Thursday, December 24, 2020

અલગારી સૂફી સંતો અને મારી લેખન તસ્બી : ડૉ. મહેબૂબ દેસાઈ

 હમણાં બે સુંદર પુસ્તકો વાંચવામાં આવ્યા. પ્રથમ “અલગારી સૂફી સંતો” અને બીજું “મારી લેખન તસ્બી” આજે એ બે પુસ્તકોની વાત કરવી છે. સૂફી વિચાર અને સંતો અંગે આજકાલ લોકોનો રસ વિસ્તરતો જાય છે. પરિણામે સૂફી સંતો, વિચારો અને સિલસિલા અંગે અવારનવાર રાહે રોશનના વાચકો પુછપરછ કરતા રહે છે. શ્રી ભૂપતરાય ઠાકર લિખિત “અલગારી સૂફી સંતો” (પ્રવીણ પ્રકાશન, રાજકોટ)નામક નાનકડું પુસ્તક જિજ્ઞાસુઓની અનિવાર્યતાને સંતોષે છે. આ અગાઉ પણ ભૂપતરાય ઠાકરના બે આધ્યાત્મિક પુસ્તકો “અગિયાર ગંગા સતી અને પાંચ મીરા” તથા “ભવવહી” પ્રસિદ્ધ થયા છે. તેમનું તાજું પુસ્તક “અલગારી સૂફી સંતો” એ જ ભાવ સાથે લખાયેલું છે. પુસ્તકના આરંભમાં અર્પણના પૃષ્ઠમાં તેઓ લખે છે,

“સૂફીવાદના દરવાજે કોઈ મુસ્લિમ નથી, કોઈ નથી ખ્રિસ્તી, નથી કોઈ સદગુણી કે નથી પાપી. હોય છે અલગારી સૂફી સંતો.”

“રાહે રોશન” ની સૂફી લેખમાળાથી તેઓ ખાસ્સા પ્રભાવિત થયા છે. તે તેમના અર્પણ અને આભારના સૌજન્યથી ભાસે છે. ૯૬ પૃષ્ઠોમાં પથરાયેલ આ નાનકડા પુસ્તકમાં ૨૪ સૂફી સંતોના ટૂંકા જીવન વૃતાંત આપવામાં આવ્યા છે. જેમાં જલાલુદ્દીન રૂમી, મન્સૂર, ખ્વાજા ગરીબ નવાઝ, મોયુદ્દીન ચિસ્તી, રાબિયા, બાબા ફરીદ ,શેખ સાદિક, અમીર ખુશરો, ઉમર ખૈયામ, કબીર, લલ્લેશ્વરી  જેવા નામી સંતોનો સમાવેશ થાય છે. સૂફી સંતોના જીવન કવનને અત્રે સરળ શૈલીમાં મુકવામાં આવેલ છે. સાથે સૂફી સંતોની કેટલીક રચનાઓ પણ પુસ્તકના આરંભ અને અંતમાં આપવામાં આવી છે. અલબત્ત સૂફી સંતોના જીવન પ્રસંગો જાણીતા છે, છતાં સરળ ભાષામાં આલેખ્યા હોય વાંચવા ગમે છે. સૂફી સંત ઉમર ખૈયામના જીવન પ્રસંગોને અંતે તેની એક તત્વબોધ સમી રૂબાઈને ગુજરાતીમાં રજુ કરતા લેખક લખે છે,

 

“તારી જૂલ્ફોથી કરી મેં જો ઘડીભર છેડછાડ

 ભૂલથી પણ માનજે ના એને દાનતનો બગાડ

 ગૂમ થયેલું મારુ દિલ એમાં નજર આવ્યું મને

 એટલે વાત્સલ્ય ઉભરાયું અને કીધો મેં લાડ”

 

“દિલના જખ્મોને જગત આગળ કદી ખોલું નહિ

 પ્રેમના એ રત્ન મોંઘા પથ્થરે તેને તોલું નહિ

 એમ લાગે તુજ વિના પણ અન્ય સાંભળનાર છે

 તો મરી જાઉં પરંતુ એક શબ્દ પણ બોલું નહિ.”

