Friday, December 27, 2019

PROF. MEHBOOB DESAI'S BLOG : ગુજરાતના જાણીતા સામાયિક "ચિત્રલેખા"ના ૬૯ વાર્ષિક વ...

PROF. MEHBOOB DESAI'S BLOG : ગુજરાતના જાણીતા સામાયિક "ચિત્રલેખા"ના ૬૯ વાર્ષિક વ...: ગુજરાતના જાણીતા સામાયિક "ચિત્રલેખા"ના ૬૯ વાર્ષિક વિશેષાંકમાં પ્રસિદ્ધ થયેલ "૫૧ ગૌરવવંતા ગુજરાતી" પૂર્તિમાં પ્રસિદ્ધ થયે...
ગુજરાતના જાણીતા સામાયિક "ચિત્રલેખા"ના ૬૯ વાર્ષિક વિશેષાંકમાં પ્રસિદ્ધ થયેલ "૫૧ ગૌરવવંતા ગુજરાતી" પૂર્તિમાં પ્રસિદ્ધ થયેલ પરિચય .

Monday, December 2, 2019

મેઘા એજ્યુ ફેસ્ટ : ઇલ્મની તબલીગ : ડૉ. મહેબૂબ દેસાઈ



૨૭ નવેમ્બરના રોજ સ્વેચ્છિક  સંસ્થાઓના સંચાલકો, શિક્ષણશાસ્ત્રીઓ અને આગેવાનોની એક બેઠક લોખંડવાલા પાર્ટી પ્લોટમાં મળી હતી. એ બેઠકમાં શિરકત કરવાની (હાજર રહેવાની) મને તક સાંપડી.
૨૧ અને ૨૨ ડિસેમ્બરના રોજ રિવરફ્રન્ટ પર ભરાઈ રહેલ મેઘા એજ્યુ ફેસ્ટના આયોજન અર્થે આ બેઠકનું આયોજન થયું હતું. જેમાં આયોજન સાથે ઇસ્લામના શિક્ષણ વિશે વિચારો જુદા જુદા પ્રતિનિધિઓ દ્વારા રજુ  થયા હતા. લગભગ બે કલાકની બેઠકમાં એક પણ શબ્દ બોલ્યા વગર પ્રથમવાર મેં સૌને સાંભળ્યા. અને તેમાંથી ઇસ્લામના શિક્ષણ વિષયક ઉમદા વિચારો મનમાં ટપકાવી લીધા. આજે એ સંદર્ભે ઇસ્લામના  ઇલ્મ અને આલીમ વિષયક જાણવા અને માણવા જેવા વિચારોની થોડી વાત કરીએ.

હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)પર ઉતરેલ પ્રથમ વહીનો પ્રથમ શબ્દ હતો "ઇકરાહ". જેનો અર્થ થાય છે પઢ, વાંચ. ખુદાએ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર ઉતારેલી એ સૌ પ્રથમ વહી માત્ર મુસ્લિમો માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે ઇલ્મ-જ્ઞાનનો ઉપદેશ આપે છે. એ આયાતમાં ખુદાએ કહ્યું છે,
 "પઢો પોતાના પરવરદિગારના નામથી, જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદથી ઇન્સાનનું સર્જન કર્યું છે. એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું અને ઇન્સાન જે વસ્તુ નહોતો જાણતો, જેનાથી તે અજ્ઞાન હતો તે બધી તેને શીખવી છે."
ઇલ્મ અંગેની હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ની કેટલીક  નોંધપાત્ર હદીસો જાણવા જેવી છે.
"શહીદોના ખુન કરતા વિદ્યાર્થીની શાહી વધુ પવિત્ર છે"
"જ્ઞાન પ્રાપ્તિ માટે જે ઘર છોડે છે, તે ખુદાના માર્ગે કદમ માંડે છે"
"ચીનમાં પણ વિદ્યા મળે તો એ પ્રાપ્ત કરવાની તલબ રાખો"
"જે જ્ઞાનની શોધમાં મુસાફરી કરે છે, તેને ખુદા અવશ્ય માર્ગ બતાવે છે"
ઇલ્મ એટલે જ્ઞાન. વિદ્યા, જાણકારી કે વિજ્ઞાન. આલીમ એટલે જ્ઞાની, વિદ્વાન. ઉર્દૂ ભાષાના આ શબ્દનો  અર્થ શબ્દ કોશમાં આપતા કહેવામાં આવ્યું છે,
"જેના વાણી વર્તન અભ્યાસ અનુસાર આચરણમાં પણ હોય તેવો વિદ્વાન એટલે આલિમ"
સામાન્ય રીતે જ્ઞાન અને વિજ્ઞાનના ઉપાસકને જ આપને આલિમ કહેવાનું અને સ્વીકારવાનું પસંદ કરીએ છીએ. પણ તે આપણી સંકુચિત સમજ છે. તે સત્ય નથી. બાર્બર અર્થાત વાળ કાપવામાં કે સંવારવામાં નિષ્ણાત હોય તો તે એ વિષયનો જ્ઞાની કે આલિમ છે. તેમ કહેવાનું આપણે મોટે ભાગે પસંદ કરતા નથી. પરિણામે તેને આલિમ કે વિદ્વાન જેવું માન કે સન્માન આપતા નથી. પણ ઇસ્લામ સરળ અને ગહન ગમે તેવું જ્ઞાન ધરાવનાર ગરીબ-અમીર, દોસ્ત-દુશ્મન નાના-મોટા, સૌને જ્ઞાની કે આલિમ કહી તેને માન સન્માન આપવાનું કહે છે.
એક વખત હઝરત ઈમામ આજમ (ર.અ) ડોલીમાં બેસી ભરબજારમાથી પસાર થઇ રહ્યા હતા. એકાએક તેમની નજર એક ગરીબ સફાઈ કામદાર પર પડી. મેલાં ઘેલાં વસ્ત્રોમાં હાથમાં ઝાડું લઇ તે રસ્તો વાળતો હતો. હઝરત ઈમામ અજમએ ડોલી ઉભી રાખી. ડોલીમાંથી ઉતરી ભરબજારમાં લોકો જુવે તેમ એ સફાઈ કામદારનો હાથ ચૂમી તેના ખબરઅંતર પૂછ્યા. એ જોઈ એક શિષ્યએ તેમને જીજ્ઞાસાથી પૂછ્યું,
