હાલમાં જ એટલે કે ૧૨ ડીસેમ્બરના રોજ આપણે
ઈદે-એ-મિલાદ અર્થાત મહંમદ સાહેબના જન્મ દિવસની ઉજવણી કરી. વિશ્વની અનેક ભાષાઓમાં હઝરત
મહંમદ સાહેબ (સ.અ.વ.) સાહેબ અંગે ગદ્ય અને પદ્ય બંને શૈલીમા ઘણું લખાયું છે. આજે
તેમની પ્રશંશામા શાયર મનસુર કુરેશીએ રચલે
કેટલીક રચનાઓ વિષે વાત કરવી છે. શાયર મનસુર કુરેશી આપણા જાણીતા શાયર કિસ્મત
કુરેશીના ફરજંદ છે. હાલમા જ તેમનો એક સંગ્રહ
“હિદાયતની રોશની” પ્રગટ થયો છે. જેમા ઇસ્લામિક અકીદાના કેટલાક સુંદર કલામો આપવામાં
આવ્યા છે. ૪૦ પાનાની આ નાનકડી પુસ્તિકા રસ ધરવતા સૌને તેઓ વિના મુલ્યે વહેચી રહ્યા
છે. કોઈ પણ મુસ્લિમ બિરાદર એ મેળવવા માટે તેમનો સંપર્ક (દિવાનપરા રોડ, કાઝીવાડ
મસ્જિત પાસે, ભાવનગર. મો. ૯૬૬૨૦૪૦૬૪૯) કરી શકે છે. પુસ્તિકામાં અલ્લાહ, હઝરત મહંમદ
સાહેબ, હઝરત અલી, હઝરત હુસૈન, હઝરત બિલાલ, ખુલફા-એ-રાશિદીન, હઝરત ખ્વાજા હઝરત મુઈનુદ્દીન
ચિશ્તી જેવા ઇસ્લામના આધાર સ્તંભો સમા વ્યક્તિત્વો અને કરબલા, રમઝાન, નમાઝ, ઈદ,
દુઆ જેવા વિષયો પરના અકીદતના કલામો અર્થાત પદ્ય રચનાઓ આપવામાં આવી છે.તેમની આ તમામ
રચનાઓ ઇસ્લામિક સામયિકો “નન્હે મુન્ને” “તબ્લીગ” “અંજુમન વોઈસ” અને “બયાને મુસ્તુફા” પ્રસિદ્ધ થઈ ચુકી છે. તેમના આ નાનકડા સંગ્રહને દારુલમ અકવાડાના મોહતમિમ
મૌલાના મહંમદ હનીફ વસ્તાનવી સાહેબ અને જનાબ મૌલાના હસન ભડકોદ્રવી સાહેબની દુવા પ્રાપ્ત
થયેલ છે. આજે એ નાનકડી પુસ્તિકામાંથી હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.) અંગેની
કેટલીક સુંદર રચાનોની માણીએ.
મહંમદ સાહેબની શાનમા સૌ પ્રથમ રચના “રહમતુલ લિલ આલમીન (સ.અ.વ.)”માં મનસુર કુરેશી લખે છે,
“દુનિયાને રાહ સાચો
બતાવી ગયા છો આપ
જુલ્મો-સિતમ જગતના મિટાવી ગયા છો આપ
રહમત બનાવી મોકલ્યા
અલ્લાહે આપને
ઈલ્કાબ સાચી રીતે
દીપાવી ગયા છો આપ
દોલત જે આપી ઇલ્મની
ના ખૂટશે કદી,
કેવો અખૂટ ખજાનો
લુંટાવી ગયા છો આપ.
પથ્થર ફેંકનારને આપી
હતી દુઆ,
દરિયાદીલ કેવી બતાવી
ગયા છો આપ.
મમતા, દયા ને
પ્રેમનું આચરણ, જગે-
ઈસ્લામને મહાન બનાવી
ગયા છો આપ.
ઉમ્મ્તને માટે રડતા
રહી જિંદગી સુધી,
અપરાધ સૌ અમારા
મિટાવી ગયા છો આપ.
આ રચનામાં હઝરત મહંમદ પયગંબર સાહેબની
રહેમત, ઇલ્મ, ઉદારતા, દયા અને ત્યાગના ગુણોનું આલેખન કરવામાં આવ્યું છે. એક અન્ય
રચના “હુઝૂર”મા મહંમદ સાહેબ અંગે લખે છે,
“ઇલ્મ છે દરિયો અને
એનો કિનારો આપ છો,
દીનના ગુંબજ તણો
ઊંચો મિનારો આપ છો.
આપને મેરાજને માટે
ખુદાએ નોતર્યા,
જેમને કીધું
ફરીશ્તાએ, પધારો આપ છો.
ચાંદ બે ટુકડા થયો
સૂરજ ફરી પલટી ગયો,
આંગળી ઊંચકી કર્યો
જેણે ઈશારો, આપ છો.
