Friday, December 30, 2016

કાશી-બનારસની ધનેડા મસ્જિત : ડૉ. મહેબૂબ દેસાઈ


થોડા દિવસ પહેલા મારા મિત્ર અને ગુજરાતના જાણીતા શાયર વસીમ મલિકે મને વોટ્શોપ પર કાશી-બનારસ (આજનું વારાસણી)માં આવેલી ઐતિહાસિક ધનેડા મસ્જિત અંગે વિગતો મોકલી. છેલ્લા મોગલ શાસક ઔરંગઝેબની ન્યાયપ્રિયતા અને કોમી એખલાસને વ્યક્ત કરતી ધનેડા મસ્જિત તેના ભવ્ય ઇતિહાસની સાક્ષી પુરતી આજે પણ વારાસણીમા હયાત છે. મસ્જિતમાં મુકવામાં આવેલ ઐતિહાસિક તકતી આજે પણ એક મુસ્લિમ બાદશાહની એક સાધારણ બ્રાહ્મણ કન્યા પ્રત્યેની પિતૃ ભાવના અને ન્યાયપ્રિયતા વ્યકત કરે છે. એ કથા આજના સંદર્ભમા જાણવા જેવી છે.
કાશી-બનારસમાં રહેતા એક બ્રાહ્મણ પંડિતની ખુબસુરત કન્યા શકુંતલા પર કાશી-બનારસના સેનાપતિનું મન આવી ગયું. અને તેણે એ બ્રાહ્મણને આદેશ આપ્યો,
તારી પુત્રીને સજાવાનીને સાત દિવસ માટે મારા મહેલ પર મોકલી આપ
બ્રાહ્મણ પંડિત આ હુકમ સાંભળી આઘાત પામ્યો. તેણે ઘરે આવી પુત્રી શકુંતલાને સેનાપતિના આદેશની રડતા રડતા જાણ કરી. શકુંતલા ખુબસુરત સાથે અકલમંદ પણ હતી. તેણે પિતાને સેનાપતિ પાસે એક માસનો સમય માંગવા જણાવ્યું. અને સેનાપતિએ એક માસનો સમય આપતા કહ્યું,
સારું એક માસ પછી તારી પુત્રીને સજાવીને સાત દિવસ માટે મારા મહેલ પર મોકલી આપ જે
એક માસનો સમય મળતા બ્રાહ્મણ પુત્રી શકુંતલાએ યુવાનનો વેશ ધારણ કરી દિલ્હીની વાટ પકડી. દર શુક્રવારે બાદશાહ ઔરંગઝેબ દિલ્હીની જામા મસ્જિતમા જુમ્મા અર્થાત શુક્રવારની નમાઝ પઢવા આવતા. નમાઝ પછી બહાર નીકળતા બાદશાહ ઔરંગઝેબ ફકીરોના સવાલો પૂર્ણ કરતા, તેમની જે માંગ હોય તે પૂર્ણ કરતા. એ દિવસે પણ નમાઝ પછી બાદશાહ ઔરંગઝેબ દરેક ફકીરની માંગ પૂરી કરતા કરતા બહાર નીકળી રહ્યા હતા. ત્યારે એક નાજુક હાથ બાદશાહ તરફ લંબાયો. બાદશાહ ઔરંગઝેબે એ નાજુક હાથ તરફ એક નજર કરી. પછી એ હાથને પોતાના રુમાલથી ઢાંકી એ હાથમાંથી ચિઠ્ઠી લઇ લીધી. નકાબ પોશ ખુબસુરત બ્રાહ્મણ કન્યા શકુંતલાને નવાઈ લાગી. તેણે બાદશાહને પૂછ્યું,
મારા હાથને ઢાંકીને આપે શા માટે મારી ચિઠ્ઠી લીધી ?
બાદશાહ ઔરંગઝેબ બોલ્યા,
ઇસ્લામમાં પરસ્ત્રીને સ્પર્શ કરવો ગુનાહ છે. વળી, એક ઔરતના હાથનું જાહેરમાં પ્રદર્શન પણ ઇસ્લામમા સ્વીકાર્ય નથી.
