હજયાત્રાએથી પરત આવનાર સ્વજનોને હમણાં મળવાનું
થયું. બધા શૈતાનને ઘણી મુશકેલી કાંકરી માર્યાની ઘટનાને વ્યથિત મને વ્યક્ત કરતા હતા.
કારણ કે શૈતાનને કાંકરી મારવાની ક્રિયા હજની મુશ્કલે ક્રિયાઓ માની એક છે. જો કે
હવે તો શૈતાનને કાંકરી મારવાના સ્થાને ચાર પાંચ માળનું મોટું બિલ્ડીંગ બનાવી નાખવામાં આવ્યું છે. છતાં આજે પણ
એટલી જ ભીડ અને અવ્યવસ્થા જોવા મળે છે. અલબત્ત તેમાં ત્યાના વ્યવસ્થા તંત્રનો કોઈ
દોષ નથી. પણ હજયાત્રોની કાંકરી મારવાની ક્રિયા જલ્દી પૂર્ણ કરવાની વૃત્તિ જવાબદાર
છે. વળી, સૌ હજયાત્રીઓ ગાડરિયા પ્રવાહમાં તણાય છે. કોઈ લીફ્ટ પકડીને છેક ઉપરના માળે
જવાની કોશિશ કરતુ નથી એટલે એક જ સ્થાન પર માનવ ભીડ અવ્યવસ્થા સર્જે છે. અને એટલે જ
મોટાભાગના હજયાત્રીઓ કાંકરી મારવાની ક્રિયાની વાત નીકળે એટલે અવશ્ય કહે,
“બહુ
મુશ્કેલીથી શૈતાનને કાંકરી મારી.”
હજયાત્રાની શૈતાનને કાંકરી મારવાની ક્રિયામા
એક અદભૂત જીવન બોધ રહેલો છે. આજે તેની
થોડી વાત કરાવી છે.
હજયાત્રા દરમિયાન મીનામાં ઇબ્લીસ નામના શૈતાનને
કાંકરી મારવાની ક્રિયા હજયાત્રીઓને ફરજીયાત કરવાની હોય છે. જો કે એ માત્ર એક હજની
ક્રિયા નથી. તેની પાછળનો ઉદેશ જીવનમાં પણ મુલ્યો જાળવવાની પ્રતિજ્ઞા છે. શૈતાન એટલે
અનૈતિક માર્ગે દોરનાર તત્વો. અસત્ય, અધર્મ, અસામાજિકતા અને અનૈતિકતા તરફ માનવીને
દોરી જનાર વ્યક્તિ કે સંજોગો. આ તમામ શૈતાની તત્વો છે. તેને કાંકરી મારવી, તેનો ત્યાગ
કરવો, તેનો જીવન વ્યવહારમાં તિરસ્કાર કરવો એટલે શૈતાનને કાંકરી મારવી. ઇસ્લામમાં
શૈતાનથી દૂર રહેવાની પ્રેરણા આપનાર હઝરત ઈબ્રાહીમની કથા સાથે શૈતાનને કાંકરી મારવાની
કથા સંકળાયેલી છે. પોતાન વહાલા પુત્ર ઈસ્માઈલની ખુદાના આદેશ મુજબ કુરબાની કરવા
હઝરત ઈબ્રાહીમ તૈયાર થઈ ગયા. અને પુત્રને લઇ ઉજડ જંગલ તરફ પ્રયાણ કર્યું. ત્યારે
ખુદાના આદેશથી તેમને ચલિત કરવા શૈતાને પ્રયાસો આરંભ્યા. સૌ પ્રથમ શૈતાન હઝરત ઈબ્રાહીમના
પત્ની હઝરત હાજરા પાસે ગયો અને તેમને કહ્યું,
“હઝરત
હાજરા, તમને ખબર છે તમારા પતિ તમારા પુત્ર ઈસ્માઈલને શા માટે તેમની સાથે લઇ ગયા છે
?”
હઝરત હાજરાએ ફરમાવ્યું,
“કઈંક
કામ અર્થે લઇ ગયા હશે.”
“હઝરત
હાજરા, તમે ઘણા ભોળા છો. તમને ખબર નથી તમારા પતિ પુત્ર ઈસ્માઈલને ખુદના નામે
કુરબાન કરવા લઇ ગયા છે.”