 

 

અત્રે એક બાબત સ્પષ્ટ કરવી જરૂરી છે કે સૂફી  વિચારકો અને સૂફી સંતોમાં ભેદ છે. વિચારકોએ સૂફી વિચારના પ્રચાર પ્રસારમાં યોગદાન આપ્યું છે. જયારે સંતોએ સૂફી  વિચારોને આચરણમાં મૂકી તેનો પ્રચાર પ્રસાર કર્યો છે. ઈતિહાસ ગવાહ છે કે સૂફી સંતોના પવિત્ર જીવન કવને જ સમાજના આચરણમાં પરિવર્તન કર્યું છે. પુસ્તક એકવાર વાંચવા જેવું ખરું.  

અન્ય એક પુસ્તક શ્રી ઈબ્રાહીમ ત્રવાડીનું “મારી લેખન તસ્બી” (પ્રવીણ પ્રકાશન, રાજકોટ) પણ આધ્યાત્મિક વિચારોનો સુંદર સંગ્રહ છે. ઉર્દુ કે એરેબીક ભાષામાં માળાને તસ્બી કહે છે. ૧૧૨ પૃષ્ઠોના આ પુસ્તકની વિશેષતા એ છે કે રમઝાન માસમાં લેખકે પોતાના ફેસબુક પેઈજ પર મુકેલ ઇસ્લામિક અને આધ્યાત્મિક ૩૩ વિચારોનો તે સંગ્રહ છે. એ વિચારો પર વિશ્લેષણ કરનાર લેખકના મિત્રો અતુલ રાવ, અશોકભાઈ જોશી, શબાના માંકડ, મુસ્લિમ ત્રવાડી અને અતુલ પટેલનું વિશ્લેષણ અને ટીપ્પણી પણ પુસ્તકમાં સામેલ કરવામાં આવ્યા છે. ઇલેક્ટ્રોનિક સંચાર માધ્યમના હકારાત્મક અને ઉદેશ લક્ષી ઉપયોગનું આ આદર્શ દ્રષ્ટાંત છે.

આ અંગે લેખક તેમની પ્રસ્તાવનામા લખે છે,

“મેં નક્કી કર્યું કે રમઝાન મહિનાના ત્રીસેય દિવસ દરમિયાન હરરોજ એક લેખ- મણકો લખવો અને બીજા ક્રમાંકના મણકાનું નામ “તસ્બી “ રાખેલ. ત્રીસ મણકા પુરા થયા પછી લાગ્યું કે ઇસ્લામિક તસ્બીના ૩૩ મણકા હોય છે, તેમજ હિંદુ પૌરાણિક ગ્રંથો પ્રમાણે ૩૩ કરોડ દેવ દૈવીઓ છે, એટલે ૩૩ લેખ-મણકા લખવા ઠીક રહેશે.”

આમ એ ૩૩ મણકાઓનો સંગ્રહ “મારી લેખન તસ્બી” નું સર્જન થયું. લેખકની કલમમાં સાદગી અને સરળતા ભાસે છે. મણકાઓની પસંદગી પણ આધ્યત્મિક ભાવોને સંતુષ્ઠ કરે છે. હઝરત મહંમદ પયગંબરની જીવનચર્યા પદ્ય શૈલીમાં મણકા ૮માં ટૂંકમાં સરળ ભાષામાં આપવામાં આવી છે. જેનું થોડું આચમન કરીએ.

 

“થયો જન્મે એક પયગંબરનો નામ તેનું મોહંમદ

 ગુમાવી દીધો સાયો વાલિદાનો બચપણમાં

 થયો ઉછેર રણમાં, અજ્ઞાનતા અને વહેમોથી ભરેલા મુલ્કમાં

 જન્મદાતા માતા અમીના, દૂધ માતા હલીમા.

 કર્યું પાલનપોષણ કાકા અબુતાલિબ અને પાલક માતાએ,

 કામકાજે, ધંધાર્થે ફરતા તેઓ દેશ પરદેશ.

