Tuesday, February 18, 2020

પ્યાર ઈબાદત હૈ : ડૉ. મહેબૂબ દેસાઈ



૧૪મી ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં પ્રેમીઓ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરે છે. પ્રેમ એટલે અહેસાસ, અનુભૂતિ. પ્રેમ એટલે ઈબાદત. પ્રેમ એટલે ત્યાગ, બલિદાન અને સમર્પણ. પ્રેમ એટલે વિશ્વાસ. પ્રેમ પામવાનું નામ નથી. આપવાનું નામ છે. પોતાની અપેક્ષાઓ અન્ય પાસે સંતોષાવવાનું નામ પ્રેમ નથી. નિસ્વાર્થ પણે અન્યની અપેક્ષાઓ પૂર્ણ કરવાનું નામ પ્રેમ છે. સંત વેલેન્ટાઇનની ૧૪મી ફેબ્રુઆરી .. ૨૬૯ના રોજ રાજા ક્લોડિયસ દ્વિતિયએ હત્યા કરી. તેનું મસ્તક ધડ પરથી કાપી નાખ્યું હતું. ત્યારથી સંતના માનમાં ૧૪મી ફેબ્રુઆરીના દિવસને પ્રેમના પ્રતિક તરીકે વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે.
દરેક ધર્મ, મઝહબ કે સમાજમાં પ્રેમનું મહત્વ સ્વીકારવામાં આવેલ છે. હિંદુ ધર્મમાં તો પ્રેમના અનેક દ્રષ્ટાંતો છે. કૃષ્ણ ભગવાન તો ખાલિસ પ્રેમના આદર્શ પ્રતિક છે. મીરા અને કૃષ્ણનો પ્રેમ આજે પણ પ્રેમની સાચી પરિભાષા વ્યક્ત કરતો રહે છે.
ઇસ્લામમાં પણ હઝરત મહંમદ સાહેબ અને તેમના પ્રથમ પત્ની ખદીજાનો પ્રેમ પવિત્રતાની આદર્શ મિશાલ છે. આજે મહંમદ સાહેબ અને હઝરત ખદીજાના પવિત્ર અને ત્યાગી પ્રેમની વાત કરાવી છે. જે આજના યુવાનો માટે પ્રેરક દ્રષ્ટાંત છે.
વેપારમાં સતત સક્રિય રહેતા હઝરત ખદીજા દર વર્ષે અનુભવી લોકોને વેપારના માલ સાથે પરદેશમાં મોકલતા. એ વર્ષે પણ વેપારનો માલ લઈ કોઈ સારા વેપારીને સિરિયા  મોકલવાની તેમની ઈચ્છા હતી. એ સમયે મહંમદ સાહેબ(સ.અ.વ.)ની ઉંમર ૨૫ વર્ષની હતી. મધ્યમ કદ,મજબુત કસાયેલું સુડોળ શરીર,નૂરાની ચહેરો,પહોળી અને પ્રભાવશાળી પેશાની,ચમકદાર મોટી આંખો, અંધારી રાત જેવા કાળા જુલ્ફો, સુંદર ભરાવદાર દાઢી, ઉંચી ગરદન અને આજાના બાહુ જેવા મજબુત હાથો ધરાવતા મુહંમદસાહેબ તીવ્ર બુદ્ધિમતાના માલિક હતા. સીરીયાથી પાછા ફરી મહંમદ સાહેબ (સ.અ.વ.)એ હઝરત ખાદીજાને કરેલ વેપારનો બમણો નફો આપ્યો. આટલો નફો હઝરત ખદીજાને ક્યારેય મળ્યો ન હતો. મહંમદ સાહેબ (સ.અ.વ.) ની ઈમાનદારી, કાબેલીયત અને તેમના વ્યક્તિત્વથી હઝરત ખદીજા ખુબ પ્રભાવિત થયા. અને પ્રથમ નજરે જ તેમના પ્રેમમાં પડ્યા. તેમની આ પાક મોહબ્બતને તેઓ વધુ સમય દબાવી કે છુપાવી ન શક્ય. તેમણે મુહંમદ સાહેબ(સ.અ.વ.)ની ઈચ્છા જાણવા પોતાની સખી નફીસાહને મુહંમદ સાહેબ (સ.અ.વ.) પાસે મોકલ્યા. રમતિયાળ ,ચબરાક નફીસાહ મુહંમદ સાહેબ પાસે પહોંચી ગઈ અને તેમને પૂછ્યું,
મહંમદ સાહેબ, આપ શાદી કેમ કરતા નથી ?”
હું તો ગરીબ માણસ છું. વેપારમાં રોકાયેલો રહું છું. એટલે હજુ સુધી શાદી કરવાનો વિચાર જ આવ્યો નથી”
હા, પણ માલ અને જમાલ બંને આપને બોલાવે તો આપ શાદી કરો કે નહિ ?”
તું કોની વાત કરે છે?”
મક્કાની ખુબસુરત અમીરજાદી ખદીજા બિન્તે ખુવૈલીદની”
