ કચ્છની એક મહારાણી પરત ન આવી. ઔરંગઝેબને તેની જાણ થતા, એ ગુસ્સે થયો. અને તેણે પોતાના લશ્કરના ઉચ્ચ અધિકારીઓને તેની સત્વરે તપાસ કરવા આદેશ આપ્યો. ઘણી શોધખોળ પછી ગણેશજીની મૂર્તિની નીચે એક ભોયરું મળી આવ્યું. તેમાં કચ્છની એ મહારાણી બેહાલ સ્થિતિમાં મળી આવી. તેના ઘરેણા અને ઈજ્જત લુંટાઈ ગયા હતા. હિંદુ રાજાઓ આ ઘટનાથી ઘણા ક્રોધિત થયા. મંદિર અર્થાત ઈશ્વરના ઘરમાં થયેલ આવા અપકૃત્યને તેઓ સાંખી લેવા તૈયાર ન હતા. તેમણે ઔરંગઝેબને ઇન્સાફ કરવા કહ્યું. આ અત્યંત ધ્રુણાસ્પદ અપરાધ હતો. એટલે સૌ પ્રથમ ઔરંગઝેબે વિશ્વનાથજીની મૂર્તિ મંદિરમાંથી ખસેડી તેની સુરક્ષિત સ્થાન પર સ્થાપના કરાવી અને પછી એ મંદિર અને તેનું ભોયરું તોડાવી નંખાવ્યા.”
આ ઘટનાનો ઉલ્લેખ ડૉ. પાંડે સિવાઈ ડૉ. પટ્ટાભિ સીતામૈયાએ પણ તેમાંના પુસ્તક “ઘી ફેધર એન્ડ ધી સ્ટોન” નામના પુસ્તકમાં પૃષ્ઠ ૧૭૭-૧૭૮ પર “ઔરંગઝેબ અને બનારસ ટેમ્પલ” મથાળા નીચે કરેલ છે.
આ ઉપરાંત પટના મ્યુઝીયમના પૂર્વ ક્યુરેટર ડૉ. પી. એલ. ગુપ્તાએ પણ તેની પુષ્ટિ કરી છે.
આવી જ એક બીજી ઘટના પણ ઔરંગઝેબના નામે બોલે છે. જેમાં તેણે ગોલકુંડાની મસ્જિત તોડી નંખાવી હતી. એ ઘટના અંગે ડૉ પાંડે લખે છે,
“ગોલકુંડાના રાજા તાનાશાહી શાસન ચલાવતા હતા. અને તે તાનાશાહ તરીકે જ પસિદ્ધ હતા. તેઓ રાજ્યનો ટેક્સ વસૂલ કરી દિલ્હી દરબારમાં જમા કરાવતા ન હતા. વર્ષોના ભેગા કરેલા એ કરોડો  રૂપિયા તેમણે એક જગ્યાએ જમીનમાં દાટી તેની ઉપર સુંદર મસ્જિત બનાવી નાખી હતી. જેથી એ નાણા કોઈના હાથ ન લાગે અને સુરક્ષિત રહે. ઔરંગઝેબને તેની જાણ થઇ. તેણે આદેશ આપ્યો કે મસ્જિતને તોડી નાખો અને તેની નીચે છુપાડેલ ખજાનો સરકારી તિજોરીમાં જમા કરાવી દો.”
આ બંને  દ્રષ્ટાંતો ઔરંગઝેબની ધાર્મિક અને ન્યાય પ્રિય નીતિને અભિવ્યક્ત કરે છે. જો કે આવા અન્ય દ્રષ્ટાંતો પણ ડૉ. પાંડેએ તેમના પુસ્તકમાં ટાંક્યા છે. તેઓ લખે છે,
“જયારે હૂં અલાહાબાદ નગરપાલિકાનો ચેરમેન (૧૯૪૮ થી ૧૯૫૩) હતો, ત્યારે મારી સામે એક સમસ્યા આવી હતી. એ ઘટના સોમેશ્વર નાથ મહાદેવ મંદિરની સંપતિ સબંધિત હતી. મંદિરના મહંતના મૃત્યું પછી  તેની સંપતિના બે દાવેદારો ઉભા થયા હતા. એક દાવેદારે પોતાના વારસાગત દસ્તાવેજો રજુ કર્યા. એ દસ્તાવેજોમાં ઔરંગઝેબના ફરમાનો પણ હતા. જેમાં ઔરંગઝેબે આ મંદિરના નિભાવ માટે આપેલ જાગીર અને નકદ અનુદાનનો પણ ઉલ્લેખ હતો. મને લાગ્યું કે ઔરંગઝેબના આ ફરમાન ખોટા હશે. મને નવાઈ પણ લાગી કે ઔરંગઝેબ જેવો ધર્માંધ બાદશાહ મંદિરને જાગીર કેવી રીતે આપી શકે ?
