Wednesday, November 12, 2025

જીવન સ્મૃતિ : ૪ : વિદ્યાર્થી નરેન્દ્ર જોશી

 મારા વિદ્યાર્થી નરેન્દ્ર જોશી એ ૨૩ વર્ષ પૂર્વેના તેના વિદ્યાર્થી જીવનના સ્મરણો ટાંક્યા છે. એક અધ્યાપક માટે તેના વિદ્યાર્થીઓના આવા સ્મરણો તેની મૂડી છે , જણસ છે. આજે ૭૪ વર્ષે આવા સ્મરણો મને શરીર અને મન થી સ્વસ્થ અને મસ્ત રાખે છે. આભાર બેટા નરેન્દ્ર (નરીયા). તું મારી સ્મૃતિમાં આજે પણ છે અને હંમેશા રહીશ.






લિ. આપનો નરિયો.

દરેક વ્યક્તિનાં જીવનમાં કેટલાક સ્મરણો એવાં મધુરાં હોય કે તેને વારંવાર મળવા જવાનું મન થાય. આજે મને એક મીઠ્ઠું સ્મરણ મળવા આવ્યું તો થયું કે તમને એની વાત કરું.
આ વાત છે વર્ષ 2002 – 2003ની. ત્યારે અમે ઈતિહાસ અનુસ્નાતક ભવન – ભાવનગરમાં અભ્યાસ કરતાં. મારું ગામ બોટાદ એટલે અમે આઠ દસ મિત્રો બોટાદથી ભાવનગર ભણવા જતા. જીતુભાઈ, ભરતભાઈ તલસાણિયા, સલીમ કુરેશી, ચાવડા દશરથ, જીવરાજ, જીગ્નેશભાઈ પંડ્યા – વગેરે દોસ્તોની ટીમ બસમાં ઉપડતી. એ સમયે બે પાસ આવતાં. લોકલ અને એક્સપ્રેસ. ભાવનગર વડલે ઉતરી જવાનું અને પછી ભવન તરફ પદયાત્રી બની પહોંચવાનું. ચાલતી વખતે અલક – મલકની વાતો થતી. ઈતિહાસ ભવન સાથે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભવન પણ સાથે હતા.
મારા જીવનના ઘડતરમાં મહત્વનો ફાળો ઈતિહાસ અનુસ્નાતક ભવન – અને અમને અધ્યયન કરાવતા ગુરુજીજનોનો ગણું છું. ડૉ. કોરાટ સર, ડૉ. મહેબુબ દેસાઈ સર અને ડૉ. પરમાર સર. આજે વાત કરીશ ડૉ. મહેબુબ સરની. મહેબુબ સર પ્રથમ વર્ષમાં અમને ‘આંતરરાષ્ટ્રીય સંબંધોનો ઈતિહાસ’ ભણાવતા. ભણાવતી વખતે એમની પાસે કોઈ પુસ્તક ન હોય. એ સ્વયં એક લાઈબ્રેરી ગણાતા. એમની ચેમ્બરમાં કોઈપણ વિદ્યાર્થી ‘મે આઈ કમીન સર....’ એવું કહેવાની ઔપચારિકતા ન દાખવતું. સરે બધાને વાતો કરવા કાયમી પરમીશન આપેલી. સર ગહન અભ્યાસુ. વર્ગમાં એમને કરેલાં સંશોધનો કહેતા. ખભે એક થેલો, નોટ, પેન, થોડા શીંગ – દાળિયા લઈને ઈતિહાસનાં નકશે કદમ ઉપડી જતા. એમની વાતો સાથે અમે બધાં વિહાર કરતાં. અજાણ પણે સેંકડો વાતો સર શીખવતા. સરનું દિલ વિશાળ. એમનો દરેક વિદ્યાર્થી એમનાં દિલમાં સ્થાન પામતો. મહેબુબ સર સાથે જો પ્રવાસ કરો તો એ જીવનભર ન ભૂલાય. વિદ્યાર્થી સાથે વિદ્યાર્થી જ બની જાય. એક વખત અમારાં વર્ગનાં એક વિદ્યાર્થી કે જે તળાજાથી આવતાં એમની વાડીએ જવાનું થયું. ડુંગરાઓ ખૂંદયાં. નદીઓમાં જબોળાયાં. સૌથી પહેલી સીટી સરે વગાડી. વાડી માર્ગે ભટક્યાં. દાબીને જમ્યા. છેલ્લે છકડાંમાં ભમ્યાં. ભાન ભૂલીને ભમવાની કેટલી મજા પડે ? એ વાત ત્યારે સમજાયેલી. એ સમયે મહેબુબ સર દિવ્ય ભાસ્કરમાં શમ્મે ફિરોજા નામે કૉલમ લખતા. વાતોનાં વડાં કોઈએ શીખવા હોય તો અમારાં મહેબુબ સરના વર્ગમાં આવવું જોઈએ.