બસ શિફારિશ આપની મળી
જાય જો “મનસૂર” ને,
હશ્રમા ઉમ્મ્તનો બસ
એક જ સહારો આપ છો”
આ રચનામાં શાયરે હઝરત મહંમદ સાહેબની શાનમાં કહ્યું છે કે
આપ દીન અર્થાત ઈલ્મે ઇસ્લામનો ઊંચો મિનારાઓ છો. આપણે જ ખુદાએ જન્નત (સ્વર્ગ)મા
નોતર્યા હતા. અને ખુદા ફરીશતાઓએ આપનું સ્વાગત કર્યું હતું. હઝરત મહંમદ સાહેબને
ખુદાએ બક્ષેલ અલૌકિક શક્તિનો અહિયાં શાયરે ઉલ્લખ કર્યો છે. તેનું આલેખન કરતા શાયર કહે
છે કે આપે જ ચાંદના બે ટુકડા કર્યા હતા. સૂરજની સ્થિતિને બદલનાર પણ આપ જ છો. અંતિમ
ન્યાયના દિવસે આપની ઉમ્મતને અર્થાત કોમને ખુદા પાસે આપની થોડી ભલામણનો જ સહારો છે.
અન્ય એક રચના પણ માણવા જેવી છે. જેનું મથાળું છે “હુઝૂરે અકરમ (સ.અ.વ.)” અર્થાત
એવી વિભૂતિ જેને દુનિયાના કોઈ ક્રમમાં ન મૂકી શકાય.
“ખુદાનો પરિચય કરાવી
ગયા છે.
અને માર્ગ સાચો
બતાવી ગયા છે.
સબક સૌને આપ્યો છે
ઈન્સાનિયતનો,
જહાલાતને જગતથી
મિટાવી ગયા છે.
રડ્યા જિંદગીભર એ
ઉમ્મતને માટે,
જહન્નમથી અમને બચાવી
ગયા છે.
જગત માટે રહેમત બનીને
જ આવ્યા
અમલથી એ જગતને બતાવી
ગયા છે.
અબૂબક્ર, ઉમર, ઉસ્માન,
હૈદર,
એ અણમોલ હીરા અપાવી
ગયા છે.”
ઇસ્લામના ચાર ખલીફાનો
અત્રે ઉલ્લેખ જોવા મળે છે. જેમણે મહંમદ સાહેબ પછી ઇસ્લામના પ્રચાર પ્રસારનું
અમુલ્ય કાર્ય કર્યું હતું. આવીજ એક અન્ય કૃતિ “અમારા નબીજી”મા
કહ્યું છે,
“છે
દિલમાં અમારા, અમારા નબીજી
અને સૌથી પ્યારા અમારા નબીજી
સહ્યા જુલમ ઇસ્લામ
ફેલાવાને,
સબરના કિનારા અમારા
નબીજી”
ઇમામત હુઝૂર (સ.અ.વ.)ની
નામક રચનામાં પણ શાયરે હઝરત મહંમદ પયગંબર સાહેબની શાનમા કહ્યું છે,
“મશહૂર
છે જગતમાં શરાફત હુઝૂરની
રબને હતી પસંદ ઈબાદત હુઝૂરની
કેવા હતા અબૂબક્ર,
ઉમર ઉસ્માન ને અલી
જેણે કદી ના છોડી
ઇતાઅત હુઝૂરની
છે કેવો આલી મરતબો
અલ્લાહથી મળ્યો
જિબ્રઈલ લઈને આવે
ઈજાઝત હુઝૂરની”
મહંમદ સાહેબની શાનમા
વ્યક્ત થયેલા આ તમામ રચનાઓમા મહંમદ સાહેબની ઈસ્લામને બુલંદ કરવાની ખ્વાહીશ અને નિષ્ઠા
જોવા મળે છે. મહંમદ સાહેબે કંડારેલ માર્ગ પર ચાલનાર ચારે ખલીફાઓનું નૈતિક અને
સાદગીપૂર્ણ જીવન પણ ઇસ્લામના પ્રચાર પ્રસાર માટે કારણભૂત હતું. એ બાબત ગાંધીજીના હઝરત
ઉમર પરના એક અવતરણ પરથી જાણી શકાય છે.એ અવતરણ સાથે આ લેખ પૂર્ણ કરવાની રજા લઈશ.ગાંધીજીએ
નવજીવનના એક અંકમાં લખ્યું છે,
“શું તમે માનો છો કે ખલીફ ઉમ્મરની ફકીરીથી, સાદગીથી કશો લાભ નથી
થયો ? તેમના અમીરોએ જયારે મેદો પસંદ કર્યો ને રેશમી કપડાં ધારણ કર્યા, ત્યારે
તેમણે તેમને ઠપકો આપ્યો. તેઓ પથ્થરની ઘંટીથી દળેલો, વગર ચાળેલા આટાની રોટી ખાતા ને
ખાદી જ પહેરતા. તેમની પાસે કરોડો રૂપિયા હતા. તેનો ઉપયોગ તેમણે ન કર્યો. તેના તેઓ
પોતાને રક્ષક ગણતા. તમે પણ તેમના જેવી સાદગી અને ફકીરી ધારણ કરો ત્યારે જ તમે
દેશની ને ધર્મની સેવા કરી શકો. મારપીટથી કઈ ધર્મની સેવા થતી નથી.”
No comments:
Post a Comment