ભારતના બંધારણ મુજબ દરેક ધર્મસ્થાનોમા ભારતના
દરેક નાગરિકને જવાની અને ઈબાદત કે ભક્તિ કરવાની છૂટ છે. અલબત્ત તેણે એ ધર્મ
સ્થાનમાં જતા પૂર્વે જે તે ધર્મના નિયમોને આધીન રહી ઈબાદત કરવી જોઈએ. આમ છતાં આપણી
કેટલીક દ્રઢ માન્યતાઓને કારણે આપણે અન્ય ધર્મના ધર્મસ્થાનોમા જતા અચકાઈએ છીએ. જેમ
કે કોઈ આમ હંદુ નાગરિક મસ્જિતમા જતા અને
કોઈ આમ મુસ્લિમ મંદિરમાં જતા સંકોચ અનુભવે છે. જો કે હૂં અનેકવાર મંદિર, ચર્ચ કે
ગુરુદ્વારામા ગયો છું. સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામીના આશીર્વાદ મને
મળ્યા છે. સોમનાથ (દ્વારકા), જગન્નાથજી (પૂરી ઓરિસ્સા) અને સુવર્ણ મંદિર (અમૃતસર)ની મુલાકાત લીધી છે. પણ
મને કયારેય તેમાં પ્રવેશતા સમયે કોઈ સંકોચ
થયો નથી. એ જ રીતે કોઈ પણ હિન્દુને મસ્જિતમા પ્રવેશવામાં કે તેમાં ઈબાદત કરવામાં
સંકોચ ન થવો જોઈએ. આપણી અનેક ઐતિહાસિક મસ્જિતો અને દરગાહોમા આજે પણ હુંદુ યાત્રાળુઓ અને શ્રધ્ધાળુઓ નિસંકોચ આવે છે, અને તેના
દીદાર સાથે દુવા પણ માંગે છે. આ આદર્શ આપણા બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર માટે અતિ
આવશ્યક છે. વળી, મંદિરમા જવાથી મારો ધર્મ ભ્રષ્ટ થશે, હૂં વટલાઈ જઈશ એ માન્યતા અંત્યંત
સંકુચિત છે. કારણ કે ખુદા કે ઈશ્વરે બે બાબતો માનવીને જન્મ સાથે આપીએ છે. એક માબાપ
અને બીજો તેનો ધર્મ-મઝહબ. ખુદા કે ઈશ્વરે આપેલ-બક્ષેલ એ બે બાબતો બદલવાનો માનવી ને
કોઈ જ અધિકાર નથી. હૂં દરેક ધર્મ સ્થાનોમાં
જઉં છું છતાં ઇસ્લામ પરનું મારુ ઈમાન અર્થાત શ્રદ્ધા આજે પણ યથાવત છે અને રહેશે.
આટલી ભૂમિકા પછી મૂળ વાત પર આવું. છેલ્લા
૩૦-૩૫ વર્ષથી હૂં જુમ્મા એટલે કે શુક્રવારની નમાઝ નિયમિત પઢું છું. શુક્રવારે બપોરના
૧ થી ૨.૩૦ દરમિયાન હૂં ક્યારેય કોઈ મીટીંગ કે મુલાકાત રાખતો નથી. એ સમય દરમિયાન
હું મારા કાર્યાલય પાસેની કોઈ પણ મસ્જિતમાં જ હોઉં છું. છતાં છેલ્લા ૩૫ વર્ષોમાં
ક્યારેય મારા કોઈ વાઈસ ચાન્સેલરે મને એ બાબત માટે રોકાયો કે ટોક્યો નથી. એ માટે મને
મારા તમામ વાઈસ ચાન્સેલરો પ્રત્યે આજે પણ માન છે. મારી આ આદત મારા મારા
વિદ્યાર્થીઓ પણ જાણે છે. થોડા દિવસ પૂર્વે મારો એક વિદ્યાર્થી મારી ચેમ્બરમા આવ્યો
અને બોલ્યો,
“સર, હૂં તમારી સાથે શુક્રવારે મસ્જિતમા નમાઝ પઢવા આવવા ઈચ્છું છું.
મને તમારી સાથે લઇ જશો ?”
મેં તેની સામે જોયું.
એ વિદ્યાર્થીને હિંદુ ધર્મના સિદ્ધાંતો
અને વ્યવહારોમાં ઊંડી શ્રધ્ધા હતી. તે વર્ગમાં હંમેશા સુંદર તિલક કરીને આવતો. રોજ
મને પગે લાગીને જ વર્ગમાં જતો. મેં તેને કહ્યું,
“ચોક્કસ તું જુમ્માની નમાઝ પઢવા મસ્જિતમા મારી સાથે આવી શકે છે. પણ તિલક
સાથે તું મસ્જિતમા નહિ આવી શકે.”
“ભલે, હૂં તેમ કરીશ. પણ મને મસ્જિતમા નમાઝ પઢવા તો લઇ જશો ને ?”
“ચોક્કસ”
અને તે હસતો હસતો
મારી ચેમ્બર બહાર નીકળી ગયો. તેના ગયા પછી હું વિચારે વળગ્યો. મસ્જિતમા અજાણતા
તેના કોઈ અયોગ્ય વર્તન કે પગલાથી કઈ સમસ્યા સર્જાશે તો શું થશે ? પણ પછી મારામા
બેઠેલ એક અધ્યાપકે મને સમજાવ્યો,
“એક હુંદુ યુવાન ઇસ્લામની ઈબાદત અને મસ્જિત વિષે જાણવાના હેતુથી મસ્જિતમા
આવવા ઉત્સુક હોય, તો એક અધ્યાપક તરીકે હું તેને કેમ રોકી શકું ? જ્ઞાન મેળવવાની
તેની જિજ્ઞાસ એક અધ્યાપક તરીકે હુ નહિ સંતોશું તો કોણ સંતોષાશે ? અને તેનામા રહેલી
ઇસ્લામ વિષેની શંકા કુશંકુને એક અધ્યાપક તરીકે હૂં નહી દૂર કરું તો કોણ દૂર કરશે ?” આ વિચારે મેં મારા મનને મક્કમ કર્યું.
