Tuesday, November 26, 2019

ફતાવાયે જહાંદારી : ડૉ. મહેબૂબ દેસાઈ



જિયાઉદ્દીન બરની (૧૨૮૫-૧૩૫૭) મધ્યયુગનો ઇસ્લામિક ઇતિહાસકાર અને રાજનીતિજ્ઞ હતો. મુહંમદ બિન તુઘલક અને ફિરોઝ શાહના શાસનકાળમાં તે થઇ ગયો. તેનું પ્રસિદ્ધ પુસ્તક તારીખે ફિરોઝ શાહી જાણીતું છે. જેમાં તેણે એ યુગની શાસકીય ઘટનાઓનો સવિસ્તાર ઉલ્લેખ કર્યો છે. પણ તેનું અપ્રસિદ્ધ પુસ્તક “ફતાવાયે જહાંદારી” ઇસ્લામી શાસનની લાક્ષણીકતાઓને બખૂબી ઉજાગર કરે છે. તેમાં તેણે ઇસ્લામની શાસન પ્રણાલી અને તેના અનેક ફતવાઓ (આદેશો) આલેખ્યા છે. મહંમદ સાહેબની જીવની પણ તેમાં ટૂંકમાં આલેખવામાં આવી છે. તે આજના સંદર્ભે જાણવા અને માણવા જેવી છે. જો કે પુસ્તક અપ્રસિદ્ધ છે. પણ તેની ટૂંકી વિગતો તુઘલક કાલીન ભારત નામક ગ્રંથમાં તેના અનુવાદક સૈયદ અતહર અબ્બાસ રીઝવીએ આલેખી છે. બાદશાહને કોઈનો ભય હોવો જોઈએ એવા શીર્ષક નીચે આપવામાં આવેલ એક ફતવામાં (આદેશ)માં ઇતિહાસકાર બરની લખે છે,
“ઘણાં એવા લોકો હોઈ છે જેમને બાદશાહ દ્વારા કષ્ટ પડ્યું હોય છે. અને તે હંમેશા બાદશાહનો વિરોધ કરવામાં સક્રિય રહે છે. ઇસ્લામને માનનાર બાદશાહને કુરાન પર દ્રઢ વિશ્વાસ હોય છે, તેને એવા લોકોની ધ્રુર્તતા તથા વિશ્વાશ્ઘાત અને અન્ય કષ્ટોનો ભય નથી હોતો. અને તે પોતાને તથા દેશ અને રાજ્યને કુરાનના આદેશોના અમલ દ્વારા એવા વિશ્વાશ્ઘાતી, ધ્રુર્તત તથા દુષ્ટ લોકોથી સુરક્ષિત રાખે છે અને પ્રજાને સુખી રાખે છે.”
ઇતિહાસકાર બરની “બાદશાહ પર મહંમદ સાહેબના ધર્મનો પ્રભાવ” મથાળા નીચે લખે છે,
“હે મહંમદના પુત્રો, તમને સારી રીતે જાણ હોવી જોઈએ કે ઇસ્લામના બાદશાહના કાર્યોની અચ્છાઈ અને બૂરાઇ તેમના સારા અને નરસા કાર્યોનું પ્રતિબિબ હોય છે. જો બાદશાહનો નબીઓએ આપેલ પવિત્ર ગ્રંથો  પર વિશ્વાસ હશે, તો તેના આશીર્વાદથી રાજ્યના તમામ કાર્યો સારી રીતે સંપન્ન થશે. અને પ્રજાની અપેક્ષાઓ પૂર્ણ થતી રહેશે. જો બાદશાહનો મહંમદ સાહેબના મઝહબમાં દ્રઢ વિશ્વાસ હશે અને તે નૈતિક રીતે સત્યના માર્ગે જ ચાલતો હશે તો, તેની ઈબાદત અને રોઝા થોડા અલ્પ હશે તો પણ તેના રાજ્યમાં કોઈ આપત્તિ નહિ આવે. અને સંસાર તેને કુતુબ અર્થાત સદાચારી કહેશે.”
ઉપરોક્ત આદેશ ઇસ્લામની મુલ્ય નિષ્ટતાને વ્યકત કરે છે. ઈબાદત (ભક્તિ) અર્થાત નમાઝ અને રોઝા માનવીને સદાચારી, ન્યાયી અને સત્યનિષ્ઠ માર્ગે દોરે છે. પણ માનવી એ ગુણોને અમલી બનાવવામાં  સક્રિય હોય તો તે નમાઝ અને રોઝા સમાના છે.
ઇસ્લામમાં શરીયતના આદેશો કે નિયમોનું પાલન પણ અનિવાર્ય છે. ઇસ્લામમાં શરીયતના નિયમોનું ઘડતર કુરાને શરીફ અને સીરતના આધારે થાય છે. એ અંગે “બાદશાહ દ્વારા શરીયાતનું પાલન” મથાળા તળે ઇતિહાસકાર બરની લખે છે,
