યુરોપની વિદેશયાત્રા દરમિયાન વિશ્વના મુસ્લિમોના
દીદાર કર્યા પછી, પુનઃ અહીના મુસ્લિમ બિરાદરો સાથે નાતો સધાયો. ગુજરાતના મુસ્લિમ
સમાજ સાથેનો મારો નાતો વર્ષો જૂનો
છે. આમ છતાં ગુજરાતના મુસ્લિમ સમાજથી મને થોડો અસંતોષ પણ રહ્યો છે. અલબત્ત એમા કોઈ
અંગત કારણો જવાબદાર નથી. તેઓ સાચે જ ઉમદા માનવીઓ છે. પણ ઇસ્લામના આદેશો અનુસાર થોડું
પણ ચાલવાની તેમની નિષ્ક્રિયતા મારા માટે દુઃખ બની રહે છે. હું અત્રે તેમને ચમત્કારિક
ધોરણે પાંચ વક્તના નમાઝી બનાવી દેવાની વાત નથી કરતો. પણ જીવન વ્યવહારમાં વ્યસન
મુક્તિ, ભાઈચારો, પાડોશી ધરમ જેવા ઇસ્લામી સંસ્કારો અને આદર્શોનો તો કોઈ પણ મુસ્લિમ
આસાનીથી જીવનમાં અમલ કરી જ શકે. પણ જયારે એક મુસ્લિમ બીજા મુસ્લિમ સાથે સદભાવ
ભર્યો વ્યવહાર કરવામાં પણ કંજુસાઈ કરે છે, ત્યારે સાચે જ દુઃખ થાય છે.
મને બરાબર યાદ છે કે મારા એક લેખમાં મેં હઝરત
મહંમદ પયગંબર સાહેબ (સ.અ.વ.)માટે ઇસ્લામિક સીરત અને હદીસોમાં વપરાયેલ શબ્દ “ઉમ્મી” (અનપઢ)નો
ઉપયોગ કર્યો ત્યારે તેનો સખ્ત વિરોધ મુસ્લિમોએ કર્યો હતો. એ સમયે એક ટીવી ચેનલે મારો
પ્રતિભાવ પૂછ્યો હતો. ત્યારે મેં એટલું જ
કહ્યું હતું,
“એ લોકોને
ભલે મારા માટે જે કહેવું હોય તે કહે, પણ અંતે તેઓ મારા ભાઈઓ છે. આપણે આપણી આંગળીએથી
આપણા નખને દૂર નથી કરી શકતા, તો હું તેમનાથી મારી જાતને અલગ કેવી રીતે રાખી શકું ?”
થોડા મહિનાઓ પહેલા એક સામાજિક સમસ્યાના
ઉકેલ માટે મારે એક મુસ્લિમ બીરદારને ત્યાં જવાનું થયું. તેમના ઘરમાં પ્રવેશ્યો તો
દુવા સલામ કરવા જેવા ઇસ્લામિક સંસ્કારોનો પણ સંપૂર્ણ અભાવ મને જોવા મળ્યો. મહંમદ
સાહેબે ફરમાવ્યું છે,
“આપના ઘરે દુશ્મન પણ આવે તો, સસ્મિત દુવા સલામ સાથે તેને આવકારો”
આવા સંસ્કારો માટે કોઈ ખર્ચ કરવાની જરૂર
નથી. એ તો ઇસ્લામની દેન છે. મહંમદ સાહેબની હદીસ છે. તેનો અમલ માત્ર દરેક મુસ્લિમને
સવાબ અર્થાત પુણ્યના હકદાર બનાવે છે. આવા માનવીઓ પોતાને ઇસ્લામના અનુયાયીઓ કહે છે
ત્યારે મને સાચ્ચે જ નવાઈ લાગે છે.
ઇસ્લામમાં વ્યસનને કોઈ સ્થાન નથી. છતાં એવા અનેક
મુસ્લિમ બિરાદરો મેં જોયા છે જેઓ સતત મુખમાં તમાકુ કે માવો ભરીને વાત કરતા હોય છે.
પરિણામે તેમની સાથે વાત કરવાનું ગમતું નથી. મહંમદ સાહેબે ફરમાવ્યું છે,
“લોકો
તમને વ્યસન તથા જુગાર માટે પૂછશે, તેમને કહી દેશો કે આ બંને વસ્તુ પાપમુલક છે.
