થોડા સમય પહેલા મારો એક લેખ “આપણે
કેવા મુસ્લિમ છીએ ?” “રાહે
રોશન”મા
છપાયો હતો. તેને સૌ મુસ્લિમોનો સાનુકુળ પ્રતિસાદ સાંપડ્યો હતો. એ સંદર્ભે અનેક
મુસ્લિમ બિરાદરોના પ્રતિભાવો મળ્યા હતા. તે સર્વેનો એક જ સૂર હતો કે,
“આપણે
આદર્શ ઇસ્લામની વાતો કરીએ એ છીએ. પણ આપણા મોટાભાગના મુસ્લિમ સમાજમા હજુ ઇસ્લામની
સાચી સમજ કેળવાઈ નથી. એ માટે આપણે સૌએ સાથે મળીને પ્રયાસો કરવા જોઈએ”
ઇસ્લામ ધર્મની શ્રેષ્ટતા માટે કોઈ મતભેદ ન હોઈ
શકે. વિશ્વમાં આજે તે ઉત્તમ અને બહોળો પ્રચાર પ્રસાર પામેલ મઝહબ છે. પણ તેના
અનુયાયીઓ ઈસ્લામને સમજવામાં અને તેનું પાલન કરવામાં ઉણા ઉતર્યા છે. તે કડવું સત્ય
પણ સ્વીકારવું જ રહ્યું. બર્નાર્ડ શોને એકવાર કોઈકે પૂછ્યું.
“વિશ્વમા
શ્રેષ્ટ ધર્મ કયો ?”
એકપળનો પણ વિચાર કર્યા વગર તેઓ બોલ્યા,
”ઇસ્લામ”
પણ બીજી પળે તેઓ બોલ્યા,
“પણ તેના
અનુયાયીઓ તેની શ્રેષ્ટતાને પામી શકયા નથી”
આ વિધાનની સત્યતા પામવા આપણે ઝાઝા દૂર જવાની જરૂર
નથી. આપણી આસપાસ પણ તે દ્રષ્ટિગોચર થાય છે. મોટાભાગના શિક્ષિત કે અશિક્ષિત મુસ્લિમના
સામાન્ય જીવન વ્યવહાર, વેપાર-વ્યવસાય કે નૈતિક આચરણમા કલમાના શરીક આદર્શ મુસ્લિમના
લક્ષણોની કમી આપણે અનુભવીએ છીએ. જે મઝહબના પવિત્ર ગ્રંથ કુરાને શરીફમાં લખ્યું છે,
“તોલમાં ત્રાજવાની દંડીને હંમેશા સીધી
રાખીને તોલ કરો. અને લોકોને તેમની ખરીદેલી વસ્તુ ક્યારેય ઓછી ન આપો.”
મહંમદ પયગમ્બર સાહેબે પણ તિજારત અર્થાત
વેપાર કર્યો છે. પણ તેમાં ક્યારેય બેઈમાની નથી કરી. પરિણામે તેમના વેપારમાં હંમેશા
ખુદાએ બરકત આપી હતી. એ યુગમાં હઝરત ખદીજા મોટા વેપારી હતા. તેમનો વિદેશમાં વેપાર મહંમદ
સાહેબે સંભાળ્યો હતો. અને તેમાં અઢળક નફો કરી આપ્યો હતો. એ ઘટના ઇસ્લામી ઇતિહાસમાં
જાણીતી છે. એ વાત ભૂલી જઈ જયારે ક્ષણિક લાભ માટે આપણે વેપારમા ઈમાનદારીને નેવે
મૂકી વેપાર કરી છીએ, ત્યારે આપણે આપણી બરકતને બમણી થતા રોકીએ છીએ. અલ્લાહના
ગુનેગાર બનીએ છીએ. અને આપણા ગ્રાહકને દુઃખી કરી તેનો વિશ્વાસ ગુમાવીએ છીએ.
એ જ રીતે આપણે સૌ ઘણીવાર અહંકારનો ભોગ
બનીએ છીએ. મોટે ભાગે માન, મરતબો, મોભો કે સત્તા તેના મૂળમાં હોય છે. પરિણામે આપણો
અહંકાર ક્યારેક કોઈ ગરીબ-અમીર માનવીને અપમાનિત કે દુઃખી કરી નાખે છે. મહંમદ સાહેબે
એક હદીસમા ફરમાવ્યું છે,
“જે વ્યક્તિના હદયમાં રજમાત્ર પણ અહંકાર હશે તે જન્નતમા દાખલ નહિ થાય.”