"આપે એ સફાઈ કામદારને આટલી ઈજ્જત શા માટે બક્ષી ?"
આપે ફરમાવ્યું,
"એ સફાઈ કામદારને કુતરાનું સારું જ્ઞાન છે. એકવાર મારે કુતરાઓની પુખ્તતાની નિશાની જાણવી હતી. ઘણી તપાસ કરી પણ તેની ચોક્કસ નિશાની મને ન મળી. અંતે આ સફાઈ કામદારને એકવાર અચાનક પૂછ્યું. તો તેણે એક જ વાક્યમાં મને તેની નિશાની જણાવતા કહ્યું જયારે કુતરો એક પગ ઉંચો કરી લઘુશંકા કરે ત્યારે તે પુખ્ત થઇ ગયો છે તેમ માનવું. નાનામાં નાના માણસ પાસે પણ જ્ઞાનનો એવો ભંડાર હોય છે, જે મોટા જ્ઞાની પાસે પણ નથી હોતો. તેણે આપેલ આ જ્ઞાન બદલ  હું તેને આલિમ માનું છું. અને તેથી જ ભરબજારમાં તેનો હાથ ચૂમી મેં તેની ઈજ્જત કરી છે"
જ્ઞાનનો મહિમા અપરંપાર છે. તેનું મુલ્ય અનેક ઘણું છે. પણ તેનો અહંકાર જરૂરી નથી. જ્ઞાન ખુદાએ બક્ષ્યું છે તો એ ખુદાની મહેરબાની છે. રહેમત છે. અલ્લાહનો શુક્ર છે. તેનો ગર્વ કે અભિમાન ખુદાની બક્ષેલ દોલતનું અપમાન છે. એમ દ્રઢપણે માનવું દરેક જ્ઞાની કે આલિમ માટે અનિવાર્ય છે.
એ જ રીતે જ્ઞાનીના જ્ઞાનમાં  જેમ જેમ વૃદ્ધિ થતી જાય તેમ તેમ તેની નમ્રતા વધતી જાય છે. જેમ આંબાને ફળ લાગે તેમ તે ઝૂકતો જાય છે. તેમ જ જ્ઞાનીની નમ્રતા અને નિરભિમાન વધવા જોઈએ. રહીમ તેના એક દોહામાં કહે છે,
"બડે બડાઈ ના કરે, બડે ના બોલે બોલ
રહીમન હીરા કબ કહે, લાખ ટકા હૈ મોલ"
એક જ્ઞાની બીજા જ્ઞાનીને ક્યારેય ઉતારી પાડવાનો પ્રયાસ નથી કરતો. તેના પર પોતાના જ્ઞાનનો રોફ નથી છાંટતો. બલકે સાચો જ્ઞાની એ છે જે બીજાના જ્ઞાનનો આદર કરે છે. તેને માન સન્માન આપે છે. જ્ઞાન એ તો દરિયો છે. તેમાં તો દરેક વિચારને માન છે. સ્થાન છે. દરેક વિચારનું મહત્વ છે. વિચારમાં અધુરપ કે ગેરસમજ હોય શકે. પણ વિચાર સાચો કે ખોટો નથી હોતો. અલબત વિચાર નૈતિક કે અનૈતિક જરૂર હોય છે. જ્ઞાની માનવી એવા અનૈતિક વિચાર સામે પોતાનો નૈતિક વિચાર મૂકી શકે છે. પણ તેના અમલીકરણ માટે દુરાગ્રહ નથી સેવતો.
ટૂંકમાં, આજે મેઘા એજ્યુ ફેસ્ટ જેવા મેળાઓ દ્વારા પણ જ્ઞાનનો વિસ્ફોટ થઇ રહ્યો છે. કારણ કે જ્ઞાન કે ઇલ્મ એ માનવજીવનની અનિવાર્યતા છે. સંસ્કૃતના એક શ્લોકમાં કહ્યું છે,
"સ્વદેશે પૂજયતે રાજા, વિદ્વાન સર્વત્રૈ પૂજયતે"
અને એટલે જ આવા શૈક્ષણિક આયોજનોને નવી પેઢીના ધડતર અને ચણતર માટે આપણે સૌએ પ્રોત્સાહિત કરવા જોઈએ.

