મુસ્લિમ સૂફી સાધકોમાં સાધિકા રાબિયા
અંગે આ અગાઉ લખ્યું છે. પણ વાચકો રાબિયાના જીવન કવન
અંગે વધુ ને વધુ જાણવા વારંવાર ઉત્સુક છે. તેમનો જીવનકાળ સન ૭૧૭ થી ૮૩૦ સુધીનો માનવામાં
આવે છે. જે દિવસ રબીયાનો જન્મ થયો, એ દિવસે તેમના પિતા પાસે
પહેરવાના પૂરતા કપડા પણ ન હતા. તેમના પિતાને ત્રણ પુત્રીઓ હતી. અને એ ચોથું સંતાન
હતા. એટલે તેમનું નામ રાબિયા અર્થાત ચોથી રાખવામાં આવ્યું. અરબીમાં “રાબીઅહ”નો
અર્થ ચોથી થયા છે. એમનો જન્મ બસરા શહેરમાં થયો હતો. તેથી તેમને રાબિયા બસરી કહેવામાં આવતા. તેમની
ઉમર થોડી મોટી થઈ ત્યારે તેમના માતા પિતાનું અવસાન થઈ ગયું. એ સમયે બસરામાં મોટો
દુષ્કાળ પડ્યો. એટલે ચારે બહેનો એક બીજાથી
વિખુટી પડી ગઈ. તેના માતા-પિતાના મૃત્યુ પછી તેમના
એક દુષ્ટ સગાએ થોડા સિક્કાઓ માટે રાબિયાને ગુલામ તરીકે વેચી દીધી. રાબિયા તેમના
માલિકનું દિવસ-રાત કામ કરતા અને રાતના પોતાની ઓરડીમાં ખુદાની ઈબાદત કરતા રહેતા. એક દિવસ રાતે તેમના માલિકે રાબિયાની ઓરડીમાં નજર કરીને જોયું તો રાબિયા ખુદાની ઈબાદતમાં લીન બેઠા હતા. અને
ખુદાને પ્રાર્થના કરી રહ્યા હતા,
“ હે ખુદાવંદ,
તમે તો મારા દિલની વાત જાણો છો કે હું તો તમારી સેવા કરવા ઈચ્છું છું. પણ તમે તો મને અન્યની ગુલામ બનાવી દીધી છે.”
રાબિયા દુવા માંગતા
હતા ત્યારે એક દીવો વિના આધારે રાબિયાના મસ્તક ઉપર ઝળહળી રહ્યો હતો. રાબિયાની આ દુવા અને અધ્ધર રહેલા દીવાને જોઇ આશ્ચર્યચકિત થયેલ માલિકે બીજે દિવસે રાબિયાને બોલાવીને કહ્યું,
“રાબિયા, તમને હું આજથી મારી ગુલામીમાંથી મુક્ત કરું છું. તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છે.”
માલિકની રજા લઇ રાબિયા બસરી શહેરને છેવાડે એક નાની ઓરડીમાં રહેવા ચાલ્યા
ગયા. એ ઓરડીમાં એક ચટાઈ હતી. એક માટીનો ઘડો હતો. દિવસ રાત રાબિયા પરમાત્માના ધ્યાનમાં મગ્ન રહેતા. એમનું હૃદય ખુદાના પ્રેમથી સદાય છલોછલ રહેતું. એક વાર એને કોઈ કે પૂછયું “રાબિયા લગ્ન કરવાની તમને ઈચ્છા નથી થતી ?” રાબિયાએ કહ્યું,
“શરીર સંબંધી લગ્ન ? મારું શરીર મારું ક્યાં છે ? આ શરીરને તો મે ક્યારનું ખુદાને સમર્પિત કરી દીધું છે. મારું શરીર તેની આજ્ઞાને આધીન છે.
ખુદાના કાર્યોમાં જ મારું શરીર સતત સેવા આપી રહ્યું છે.”
એક દિવસ રાબિયાએ સ્વપ્નમાં હઝરત મહંમદ સાહેબને જોયા. સ્વપ્નમાં પયગંબર સાહેબે રાબિયાને પૂછ્યું
“રાબિયા તું મને પ્રેમ કરે છે ?”
ઘડી ભરનો પણ વિલંબ કર્યા વગર રાબિયાએ કહ્યું,
“હે અલ્લાહના
રસૂલ, એવો કોણ ઇન્સાન આ દુનિયામાં છે જે આપને પ્રેમ કરતો ન હોય ? પણ ખુદાના પ્રેમએ મારા ઉપર એવો અધિકાર જમાવી દીધો છે કે એમના સિવાય અન્ય કોઈ સાથે પ્રેમ કે
ધૃણા કરવાને સ્થાન જ મારા હૃદયમાં નથી.”