મહંમદ સાહેબ આગળ ફરમાવે છે,
“અલ્લાહને અભિમાન ગમે છે. પણ ઘમંડ નહિ. કારણ કે ઘમંડ એટલે પોતાની
તુલનામાં બીજાને તુચ્છ સમજવું. અલ્લાહની નજરમાં સૌ સમાન છે.”
માનવી માનવી વચ્ચે દુઃખ ઉત્પન કરનાર એક અન્ય
માનવ લક્ષણ મજાક કે મશ્કરી છે. નિર્દોષ આનંદ માટે મજાક મશ્કરી આવકાર્ય છે. પણ કોઈને
ઉતારી પાડવા કે તેની ટીકા ટિપ્પણ કરવા માટે થતી મજાક ઇસ્લામમાં આવકાર્ય નથી.
ઇસ્લામમાં “ઇસ્તિરઝા” અર્થાત એવી ઠઠ્ઠામશકરી જેમાં
કોઈનું દિલ દુભાતું હોય તે અંગે કહેવામાં આવ્યું છે,
“કોઈની ટીકા કરવા કે તેને ઉતારી પાડવા કે તેના દોષોને જાહેરમાં લાવવા
થતી નીચે મુજબની મશ્કરી ગુનાહ છે,
૧. કોઈના ચાલવા, ઉઠવા, બેસવા કે બોલવાની
નકલ કરાવી.
૨. કોઈ પણ વ્યક્તિની વાત પર કે તેના
ચેનચાળા પર હસવું”
એક અન્ય હદીસમાં હઝરત મહંમદ સાહેબે
ફરમાવ્યું છે,
“મને કોઈ મોટી દોલત પણ કોઈની નકલ કરવા માટે આપવામાં આવે તો પણ હું તે
માનવીની નકલ કરીશ નહિ”
વુમન એમ્પાવર મેન્ટ અને સ્ત્રી સ્વાતંત્રની આપણે વાતો કરીએ
છીએ. પણ તેના અમલમા કંજુસાઈ કરીએ છીએ. એ સત્ય મુસ્લિમ સમાજને પણ લાગુ પડે છે. પડદા
પ્રથા અને બહુપત્નીત્વમાંથી તો મુસ્લિમ સમાજ મોટે ભાગે બહાર નીકળી ગયો છે. પણ હજુ ભણેલી
ગણેલી, સુંદર અને મોટા ઘરની દીકરીની અપેક્ષા આપણે રાખીએ છીએ, પણ તેનું સ્થાન ઘરના
ચોકામાં અને પુરુષથી ઉતરતું રાખવાનું ચલણ લુપ્ત થયું નથી. પરિણામે જાણ્યે અજાણ્યે સર્જાય
છે ઉચ્ચ શિક્ષણ પામેલ કન્યાના જીવનમાં યાતના અને દુ:ખો. કુરાને શરીફમા કહ્યું છે,
‘હૂં તમારામાંથી કોઈ પણ વ્યક્તિના કામને વ્યર્થ નથી ગણાતો.
ચાહે તે પુરુષ હોય કે સ્ત્રી. તમે પરસ્પર એકમેકના અંગો છો અને સમાનતાના અધિકારી છો´
“પુરુષ
અને સ્ત્રી બંનેને મા-બાપ કે નજીકના સંબધીની સંપતિમાં અધિકાર છે.’
માનવ જીવનમાં દુઃખ સર્જતા આ તો માત્ર થોડાક દ્રષ્ટાંતો
છે. પણ ઇસ્લામમાં તો કોઈ પણ સંજોગો કે પરિસ્થિતિમાં અન્યને દુઃખ આપવું ગુનાહ છે. જયારે
કોઈ દુઃખીના ચહેરા પર સ્મિત આણવાના કાર્યને ઈસ્લામે ઈબાદત જેટલું જ મહત્વ આપ્યું
છે. અને એટલે જ આ ઉક્તિ
ખાસ પ્રચલિત છે,
“કિસી કા દિલ
જો તોડેગા,
ખુદા કયા ઉસકો છોડેગા ?”
No comments:
Post a Comment