Tuesday, November 26, 2019

ફતાવાયે જહાંદારી : ડૉ. મહેબૂબ દેસાઈ



જિયાઉદ્દીન બરની (૧૨૮૫-૧૩૫૭) મધ્યયુગનો ઇસ્લામિક ઇતિહાસકાર અને રાજનીતિજ્ઞ હતો. મુહંમદ બિન તુઘલક અને ફિરોઝ શાહના શાસનકાળમાં તે થઇ ગયો. તેનું પ્રસિદ્ધ પુસ્તક તારીખે ફિરોઝ શાહી જાણીતું છે. જેમાં તેણે એ યુગની શાસકીય ઘટનાઓનો સવિસ્તાર ઉલ્લેખ કર્યો છે. પણ તેનું અપ્રસિદ્ધ પુસ્તક “ફતાવાયે જહાંદારી” ઇસ્લામી શાસનની લાક્ષણીકતાઓને બખૂબી ઉજાગર કરે છે. તેમાં તેણે ઇસ્લામની શાસન પ્રણાલી અને તેના અનેક ફતવાઓ (આદેશો) આલેખ્યા છે. મહંમદ સાહેબની જીવની પણ તેમાં ટૂંકમાં આલેખવામાં આવી છે. તે આજના સંદર્ભે જાણવા અને માણવા જેવી છે. જો કે પુસ્તક અપ્રસિદ્ધ છે. પણ તેની ટૂંકી વિગતો તુઘલક કાલીન ભારત નામક ગ્રંથમાં તેના અનુવાદક સૈયદ અતહર અબ્બાસ રીઝવીએ આલેખી છે. બાદશાહને કોઈનો ભય હોવો જોઈએ એવા શીર્ષક નીચે આપવામાં આવેલ એક ફતવામાં (આદેશ)માં ઇતિહાસકાર બરની લખે છે,
“ઘણાં એવા લોકો હોઈ છે જેમને બાદશાહ દ્વારા કષ્ટ પડ્યું હોય છે. અને તે હંમેશા બાદશાહનો વિરોધ કરવામાં સક્રિય રહે છે. ઇસ્લામને માનનાર બાદશાહને કુરાન પર દ્રઢ વિશ્વાસ હોય છે, તેને એવા લોકોની ધ્રુર્તતા તથા વિશ્વાશ્ઘાત અને અન્ય કષ્ટોનો ભય નથી હોતો. અને તે પોતાને તથા દેશ અને રાજ્યને કુરાનના આદેશોના અમલ દ્વારા એવા વિશ્વાશ્ઘાતી, ધ્રુર્તત તથા દુષ્ટ લોકોથી સુરક્ષિત રાખે છે અને પ્રજાને સુખી રાખે છે.”
ઇતિહાસકાર બરની “બાદશાહ પર મહંમદ સાહેબના ધર્મનો પ્રભાવ” મથાળા નીચે લખે છે,
“હે મહંમદના પુત્રો, તમને સારી રીતે જાણ હોવી જોઈએ કે ઇસ્લામના બાદશાહના કાર્યોની અચ્છાઈ અને બૂરાઇ તેમના સારા અને નરસા કાર્યોનું પ્રતિબિબ હોય છે. જો બાદશાહનો નબીઓએ આપેલ પવિત્ર ગ્રંથો  પર વિશ્વાસ હશે, તો તેના આશીર્વાદથી રાજ્યના તમામ કાર્યો સારી રીતે સંપન્ન થશે. અને પ્રજાની અપેક્ષાઓ પૂર્ણ થતી રહેશે. જો બાદશાહનો મહંમદ સાહેબના મઝહબમાં દ્રઢ વિશ્વાસ હશે અને તે નૈતિક રીતે સત્યના માર્ગે જ ચાલતો હશે તો, તેની ઈબાદત અને રોઝા થોડા અલ્પ હશે તો પણ તેના રાજ્યમાં કોઈ આપત્તિ નહિ આવે. અને સંસાર તેને કુતુબ અર્થાત સદાચારી કહેશે.”
ઉપરોક્ત આદેશ ઇસ્લામની મુલ્ય નિષ્ટતાને વ્યકત કરે છે. ઈબાદત (ભક્તિ) અર્થાત નમાઝ અને રોઝા માનવીને સદાચારી, ન્યાયી અને સત્યનિષ્ઠ માર્ગે દોરે છે. પણ માનવી એ ગુણોને અમલી બનાવવામાં  સક્રિય હોય તો તે નમાઝ અને રોઝા સમાના છે.
ઇસ્લામમાં શરીયતના આદેશો કે નિયમોનું પાલન પણ અનિવાર્ય છે. ઇસ્લામમાં શરીયતના નિયમોનું ઘડતર કુરાને શરીફ અને સીરતના આધારે થાય છે. એ અંગે “બાદશાહ દ્વારા શરીયાતનું પાલન” મથાળા તળે ઇતિહાસકાર બરની લખે છે,