શુક્રવારનો દિવસ આવી
ચડ્યો. એ દિવસે એ વિદ્યાર્થી સફેદ કફની-લેંઘો પહેરી વિભાગમા આવ્યો હતો. રોજ તેના
નિયમ મુજબ તે મને પગે લાગવા મારી ચેમ્બરમા આવ્યો. અને બોલ્યો,
“સર, આ વસ્ત્રો નમાઝમા ચાલશે ને ?”
મેં કહ્યું,
“નમાઝ એટલે ઈબાદત ભક્તિ. તેમાં વસ્ત્રોનું મહત્વ જૂજ હોય છે. શરીરના અંગોને
સારી રીતે ઢાંકતા કોઈ પણ પ્રકારના વસ્ત્રો ઈબાદત માટે ચાલે. તું પ્રથમ તાસ ભરી લે
પછી એક વાગ્યે આપણે નમાઝ માટે નીકળીશું.”
અને તે મને પગે લાગી
સસ્મિત પ્રથમ તાસ ભરવા જતો રહયો.
બપોરે એકને વીસે તે
પાછો મારી ચેમ્બરમા આવી ચડ્યો.તેના મસ્તક પર તિલક ન હતું.
“સાહેબ, નમાઝ પઢવા નીકળીશું ?”
હું તેની નમાઝ પઢવા
આવવાની ઉત્સુકતા જોઈ રહ્યો. પછી ટેબલ પરનું કામ સંકેલી અમે બંને મારી ગાડીમાં
બેઠા.મેં રસ્તામાં તેને કહ્યું,
“નમાઝ પહેલા વઝું કરવું પડશે. વઝું એટલે મો, હાથ અને પગો ધોવાની ક્રિયા.
તું મારી બાજુમાં જ વઝું કરવા બેસજે, હું જેમ વઝું કરું તેમ કરજે.” તે મારી વાત સમજી ગયો. પછી મેં મારી કારના ડેસબોર્ડમાંથી ટોપી કાઢી.
તેમાં એક એક્સ્ટ્રા ટોપી પણ પડેલી હતી. તે તેણે આપો આપ લઇ લીધી અને મારી જેમ જ તેણે
પહેરી લીધી. તે ટોપી પહેરતો હતો ત્યારે મેં તેને કહ્યું,
“ટોપી પહેરી નમાઝ પઢવાની પ્રથા ભારતમાં છે. મક્કા મદીનામા મેં અનેક
મુસ્લિમોને ટોપી વગર નમાઝ પઢતા જોયા છે.
પણ અહિયાં સૌ ટોપી પહેરીને નમાઝ પઢે છે. એટલે હૂં પણ તેને પહેરવાનું પસંદ કરું
છું.” તે મને એક ધ્યાને સંભાળી રહ્યો.
અમે મસ્જિતમા
પ્રવેશ્યા. અને વઝુખાના પાસે પહોંચ્યા. તે મારી બાજુમાં જ વઝું કરવા બેઠો. અને બહુ
જ સુંદર રીતે તેણે મારી નકલ કરી વઝું કર્યું. પછી અમે મસ્જિતમા પ્રવેશ્યા. મને
કમરના દુખાવાને કારણે નીચે બેસવાની મનાઈ હોઈ, મેં મસ્જિતમાથી ખુરશી શોધી તેના પર
સ્થાન લીધું. અને તેને મેં મારી આગળની સફ અર્થાત લાઈનમાં બેસાડ્યો. થોડીવારે ખુત્બા
પછી નમાઝ શરુ થઈ. મને મનમાં થોડો ડર હતો. પણ મારા વિદ્યાર્થીએ મારી ખુબજ સિફતથી
લાજ રાખી. એણે સૌની સાથે સુંદર રીતે નમાઝની ક્રિયાઓ કરી. નમાઝ પછી સૌએ દુવા માટે હાથ
ઊંચા કર્યા. બરાબર એ જ રીતે તેણે પણ દુવા માટે હાથ ઊંચા કર્યા. અને આમ એક હિંદુ
વિદ્યાર્થીએ બખૂબી નમાઝ પૂર્ણ કરી. ત્યારે મને મારા એ વિદ્યાર્થી પર મનોમન ગર્વ
થયો. જો કે આ ઘટનાની જાણ તેના કેટલાક હિંદુ મિત્રોને થતા તેમણે તેની ટીકા કરી. ત્યારે
મારી પાસે આવી દુઃખ વ્યક્ત કરતા એ બોલ્યો,
“સર, મને મારા ધર્મમા અતુટ શ્રદ્ધા છે. પણ તેથી અન્ય ધર્મને જાણવા સમજવાનો
પ્રયાસ કરવો એ કોઈ ગુનો તો નથી ને ?”
અને
મારા જવાબની અપેક્ષા રાખ્યા વગર તે જતો રહ્યો. હૂં નવભારતના સર્જક સમા એ યુવાનને
જતા એક નજરે તાકી રહ્યો.
No comments:
Post a Comment