Monday, August 21, 2017

ભૂખ્યાને ભોજન આપું એટલે ઇસ્લામ : ડૉ. મહેબૂબ દેસાઈ


ઇસ્લામમા નિ:સહાયને સહાય અને ભૂખ્યાને ભોજન આપવાની ક્રિયાને અંત્યંત સવાબ અર્થાત પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. ઇસ્લામમાં જકાત એ ફરજીયાત દાન છે. જયારે ખેરાત એ મરજિયાત દાન છે. ખેરતા માત્ર નાણાથી નથી થતી. કોઈ પણ ભુખ્યને ભોજન કરાવવું, સુરદાસને રસ્તો ઓળંગવામા મદદ કરી, કે કોઈ અજ્ઞાનીને જ્ઞાન આપીને પણ ખેરાત કરી શકાય છે. ઇસ્લામની એક હદીસમાં કહ્યું છે,
એકવાર એક સહાબી (અનુયાયી)એ મહંમદ સાહેબને પૂછ્યું,
"ઇસ્લામની સૌથી મોટી ઓળખ કઈ?"
મહંમદ સાહેબે ફરમાવ્યું,
"ભૂખ્યાને ભોજન આપવું અને જાણીતા કે અજાણ્યા સૌનું ભલું ઇચ્છવું"
ઇસ્લામના આવા આદર્શને કોઈ આલીમ કે શિક્ષિત મુસ્લિમ પોતાના જીવનમાં સાકાર કરે તો ખાસ  નવાઈ ન લાગે. પણ એક સાવ અભણ મુસ્લિમ, જેનો મુખ્ય વ્યવસાય ચીકનનું મટન વેચવાનો છે તે આ આદર્શને પોતાના જીવનનો મકસદ બનાવી જીવે, તો સાચ્ચે આપણે સૌને જ નવાઈ અને આશ્ચર્ય બંને થાય. આજે મારે વાત કરવી છે સૂરતના એક ચીકનનું મટન વેચતા ૬૦ વર્ષના ફારુખ મેમણની. જેમને લખતા વાંચતા ઝાઝું નથી આવડતું, પણ વિચારોની ગહનતામા તેઓ કોઈ આલીમને પણ શરમાવે તેવા છે. તેમની સાથે મારે કોઈ જ પરિચય નથી. પણ એક દિવસ મારા વોટ્સશોપ પર એક સ્ટીકર આવ્યું તેમાં લખ્યું હતું,
ખદીજા-રાબીયા ચેરીટેબલ ટ્રસ્ટ
૬૦ વર્ષથી ઉપરના ગરીબ નિરાધાર લોકો જેનો કોઈ આશરો ન હોય અને અસ્થિર મગજના લોકોને આ ટીફીન એમના ઘરે પહોંચાડીએ છીએ. અમે તમારું શાદીનું બચેલું જમણ પણ એમના ઘરે પહોંચાડીએ છીએ. આ જમણ અમે તમારે ત્યાં આવીને લઇ જઈશું અને તમારા વાસણો ધોઈને પહોંચાડી આપીશું. જઝાકલ્લાહ. અમારો ટેમ્પો આવીને લઇ જશે. શાદીનું બચેલું જમણ આપવા માટે સંપર્ક કરો.

આ સ્ટીકર વાંચી મેં તેમાં આપેલ નંબર પર ફોન કર્યો. ત્યારે ફોન પર ફારુખભાઈ સાથે મારી મુલાકાત થઈ. એકદમ નિરક્ષર માનવીની ભાષામાં ફારુખભાઈએ મને તેમના કાર્યનો એવી રીતે પરિચય આપ્યો જાણે તેઓ કોઈ અત્યંત સામાન્ય કાર્ય કરતા ન હોય. છેલ્લા ૧૫ વર્ષોથી ખદીજા-રાબીયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૂરતના ૬૦વર્ષ ઉપરના અશક્ત અને નિરાધાર ૨૦૦ લોકોને તેમના નિવાસ્થાને નિયમિત ભોજન મોકલવામાં આવે છે. આ અંગે તેઓ સ્વાભાવિક સ્વરમાં કહે છે,
મહેબૂબભાઇ, એવા અનેક વૃદ્ધો છે જેમને કોઈ સંતાન નથી. અને હોય છતાં નિરાધાર છે, તેવા હિંદુ મુસ્લિમ કોઈ પણ વૃદ્ધોને તેમના નિવાસ્થાને નિયમિત બંને સમયનું ભોજન અમે પહોંચાડીએ છીએ.