 કરતા વસવાટ સામાન્યજનો વચાળે

 કર્યો સંચય અનુભવો અને ડહાપણનો.

 ઓળખાયા “અમીન” (ભરોસાપાત્ર) તરીકે

 રાખતા સદા સહાનુભૂતિ ગરીબો, અનાથો અને વિધવાઓ પ્રતિ

 દૂર વહેમોને કરવા સદા સંઘર્ષ કરતા.”

હઝરત મહંમદ સાહેબનું આવું સુંદર જીવન વૃતાંત આલેખનાર  ઈબ્રાહીમભાઈ મણકા ૨૩માં લખે છે,

“જો તમે શ્રીમંત હો તો તમારી દોલત કે મિલકત તમારી મર્યાદા મુજબ સખાવત, ખેરાત કે સદકાર્યોમાં વાપરો. અલ્લાહએ- ઈશ્વરે તમોને આ સંપત્તિ આપી છે, તેથી તમારે આ સંપત્તિ અલ્લાહે  ઈશ્વરે દર્શાવેલા માર્ગદર્શન પ્રમાણે ખર્ચવી જોઈએ. જો આ સંપતિ યોગ્ય માર્ગે નહિ વપરાય તો નીચે મુજબની બુરાઈઓ અને મુશકેલીઓનો સામનો કરવો પડે :

·        સંપત્તિ ધરાવનાર કંજૂસ બની જાય.

·        તે કદાચ ગરીબો અને જરૂરતમંદોની જરૂરત અને મુશકેલીઓને ભૂલી જાય

·        તે કદાચ પોતાની સંપત્તિ નકામા અને બિનજરૂરી પ્રસંગો પર વાપરી નાખે અને પરિણામે પોતાના કુટુંબને કે દેશને પણ નુકશાન પહોચાડે.

આવા સુંદર અને મૂલ્યનિષ્ઠ વિચારોનો સંગ્રહ “મારી લેખન તસ્બી” એકવાર વાંચવા જેવો ખરો.

  

 

 

 

 

Saturday, December 12, 2020

“અમ્મા”ની પ્રેમાળ કિસ : ડૉ. મહેબૂબ દેસાઈ

 છેલ્લા પાંચેક દિવસથી અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. શરદી, તાવ, કળતર જેવા ચિન્હો શરીરમાં  ઉભરાવા લાગ્યા હતા. વાઈરલ ઇન્ફ્લેક્ષન માની નજીકના એક દાકતર પાસેથી સાધારણ દવા લઇ આવ્યો. પણ કઈ ઝાઝો ફેર ન પડ્યો. સ્થિતિ દિનપ્રતિદિન બગડતી ચાલી. અંતે મેં મારા ફેમીલી દાકતર સબ્બીર ગડીને ફોન કર્યો. તેમણે મને તુરત આવી જવા કહ્યું. અસ્વસ્થ શરીરે ગાડી ડ્રાઈવ કરી હું અને મારી પત્ની સાબેરા દાકતરના દવાખાને પહોંચ્યા. આજકાલ કોરોનાને કારણે દવાખાનાઓ ઉભરાવા લાગ્યા છે. લગભગ અડધા કલાક પછી અમારો વારો આવ્યો. દાકતર સબ્બીર ગડી  યુવાન છે. પણ ખાસ્સા અનુભવી છે. તેમના નિદાનમાં હંમેશા વજૂદ હોય છે. મારું. બી.પી. અને પલ્સ ચેક કરી તેમણે મને દવાઓ લખી આપતા કહ્યું,

“દેસાઈ સાહેબ, તમારું સંપૂર્ણ ચેક અપ કરાવી લો. મને કોરોનાનો ડર છે.”

તેમનું વિધાન સાંભળી હું અને સાબેરા ભયભીત થયા. પણ તેમણે સાંત્વન આપતા કહ્યું,

“ચિંતા કરવાની જરૂર નથી. પણ ચેકઅપ કરાવી લો તો સારું.”