હઝરત હજરાએ એક નજર શૈતાનની શરારત ભરી આંખો સામે કરી,
પછી ફરમાવ્યું,
“મારા
પતિ ખુદના પ્યારા પયગંબર છે. ખુદની આજ્ઞાનું પાલન કરવા તેઓ હંમેશા તત્પર રહે છે.
એટલે ખુદાનો આદેશ હઝરત ઈસ્માઈલને કુરબાન કરવાનો હશે, તો તેનું તેઓ અવશ્ય પાલન
કરશે. તેમની એ ઈબાદતમા હૂં તેમની સાથે છું.”
શૈતાન ઇબ્લીસ સમજી ગયો કે હઝરત હાજરાને બહેકાવવા
મુશકેલ છે એટલે તે પુત્ર ઈસ્માઈલ પાસે પહોંચી ગયો.
“ઈસ્માઈલ,
તમને ખબર છે તમારા પિતા તમને ક્યાં લઇ જાય છે ?”
હઝરત ઈસ્માઈલે ફરમાવ્યું,
“મારા વાલિદ સાહેબ (પિતા) ખુદાના પ્યારા પયગંબર છે. તેઓ જે કરશે તે ખુદાના
આદેશ મુજબ જ કરશે.”
“અરે પણ, તે તમારી કુરબાની કરવા તમને લઇ જઈ રહ્યા છે.”
“એ સત્ય હોય તો પણ તેમાં ખુદાનો આદેશ હશે. ખુદના આદેશ મુજબ કુરબાન
થાવનું મને ગમશે.”
અહિયાં પણ શૈતાન ઇબ્લીસ ફાવ્યો નહી. એટલે
અંતે તેણે હઝરત ઈબ્રાહીમને બહેકાવવાનો પ્રયાસ કર્યો.
“હે ઈબ્રાહીમ, તમે ગાંડા થઈ ગયા છો. સ્વપ્ના તો સાચા હોતા હશે ! અને
એવા સ્વપ્નના આધારે એકના એક માસુમ પુત્રની કુરબાની કરાતી હશે ?”
પણ હઝરત ઈબ્રાહીમ તો પ્રથમથી જ સમજી
ચૂક્યા હતા કે ખુદના આદેશની અવગણના કરવા સમજાવવા આવનાર શૈતાન ઇબ્લીસ છે. એટલે
શૈતાન ઇબ્લીસ વધુ કઈ કહે તે પહેલા જ હઝરત ઈબ્રાહીમ બોલી ઉઠ્યા,
“આને કાંકરા મારી ભગાડો. આ શૈતાન છે.”
પિતાના આવા ઉદગારો સાંભળી સાથે ચાલી રહેલ પુત્ર
ઇસ્લામાઈલે પણ શૈતાનને કાંકરીઓ મારવા માંડી. બંને પિતા પુત્રએ શૈતાનને સાત સાત
કાનાક્રીઓ મારી તે સ્થળને જમ્રતુલ સાગર અર્થાત નાનો શૌતન કહે છે. એ પછી જમ્રતુલ
બોસ્તા (વચલો શૈતાન) અને જમ્રતુલ અલઅક્બા (મોટો શૈતાન)ને પણ પિતા પુત્રએ કાંકરીઓ
મારી. પરિણામે શૈતાન નાસી ગયો.
હઝરત ઈબ્રાહીમને ખુદના આદેશથી ચલિત કરવા પ્રયાસ
કરનાર શૈતાન આજે પણ સક્રિય છે. આજે પણ અનેક સ્વરૂપે, અનેક સંજોગોમાં જીવનના દરેક
માર્ગ પર ડગલે ને પગલે શૈતાન આપણને અનૈતિક, અધાર્મિક અને અસામાજિક માર્ગે દોરવા
સતત પ્રયત્ન કરી રહેલ છે. એ શૈતાનને સંયમ, સબ્ર અને શાંતિની કાંકરી મારી આપણાથી
દૂર રાખવાની જરુર છે. ખુદા આપણને સૌને એવા થી દૂર રાખવા સંયમ અને ઈબાદતની પરવળ
કાંકરીઓ અત્તા (પ્રદાન) કરે એ જ દુવા – આમીન.
No comments:
Post a Comment