એક સૂફી સંત પાસે એક માનવી ફરિયાદ લઈને
આવ્યો.
“આપ તો ખુદાની નજીક છો. ખુદા આપની વાત
સાંભળે છે. તો મારી એક શંકાનું સમાધાન
કરો.”
“ બોલો, હું આપની શી મદદ કરી શકું ?”
“મહાત્મા, એક માનવી હંમેશા ખુદા પાસે
માંગ્યા કરે છે. છતાં ખુદા તેને કશું આપતા નથી. અને એક માનવી ખુદા પાસે કશું
માંગતો નથી. માત્ર ખુદાએ આપેલ નેમતો (બક્ષિશો) માટે ખુદાનો શુક્રિયા (આભાર) માન્યા
કરે છે. છતાં ખુદા તેને આપ્યા જ કરે છે. આનું રહસ્ય મને સમજાતું નથી.”
સંતે એક નજર એ માનવી તરફ કરી. પછી ચહેરા
પર સ્મિત પાથરતા સંત બોલ્યા,
“જ્યારે માનવી ખુદાએ આપેલ બક્ષિશોનો
શુક્રિયા (આભાર) અદા કરતો રહે છે, ત્યારે ખુદા તેને અવશ્ય આપતો રહે છે. અને જ્યારે
માનવી ખુદાનો શુક્ર અદા કરવાને બદલે ખુદા પાસે સતત માગતો રહે છે ત્યારે ખુદા તેને આપતો
છે. ખુદાને તેના બંદાની શુક્રિયા અદા કરવાની અદા પસંદ છે.”
ઈશ્વરે કે ખુદાએ આપણને અઢળક કુદરતી
સંપતિ, શારીરિક ક્ષમતા આપી છે. જેનો ઉપભોગ આપણે જીવનભર કરીએ છીએ. છતાં આપણે
ક્યારેય તેનો આભાર નથી માનતા. પણ જ્યારે મુસીબતો કે મુશ્કેલીઓ આવે છે ત્યારે આપણે
ખુદાને અચૂક ફરિયાદ કરીએ છીએ. જે ખુદા કે ઈશ્વરની બક્ષીશો માટે આભાર કે શુક્રિયા
વ્યક્ત નથી કરતો તેને ફરિયાદ કરવાનો પણ અધિકાર નથી.
મારી વિદ્યાર્થિની વિભાવરી દવેએ મને આપણાં જાણીતા શાયર રાજેશ મિસ્કીનની “આભાર” ની મહત્તાએ વ્યક્ત કરતી એક ગઝલ વૉટશોપ પર મોકલી છે, જે સાચ્ચે જ માણવા જેવી છે.
“કૈંકને દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી
હવા
શ્વાસ તારાથી સહજ લેવાય છે આભાર માન
કૈંકની મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અંહી
ટૂંકમાં બહેતર જીવન જિવાય છે, આભાર માન
કૈંકને દ્રષ્ટિ નથી ને કૈંક જોતાં ધૂંધળું
આંખથી ચોખ્ખું તને દેખાય છે ? આભાર માન
કૈંક ઉબાઈ ગયા છે કૈંક પાગલ થઈ ગયા,
જીવવાનું મન પળે પળે થાય છે ? આભાર માન
એક સરખું જો હશે કૈં પણ તો કંટાળી જઈશ,
વત્તું ઓછું જો હદય હરખાય છે, આભાર માન
જીભના લોંચા નથી વળતાં ન દદડે આંસુઓ
હોઠ ફફડે છે તો બોલે છે ? આભાર માન
વ્હેણ સુકાયા નથી ને અવસરે શોભે હજી.
આંસુઓ પણ પાંચમા પુછાય છે, આભાર માન
કાલમાં સૌ જીવનાર હોય છે, પરવશ ફકત,
આજ આ આભારવશ થઈ જાય છે, આભાર માન.”
મારા એક પિતરાઇ બંધુ વર્ષોથી ઘૂટંણના
દર્દથી પીડાય છે. છતાં તેઓ ઘૂટંણનું ઓપરેશન કરાવતા નથી. મે તેમને પૂછ્યું,
“શા માટે તમે ઓપરેશન કરાવતા નથી ?”
“ભાઈ, ઓપરેશન પછી નવા ઘૂટંણ મને કુદરતી
ઘૂટંણ જેવુ કામ નહીં આપે એ ડર મને સતાવે
છે.”
મે કહ્યું, “ ખુદા કે ઈશ્વરે જે શારીરિક અને કુદરતી સંપતિ માનવીને આપી છે તે અનમોલ અને અતુલ્ય છે. તેના જેવી એક રજ માત્ર માનવી કદાપિ બનાવી નહીં શકે માટે તેની કદર કરવી અને તેનો હંમેશા આભાર માનતા રહેવું જોઈએ. પણ આપણે પામર માનવીઓ ઈશ્વરના આભારની મહત્તા જ વિસરી ગયા છીએ.”
ભગવાન બુધ્ધ તેમના શિષ્યો કે સાથે પ્રયાણ કરી રહ્યા હતા. કલાકોના પગપાળા પ્રયાણ
પછી સખત તાપને કારણે સૌ શિષ્યો થાકી ગયા. પરિણામે શિષ્યોની વિનંતીથી બુધ્ધ વિશ્રામ
કરવા રોકાયા. શિષ્યો વૃક્ષોની છાંય શોધી આરામ કરવા લાગ્યા. એકાદ કલાકના આરામ પછી
પુનઃ પ્રયાણનો આરંભ થયો. ભગવાન બુધ્ધે ચાલવાનું શરૂ કરતાં પૂર્વે જે વૃક્ષની
છાંયમાં તેમણે વિશ્રામ કર્યો હતો, તે વૃક્ષની સમીપ જઈ તેમણે દંડવત પ્રણામ કર્યા.
શિષ્યો આ જોઈ નવાઈ પામ્યા. એક શિષ્યે ભગવાન બુધ્ધને પૂછ્યું,
“ભગવાન્, આપે આ વૃક્ષને દંડવત પ્રણામ
શા માટે કર્યા ?”
ભગવાન બુધ્ધ બોલ્યા,
“આ વૃક્ષે આપણા સૌને છાંય અને શાતાની આપી
છે. વિના સ્વાર્થ અને કથન આપણને આપેલ છાંય અને શાતા માટે આપણે સૌ તેના આભારી છીએ.
માટે દંડવત પ્રણામ કરી તેનો આભાર વ્યક્ત કરું છું.”
ભગવાન બુધ્ધની આ ચેસ્ટા પછી તમામ
શિષ્યોએ પણ વૃક્ષને દંડવત પ્રણામ કર્યા અને પછી પ્રયાણ આરંભયું.
ટૂંકમાં સૃષ્ટિની હર રચના, માનવીનો હર
સાંસ ઈશ્વરની દેન છે. હર દિન તેની બક્ષિશ છે. અને એટલે જ હર પળ ઈશ્વર કે ખુદાનો
આભાર માનતા રહો. એજ ઈશ્વરને ખુશ કરવાનો રાજ માર્ગ છે.
No comments:
Post a Comment