છેલ્લા પંદર દિવસથી નિકાહની દાવતોમા જમી જમીને થાકી
ગયો છું. અને એટલે આજે તેના વિષે લખી થોડી રાહત મેળવવાનો પ્રયાસ કરું છું. દરેક
સમાજમાં ખુશીના અવસરોને માણવા ભોજન સમારંભો યોજાય છે. ઇસ્લામના અનુયાયીઓ અર્થાત
મુસ્લિમો પણ પોતાની ખુશીને વહેચવા દાવતો કરે છે. જેમ કે દાવત એ વલીમા, દાવત એ અકીકાહ.
દાવત એટલે નિમંત્રણ. દાવત એ વલીમા એટલે નિકાહ કે અન્ય ખુશીના સમયે
આપવામાં આવતું ભોજનનું નિમંત્રણ. દાવત એ અકીકાહ એટલે બાળકના જન્મ સમયે કુરબાની
કરી તેના મટનમાંથી ભોજન બનાવી તે ભોજન માટે આપવામાં આવતું નિમંત્રણ.
ઇસ્લામિક રીવાજ મુજબ આવી ભોજનની દાવતોને સામાન્ય
રીતે “દાવત-એ-દસ્તારખ્વાં” પણ કહે છે. “દસ્તારખ્વાં” શબ્દ ઉર્દુ
ભાષાનો છે. દસ્તારખ્વાં એટલે ભોજન સમયે પાથરીને જેના પર ભોજનની થાળી મૂકી
ભોજન આરોગવામાં આવે તે કાપડનો મોટો ટુકડો. આવો ટુકડો લંબચોરસ કે ચોરસ પણ હોઈ શકે. “દસ્તારખ્વાં” ના રંગ બાબત
પણ ઇસ્લામમાં સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. હઝરત મહંમદ પયગંબર (સ.અ.વ)એ
ફરમાવ્યું છે,
“દસ્તારખ્વાં”નો રંગ સૂર્ખ
એટલે કે લાલ હોવો જોઈએ.”
કારણ કે ભોજન લેતા સમયે કોઈ ખાદ્ય પદાર્થ “દસ્તારખ્વાં” પર પડી જાય તો
તેનો દાગ કે પદાર્થ પર ભોજન લેનારનું ઝાઝું ધ્યાન જાય નહી. અને વ્યક્તિ ઇત્મિનાનથી
સંકોચ વગર ભોજન લઇ શકે. વળી, સુર્ખ “દસ્તારખ્વાં” વાપરનાર માટે
ઇસ્લામમાં અઢળક પુણ્ય છે. હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ)એ ફરમાવ્યું છે,
“સુર્ખ“દસ્તારખ્વાં” પર ભોજન
લેનાર માટે અનેક ભૂખ્યાઓને ભોજન કરાવવા જેટલો સવાબ મળે છે.”
એ જ રીતે ઇસ્લામી સંસ્કરો મુજબ ભોજનનો થાળ કે
થાળી ભોજન લેનારની બેઠકથી ઉંચે રાખવામાં આવે છે. કારણ કે અનાજ એ ખુદાની નેમત (ભેટ)
છે. તેનો માન મરતબો જાળવવો એ દરેક મુસ્લિમની ફરજ છે. માટે જ ઇસ્લામી રીવાજ મુજબ
ભોજનનો થાળ હંમેશા ભોજન લેનારની બેઠક કરતા સહેજ ઉંચે અથવા સમકક્ષ રાખવામાં આવે છે.
