Wednesday, February 12, 2020

યહી હૈ હમારા હિન્દુસ્તાન : ડૉ. મહેબૂબ દેસાઈ



હિન્દુસ્તાન નામક આપણો દેશ વિશ્વમાં વિશિષ્ટ સ્થાન અને માન ધરાવે છે. વિવિધતામાં એકતા તેનું આભુષણ છે. અનેક ધર્મો અને સંપ્રદાયોના સમન્વયથી બનેલી આપણી સંસ્કૃતી આપણી આધ્યાત્મિક શક્તિ છે. સમભાવ અને બંધુત્વની આપણી ભાવનાને સાકાર કરતા બે કિસ્સાઓ હમણાં જ જોવા મળ્યા. જેણે આપણી સમભાવની પરંપરાને વધુ મજબૂત અને જીવંત બનાવી છે.
મસ્જિતનો ઉપયોગ માત્ર નમાઝ માટે જ થાય, એવી સામાન્ય માન્યતા પ્રવર્તે છે. પણ હવે તેમાં પરિવર્તન આવતું જાય છે. મસ્જિતનો ઉપયોગ નમાઝ સિવાઈ શિક્ષણ અને સામજિક પ્રસંગો માટે પણ કરવાની પરંપરા વિસ્તરતી જાય છે. જેમ કે કેટલાક મુસ્લિમો નિકાહ જેવા શુભ પ્રસંગો પણ મસ્જિતમાં કરવાનો આગ્રહ રાખે છે. મુખ્ય પ્રવાહના શિક્ષણસનું કાર્ય પણ મસ્જિતમાં થઇ રહ્યું છે. જો કે ગેર મુસ્લિમ સમાજ ઈસ્લામને સમજવા મસ્જિતમાં સરળતાથી પ્રવેશી, તેમના શુભ કાર્ય કરે, એ વાત આજે પણ ઝાઝી આવકાર્ય નથી. પણ હાલમાં જ એવી બે ઘટનાઓ બની છે, જેમાં ગેર મુસ્લિમ પ્રજા મસ્જિતમાં સપ્રેમ આવકાર પામી છે અને તેમના શુભ પ્રસંગ પણ મસ્જિતમાં ઇસ્લામના અનુયાયીઓની ઉપસ્થિતિમાં સહર્ષ થયા છે.
સૌ પ્રથમ  બેંગલુરની મોદી મસ્જિતની વાત કરીએ. બેંગલુરમાં આવેલી મોદી મસ્જિત અને વડાપ્રધાન મોદીજીને કોઈ સબંધ નથી. મસ્જિતનું સર્જન તો ૧૮૪૯માં થયું છે. મસ્જીતના ઈમામ ગુલામ રબ્બાની બે દાયકાથી મસ્જિતમાં સેવા આપી રહ્યા છે. તેઓ કહે છે.
" મસ્જિદ લગભગ ૧૭૦ વર્ષ જુની છે અને પીએમ મોદી અને મસ્જિદ વચ્ચે કોઈ સંબંધ નથી." મોદી મસ્જિદ સમિતિના સભ્ય આસિફ મેકરી મસ્જિતના સર્જનનો ટૂંકો ઈતિહાસ આલેખતા કહે છે,
૧૮૪૯ની આસપાસ, જ્યારે ટાસ્કર ટાઉન લશ્કરી અને સિવિલ સ્ટેશન તરીકે જાણીતું હતું,  ત્યાં એક શ્રીમંત વેપારી મોદી અબ્દુલ ગફૂર અહિયાં રહેતા હતા. તેમને અહીં એક મસ્જિદની જરૂરિયાત લાગી અને તેમણે ૧૮૪૯માં મસ્જિતનું નિર્માણ કર્યું”.
પછી તો મોદી અબ્દુલ ગફૂરના પરિવારે બેંગલુરુમાં ઘણી મસ્જિદો બનાવી. તેનેરી વિસ્તારનો એક માર્ગ આજે પણ મોદી માર્ગ તરીકે જાણીતો છે. ૨૦૧૫મા મસ્જિદનું જુનું માળખું તોડી નાખવામાં આવ્યું.  કારણ કે તે અત્યંત જર્જરિત થઇ ગયું હતું. તેના સ્થાને નવી આધુનિક મસ્જિતનું સર્જન કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બીજા કાર્યકાળ માટે શપથ લીધા, તે સમયગાળા દરમિયાન નવીનીકરણ પામેલ મસ્જિદ ખુલ્લી મુકાઇ હતી.
મસ્જિદના મુખ્ય આર્કિટેક્ટ હબીબુર રહેમાને કહે છે,
"ઈન્ડો-ઇસ્લામિક આર્કિટેક્ચર પર આધારિત મસ્જિત 3,૦૦૦ ચોરસ ફૂટ બિલ્ટ-અપ વિસ્તારમાં પથારયેલી છે. મસ્જિદમાં મહિલાઓ માટે ઈબાદત કરવા ખાસ એક માળ બનાવવામાં આવ્યો છે, ".