આ શબ્દો સાંભળી પેલી શકુંતલાને બાદશાહ સલામત માટે માન થયું. નકાબ દૂર કરી તેણે બાદશાહને પોતાની ઓળખ આપી. અને કાશી-બનારસના સેનાપતિની અભદ્ર માંગણીની વાત કરી. બાદશાહ શકુંતલાને પોતાના મહેલમાં લઇ ગયા. પોતાની પુત્રી જેમ પોતાના મહેલમાં તેને થોડા દિવસ રાખી. પછી વિદાય કરતા કહ્યું,
બેટા, તું તારા ઘરે પછી જા. તારા પિતા તારી ચિંતામાં દુઃખી થતા હશે. તારી ડોલી એક માસ પછી એ સેનાપતિને ત્યાં જવા ભલે નીકળતી
શકુંતલા પિતાના ઘરે પાછી ફરી. પિતાએ પૂછ્યું,
બેટા, કોઈ રસ્તો નીકળ્યો ?
પિતાજી, હું બાદશાહ ઔરંગઝેબ પાસે ગઈ હતી. તેમણે મને કહ્યું કે તારી ડોલી સેનાપતિને ત્યાં જવા ભલે નીકળતી. પણ તેમણે મને પુત્રી કહી છે. એટલે મને આશા છે કે એક બાપ તેની પુત્રીની ઈજ્જત નિલામ નહિ થવા દે
એક માસ પૂરો થયો. શકુંતલાની ડોલી સજીધજીને સેનાપતિને ત્યાં પહોંચી. હવસ ભૂખ્યો સેનાપતિ ખુશ હતો. એ ખુશીમાં તે ફકીરોને પૈસા લુંટાવતો હતો. જયારે તે પૈસા લુંટાવી રહ્યો હતો, ત્યારે એક ફકીરે તેનો હાથ પકડીને કહ્યું,
હું મામુલી ફકીરી નથી. પૈસા મારા હાથમાં મુકીને મને આપ અને સેનાપતિએ એ ફકીરના હાથમાં પૈસા મૂકયા કે તુરત એ ફકીરે સેનાપતિનો હાથ પકડી લીધો. મોઢા પર ઢાંકેલ કામળો દૂર કર્યો. અને બોલ્યો,
હૂં બાદશાહ ઔરંગઝેબ છું. મોગલ રાજ્યના એક બ્રાહ્મણની પુત્રી પર ખરાબ નજર નાખી તે આખી હુકુમતને બદનામ કરી છે. તને તેની સજા મળશે
અને બાદશાહ ઔરંગઝેબે ત્યાને ત્યાં જ આદેશ કર્યો,
ચાર હાથીઓ સાથે સેનાપતિના હાથ પગ બાંધી દો. અને હાથીઓને જુદી જુદી ચારે દિશામાં દોડાવો.
આમ એ સેનાપતિને જાહેરમાં ચીરી નાખવામાં આવ્યો. એ પછી બાદશાહ ઔરંગઝેબે એ બ્રાહ્મણના ઘર પાસે આવેલા ચબુતરામા બે રકાત નિફલ શુક્રાના (ખુદાનો આભાર માનતી) નમાઝ પઢી. અને ખુદાને દુવા કરતા કહ્યું,
એ ખુદા હૂં તારો શુક્ર્ગુઝાર (આભારી) છું કે તે મને એક ગેર મુસ્લિમ કન્યાનો ઇન્સાફ કરવાની તક આપી
પછી શકુંતલા સામે જોઈ બાદશાહ બોલાયા,
બેટા, મને એક ગ્લાસ પાણી આપીશ.? શકુંતલાએ બાદશાહને પાણી આપ્યું. બાદશાહે એ પાણી પીધું પછી બોલ્યા,
બેટા, જે દિવસે તે મને ફરિયાદ કરી હતી, એ જ દિવસે મેં કસમ ખાધી હતી કે તને ઇન્સાફ અપાવ્યા પછી જ પાણી પીશ.
આ ઘટના પછી એ વિસ્તારના પંડિતો અને મહાજનોએ ભેળા થઈ, જ્યાં બાદશાહ ઔરંગઝેબે બે રકાત નમાઝ પઢી હતી ત્યાં એક મસ્જિત બનાવી. એ જ મસ્જિત એટલે કાશી-બનારસની ઐતિહાસિક ધનેડા મસ્જિત. એ મસ્જિતમા મુકાયેલી તકતી બાદશાહ ઔરંગઝેબના ઇન્સાફની સાક્ષી પુરતી આજે પણ હયાત છે.  