“પ્રજાના ઇસ્લામ પરના દ્રઢ વિશ્વાસની નિશાની એ છે કે બાદશાહ પોતાને તથા પોતાની પ્રજાને શરિયતના માર્ગ પર ચલાવે. જો બાદશાહ વિલાસ પ્રિય હોય તો પણ તે શરિયતના આદેશોનું સન્માન કરે, અને એવા જ કાર્યો કરે જેની અનુમતિ ખુદાએ આપી છે. અને એવા કાર્યો કદાપી ન કરે જે કરવાની અનુમતિ ખુદાએ આપી નથી. રાજ્યમાં એવો પ્રબંધ કરે કે શરીયત વિરુદ્ધના કાર્યો રાજ્યમા ન થયા.”
ઉપરોક્ત નિયમ દર્શાવે છે કે ઇસ્લામી શાસનમાં નૈતિક મુલ્યો અને તેના અમલીકરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું. અને એ માટે રાજ્યમાં પરામર્શ દાતાઓ અને સત્વિચારો તથા સત્યપરામર્શ સમિતિની રચન કરવામાં આવતી હતી. એ સમિતિ દ્વારા પ્રજાને થતા લાભોનો પણ ઉલ્લેખ ઇતિહાસકાર બરનીએ પુસ્તકમાં આલેખ્યો છે. એ મુજબ
૧.  સત્વિચારોના અમલ દ્વારા રાજા અને પ્રજા બન્ને સજાગ રહે છે.
૨.  સત્યપરામર્શનો એક ફાયદો એ પણ હતો કે પરામર્શ આપનાર વ્યક્તિનું ધ્યાન માત્ર સુચન કરવા પુરતું ન રહેતા તે કાર્ય પૂર્ણ થાય તે તરફ પણ રહેતું હતું.
૩.  સત્ય પરામર્શનને કારણે ના તો રાજાને કોઈ કાર્યની ચિંતા રહેતી કે ન પ્રજા તેની ચિંતા કરતી. પ્રજાની સુખાકારીની સમગ્ર ચિંતા સત્યપરામર્શની જ રહેતી.
૪.  તેના  લાભો આજીવન અને પરલોક સુધી મળતા. કારણ કે સદકાર્યો જ કબરમાં તમારી સાથે જવાના છે, તેમ ઈસ્લામ માને છે.
૫.  સત્ય પરામર્શના કાર્યો યશ અને લોકહિતને આવકારે છે.
૬.  તેના કારણે મોટામાં મોટો શત્રુ પણ મિત્ર બની જતો અને મોટામાં મોટો મિત્ર વધુ ગાઢ બની જતો.
૭.  જે કાર્ય માટે પરામર્શ આપવામાં આવે છે, તે કાર્યમાં લોકોની રૂચી વધી જાય છે અને લોકો તેમાં પોતાનું પ્રદાન આપવા તત્પર રહે છે.
૮.  મુર્ખ અને અને અયોગ્ય વ્યક્તિઓ પણ તેમના મંતવ્યો અંગે પુનઃ વિચાર કરવા આવકાર્ય રહેતા.
૯. પ્રજાની તેમાં શામીલગીરી હોવાને કારણે તેના અમલીકરણમાં સુગમતા પડતી
૧૦. પરજા કિયા કાર્યોમાં આ પ્રથાને કારણે જુજ વિરોધ થતો.
૧૧. તેના આચારમાં નીજી સ્વાર્થ અને લોભને સ્થાન ન હતું.
ફતાવાયે જહાંદારી જેવા ગ્રંથો આપણી સાંસ્કૃતિક વિરાસત છે. જેમાં ધર્મને કેન્દ્રમાં રાખી શાસન પ્રણાલીના મુલ્યોને ઉજાગર કરવામાં આવેલ છે. “દીને એ બાદશાહ” મથાળા ને નીચે ઇતિહાસકાર બરની લખે છે,
““દીને એ બાદશાહ”  અર્થાત ખુદાના ખોફથી શાસન કરનાર શાસકની પ્રશંશા જરૂરી નથી. કારણ કે તે તો મહંમદ સાહેબના આદેશો અને કુરાને શરીફના નિયમો મુજબ શાસન કરે છે. પરિણામે પ્રજા પણ નિર્ભય પણે ખુદાની ઈબાદત કરે છે. પોતાના ઈશ્વરની આરાધના કરે છે. અને ઇસ્લામના સિદ્ધાંતો વિશ્વના દેશો સુધી મિશાલ બનાવી પહોંચાડે છે.”