ઐતિહાસિક ધરોહર જેવી ૧૭૦ વર્ષ પુરાણી મસ્જિતમાં હાલમાં જ એક અદભૂદ ઘટના સાકાર પામી. જે હિન્દુસ્તાનની સમભાવ સંસ્કૃતિનું આદર્શ ઉદાહર બની રહી છે. મોદી મસ્જિદમાં ૧૯ જાન્યુઆરી ૨૦૨૦ રવિવારના રોજ સંખ્યાબંધ હિન્દુઓ, ખ્રિસ્તીઓ અને શીખોના પ્રવેશ સાથે અદભુત દ્રશ્ય જોવા મળ્યું. આંતર ધર્મ સંવાદને પ્રોત્સાહન આપવા અને બિનમુસ્લિમ સમાજ ઇસ્લામને સારી રીતે સમજી શકે તે માટે શહેરના હાર્દ મા વિસ્તારમાં આવેલી મસ્જિદના દ્વાર બિન મુસ્લિમો માટે પહેલીવાર ખુલ્લા મુકાયા. “વિઝીટ માય મોસ્ક્યુટ ડેનામની બેંગલુરુ અને થાણેના રહેમત  ગ્રુપની ઘટનાને બહોળો પ્રતિસાદ સાંપડયો. આયોજકો ૧૭૦  જેટલા જ મુલાકાતીઓની જ અપેક્ષા રાખી હતી. પણ બપોર સુધીમાં ૪૦૦ થી વધુ બિનમુસ્લિમો મસ્જિદમાં આવી ચડ્યા હતા. તેમાં પ્રોફેશનલ્સ, વેપારીઓ, વિદ્યાર્થીઓ, લેખકો, ગૃહિણીઓ અને સીનીયર સિટીઝન્સ એમ તમા વર્ગના લોકો સામેલ હતા. આયોજકો મુલાકાતીઓને મસ્જિતમાં રાજકારણ વિષે વાત કરવાની સખ્ત મનાઈ કરી, પ્રશંશનીય પગલું ભર્યું હતું.
બીજો અનુકરણીય પ્રસંગ કેરળનો છે. કેરળના અલપુઝામાં મુસ્લિમ સમુદાયએ  સામાજિક એકતાનું શાનદાર ઉદાહરણ પૂરું પાડ્યું છે.  હાલમાં જ અહીંની ચેરુવલી મુસ્લિમ જમાતની  મસ્જિદમાં હિન્દુ એક યુગલના શાનદાર લગ્ન થયા છે. બિંદુ અને અશોકનની પુત્રી અંજુ અને સારથના  લગ્ન સંપૂર્ણ હિન્દુ પરંપરા મુજબ સાંપ્રદાયિક પ્રેમના ઉદાહરણ તરીકે મસ્જિતમાં ઉજવાયા છે. ગુલાબી અને સોનેરી સાડીમાં લપેટાયેલી કન્યા અને સફેદ શર્ટ અને મુંડુ પહેરેલા વરરાજા સાથે મસ્જિતના પરિસરમાં યોજાયેલા આ લગ્ન હિંદુ મુસ્લિમ સમભાવનું ઉત્તમ ઉદાહર છે. હિંદુ મહેમાનોને આવકારવા માટે મસ્જિદના પ્રાંગણમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. મસ્જિતની કમિટીએ લગભગ એક  હજાર લોકો માટે શાકાહારી ભોજનની વ્યવસ્થા પણ કરી. અંજુ અને સારથે સવારે 11:30 થી 12:30 દરમિયાન લગ્નગ્રંથી જોડાયા હતા. બે વર્ષ પહેલા પતિ અશોકનના મૃત્યું પછી બિંદુ આર્થિક જવાબદારીઓ સામેં સંઘર્ષ કરી રહી હતી. તેના ત્રણ બાળકો સાથે તે ભાડાના મકાનમાં રહેતી હતી. પુત્રી અંજુના લગ્ન માટે પૈસા મેળવવાનો સઘર્ષ પણ જારી હતો. એક દિવસ તેના મુસ્લિમ પાડોશીને તેની જાણ થતા તેણે તેને મુસ્લિમ જમાતની કમિટી સમક્ષ પોતાની વ્યથા રજુ કરવા વિનંતી કરી. બિંદુએ જમાતની કમિટી સમક્ષ પોતાની રજૂઆત કરી. મુસ્લિમ જમાતના સભ્યોએ ધાર્મિક ભિન્નતાને નેવે મૂકી તેને સહાય કરવાની સહર્ષ હા પાડી. જમાતના એક સભ્યોએ લગ્નનો સમગ્ર ખર્ચ ઉઠાવી લીધો. આ ઉપરાંત જુમ્માની અર્થાત શુક્રવારની નમાઝ માટે આવેલા નમાઝીઓએ પણ આ વિચારને વધાવી લીધો અને શકય તમામ મદદ કરી. મસ્જિદ સમિતિએ લગ્નની ભેટ રૂપે અંજુને 10 સોનાના સિક્કા અને બે લાખ રૂપિયા ભેટ આપ્યા. લગ્ન સંપૂર્ણ હિંદુ વિધિ મુજબ થયા. ચેરુવલી મુસ્લિમ જમાતના સચિવ નુજુમુદ્દીન આ અંગે કહે છે,
"મેં અંજુના બાળકોના અભ્યાસ માટે વ્યક્તિગત રૂપે મદદ કરી છે. અને અન્ય લગ્ન ખર્ચ માટે મસ્જિદ કમિટીને વિનંતી કરવામાં આવી. કારણ કે લગ્ન માટેનો ખર્ચ ઘણો વધારે થતો હતો. તેથી કમિટી દ્વારા  અંજુના પરિવારને આર્થિક સહાય આપી, મસ્જિતમાં જ તેમના લગ્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું."
યહી હૈ હમારા હિન્દુસ્તાન.


No comments:

Post a Comment