“પ્રજાના ઇસ્લામ પરના દ્રઢ વિશ્વાસની નિશાની એ છે કે બાદશાહ પોતાને તથા પોતાની પ્રજાને શરિયતના માર્ગ પર ચલાવે. જો બાદશાહ વિલાસ પ્રિય હોય તો પણ તે શરિયતના આદેશોનું સન્માન કરે, અને એવા જ કાર્યો કરે જેની અનુમતિ ખુદાએ આપી છે. અને એવા કાર્યો કદાપી ન કરે જે કરવાની અનુમતિ ખુદાએ આપી નથી. રાજ્યમાં એવો પ્રબંધ કરે કે શરીયત વિરુદ્ધના કાર્યો રાજ્યમા ન થયા.”
ઉપરોક્ત નિયમ દર્શાવે છે કે ઇસ્લામી શાસનમાં નૈતિક મુલ્યો અને તેના અમલીકરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું. અને એ માટે રાજ્યમાં પરામર્શ દાતાઓ અને સત્વિચારો તથા સત્યપરામર્શ સમિતિની રચન કરવામાં આવતી હતી. એ સમિતિ દ્વારા પ્રજાને થતા લાભોનો પણ ઉલ્લેખ ઇતિહાસકાર બરનીએ પુસ્તકમાં આલેખ્યો છે. એ મુજબ
૧.  સત્વિચારોના અમલ દ્વારા રાજા અને પ્રજા બન્ને સજાગ રહે છે.
૨.  સત્યપરામર્શનો એક ફાયદો એ પણ હતો કે પરામર્શ આપનાર વ્યક્તિનું ધ્યાન માત્ર સુચન કરવા પુરતું ન રહેતા તે કાર્ય પૂર્ણ થાય તે તરફ પણ રહેતું હતું.
૩.  સત્ય પરામર્શનને કારણે ના તો રાજાને કોઈ કાર્યની ચિંતા રહેતી કે ન પ્રજા તેની ચિંતા કરતી. પ્રજાની સુખાકારીની સમગ્ર ચિંતા સત્યપરામર્શની જ રહેતી.
૪.  તેના  લાભો આજીવન અને પરલોક સુધી મળતા. કારણ કે સદકાર્યો જ કબરમાં તમારી સાથે જવાના છે, તેમ ઈસ્લામ માને છે.
૫.  સત્ય પરામર્શના કાર્યો યશ અને લોકહિતને આવકારે છે.
૬.  તેના કારણે મોટામાં મોટો શત્રુ પણ મિત્ર બની જતો અને મોટામાં મોટો મિત્ર વધુ ગાઢ બની જતો.
૭.  જે કાર્ય માટે પરામર્શ આપવામાં આવે છે, તે કાર્યમાં લોકોની રૂચી વધી જાય છે અને લોકો તેમાં પોતાનું પ્રદાન આપવા તત્પર રહે છે.
૮.  મુર્ખ અને અને અયોગ્ય વ્યક્તિઓ પણ તેમના મંતવ્યો અંગે પુનઃ વિચાર કરવા આવકાર્ય રહેતા.
૯. પ્રજાની તેમાં શામીલગીરી હોવાને કારણે તેના અમલીકરણમાં સુગમતા પડતી
૧૦. પરજા કિયા કાર્યોમાં આ પ્રથાને કારણે જુજ વિરોધ થતો.
૧૧. તેના આચારમાં નીજી સ્વાર્થ અને લોભને સ્થાન ન હતું.
ફતાવાયે જહાંદારી જેવા ગ્રંથો આપણી સાંસ્કૃતિક વિરાસત છે. જેમાં ધર્મને કેન્દ્રમાં રાખી શાસન પ્રણાલીના મુલ્યોને ઉજાગર કરવામાં આવેલ છે. “દીને એ બાદશાહ” મથાળા ને નીચે ઇતિહાસકાર બરની લખે છે,
““દીને એ બાદશાહ”  અર્થાત ખુદાના ખોફથી શાસન કરનાર શાસકની પ્રશંશા જરૂરી નથી. કારણ કે તે તો મહંમદ સાહેબના આદેશો અને કુરાને શરીફના નિયમો મુજબ શાસન કરે છે. પરિણામે પ્રજા પણ નિર્ભય પણે ખુદાની ઈબાદત કરે છે. પોતાના ઈશ્વરની આરાધના કરે છે. અને ઇસ્લામના સિદ્ધાંતો વિશ્વના દેશો સુધી મિશાલ બનાવી પહોંચાડે છે.”


No comments:

Post a Comment