પ્રોફે મકરંદ મહેતા ગુજરાતનાં ઇતિહાસના કોઈ પણ વિદ્યાર્થી માટે આદર અને વિદ્વતા સાથે નમનનું આદર્શ પાત્ર હતા. મારી સાથેનો તેમનો નાતો પણ એવો જ હતો. જો
કે ન તો હું તેમનો વિદ્યાર્થી હતો, ન તેમનો સહ કાર્યકર હતો, ન તેમનો સહપાઠી હતો. છતાં જ્યારે જ્યારે હું તેમનું નામ સાંભળતો મારુ મસ્તક આપો આપ નમી જતું. તેમના પ્રથમ દીદાર ક્યાં અને ક્યારે થયા તે તો મને યાદ નથી. પણ જયારે ઇતિહાસના અધ્યાપકોના સેમિનાર, સંમેલન કે સ્નેહ મિલન થતાં ત્યારે મકરંદ મહેતા અને શીરીન બહેન હંમેશા સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહેતા. ઢીલા ઢાલા પેન્ટ શર્ટ, ક્યારેક તેના પર કોટ, હંમેશા ચહેરા પર સ્મિત, વિખરાયેલા સફેદ વાળ અને પગમાં બુટ કે સેન્ડલ ધારણ કરેલ મહેતા સાહેબ જ્યારે કોઈ સમારંભમાં પ્રવેશતા ત્યારે લાગતું ઇતિહાસનો સંપૂર્ણ અધ્યાય ચાલ્યો આવે છે. એ
સમયે હું દૂરથી તેમના એ વ્યક્તિત્વને તાકી રહેતો. પરિણામે તેમને મળવાની તમન્ના મનમાં ઘાટી થતી ગઈ. છતાં તેમને મળવાની કે તેમની સાથે વાત કરવાની હુજુ હિંમત મે
કેળવી ન હતી.
મને બરાબર યાદ છે, મકરંદ ભાઇ સાથે પ્રથમ સાક્ષાત્કાર મારા પીએચ. ડી.ના વાઈવમાં થયો. તેઓ મારો વાઈવ લેવા ભાવનગર યુનિવર્સિટીમાં આવ્યા હતા. અને ત્યારે તેમની વિદ્વતા સાથે તેમના સાલસ પ્રેમાળ વ્યવહારે મારા વાઈવાને સરળ અને ભાર વિહીન બનાવી દીધો હતો. લગભગ વીસેક મિનિટના એ સત્સંગમાં તેમણે મને એક આદર્શ પ્રોફેસર અને ઉમદા ઈન્સાનના દીદાર કરાવ્યા હતા. એ પછી તો હું તેમનો કટ્ટર ભક્ત બની ગયો. જ્યારે પણ કોઈ પુસ્તકના સર્જનમાં કે સંશોધન લેખમાં મુશ્કેલી અનુભવતો ત્યારે અચૂક આંગળીઓ મકરંદભાઇનો મોબાઇલમાં નંબર શોધવા લાગતી. ભાવનગરથી અમદાવાદ આવતો ત્યારે તેમને મળવા અચૂક તેમના નિવાસ સ્થાને જતો. એ મુલાકાત હંમેશા મને ઇતિહાસના કોઈ ને કોઈ વિષય કે ક્ષેત્રમાં લેખન અને સંશોધનની નવી ઊર્જા અર્પતી. તેમના ઘરના ભોંયરામાં તેમની સમૃધ્ધ લાઇબ્રેરી આજે પણ મારી સ્મૃતિમાં અખંડ છે. લાઇબ્રેરી કક્ષના એક ખૂણામાં ટેબલ ખુરશી અને બરાબર વચ્ચે તેમનો પ્રિય હિંચકો. એ હીંચક પર બેસી પગથી ઠેસ મારી હીંચકાને ગતિમાં રાખી મકરંદ ભાઈ જે જ્ઞાનનું ભાથું આપતા, એ ગુરુના સાંનિધ્યમાં આશ્રમના વટ વૃક્ષ નીચે મળેલ જ્ઞાન સમાન હતું. મારા અનેક ઇતિહાસ વિષયક ગ્રંથોના સર્જનમાં તેમના એ હીંચકા જ્ઞાનનો ફાળો રહ્યો છે.