હું અને સાબેરા દવાનું પ્રિસ્ક્રીશન લઇ બહાર આવ્યા. અને ત્યાંથી સિદ્ધાં ચેક અપ કરાવવા લેબોરેટરીસમાં પહોંચ્યા. કોરોનાને કારણે ત્યાં પણ ભીડનો માહોલ હતો.  સંપૂર્ણ ચેક અપ કરાવતા અમને એકાદ કલાક લાગ્યો. પછી રીપોર્ટની રાહમાં બીજો અડધો કલાક ઇન્તઝાર કર્યો. બધા રીપોર્ટ હાથમાં આવી ગયા. તેમાં કોરોના પોઝીટીવ જોઈ મારી અને સાબેરાની ચિતા વધી ગઈ. લગભગ ૨૮ જેટલું કોરોનાનું પ્રમાણ હતું.

ડૉ. સબ્બીરભાઈનો સંપર્ક  કર્યો. પણ તેમણે તો સ્વસ્થ સ્વરે એટલું જ કહ્યું,

“ચિંતા ન કરો મેં જે દવા લખી આપી છે તે નિયમિત પાંચ દિવસ લો. પાંચ દિવસ પછી મને બતાવી જશો. સંપૂર્ણ કોરોનટાઈન પાળશો. રૂમમાંથી બિલકુલ બહાર ન નીકળશો. અન્યને પણ તમારા રૂમમાં પ્રવેશવા ન દેશો. અને શ્વાસ લેવામાં તકલીફ પડે તો મને તુરત ફોન કરશો.”

આવા સંજોગોમાં હંમેશા સેકંડ ઓપીનીઅન લેવાનો મારો સ્વભાવ છે. મારા પરમ મિત્રોમાંના એક છે ડૉ. મુસ્તાક કુરેશી. તેમની સાથેનો મારો નાતો ટૂંકો છે. પણ થોડા સમયમાં અમારી ઘનિષ્ટતા આત્મીય બની ગઈ છે. વલસાડ પાસે પારડી હાઇવે પર તેમની પ્રતિષ્ઠિત પારડી હોસ્પિટલ છે. અનેક કોરોનગ્રસ્ત દર્દીઓની સારવાર તેઓ કરી ચૂક્યા છે. એટલે મેં વોટ શોપ પર તેમને મારો રીપોર્ટ મોકલ્યો. અને તેમનો તુરત ફોન આવ્યો.

“મહેબૂબભાઈ, કોરોના પોઝીટીવ છે. હવે જરા પણ વિચાર કર્યા વગર હું ગાડી મોકલું છું. આપ મારી ઇસ્પતાલે આવી જાવ. અહિયાં તમારી બધી તકેદારી લેવાશે. આપે એક પણ પૈસો ખર્ચવાનો નથી. બધું થઇ પડશે.”

તેમની લાગણીએ મને ભીજવી નાખ્યો. પણ વલસાડ ઈસ્પિતાલમાં દાખલ થવું મારા માટે શક્ય ન હતું. સામાજિક અને વ્યવસાયિક સબંધોને છેક વલસાડ સુધી ખેંચાવું પડે. વળી, સાબેરાને પણ મારી સાથે વલસાડમાં રહેવું પડે. એટલે મેં કુરેશી સાહેબને કહ્યું,

“આભાર કુરેશી સાહેબ, હું આ અંગે વિચારીને આપને જણાવીશ.”

અને અંતે મેં અમદાવાદમાં જ ડૉ. સબ્બીરભાઈ ગડીના માર્ગદર્શન તળે સારવાર લેવાનું નક્કી કર્યું.

