Saturday, September 23, 2017

મસ્જિત-એ-કુર્તુબા : સ્પેન : ડૉ. મહેબૂબ દેસાઈ


છેલ્લા ત્રણ દિવસથી હું સ્પેનના પાટનગર બાર્સોલીનામા છું. બાર્સોલીનીથી ૭૦૮ કિલોમીટરના અંતરે અન્ડોલેસીયા રાજ્યમા કોર્ડોબા શહેર આવેલું છે. જેમાં ઇસ્લામી ઇતિહાસમાં અત્યંત જાણીતી અને ભવ્ય મસ્જિત-એ-કુર્તુબા આવેલી છે. આ મસ્જિત વિશ્વની એક એવી મસ્જિત છે, જે મસ્જિત હોવા છતાં તેમાં છેલ્લા ૮૦૦ વર્ષથી નમાઝ કે અઝાન થઈ નથી. ઈતિહાસકારો માને છે કે મસ્જિત-એ-કુર્તુબા ના સ્થાને પ્રાચીન સમયમાં રોમની પ્રજાના દેવતા જેનસનું મંદિર હતું. એ પછી ઈ.સ. ૫૭૨મા રોમન દેવતાના એ મદિરની સ્થાને ઈસાઈઓએ ચર્ચ બનાવ્યું. એ પછી સમગ્ર સ્પેનમાં ઇસ્લામી શાસન સ્થાપિત થતા ચર્ચના સ્થાને મસ્જિત બનાવવામાં આવી. એ દમીસ્ક (આજનું સીરિયા)ના ઇસ્લામી શાસક ઉમ્ય્યાદ્સ (ઈ.સ.૬૬૧ થી ૭૫૦)નો શાસન કાળ હતો. ઇસ્લામી શાસનનો એ સુવર્ણ યુગ હતો. ઇસ્લામી શાસક અબ્દ અલ રહેમાનના શાશન કાળ દરમિયાન તેણે પોતાની રાજધાની દમાસ્કથી બદલી સ્પેનના કોર્ડોબા શહેરમા રાખી. તેણે પોતાના શાસનકાળ દરમિયાન કોર્ડોબામા અનેક ભવ્ય સ્થાપત્યોનું સર્જન કર્યું. જેમાંનું એક ભવ્ય સ્થાપત્ય તે મસ્જિત-એ-કુર્તુબા. આ મસ્જિતનું સર્જન ઇ.સ. ૭૮૪મા આરંભાયું હતું. અને તે ઈ.સ.૯૮૭મા પૂર્ણ થયું હતું. મસ્જિતના મુખ્ય આર્કિટેક હ્ર્નેન રુઈઝા પ્રથમ, હ્ર્નેન રુઈઝા દ્વિતીય, હ્ર્નેન રુઈઝા તૃતીય,જૂઈન ડી ઓચાઓ પરવેસ અને ડીયોગો ડી ઓચાઓ પરવેસ હતા.

લગભગ ૨૦૦ વર્ષ મસ્જિતના સર્જનને લાગ્યા હતા. ઇ.સ.૧૨૩૬મા પુનઃ સ્પેનમા ઈસાઈઓનું આગમન થતા મસ્જિત-એ-કુર્તુબાને પુનઃ ચર્ચ બનાવવામાં આવી. પણ તેનું ભવ્ય સ્થાપત્ય આજે પણ યથાવત રાખવામાં આવ્યું છે. છેલ્લા ૮૦૦ વર્ષોથી તે એક ચર્ચ છે. આમ છતાં તેની રચના અને તેના મહેરાબ પર કોતરેલી કુરાને શરીફની આયાતોં તેના મસ્જિત હોવાની સાક્ષી અર્પતા આજે પણ હયાત છે. યુનેસ્કોએ પણ તેને ઇસ્લામિક વારસાના ભવ્ય પ્રતિક તરીકે માન્ય કરેલ છે. ૧૯૩૧મા મસ્જિત-એ-કુર્તુબા ની મુલાકાતે વિશ્વના મહાન શાયર ડૉ. ઈકબાલ આવ્યા હતા. આ એ જ ડૉ. ઈકબાલ જેમણે સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા નામક ગીત લખ્યું હતું. તેમણે ત્યાની સરકારની ખાસ મંજુરી લઇ મસ્જિત-એ-કુર્તુબામા નમાઝ અદા કરી હતી. અને એ જ મુલાકાતને ધ્યાનમા રાખી ડૉ. ઇકબાલે આ મસ્જિત પર એક સુંદર કાવ્ય (નઝમ)ની રચના કરી હતી. એ રચનાનું નામ પણ મસ્જિત-એ-કુર્તુબા છે. આજે પણ એ નઝમની ગણના ડૉ. ઇકબાલની શ્રેષ્ટ રચનાઓમાં થાય છે. ડૉ. ઇકબાલે મસ્જિત-એ-કુર્તુબાની મુલાકાત લીધી ત્યારે પણ તે દુનિયાની સૌથી મોટી મસ્જિત હતી. અલબત્ત એ પછી ઘણી મોટી મસ્જિતોનું સર્જન થયું. જેમાં મસ્જિત એ નબવી અને મસ્જિત એ હરમનો સમાવેશ થાય છે. પણ એ કોઈ પર ડૉ. ઇકબાલે નઝમ નથી લખી. એક માત્ર મસ્જિત-એ-કુર્તુબા પર જ તેમણે નઝમ લખી છે. તેની પાછળનું કારણ મસ્જિતની ભવ્યતા કે શ્રેષ્ઠ સ્થાપત્ય ન હતા. એ સમયે ઇસ્લામિક સંસ્કૃતિ, સંસ્કાર અને શિક્ષણ શ્રેષ્ઠ ઉંચાઈએ હતું. તેનું વર્ણન ડૉ. ઇકબાલે તેમની નઝમમાં કર્યું છે. એશીયા, યુરોપ અને આફ્રિકા સુધી ઇસ્લામી સંસ્કૃતિ અને શિક્ષણ પ્રસરેલ હતું તેનો અહેસાસ આ નઝમ દ્વારા ડૉ. ઇકબાલ દુનિયાને કરવવા માંગતા હતા. એ સમયે ઇસ્લામિક વિજ્ઞાનીઓ,તબીબી તજજ્ઞો, સંશોધકો, ઈતિહાસકારો અને શિક્ષણશાસ્ત્રીઓની સમગ્ર વિશ્વમાં બોલબાલા હતી. એ બાબતને ડૉ ઇકબાલે તેમની નઝમ મસ્જિત-એ-કુર્તુબામા બખૂબી વ્યક્ત કરે છે. ડૉ. ઇકબાલની મસ્જિત-એ-કુર્તુબા ની મુલાકાતે ફરી એકવાર મસ્જિત-એ-કુર્તુબા વિશ્વ જીવંત કરી દીધી છે. આજે પણ એ મસ્જિત ડૉ. ઇકબાલની મુલાકાત અને તેમણે ત્યાં પધેલ નમાઝને કારણે વિશ્વમાં ચર્ચામાં છે.