મકરંભાઈ મારા જીવનના આમૂલ પરિવર્તનના સાક્ષી અને સહાયક પણ રહ્યા છે. એ સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી મુક્ત થઈ ભાવનગરને અલગ ભાવનગર યુનિવર્સિટી આપવામાં આવી હતી. તેના કુલપતિ તરીકે માં. વિદ્યુતભાઈ જોશીની નિયુક્તિ થઈ. ભાવનગર યુનિવર્સિટીના પ્રૌઢ અને નિરંતર શિક્ષણ વિભાગમાં યોજના અધિકારી તરીકે હું કાર્ય કરતો. પણ મે
ઇતિહાસ સાથેનો નાતો જીવંત રાખ્યો હતો. લેખન, સંશોધન અને શિક્ષણનું કાર્ય અવિરત કરતો રહ્યો હતો. એજ અરસામાં ભાવનગર યુનિવર્સિટીમાં ઇતિહાસ વિભાગ માટે રીડરની જાહેરાત આવી. મે અરજી કરી. ઇંટરવ્યૂમાં વિષય નિષ્ણાત તરીકે કુલપતિશ્રીએ મકરંદભાઈ મહેતાને બોલાવ્યા. મને બરાબર યાદ છે, ૩૫ મિનિટ ચાલેલા એ
ઇંટરવ્યૂમાં પ્રોફેસર મકરંદભાઈએ જરા પણ શેહશરમ રાખ્યા વગર મને સાચ્ચે જ નિચોવી નાખ્યો હતો. ઇંટરવ્યૂ પછી કુલપતિની ચેમ્બર બહાર આવ્યો ત્યારે પાણીપતનું ચોથું યુદ્ધ લડીને આવ્યાની અનુભૂતિ મને થઈ હતી. મારી પસંદગી થઈ ગયા પછી એકવાર મકરંદભાઈને મળવા તેમના નિવાસસ્થાને ગયો. અને ત્યારે તેમના ઉદ્ગારો હતા,
“મહેબૂબ, અધ્યાપકની પસંદગીમાં મે ક્યારે બાંધછોડ નથી કરી અને તું પણ ન કરીશ.”
તેમની એ
ગુરુમંત્ર મે મારા પલ્લે બાંધી લીધો. કોલેજ અને યુનિવર્સિટીમાં અધ્યાપકની પસંદગી સમયે વિષય નિષ્ણાત તરીકે મકરંદભાઇનું આ વાક્ય મે
હંમેશા યાદ રાખ્યું છે.
પછી તો અમારો ગુરુ શિષ્યનો નાતો ગાઢ બનતો ગયો. તેમના હસ્તકના કોઈ પણ સેમિનાર કોન્ફરન્સમાં તેઓ મને અચૂક યાદ કરતાં. દર્શક ઇતિહાસ નિધિ અને એચ. કે કોલેજ અમદાવાદ ના સંયુક્ત
ઉપક્રમે “મધ્યકાલીન ગુજરાતમાં ભક્તિ અને સૂફી આંદોલન” વિષયક બે દિવસીય સેમિનારનું
આયોજન ૨૦,૨૧ જાન્યુઆરી ૨૦૦૬નારોજ અમદાવાદમાં થયું. મકરંદભાઈનો તુરત ફોન આવ્યો,
“મહેબૂબ, સેમિનારનું નિમત્રંણ મોકલું છું. ગુજરાતમાં
સૂફીવાદ પર એક ગહન અને વિસ્તૃત સંશોધન લેખની તારી પાસે અપેક્ષા છે.”
ગરુનો આદેશ મળે અને શિષ્ય થોડો બેસી રહે ? એકાદ માસની
મહેનતને અંતે મે લેખ તૈયાર કર્યો. અને ગુરુને જોવા મોકલ્યો. તુરત તેમનો પ્રતિભાવ
મળ્યો,
“લેખ સરસ થયો છે. પુસ્તકમાં તે પ્રથમ ક્રમે મુકીશ”
આજે પણ “મધ્યકાલીન ગુજરાતમાં ભક્તિ અને સૂફી આંદોલન”
પુસ્તકમાં એ લેખ પ્રથમ ક્રમમાં મકરંદભાઈની
પ્રેરણા અને પ્રોત્સાહનની સાક્ષી પૂરતો યથાવત છે.
૨૦૧૨ના નવેમ્બરમાં હું ગુજરાત વિદ્યાપીઠના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગમાં પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે જોડાયો અને અમદાવાદમાં સ્થાહી થયો. પછી તો ગુરુ અને શિષ્યનો અમારો નાતો વધુ મજબૂત અને ઘાટો થયો. વિભાગના દરેક સેમિનાર કે વ્યાખ્યાનમાળામાં મહેતા દંપતી અનિવાર્ય બની ગયા. મકરંદભાઈ વગર વિભાગના કોઈ કાર્યક્રમની હું કલ્પના જ નહોતો કરી શકતો. તેમના અવસાનના સમાચાર મને ઓસ્ટ્રેલીયાના હોબર્ટ શહેરના કિંગસ્ટન બીચ પર મળ્યા. સમાચાર સાંભળી સૂન થઈ ગયો. મારા જન્મદાતા ઉસ્માનભાઈના અવસાન સમયે હું સાચ્ચે જ તેમના મૃતક શરીર પર પોક મુકીને રડ્યો હતો. પણ મારા માનસ પિતા સમા મકરંદભાઈના અવસાનના સમાચારે મારા આંસુઓને સૂકવી નાખ્યા. કલાકો સુધી હોબાર્ટના કિંગસ્ટન બીચ પર સૂનમૂન અવસ્થમાં સમુદ્રમાં ઢળતા સુર્યના મંદ પ્રકાશમાં હું મકરંદભાઈની વિદાઇ અનુભવી રહ્યો હતો.
આજે પણ કોઈ પુસ્તકના સર્જનમાં કે સંશોધન લેખમાં મુશ્કેલી અનુભવું છું ત્યારે મોબાઇલમાં મકરંદભાઇનો નંબર શોધવા આંગળીઓ અનાયાસે રત થઈ જાય છે.
----------------------------------------------------------------------------------------------
·
નિવૃત્ત પ્રોફેસર અને
અધ્યક્ષ
૧.
ઇતિહાસ અનુસ્નાનક ભવન, ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર
૨.
ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
No comments:
Post a Comment