 

જો કે સબ્બીરભાઈની પાંચ દિવસની શારીરીક અને માનસિક કેદના વિચારે મને પ્રથમ ધ્રુજાવી મુક્યો. ઘરમાં પગવાળીને બેસવાની જેને ટેવ ન હોય તેવા જીવને આ રીતે રૂમમાં કેદ રહેવું કેમ ગમે ? પણ હવે તો બીજો કોઈ વિકલ્પ જ ન હતો. ઘરે આવી મેં મારા બેડ રૂમમાં પ્રવેશ કર્યો. આજે તો સ્માર્ટ ફોન જેમ આપણા ઘરોના બેડરૂમ પણ સ્માર્ટ થઇ ગયા છે. સ્માર્ટ ટીવી, અનલિમિટેડ ઈન્ટરનેટ, લેપટોપ, પ્રિન્ટર, પુસ્તકો અને ઓડિયો સિસ્ટમથી સજ્જ મારો બેડ આજે મને કોઈ આધુનિક પ્રાશ્ચાત્ય જેલ જેવો લાગ્યો. પણ કોરોનાનો ભય મારા મનમાં એવો પ્રસરી ગયો હતો. કે આવી જેલમાં રહેવા મેં મનને મનાવી લીધું.

પાંચ દિવસ નિયમિત દવાઓનું સેવન અને શક્તિવર્ધક ટેબ્લેટ અને ભોજનની તકેદારી રાખવામાં સાબેરાએ કાફી તકેદારી રાખી. આમ તો દવાઓની અસરને કારણે રાત્રે નિયમિત મારી આંખ સવેળા લાગી જતી. અને સવારે મોડે સુધી સૂઈ રહેવાનું બનતું. આવા જેલના માહોલમાં મેં ચાર દિવસ તો કાઢી નાખ્યા. શરીરમાંથી તાવે વિદાય લીધી હતી. કળતર પણ હવે રહ્યું ન હતું. શરદી અને ખાંસી હતા જ નહીં. દિવસમાં ચાર પાંચવાર ઓક્સીમીટર દ્વારા શરીરના ઓક્સિજનને માપી લેતો. ધીમે ધીમે ઓક્સીમીટરમાં  ૯૬,૯૭,૯૮ જેવા નોર્મલ આંકડાઓ દેખાવા માંડ્યા. પણ છતાં મારા મનમાં કોરોનાનો ભય હજુ યથાવત હતો. જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોવાનો સતત ભય મને રહ્યા કરતો.

એ ચોથા દિવસની રાત હતી. સાબેરાએ રાત્રે આઠેક વાગ્યે મારા રૂમનો દરવાજો ખખડાવ્યો. અને મને ભોજનની થાળી આપી. મેં તે લઇ ભોજન આરંભ્યું. ભોજન પૂર્ણ કરી રાત્રીની બધી દવાઓ લીધી. ગરમ હળદર અને મીઠું નાખેલ દૂધ પીધું. અને ટીવી ચાલુ કરી મેં મારા બેડ પર લંબાવ્યું. ક્યારે મારી આંખ લાગી ગઈ તેની મને ખબર નથી. અનાયાસે મારા પલંગ પર મને હૂંફનો અહેસાસ થયો. જાણે કોઈ મારા માથે હાથ ન ફેરવી રહ્યું હોય ? મેં આંખો ખોલીને જોયું તો અમ્મા મારી બાજુમાં સૂતા હતા. અમ્માના અવસાનને ૧૬ પછી આજે પ્રથમવાર અમ્માનો રૂપાળો ચહેરો મારી આંખો સામે હતો. તેમની પ્રેમાળ આંખો મને તાકી રહી હતી. અને મારા માથે તેમનો સુવાળો હાથ ફરી રહ્યો હતો. મેં કઈ પણ વિચાર કર્યા વગર તેમનો હાથ પકડી લીધો અને કહ્યું,  

“અમ્મા, મને તમારા ગાલ પર કિસ કરવા દો. તમારા ગાલની હૂંફાળી કિસ મને જીવતદાન આપશે.”

અને અમ્માના ચહેરા પર સ્મિત પ્રસરી ગયું. જાણે કહેતા ન હોય, અરે બેટા, મને કિસ કરવા તારે પૂછવાનું હોય ? અને મેં અમ્માના ગાલ પર જીવતદાનના મોહમાં બે વાર કિસ કરી. ત્યારે અમ્મા બોલી ઉઠ્યા,

“બેટા મુન્ના, હવે તું નિરાતે સૂઈ જા. તને કઈ જ નહિ થાય.”