ઇસ્લામમાં એક જ થાળમાં જમવાની ક્રિયાને પણ ખુબ
પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સાથે જમવાના કાર્યને ઇસ્લામમાં પુણ્યનો દરજ્જો
આપવામાં આવ્યો છે. જેને “હમ
પ્યાલા હમ નિવાલા” પણ કહે
છે. પ્યાલા એટલે વાડકો અને નિવાલા એટલે કોળીયો. એક જ પ્યાલામાંથી સાથે
કોળીયો લેવો એ સદભાવ અને ભાઈચારનું પ્રતિક છે. માટે જ મુસ્લિમ સમાજના
ભોજન સમારંભોમા એક મોટા થાળમાં ચાર વ્યક્તિઓને સાથે જમવા બેસાડવામાં આવે છે. થોડા
વર્ષો પૂર્વે મુસ્લિમ ભોજન સમારંભોમા “દસ્તારખ્વાં” નીચે
જમીન પર પાથરી તેના પર થાળ મૂકી ચાર વ્યક્તિઓને જમવા બેસાડવામાં આવતા હતા. પણ હવે
તે ક્રિયામાં પરિવર્તન આવ્યું છે. દસ્તારખ્વાં” ટેબલ
પર પાથરી તેના પર થાળ મૂકી
તેની આસપાસ ચાર ખુરશીઓ મૂકી ભોજન કરાવવાનો આરંભ થયો છે. પણ ભોજનના થાળને હંમેશા ઉપર
રાખવાની પરંપરા યથાવત છે. હમણાં મારા પિતરાઈ સ્વ. ઈસાભાઈની પુત્રી
શબનમના નિકાહની દાવતમા ટેબલો ખૂટી ગયા, ત્યારે ઇકબાલભાઈએ અમને મોટા પાણીના જગ પર
થાળ મૂકી તેની આસપાસ ચાર ખુરસીઓ ગોઠવી જમાડ્યાનું મને યાદ છે. અર્થાત ભોજનનો થાળ
હંમેશા ભોજન લેનારની સમકક્ષ કે સહેજ ઉંચે રાખવાનો રીવાજ ઇસ્લામી સંસ્કારોનું આગવું
લક્ષણ છે.
વળી,દાવતના ભોજનમા કે તેના વ્યવસ્થા તંત્રમા
ક્યારેય ક્ષતિઓ ન શોધો. યજમાનનો ભાવ અને તેની લાગણીની ટીકા ન કરો, કદર કરો. અલબત્ત
ભોજન સારું હોય તો તેની અવશ્ય તારીફ કરો, પણ અન્યના ભોજન સાથે તેની તુલના કરી
યજમાનને દુઃખ ન પહોંચાડશો. હઝરત મહંમદ પયગમ્બર સાહેબ નાના મોટા, અમીર ગરીબ સૌની
દાવત કબૂલ કરતા અને પ્રેમથી જે કઈ આપે તે જમી લેતા. આ અંગે હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ)એ ફરમાવે
છે,
“જયારે દાવત
આપવામાં આવે ત્યારે અવશ્ય જવું જોઈએ. જેવો દાવત મળવા છતાં કોઈ પણ કારણ વગર જતા નથી
તેઓ ખુદાની નાફરમાની કરે છે.”
આજના ઝડપી યુગમાં સૌને સમયનો અભાવ વર્તાય છે. વળી,
એકધારું બહારનું ભોજન દરેકને સદતું નથી. એવા સંજોગોમા મહેમાન ક્યારેક ધર્મ સંકટમા
મુકાય જાય છે. આ અંગે પણ મહંમદ સાહેબ (સ.અ.વ)એ ફરમાવ્યું
છે,
“દાવત
સ્વીકારનાર વ્યક્તિ યજમાનને ત્યાં ભોજન આરોગે કે ન આરોગે એ મહત્વનું નથી. પણ યજમાનને
ત્યાં જવું જરૂરી છે. તેના ન જવાથી દાવત આપનાર યજમાનને દુઃખ થશે. અને કોઈનું દિલ દુભાવવું
ગૂનો છે.”
કયારેક એવું પણ બને છે કે દાવત આપનાર યજમાને ભોજનની
દાવત માત્ર એજ વ્યક્તિની આપી હોય અને ભોજન સમારંભમાં સમગ્ર કુટુંબ જોડાઈ જાય. તે
પણ વાજિબ નથી. હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ)એ આ અંગે
ફરમાવે છે,
“જેની
દાવત હોય તેની સાથે એક પણ વ્યક્તિ વધારે હોય તો તેની તુરત જાણ યજમાનને કરો. અને તે
સંમત થાય તો જ તે વધારાની વ્યક્તિને સાથે લઇ જાવ.”
એક જ દિવસે અને સમયે બે દાવતો હોય તો કોની દાવત
સ્વીકારવી ? એ અંગે પણ મહંમદ સાહબ (સ.અ.વ)એ
ફરમાવ્યું છે,
“જયારે
તમને બે યજમાનો જમવાનું નિમંત્રણ આપવા આવે ત્યારે જે યજમાનનું ઘર તમારા ઘરથી નજીક
હોય તેનું નિમંત્રણ સ્વીકારો. કારણ કે નજીક ઘરવાળો બે રીતે મહત્વનો છે, પ્રથમ તે તમારો
સ્નેહી છે, પરિચિત છે. અને બીજું એ તમારો પાડોશી છે.”
ઇસ્લામના દાવત અંગેના આ વિચારો દરેક સમાજ માટે
ઉપયોગી અને અનિવાર્ય નથી લગતા ?