આપણે વિવિધ સામાજિક-ધાર્મિક ઉત્સવોના પ્રસંગે જે ભોજન સમારંભો કરીએ છીએ. તેમાં પુષ્કળ ભોજન બચે છે, બગડે છે. તેવા ભોજનને ફારુખભાઈના સબંધીઓ પોતાના વાહનમાં લઇ આવે છે. અને ૧૧ જેટલા ડીપ ફ્રીઝરોમા મૂકી દે છે. અને પછી તેના પેકેટો કે ટીફીન દ્વારા જરૂરત મંદોને ત્યાં પહોંચાડે છે. સૂરતના ઝાંપા બજાર, મોરગવાન, મોટી ટોકીઝ, કાલીપુરા, સૂરત ટોકીઝ, રુસ્તમપુરા, સંગ્રામ પુરા ગોપી પુરા, મોમનાવાડ, ચોક બજાર, નાનપુરા, મુગલીસરા, ભાગલપુર, બબપીરની દરગાહ, કાંસીવાડ, જેવા ૧૫ મહોલ્લાઓમા રીક્ષા દ્વારા આવા ટીફીનો પહોંચાડવામા આવે છે. આજે ફારુખભાઈનું આ કાર્ય લોકોમાં એટલું જાણીતું થયું છે કે લગ્ન સમારંભના આયોજકો અગાઉથી જ ફોન કરીને ભોજન લઇ જવા માટે પોતાનું  સરનામું ફારુખભાઈને નોંધાવી દે છે. આ સેવાકીય કાર્યમાં ૯૦ ટકા તૈયાર ભોજન અથવા ભોજન સામગ્રી સૂરત શહેરના ઉદાર દાતાઓ તરફથી જ સંસ્થાને મળે છે. વળી, કેટલાક હિંદુ-મુસ્લિમ બિરાદરો પોતાના જન્મ દિવસ કે અન્ય ઉજવણી ના ભાગ રૂપે ભોજન તૈયાર કરાવીને પણ સંસ્થાને ખાસ મોકલાવે છે.
એવી એક ઘટનાને વાગોળતા ફારુખભાઈ કહે છે,
હમણાં જ એક હિંદુ બિરાદરે પોતાના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે ૨૦૦ માણસનું ખાસ ભોજન બનાવી અમને મોકલ્યું હતું
ઇસ્લામની એક અન્ય હદીસમા કહ્યું છે,
પોતાનો પાડોશી પાસે જ ભૂખ્યો પડ્યો હોય ત્યારે પણ જે માણસ પોતે પેટ ભરીને જમે તે મોમીન (મુસ્લિમ) નથી.
અરબસ્તાનના એક મોચીએ હજયાત્રા માટે ભેગા કરેલા નાણા પોતાના પડોસમા રહેતા ભૂખ્યા કુટુંબ માટે ખર્ચી નાખ્યા. પરિણામે ખુદાએ તેની હજ ઘર બેઠા કબૂલ કરી હતી. એ ઘટના ઇસ્લામિક સાહિત્યમાં જાણીતી છે. આવા ઉમદા ઉદેશને સાકાર કરતા ફારુખભાઈનું એક અન્ય સેવાકીય કાર્ય પણ પ્રશંસનીય છે. ભિખારીઓ કે ફકીરોને ભીખ આપવા કરતા, એવા ભૂખ્યા માનવીઓને ભોજન કરાવવાનું  પસંદ કરતા ફારુખભાઈ સૂરતના ત્રણ વિસ્તારો ઝાંપા બજાર, માન દરવાજા અને પાલીયા ગ્રાઉન્ડમા લંગર પણ ચલાવે છે. આ લંગરમા કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેક માનવી આવીને જમી શકે છે. પણ તેણે થાળી જાતે ધોઈને લેવાની હોય છે. અને જમ્યા પછી પોતાની થાળી જાતે ધોઈને યોગ્ય સ્થાને મુકવાની રહે છે. આ નિયમનું પાલન સૌ કોઈ વિના સંકોચે કરે છે.  સૂરતના આ ત્રણે લંગરમાં રોજના ૬૦૦ માણસો જમે છે.
આજ દિન સુધી કોઈની પણ પાસે દાનનો એક પણ પૈસો ફારુખભાઈએ માંગ્યો નથી. છતાં આ કાર્ય વિના વિલંબે ચાલ્યા કરે છે. એ જ સેવાના આ યજ્ઞમા ઈશ્વર કે ખુદાની ખુશી વ્યક્ત કરે છે.


No comments:

Post a Comment