અને અચાનક અમ્માની હુંફ હવામાં ઓગળી ગઈ.

સવારે મોડે સુધી હું સૂતો રહ્યો. સાબેરાએ મારા રૂમનો દરવાજો ખખડવ્યો. મેં જોયું તો રૂમના દરવાજે તે મને પૂછી રહી હતી,

“આજે કેમ છે ? ચા લાવું ?”

મેં સાબેરાને સપનામાં અમ્માને કરેલ બે કિસની વાત કરી. સાબેરા બોલી ઉઠી,

“હવે કોરોના તો શું કોઈ તમારું કશું બગાડી નહિ શકે”

એ દિવસ ટ્રીટમેન્ટનો પાંચમો દિવસ હતો. ડૉ. સબ્બીરભાઈ પાસે ચેકઅપ માટે જવાનું હતું. સવારે સાડા દસ વાગ્યે ખુદ ગાડી ડ્રાઈવ કરી હું ડોકટરના ત્યાં પહોંચ્યો. તેમણે બીપી અને પલ્સ ચેક કરી. પછી બોલ્યા,

“આમ તો બધું નોર્મલ લાગે છે.  એટલે દવાની જરૂર નથી. છતાં ચેકઅપ કરાવી લઈએ. પણ હજુ દસ દિવસ કોરોનટાઇનમા તમારે રહેવું પડશે.”

સબ્બીરભાઈની વાત સ્વીકારી હું સિધ્ધો લેબોરેટરી પર ગયો. અને બધા રીપોર્ટ કઢાવ્યા. લગભગ અડધી કલાક પછી રીપોર્ટ મને મોબાઈલ પર મળ્યા. મે એ ડૉ. સબ્બીરભાઈને ફોરવર્ડ કર્યા. તેમનો તુરત જવાબ આવ્યો. “નોર્મલ”

એ “નોર્મલ” શબ્દએ મારી આંખો ભીંજવી નાખી.

આજે કોરોનટાઇનનો ચૌદમો દિવસ છે. રોજ રાત્રે અમ્માને મળવાની ચાહમાં સુવું છું. પણ અમ્મા જીવતદાનની બે કિસ આપી ગયા તે ગયા, હજુ સુધી પાછા આવ્યા નથી. પણ તેમના પ્રેમાળ શબ્દો

“બેટા મુન્ના, હવે તું નિરાતે સૂઈ જા. તને કઈ જ નહિ થાય.” આજે પણ મારા રૂમમાં પડઘા પાડી રહ્યા છે.

 

 

 

 

 

 

Wednesday, October 14, 2020

સૂફી સાધિકા રાબિયા : ડૉ. મહેબૂબ દેસાઈ

 

 હઝરત રાબિયાનો પરમાત્મા પ્રત્યેનો પ્રેમ નિષ્કામ હતો. તે  સાચા અર્થમાં રહસ્યવાદી હતા.

મુસ્લિમ સૂફી સાધકોમાં સાધિકા રાબિયા અંગે આ અગાઉ લખ્યું છે. પણ વાચકો રાબિયાના જીવન કવન

અંગે વધુ ને વધુ જાણવા વારંવાર ઉત્સુક છે. તેમનો જીવનકાળ સન ૭૧૭ થી ૮૩૦ સુધીનો માનવામાં આવે છે. જે દિવસ રબીયાનો જન્મ થયો, એ દિવસે તેમના પિતા પાસે પહેરવાના પૂરતા કપડા પણ ન હતા. તેમના પિતાને ત્રણ પુત્રીઓ હતી. અને એ ચોથું સંતાન હતા. એટલે તેમનું નામ રાબિયા અર્થાત ચોથી રાખવામાં આવ્યું. અરબીમાં “રાબીઅહ”નો અર્થ ચોથી થયા છે. એમનો જન્મ બસરા શહેરમાં થયો હતો. તેથી તેમને રાબિયા બસરી કહેવામાં આવતા. તેમની ઉમર થોડી મોટી થઈ ત્યારે તેમના માતા પિતાનું અવસાન થઈ ગયું. એ સમયે બસરામાં મોટો દુષ્કાળ પડ્યો. એટલે  ચારે બહેનો એક બીજાથી વિખુટી પડી ગઈ. તેના માતા-પિતાના મૃત્યુ પછી તેમના  એક  દુષ્ટ સગાએ થોડા સિક્કાઓ માટે રાબિયાને ગુલામ તરીકે વેચી દીધી. રાબિયા તેમના માલિકનું દિવસ-રાત કામ કરતા અને રાતના પોતાની ઓરડીમાં ખુદાની ઈબાદત કરતા રહેતા. એક દિવસ રાતે તેમના માલિકે રાબિયાની ઓરડીમાં નજર કરીને જોયું તો રાબિયા ખુદાની  ઈબાદતમાં લીન બેઠા હતા. અને ખુદાને પ્રાર્થના કરી રહ્યા હતા,