પરમ સૌંદર્ય સ્વરૂપ ખુદાને રાબિયાએ પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું હતું. સૂફી સાધિકા તરીકે એની ખ્યાતી દૂર દૂરના દેશો સુધી ફેલાઈ ગઈ હતી. રોમ અને ઇજિપ્તના સૂફી સાધકો એમને મળવા બસરા આવતા. દિવસો સુધી એમની સાથે સત્સંગ કરતા. અને પરમાત્માને પામવાના પ્રેમ માર્ગની કંઠી બાંધી જતા. પોતાના ભીતરમાં રહેલા પરમાત્મા પ્રેમના અજવાળાને રાબિયા વિશેષ મહત્વ
આપતા. એક વાર કોઈએ એમને કહ્યું,
“રાબિયા, વસંતઋતુ ખીલી છે. તેનું સૌંદર્ય જોવા ઓરડાની બહાર આવો.”
બંધ ઓરડામાં ઉપાસના કરી રહેલા
રાબિયાએ તેને કહ્યું,
“તું ઓરડામાં આવ અને પ્રકૃતિનું જે સૌંદર્ય
જેણે નિર્માણ કર્યું છે તે પરમાત્માને જો.”
અબ્દુલ ઉમર લખે
છે
“એકવાર હું અને
સૂફી સંત સુફિયાન હઝરત રાબિયાની માંદગીના સમાચાર જાણી તેમના ખબર અંતર પૂછવા ગયા.
હઝરત રાબિયાની વિદ્વતાથી અમે પરિચિત હતા. એટલે તેમની સાથે કઈ પણ વાત કરતા અમે
ખચકાતા હતા. ત્યાજ હઝરત રાબિયા બોલ્યા,
“હઝરત સુફિયાન
આપને કઈ કહેવું હોય તો કહો.”
હઝરત સુફિયાન
બોલ્યા,
“દેવી, આપ ખુદાને પ્રાર્થના કરો કે ખુદા આપને સ્વસ્થ
કરી દે.”
હઝરત રાબિયાએ સંત
સુફિયાન સામે જોઈ કહ્યું,
“હઝરત સુફિયાન
તમે નથી જાણતા કે માંદગી કોની ઇચ્છાથી આવે છે ?”
“હા, હું જાણું
છું કે માંદગી તો ખુદાના આદેશથી જ આવે છે.
“જયારે આવું જાણો
છો તો પછી મને એવું શા માટે કહો છો કે મારે તેની ઈચ્છા વિરુદ્ધ મારા સાજા થવાની
દુવા માંગવી જોઈએ ? જેને આપણે અપાર પ્રેમ કરતા હોઈએ તેની ઈચ્છા વિરુદ્ધ દુવા કરવી
એ પ્રેમીનું કર્તવ્ય છે ?”
રાબિયાનું જીવન સાદાઇમાં અને પ્રભુ ઉપાસના સતત રત રહ્યું. પ્રેમ ભક્તિ અને પરમાત્માને પોતાનું સર્વસ્વ સોંપી દેવું એ તેની વિશેષતા હતી. નિષ્કામ પ્રેમની એ પુજારણ હતા .
હઝરત રાબિયા ખુદાને હંમેશા જે દુવા કરતા તે પણ જાણવા જેવી છે. ખુદાને દુવા કરતા તેઓ કહેતા,
“હે ખુદા, તે આલોકમાં મારે માટે જે કઈ નક્કી કરેલું હોય, તે
તમારા વિરોધીઓ (નાસ્તિકોને) ને આપજો. અને
પરલોકમાં જે કાંઈ નક્કી કરેલું હોય, તે મારા મિત્રો (ભક્તો) ને આપજો. કેમ કે મારે પોતાને માટે તો આપ જ બસ હોઈ, આપ
સિવાઈ બીજું કશું હું ચાહતી નથી. હું જો દોઝાકના ડરથી આપની ઈબાદત કરતી હોઉં તો હે
ખુદા, મને દોઝાકમાં જ નાખજો. અને જો હું જન્નતના મોહમાં આપની ઈબાદત કરતી હોઉં તો
તે જન્ન્નત મારા માટે હરામ છે. પરંતુ જો હું માત્ર આપને પ્રાપ્ત કરવા માટે જ આપની
ઈબાદત કરતી હોઉં તો આપ આપના દિવ્ય
પ્રકાશમ્ય, પાક, નિર્મળ, નિર્દોષ અને સુંદર સ્વરૂપના દિદારથી મને
વંચિત ન રાખશો : આમીન.”
No comments:
Post a Comment