આજે મહેબુબ સર અમદાવાદ રહે છે. કોલ પર વાતો કરીએ છે. આજે પણ મહેબુબ સર એ જ મિજાજમાં કે જ્યારે અમને ભણાવતા ત્યારે જેમ હતા. બિન્દાસ્ત બની જીવન જીવવાની સલાહ એમનાં વર્તનમાંથી મળતી.
એક વાત ભુલાતી નથી. એમ.એ. પહેલાં વર્ષની માર્ચ 2003માં પરીક્ષા આવી. મેં પાગલ બની એટલી તૈયારી કરી કે પરીક્ષાના આગળના દિવસે સાંજે ભોજન પણ ન લીધું. સવારે નાસ્તાનો સમય કટ કરી વાંચન કર્યું. બપોરે ધોમ તાપ. પરીક્ષા ખંડમાં પહોચ્યો. પેપર લખવાનું શરુ કર્યું અને દસેક મિનીટમાં મને આંખે અંધારા આવવા લાગ્યા. ભૂખ્યા ભજન ન થાય એ વાત ત્યારે સમજાણી કે ભૂખ્યા પેપર ન દેવાય. મહેબુબ સરને બોલાવ્યા. મેં કહ્યું : “મને અંધારા આવે છે. લખવાનું નથી ફાવતું. મેં તૈયારી કરી છે. હું શું કરું ?”
સરનો પહેલો સવાલ હતો : “સવારે શું જમેલો ?”
મેં કહ્યું : “સમય બચાવવા સવારે અને ગઈકાલે રાત્રે પણ નથી જમ્યો.”
સર સમજી ગયા. મહેબુબ સર પહેલા પેપરે વિદ્યાર્થીઓને ચોકલેટ આપી સ્વાગત કરતા. હજુ થોડી ચોકલેટ એમનાં ખિસ્સામાં હતી. એ બધીના રેપર ખોલતા જાય અને મને આપતાં જાય. પ્યુનને સાદ દીધો. 'પાણી લાવો.' મારાં માથા પર પાણી રેડતા જાય, ચોકલેટ આપતાં જાય. પ્યુનને કહ્યું : 'નાસ્તો લેતા આવો.' ચોકલેટનાં કારણે પાંચ મિનીટમાં સ્વસ્થ થઇ ગયો. પેપર લખાવાનું શરુ કર્યું. નાસ્તો આવ્યો. મેં ના કહી. નાસ્તો કરીશ તો સમય ઘટશે. 'તકલીફ થાય તો કહેજે' એમ કહી સર દર અડધી કલાકે વર્ગમાં આવતા રહ્યાં. પેપર લખાયું. મેં સરની ચેમ્બરમાં ચા – નાસ્તો કર્યો. મેં એ સમયે પાગલપંતીની હદ વટાવી ચારેય પેપર આપ્યા. એમ. એ. અનુસ્નાતક પ્રથમ વર્ષમાં ચાર પેપર આવતાં. બીજા વર્ષમાં બીજા ચાર. કોઈ વખત એમ.એ.ની માર્કશીટ જોઉં છું તો પ્રથમ વર્ષમાં 71%. દરેક પેપરમાં 70 ગુણથી વધારે. એ સમયનો અનુસ્નાતક ભવનનો સર્વાધિક સ્કોર સર્જ્યો.
એનું એક જ કારણ.... અનહદ ગુરુ પ્રેમ !
ડિયર મહેબુબ સર,
અપાર વાત્સલ્ય માટે.... આજે કહું છું.
(2002 – 2025 એટલે કે 23 વર્ષ પછી)
– આપનો ખૂબ ખૂબ આભાર.
લિ. આપનો નરિયો.

No comments:

Post a Comment