  હે ખુદાવંદ,  તમે તો મારા દિલની વાત જાણો છો કે હું તો તમારી સેવા કરવા ઈચ્છું છું. પણ તમે તો મને અન્યની ગુલામ બનાવી દીધી છે.”

 રાબિયા દુવા માંગતા હતા ત્યારે એક દીવો વિના આધારે રાબિયાના મસ્તક ઉપર ઝળહળી રહ્યો હતો. રાબિયાની દુવા અને અધ્ધર રહેલા દીવાને જોઇ આશ્ચર્યચકિત થયેલ માલિકે બીજે દિવસે રાબિયાને બોલાવીને કહ્યું,

 રાબિયા, તમને હું આજથી મારી ગુલામીમાંથી મુક્ત કરું છું. તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છે.”

 માલિકની રજા લઇ રાબિયા બસરી શહેરને છેવાડે એક નાની ઓરડીમાં રહેવા ચાલ્યા ગયા. એ ઓરડીમાં એક ચટાઈ હતી. એક માટીનો ઘડો હતો. દિવસ રાત રાબિયા પરમાત્માના ધ્યાનમાં મગ્ન રહેતા. એમનું હૃદય ખુદાના પ્રેમથી સદાય છલોછલ રહેતું. એક વાર એને કોઈ કે પૂછયું “રાબિયા લગ્ન કરવાની તમને ઈચ્છા નથી થતી ?” રાબિયાએ કહ્યું,

 શરીર સંબંધી લગ્ન ? મારું શરીર મારું ક્યાં છે ? શરીરને તો મે ક્યારનું ખુદાને સમર્પિત કરી દીધું છે. મારું શરીર તેની આજ્ઞાને આધીન છે.  ખુદાના કાર્યોમાં મારું શરીર સતત સેવા આપી રહ્યું છે.”

 એક દિવસ રાબિયાએ સ્વપ્નમાં  હઝરત મહંમદ સાહેબને જોયા. સ્વપ્નમાં પયગંબર સાહેબે રાબિયાને પૂછ્યું

  રાબિયા તું મને પ્રેમ કરે છે ?”

 ઘડી ભરનો પણ વિલંબ કર્યા વગર રાબિયાએ કહ્યું,

“હે અલ્લાહના રસૂલ, એવો કોણ ઇન્સાન આ દુનિયામાં છે જે આપને પ્રેમ કરતો ન હોય ? પણ ખુદાના પ્રેમએ મારા ઉપર એવો અધિકાર જમાવી દીધો છે કે એમના સિવાય અન્ય કોઈ સાથે પ્રેમ કે   ધૃણા કરવાને સ્થાન મારા હૃદયમાં નથી.”