એટલે કોઈ નિર્ણય લેતા પહેલા મેં ડૉ. સર તેજ બહાદુર સપ્રુનો અભિપ્રાય લેવાનું નક્કી કર્યું. તેઓ અરબી અને ફારસીના જાણકાર હતા. મેં તેમને દસ્તાવેજો અભ્યાસ અર્થે આપ્યા. તેમણે દસ્તાવેજોનો અભ્યાસ કરી જણાવ્યું કે તમામ દસ્તાવેજો અસલી અને વાસ્તવિક છે. એ પછી તેમણે પોતાના મુનશીને બોલાવી બનારસની જંગમવાડી શિવ મંદિરની ફાઈલ લાવવા કહ્યું. એ મુકદમો છેલ્લા ૧૫ વર્ષથી અલહાબાદ હાઇકોર્ટમા ચાલી રહ્યો હતો. જંગમવાડી મંદિરના મહંત પાસે ઔરંગઝેબના કેટલાય ફરમાનો હતા. જેમાં મંદિરના નિભાવ માટે જાગીરો આપવામાં આવી હતી. આ દસ્તાવેજોએ ઔરંગઝેબનું એક નવું જ ચિત્ર મારી સમક્ષ ઉભું કર્યું. એ પછી તો મેં ડૉ. સપ્રુની સલાહ મુજબ ભારતના ભિન્ન મંદિરોને પત્ર લખી તેમને વિનતી કરીકે તેમની પાસે ઔરંગઝેબના કોઈ ફરમાનો હોય તો તેની નકલ મને મોકલે, જેમાં તેણે મંદિરોના નિભાવ માટે આપેલ જાગીરો અને નકદ નાણાનો ઉલ્લેખ હોય. અને જોત જોતામાં મારી સામે એવા અનેક દસ્તાવેજો આવ્યા જેમાં ઔરંગઝેબે મંદિરોના નિભાવ માટે આપેલ જાગીરોનો ઉલ્લેખ હતો. એવા કેટલાક મંદિરોમા ઉજ્જેનનું મહાકાલેશ્વર મંદિર, ચિત્રકૂટનું બાલાજી મંદિર, ગોહાટીનું ઉમાનંદ મંદિર, શત્રુંજ્યના જૈન મંદિરોના દસ્તાવેજો મળી આવ્યા. આ ઉપરાંત ઉત્તર ભારતના અનેક પ્રમુખ મંદિરો અને ગુરુદ્વારોને ઔરંગઝેબ દ્વારા આપવામાં આવતી નિભાવ માટેની જાગીરોના દસ્તાવેજો પણ મળી આવ્યા. આ તમામ ફરમાનો ઇ.સ. ૧૬૫૯ થી ૧૬૮૫ દરમિયાનના હતા. આ દસ્તાવેજો દ્વારા એ જરૂર સિદ્ધ થાય છે કે ઔરંગઝેબ અંગે ઈતિહાસકારોએ આલેખેલ ઈતિહાસ પક્ષપાત પર આધારિત છે. મને વિશ્વાસ છે કે જો યોગ્ય રીતે સંશોધન કરવામાં આવે તો ઔરંગઝેબના જીવનનું એક નવું પાસું ઇતિહાસમાં ઉજાગર થઈ શકે. મને કહેતા આનંદ થાય છે કે આ વિષય પર જ્ઞાનચંદ અને પટના મ્યુઝીયમના ભૂતપૂર્વ ક્યુરેટર ડૉ. પી.એલ.ગુપ્તા પણ સઘન સંશોધન કરી રહ્યા હતા.”