ખદીજા મારી સાથે શાદી કરશે ?”
એની જિમ્મેદારી હું લઉં છું. આપ તો બસ આપના તરફથી હા કહી દો”
આમ હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (...)ને નિકાહનો પૈગામ મોકલનાર હઝરત ખદીજાએ પણ પોતાના પ્રેમનો એકરાર અત્યંત તેહજિબ અને સુસંસ્કૃત માર્ગે કર્યો હતો. અને તેનો સ્વીકાર પણ મહંમદ સાહેબે આદર પૂર્વક કર્યો હતો. એક દિવસ હઝરત ખદીજાએ મહંમદ સાહેબ (...)ને નિકાહનો સંદેશો મોકલ્યો,
"કુરૈશી સમાજમાં આપની શરાફત, આપની અમાનતદારી, આપની સહનશીલતા અને આપના બેનમુન સંસ્કારોની ઘેરઘેર ચર્ચા ચાલે છે. કારણે મારું દિલ આપની તરફ આકર્ષાયું છે.તેથી નિકાહના પવિત્ર બંધનથી જોડાઈ જવાની મારી પ્રબળ ઈચ્છા છે.આશા રાખું છું કે મારી દાવતને આપ મંજુર ફરમાવશો"
આમ ઈ.સ. ૫૯૬મા મહંમદ સાહેબ અને ખદીજાના નિકાહ થયા, ત્યારે બંનેની ઉમરમાં ૧૫ વર્ષોનો ખાસ્સો ફેર હતો.
નિકાહ પછી મહંમદ સાહેબ(સ.અ.વ.)માટે કપરો સમય શરુ થયો હતો. ૧૫ વર્ષની સખ્ત ઈબાદત પછી ૪૦ વર્ષની વયે તેમને ખુદાનો પૈગામ (વહી) હઝરત ઝીબ્રાઈલ દ્વારા સંભળાવા લાગી હતી. છતાં તેમની એ વાત કોઈ માનવા તૈયાર ન હતું. ત્યારે એક માત્ર તેમની પત્ની ખદીજાએ તેમના પર વિશ્વાસ કર્યો હતો. અને તેમને સાથ આપ્યો હતો. જે સમયે ઇસ્લામનો અંગીકાર કરવા કોઈ તૈયાર ન હતું, ત્યારે હઝરત ખદીજાએ સૌ પ્રથમ ઇસ્લામનો અંગીકાર કર્યો. ઇસ્લામના પ્રચાર પ્રસારને કારણે આખુ મક્કા શહેર મહંમદ સાહેબ(સ.અ.વ.)નું દુશ્મન બની ગયું હતું. મુહંમદ સાહેબ(સ.અ.વ.)ને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી હતી. એવા સમયે એક માત્ર પત્ની ખદીજા તેમને સાંત્વન અને હિંમત આપતા અને કહેતા,
યા રસુલીલ્લાહ, ધીરજ ધરો. હિંમત રાખો. આપની જાનને કોઈ ખતરો નથી.ખુદા આપને કયારેય રુસ્વા નહિ કરે. ભલા એવો કોઈ નબી આવ્યો છે જેને લોકોએ દુ:ખ ન આપ્યું હોઈ?”
૬૫ વર્ષની વયે ઈ.સ. ૬૨૧માં હઝરત ખદીજાનું અવસાન થયું. ત્યારે મહંમદ સાહેબ (સ.અ.વ.) અત્યંત દુઃખી હતા. તેમની આંખો આંસુઓથી સતત ઉભરાયેલી હતી. આ જોઈ હઝરત ખદીજાના બહેન બીબી હાલહા બોલી ઉઠ્યા,
આપ એ વૃદ્ધાના અવસાનથી આટલા દુઃખી શા માટે છો ?”
ત્યારે મહંમદ સાહેબે ફરમાવ્યું,
જયારે લોકો મને ઠુકરાવતા હતા ત્યારે ખદીજાએ મને સાચો માન્યો હતો. જયારે બીજોઓ કાફિર બની મારી મજાક ઉડાવી રહ્યા હતા ત્યારે ખદીજા મારી વાતો પર ઈમાન લાવી હતી. જયારે મારો કોઈ મદદગાર ન હતો ત્યારે ખદીજા એક માત્ર મારી મદદગાર બની હતી”
આટલું બોલતા તો મહંમદ સાહેબ(સ.અ.વ.) ભાંગી પડ્યા હતા. તેમની આંખોમાંથી આંસુઓ અવિરત પણે વહી રહ્યા હતા.
જે પ્રેમમાં ઈબાદત છે, સાદગી છે. સરળતા છે, ત્યાગ છે. સમર્પણ છે. બલિદાન છે. પવિત્રતા છે. તે જ સાચો પ્રેમ છે. આજના યુવાનો વેલેન્ટાઈનના દિવસે મહંમદ સાહેબ (સ.અ.વ.) અને હઝરત ખદીજા જેવા પવિત્ર પ્રેમને જીવનમાં સાકાર કરે એજ દુવા : આમીન.  

No comments:

Post a Comment