 પરમ સૌંદર્ય સ્વરૂપ ખુદાને રાબિયાએ પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું હતું. સૂફી સાધિકા તરીકે એની ખ્યાતી દૂર દૂરના દેશો સુધી ફેલાઈ ગઈ હતી. રોમ અને ઇજિપ્તના સૂફી સાધકો  એમને મળવા બસરા આવતા. દિવસો સુધી એમની સાથે સત્સંગ કરતા. અને પરમાત્માને પામવાના પ્રેમ માર્ગની કંઠી બાંધી જતા. પોતાના ભીતરમાં રહેલા પરમાત્મા પ્રેમના અજવાળાને રાબિયા વિશેષ મહત્વ આપતા. એક વાર  કોઈએ એમને કહ્યું,

 રાબિયા, વસંતઋતુ ખીલી છે. તેનું સૌંદર્ય જોવા ઓરડાની બહાર આવો.”

 બંધ ઓરડામાં ઉપાસના કરી રહેલા રાબિયાએ તેને કહ્યું,

 તું ઓરડામાં આવ અને પ્રકૃતિનું જે સૌંદર્ય  જેણે નિર્માણ કર્યું છે તે પરમાત્માને જો.”

અબ્દુલ ઉમર લખે છે

“એકવાર હું અને સૂફી સંત સુફિયાન હઝરત રાબિયાની માંદગીના સમાચાર જાણી તેમના ખબર અંતર પૂછવા ગયા. હઝરત રાબિયાની વિદ્વતાથી અમે પરિચિત હતા. એટલે તેમની સાથે કઈ પણ વાત કરતા અમે ખચકાતા હતા. ત્યાજ હઝરત રાબિયા બોલ્યા,

“હઝરત સુફિયાન આપને કઈ કહેવું હોય તો કહો.”

હઝરત સુફિયાન બોલ્યા,

“દેવી, આપ ખુદાને પ્રાર્થના કરો કે ખુદા આપને સ્વસ્થ કરી દે.”

હઝરત રાબિયાએ સંત સુફિયાન સામે જોઈ કહ્યું,

“હઝરત સુફિયાન તમે નથી જાણતા કે માંદગી કોની ઇચ્છાથી આવે છે ?”

“હા, હું જાણું છું કે માંદગી તો ખુદાના આદેશથી જ આવે છે.

“જયારે આવું જાણો છો તો પછી મને એવું શા માટે કહો છો કે મારે તેની ઈચ્છા વિરુદ્ધ મારા સાજા થવાની દુવા માંગવી જોઈએ ? જેને આપણે અપાર પ્રેમ કરતા હોઈએ તેની ઈચ્છા વિરુદ્ધ દુવા કરવી એ પ્રેમીનું કર્તવ્ય છે ?”

 રાબિયાનું જીવન સાદાઇમાં અને પ્રભુ પાસના સતત રત રહ્યું. પ્રેમ ભક્તિ અને પરમાત્માને પોતાનું સર્વસ્વ સોંપી દેવું તેની વિશેષતા હતી. નિષ્કામ પ્રેમની પુજારણ હતા .

હઝરત રાબિયા ખુદાને હંમેશા જે દુવા કરતા તે પણ  જાણવા જેવી છે. ખુદાને દુવા કરતા તેઓ કહેતા,

“હે ખુદા, તે આલોકમાં મારે માટે જે કઈ નક્કી કરેલું હોય, તે તમારા  વિરોધીઓ (નાસ્તિકોને) ને આપજો. અને પરલોકમાં જે કાંઈ નક્કી કરેલું હોય, તે મારા મિત્રો (ભક્તો) ને  આપજો. કેમ કે મારે પોતાને માટે તો આપ જ બસ હોઈ, આપ સિવાઈ બીજું કશું હું ચાહતી નથી. હું જો દોઝાકના ડરથી આપની ઈબાદત કરતી હોઉં તો હે ખુદા, મને દોઝાકમાં જ નાખજો. અને જો હું જન્નતના મોહમાં આપની ઈબાદત કરતી હોઉં તો તે જન્ન્નત મારા માટે હરામ છે. પરંતુ જો હું માત્ર આપને પ્રાપ્ત કરવા માટે જ આપની ઈબાદત કરતી હોઉં તો આપ આપના  દિવ્ય પ્રકાશમ્ય, પાક, નિર્મળ, નિર્દોષ અને સુંદર સ્વરૂપના દિદારથી મને વંચિત ન રાખશો   : આમીન.”