મસ્જિત-એ-કુર્તુબાની ભવ્યતા ઇસ્લામના સુવર્ણ કાળની ગાથા વ્યક્ત કરે છે. આ એ યુગની વાત છે, જયારે દસમી સદીમા સમગ્ર સ્પેનમાં ઇસ્લામી શાસન હતું. કુર્તુબા શહેર વિશ્વનું સૌથી મોટું અને વિકસિત શહેર હતું. સૌ પ્રથમ મસ્જિત-એ-કુર્તુબા ના સ્થાપત્યની થોડી વાત કરીએ. લગભગ એક કિલોમીટર લંબાઈ અને સવા કિલોમીટર પહોળાઈના વિસ્તારમાં પથરાયેલ આ મસ્જિતની મુલાકાત માટે પ્રવાસીએ લગભગ ત્રણ કિલોમીટર ચાલુ પડે છે. અને ઓછામાં ઓછા બે કલાક ફાળવવા પડે છે. મસ્જિતમા એક મિનારો છે. જેમાં અઝાન આપવામાં આવતી હતી. આજે તે બેલ ટાવર તરીકે ઓળખ્યા છે. મસ્જિતનું સ્થાપત્ય વિશિષ્ટ છે. લગભગ ૧૨૦૦ વર્ષથી તે યથાવત છે. મસ્જિતમા એક વિશાલ હોલ છે. જેમાં નમાઝ પઢવામાં આવતી હતી. હોલમાં લગભગ ૮૫૬ સંગેમરમરના સ્તંભો છે, જે કમાનોથી સુશોભિત છે. હોલ સાથે જોડાયેલ મેદાનમાં ફુવારાઓ છે. ખજુરના વૃક્ષોથી ભરેલ બગીચો પણ મસ્જિતનો ભાગ છે. મસ્જિતની મહેરાબ અર્થાત નમાઝ પઢવાની દિશા અને જ્યાં ઉભા રહી પેશ ઈમામ સૌને નમાઝ પઢાવે છે તે જગ્યા પણ સોનાના પતરાંથી મઢેલી હતી. જો કે અત્યારે તેના થોડા અવશેષો જ બાકી છે. છતાં આજે પણ મહેરાબ અત્યંત કલાત્મક ભાસે છે. પ્રવાસીઓ વધુમાં વધુ તેના ફોટા લેવાનું પસંદ કરે છે. તેનો ગુંબજ પણ રોમન અને ઇસ્લામિક સ્થાપત્યનો અદભુદ નમુના છે.
કુર્તુબા શહેર ૧૦મી સદીનું વિશ્વનું સૌથી મોટું શહેર હતું. આજે ૨૦-૨૫ લાખની વસ્તી ધરાવતા આ શહેરને યુનેસ્કોએ પણ ૧૦મી સદીના મોટા અને ઐતિહાસિકતા શહેરનો દરજ્જો આપ્યો છે. કારણ કે એ સમયે વિશ્વમાં શિક્ષણનું મોટું કેન્દ કુર્તુબા યુનિવર્સીટી હતી. જે આઠમી સદીમાં શરુ થઈ હતી. અને ૧૦મી સદીમાં તો તે વિશ્વની સૌથી મોટી યુનિવર્સીટી બની ગઈ હતી. આજે ભલે મસ્જિદો માત્ર નમાઝ પઢવાનું કે પઢાવવાનું સ્થાન બની રહી હોય. પણ એ યુગમાં કુર્તુબા યુનિવર્સીટી મસ્જિત-એ-કુર્તુબાનો  એક મહત્વનો ભાગ હતી. જ્યાં વિશ્વના અનેક વિષયોનું શિક્ષણ  આપવામાં આવતું હતું. તેનું ગ્રંથાલય સમૃદ્ધ હતું. મેડીકલ રીસર્ચનું તે મોટું કેન્દ્ર હતી. બે થી અઢી હજાર જેટલી ફેકલ્ટી થી સમૃદ્ધ આ યુનિવર્સીટીમા એશિયા, આફ્રિકા અને યુરોપથી અનેક વિદ્યાર્થીઓ અહિયાં ભણવા આવતા હતા.


ઇસ્લામીક ઇતિહાસમાં દટાયેલ આવી મસ્જિદો આપણી મસ્જિદો અંગેની સામાન્ય પરિકલ્પનાથી કેટલી ભિન્ન છે. 

No comments:

Post a Comment