Tuesday, November 19, 2019

મહંમદ સાહેબના ઉપદેશક અવતરણો : ડૉ. મહેબૂબ દેસાઈ



 હઝરત મહંમદ સાહેબનો જન્મ ઇસ્લામિક માસ રબ્બી ઉલ અવ્વલની ૧૨ તારીખે થયો હતો. રબ્બી ઉલ અવ્વલ માસ ૨૮ નવેમ્બરે પૂર્ણ થઇ રહ્યોં છે. એ સંદર્ભે આજે મહંમદ સાહેબના કેટલાક ઉપદેશક અવતરણો માણીએ. આ ઉપદેશો આજથી સાડા છસો વર્ષ પૂર્વેના છે, છતાં આજે પણ એટલા જ પ્રસ્તુત છે.
**
હે લોકો,
તમારી પત્નીઓ પર પ્રેમ રાખો
અને તેમની સાથે દયાભર્યો વર્તાવ રાખો.
ખરેખર, અલ્લાહને વચ્ચે રાખીને તમે તેમને તમારી સાથી બનાવી છે,
અને અલ્લાહના હુકમથી જ તેમનો દેહ
તમારે માટે હલાલ ઠરાવવામાં આવ્યો છે.
ધ્યાન રાખો કે અલ્લાહ તલાકને બુરામાં બુરી વસ્તુ માને છે.
***
અને તમારી સાથે ગમે તેટલી ફોજ હશે
તો પણ તમને કશો લાભ નહિ થાય,
કારણ કે અલ્લાહ ઇમાનવાળાઓ સાથે છે.
***
જેનો વિશ્વાસ જેટલો પાકો
તેટલી તેની વધારે પરીક્ષા
કરવામાં આવે છે.
***
જો કોઈ ખ્રિસ્તી સ્ત્રી કોઈ મુસલમાન  સાથે લગ્ન કરે
તો તે મુસલમાન તેના માર્ગમાં કશી અડચણ નહિ નાખે.
તેને દેવળમાં જતાં, પ્રાર્થના કરતા
કે પોતાના ધર્મ પ્રમાણે વર્તતા રોકશે નહીં.
***