  

Sunday, December 18, 2016

અન્ય ધર્મને જાણવાનો પ્રયાસ કોઈ ગુનો નથી : ડૉ. મહેબૂબ દેસાઈ

ભારતના બંધારણ મુજબ દરેક ધર્મસ્થાનોમા ભારતના દરેક નાગરિકને જવાની અને ઈબાદત કે ભક્તિ કરવાની છૂટ છે. અલબત્ત તેણે એ ધર્મ સ્થાનમાં જતા પૂર્વે જે તે ધર્મના નિયમોને આધીન રહી ઈબાદત કરવી જોઈએ. આમ છતાં આપણી કેટલીક દ્રઢ માન્યતાઓને કારણે આપણે અન્ય ધર્મના ધર્મસ્થાનોમા જતા અચકાઈએ છીએ. જેમ કે કોઈ આમ  હંદુ નાગરિક મસ્જિતમા જતા અને કોઈ આમ મુસ્લિમ મંદિરમાં જતા સંકોચ અનુભવે છે. જો કે હૂં અનેકવાર મંદિર, ચર્ચ કે ગુરુદ્વારામા ગયો છું. સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામીના આશીર્વાદ મને મળ્યા છે. સોમનાથ (દ્વારકા), જગન્નાથજી (પૂરી ઓરિસ્સા)  અને સુવર્ણ મંદિર (અમૃતસર)ની મુલાકાત લીધી છે. પણ મને  કયારેય તેમાં પ્રવેશતા સમયે કોઈ સંકોચ થયો નથી. એ જ રીતે કોઈ પણ હિન્દુને મસ્જિતમા પ્રવેશવામાં કે તેમાં ઈબાદત કરવામાં સંકોચ ન થવો જોઈએ. આપણી અનેક ઐતિહાસિક મસ્જિતો અને દરગાહોમા આજે પણ હુંદુ  યાત્રાળુઓ અને શ્રધ્ધાળુઓ નિસંકોચ આવે છે, અને તેના દીદાર સાથે દુવા પણ માંગે છે. આ આદર્શ આપણા બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર માટે અતિ આવશ્યક છે. વળી, મંદિરમા જવાથી મારો ધર્મ ભ્રષ્ટ થશે, હૂં વટલાઈ જઈશ એ માન્યતા અંત્યંત સંકુચિત છે. કારણ કે ખુદા કે ઈશ્વરે બે બાબતો માનવીને જન્મ સાથે આપીએ છે. એક માબાપ અને બીજો તેનો ધર્મ-મઝહબ. ખુદા કે ઈશ્વરે આપેલ-બક્ષેલ એ બે બાબતો બદલવાનો માનવી ને કોઈ જ અધિકાર નથી. હૂં દરેક ધર્મ  સ્થાનોમાં જઉં છું છતાં ઇસ્લામ પરનું મારુ ઈમાન અર્થાત શ્રદ્ધા આજે પણ યથાવત છે અને રહેશે.
આટલી ભૂમિકા પછી મૂળ વાત પર આવું. છેલ્લા ૩૦-૩૫ વર્ષથી હૂં જુમ્મા એટલે કે શુક્રવારની નમાઝ નિયમિત પઢું છું. શુક્રવારે બપોરના ૧ થી ૨.૩૦ દરમિયાન હૂં ક્યારેય કોઈ મીટીંગ કે મુલાકાત રાખતો નથી. એ સમય દરમિયાન હું મારા કાર્યાલય પાસેની કોઈ પણ મસ્જિતમાં જ હોઉં છું. છતાં છેલ્લા ૩૫ વર્ષોમાં ક્યારેય મારા કોઈ વાઈસ ચાન્સેલરે મને એ બાબત માટે રોકાયો કે ટોક્યો નથી. એ માટે મને મારા તમામ વાઈસ ચાન્સેલરો પ્રત્યે આજે પણ માન છે. મારી આ આદત મારા મારા વિદ્યાર્થીઓ પણ જાણે છે. થોડા દિવસ પૂર્વે મારો એક વિદ્યાર્થી મારી ચેમ્બરમા આવ્યો અને બોલ્યો,
સર, હૂં તમારી સાથે શુક્રવારે મસ્જિતમા નમાઝ પઢવા આવવા ઈચ્છું છું. મને તમારી સાથે લઇ જશો ?