કોઈને તેથી ક્ષણિક ફાયદો થતો હશે પણ તેનું પાપ લાભ કરતા અનેકગણું છે.”
આવા મુસ્લિમોને આપણે વ્યસન મુક્ત થવા કહીએ છીએ ત્યારે
તેઓ હંમેશા હસીને વાત ટાળી દેતા હોય છે.
એ જ રીતે હિંદુ કે મુસ્લિમ કોઈની પણ ટીકા અર્થાત
ગીબત કરવી એ પણ ઇસ્લામમાં ગુનો છે. કોઈની માનહાની કરવી કે કરવામાં સહભાગી બનવું એ પણ
ઇસ્લામમાં ગુનો છે. એવું કરનારા ભલે પોતાને અન્ય માનવીથી ચડિયાતો માનતો હોય, પણ તે
અલ્લાહનો ગુનેહગાર છે. અલબત્ત તેને તેના અહંમના મદમા તેની ખબર નથી હોતી. હઝરત
મહંમદ સાહેબે ફરમાવ્યું છે,
“નિંદા
કરનાર માનવી દોઝકમા જશે.”
હઝરત ઈમામ ગિઝાલી તો નિંદા કરનાર વ્યક્તિ સામે પાંચ
તકેદારીઓ રાખવાનું કહે છે,
“તમારી પાસે કોઈની નિંદા કરવામાં આવે
ત્યારે પાંચ બાબતોનું ખાસ ધ્યાન રાખો.
૧. નિંદા કરનારની વાત
કદાપી ન માનો.
૨. નિંદા કરનારના
કાર્યોથી ચેતો.
૩. નિંદા કરનાર
પ્રત્યે નાખુશી વ્યક્ત કરો.
૪. નિંદા કરનારની વાતની
વિશ્વનીયતા કયારેય ન તપાસો.
૫. નિંદા કરનાર અંગે
અન્યને કશું જ ન કહો”.
અને છેલ્લે પાડોશી ધર્મ ઇસ્લામના પાયામાં
છે. એક જ સોસાયટીમા રહેતા,એક જ મહોલ્લામાં કે વિસ્તારમાં રહેતા કે એક જ બિલ્ડીંગમા
એક જ માળે રહેતા મુસ્લિમો વચ્ચે પણ વેરભાવ, દ્વેષ કે ઈર્ષાના ભાવો જાણે અજાણ્યે
અભિવ્યક્ત થઈ જતા હોય છે. ઇસ્લામમાં હિંદુ મુસ્લિમ દરેક પાડોશી પ્રત્યે સમાન અને
સદવર્તન રાખવાનો આદેશ છે. પણ આપણે આપણા નીજી સ્વાર્થ કે નાના મોટા લાભો માટે
પાડોશી સાથેના સબંધો ને તનાવપૂર્ણ બનાવી દઈ એ છીએ. કુરાને શરીફમા ત્રણ પ્રકારના પાડોશીઓ
અંગે ઉલ્લેખ છે,
૧. “વલા
જારે ઝીલ કુરબા” અર્થાત એવા પાડોશી જે પાડોશી હોવા છતાં સગા પણ હોય.
૨. “વલા
જાહિલ ઝુનુબી” અર્થાત એવા પાડોશી જે કૌટુંબિક સગાસબંધી ન હોય. આવા પાડોશીમા ગૈર
મુસ્લિમ પડોશીનો પણ સમાવેશ થાય છે.
૩. “વસ્સહીલે
બિલજ્મ્બે” અર્થાત એવા પાડોશી જેનો સંજોગવસાત મુસાફરીમા, દફતરમાં કે અન્ય કોઈ
રીતે ભેટો થઈ ગયો હોય”
આ ત્રણે પ્રકારના પડોશીઓ સાથે ઈસ્લામે
સદવર્તન અને ભાઈચારો રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કુરાને શરીફમા કહ્યું છે,
“જે માણસ અલ્લાહ અને અતિમ ન્યાયના દિવસ પર ઈમાન રાખતો હોય તેણે પોતાના
પાડોશીને કઈ પણ દુઃખ કે તકલીફ આપવા ન જોઈએ.”
ચાલો, આપણે આપણી જાતને પૂછીએ કે આપણે આવા
મુસ્લિમ છીએ ? અથવા બનવા પ્રયાસ પણ કરીએ છીએ ?