ખ્રિસ્તીઓનાં દેવળો તેમની પાસેથી
છીનવી લેવાનો કોઈને અધિકાર નથી.
***

ખ્રિસ્તીઓના કાજીઓ
અને સરદારને બદલવાનો કોઈને હક નથી.
કોઈ તેમને તેમના હોદ્દાઓ પરથી ખસેડી શકશે નહીં.
***
કોઈ પણ સ્થિતિમાં
કપટ કે દગાથી કામ ન લેવું,
અને કદી કોઈ બાળકની
હત્યા ન કરવી.
***
આપણાં દુઃખ આપણા પાપો ધોવા માટે છે.
ખરેખર અલ્લાહ (ઈશ્વર) પર ભરોસો રાખનાર
કોઈ માણસને એક કાંટો વાગે,
તો અલ્લાહ તેની મારફતે તેનો મોભો વધારી દે છે
અને તેનું એક પાપ ધોવાઈ જાય છે.
***
બેશક જે મસ્જિદ(ઇસ્લામની સૌથી પહેલી મસ્જિદ મસ્જિદે કુબા’)નો પાયો પ્રથમ દિવસે જ પરહેઝગારી પર નાંખવામાં આવ્યો છે,
તે ખરેખર યોગ્ય જ છે. આપ તેમાં નમાઝ માટે ઉભા રહો,
આ મસ્જિદમાં એવા નેક પુરુષો આવશે
જેઓ પાક-સાફ (પવિત્ર) રહેવાનું પસંદ કરે છે.
અને અલ્લાહ પણ એવા જ પાક-સાફ રહેનાર બંદાઓને પસંદ કરે છે.
***
ખ્રિસ્તી કોમ સામે
કોઈ હથિયાર નહિ ઉપાડે.
હા, તેમના રક્ષણ માટે
હથિયાર ઉઠાવવાનો મુસ્લિમોનો ધર્મ છે.
***
ખરેખર તમે લોકો
અત્યારે એક એવા જમાનામાં રહો છો
કે તમને જે આદેશ આપવામાં આવે છે,
તેના દસમા ભાગનો પણ જે ભંગ કરશે
તે પાયમાલ થશે.
પરંતુ હવે પછી એવો સમય આવશે
જયારે લોકોમાંથી જે અત્યારના આદેશોના
દસમા ભાગનો પણ અમલ કરશે તેને મુક્તિ મળશે.
***
મારા મૃત્યુ પછી
પાછા સત્ય અને ઇમાન છોડીને
અસત્ય અને ભ્રમોમાં ન ફસાતા,
એટલે કે ઇમાન ખોઈ ના બેસતા
અને ફરીથી એકબીજાના ગળા કાપવા મંડી ન પડતા.
***
ધર્મિષ્ઠ માનવીએ
કદી રેશમી વસ્ત્રો ન પહેરવાં જોઈએ.
***
અલ્લાહે દરેક માનવીને
તેના બાપદાદાની માલમિલકતમાંથી
તેનો હિસ્સો મુકરર કરી આપેલ છે.
એટલે જેનો હક છે તે તેની પાસેથી છીનવી લેનારું
કોઈ વસિયતનામું ખરું માનવામાં નહિ આવે.
***
મારે નથી જોઈતા પૈસા
કે નથી જોઈતું રાજ.
હું તો તમને માત્ર
ખુદાનો સંદેશ સંભળાવવા આવ્યો છું.
જો તમે મારી વાત માનશો
તો આ લોકમાં અને પરલોકમાં
બંનેમાં તમારું ભલું થશે.
***
બૂરાઈનો બદલો
હંમેશા ભલાઈથી આપો.
***
નાનામાં નાના માણસો સાથે
બહુ પ્રેમ અને આદરપૂર્વક વર્તવું,
નમીને ચાલવું, સૌ પર દયા કરવી,
કોઈ કંઈ બોલ્યું હોય તો તેનો ખાર ન રાખવો,
પોતાની જાત પર કાબૂ રાખવો
અને દિલ મોટું અને હાથ ઉદાર રાખવો.
***
અલ્લાહ
તું જ સૌનો આદિ
અને તું જ સૌનો અંત છે.
તારા સિવાય
કોઈ ઈબાદતને લાયક નથી.
***
હિજરત (પ્રયાણ) એક મહાન ઈબાદત છે.
આ મહાન ઇબાદતમાં હું કોઈને ભાગીદાર બનાવવા નથી માંગતો.
ખુદાની રાહમાં હિજરત જેવી મહાન ઈબાદત
પોતાના જ જાન-માલથી કરવી જોઈએ.
***
સત્ય
સંપૂર્ણપણે શાંતિ અને સંતોષ છે,
જૂઠ પૂર્ણપણે શંકા અને દ્વિધા છે.
***
શરમ અને લજ્જા ઇમાન(શ્રદ્ધા)ની
એક શાખા છે.
લોકો, શું તમે સાંભળતા નથી ?
નિઃશંક સાદગી ઇમાનની નિશાની છે.
***
હઝરત ફાતેમા (મહંમદ સાહેબની પુત્રી),
મારા પિતાની નસીહત (શિખામણ) છે
કે બેટા, પતિને કદી સમસ્યાઓથી પજવીશ નહીં.
***
તેઓ જે સદ્‌કાર્યો કરે છે
તેની કદર કરવામાં આવશે.
અલ્લાહ સંયમી લોકોને
સારી રીતે ઓળખે છે.
***
મારા સાથીઓ,
તમારામાંથી કોઈને મેં નુકસાન કર્યું હોય,
તો તેનો જવાબ આપવા અત્યારે હું મોજુદ છું.
જો તમારામાંથી કોઈનું મારી પાસે કશું લેણું હોય,
તો જે કંઈ આજે મારી પાસે છે તે બધું તમારું છે.
***
હું કહું છું કે
કોઈ માનવી શાંત,
સદાચારી અને બીજાઓના સુખે સુખી રહે છે
તે કયારેય દોજખ (નર્ક)માં જતો નથી.
**-*
જે માનવી
સહદયતાથી વંચિત રહ્યો,
તે વાસ્તવમાં
ભલાઈથી વંચિત રહ્યો.
***
કોઈકે મહંમદ સાહેબને પૂછ્યું,
"ગુનાહ એટલે શું ?"
મહંમદ સાહેબે ફરમાવ્યું,
"જે કામથી તારા જ્હેન(આત્મા)ને આઘાત લાગે તે
ગુનાહ છે, પાપ છે, તે ન કરીશ".
***
જો તમે લોકોથી બદલો લો
તો બસ એટલો જ લો,
જેટલી તમારી ઉપર બળજબરી કરવામાં આવી હોય,
પરંતુ જો સબ્ર રાખો
તો તે ખુદાને વધારે પસંદ છે.
***
અલ્લાહ
સૌથી સારો સર્જક છે.
***
તમે પૃથ્વીવાસીઓ પર દયા કરો,
આકાશવાળો (અલ્લાહ)
તમારા પર દયા કરશે.
***
શેતાન
માત્ર એટલું જ ઇરછે છે કે
દારૂ અને જુગાર દ્વારા
તમારી વરચે
દુશ્મનાવટ અને વેરભાવના ઉત્પન થાય.
એ તમને અલ્લાહની યાદ
અને નમાજ (પ્રાર્થના)થી અટકાવે.
શું તમે અટકી જશો?
***
જૂઠ, ચાડીચુગલી,
મિથ્યા આરોપ,
નિંદા વગેરેથી બચો.
લોકોને ખોટા નામથી ન બોલાવો.
***
હે લોકો,
મારો આ સંદેશ
અહીં જે લોકો હાજર નથી
તેમને પણ તમે પહોંચાડજો.
પિતા તેના પુત્રને જે રીતે વારસો આપે
તે રીતે આ સંદેશો
સમગ્ર માનવસમાજ સુધી પહોંચાડજો.
જેથી તે સુરક્ષિત રહે.