મેં તેની સામે જોયું. એ વિદ્યાર્થીને  હિંદુ ધર્મના સિદ્ધાંતો અને વ્યવહારોમાં ઊંડી શ્રધ્ધા હતી. તે વર્ગમાં હંમેશા સુંદર તિલક કરીને આવતો. રોજ મને પગે લાગીને જ વર્ગમાં જતો. મેં તેને કહ્યું,
ચોક્કસ તું જુમ્માની નમાઝ પઢવા મસ્જિતમા મારી સાથે આવી શકે છે. પણ તિલક સાથે તું મસ્જિતમા નહિ આવી શકે.
ભલે, હૂં તેમ કરીશ. પણ મને મસ્જિતમા નમાઝ પઢવા તો લઇ જશો ને ?
ચોક્કસ  
અને તે હસતો હસતો મારી ચેમ્બર બહાર નીકળી ગયો. તેના ગયા પછી હું વિચારે વળગ્યો. મસ્જિતમા અજાણતા તેના કોઈ અયોગ્ય વર્તન કે પગલાથી કઈ સમસ્યા સર્જાશે તો શું થશે ? પણ પછી મારામા બેઠેલ એક અધ્યાપકે મને સમજાવ્યો,
એક હુંદુ યુવાન ઇસ્લામની ઈબાદત અને મસ્જિત વિષે જાણવાના હેતુથી મસ્જિતમા આવવા ઉત્સુક હોય, તો એક અધ્યાપક તરીકે હું તેને કેમ રોકી શકું ? જ્ઞાન મેળવવાની તેની જિજ્ઞાસ એક અધ્યાપક તરીકે હુ નહિ સંતોશું તો કોણ સંતોષાશે ? અને તેનામા રહેલી ઇસ્લામ વિષેની શંકા કુશંકુને એક અધ્યાપક તરીકે હૂં નહી દૂર કરું તો કોણ દૂર કરશે ? આ વિચારે મેં મારા મનને મક્કમ કર્યું.
શુક્રવારનો દિવસ આવી ચડ્યો. એ દિવસે એ વિદ્યાર્થી સફેદ કફની-લેંઘો પહેરી વિભાગમા આવ્યો હતો. રોજ તેના નિયમ મુજબ તે મને પગે લાગવા મારી ચેમ્બરમા આવ્યો. અને બોલ્યો,
સર, આ વસ્ત્રો નમાઝમા ચાલશે ને ?
મેં કહ્યું,
નમાઝ એટલે ઈબાદત ભક્તિ. તેમાં વસ્ત્રોનું મહત્વ જૂજ હોય છે. શરીરના અંગોને સારી રીતે ઢાંકતા કોઈ પણ પ્રકારના વસ્ત્રો ઈબાદત માટે ચાલે. તું પ્રથમ તાસ ભરી લે પછી એક વાગ્યે આપણે નમાઝ માટે નીકળીશું.
અને તે મને પગે લાગી સસ્મિત પ્રથમ તાસ ભરવા જતો રહયો.
બપોરે એકને વીસે તે પાછો મારી ચેમ્બરમા આવી ચડ્યો.તેના મસ્તક પર તિલક ન હતું.
સાહેબ, નમાઝ પઢવા નીકળીશું ?
હું તેની નમાઝ પઢવા આવવાની ઉત્સુકતા જોઈ રહ્યો. પછી ટેબલ પરનું કામ સંકેલી અમે બંને મારી ગાડીમાં બેઠા.મેં રસ્તામાં તેને કહ્યું,
નમાઝ પહેલા વઝું કરવું પડશે. વઝું એટલે મો, હાથ અને પગો ધોવાની ક્રિયા. તું મારી બાજુમાં જ વઝું કરવા બેસજે, હું જેમ વઝું કરું તેમ કરજે. તે મારી વાત સમજી ગયો. પછી મેં મારી કારના ડેસબોર્ડમાંથી ટોપી કાઢી. તેમાં એક એક્સ્ટ્રા ટોપી પણ પડેલી હતી. તે તેણે આપો આપ લઇ લીધી અને મારી જેમ જ તેણે પહેરી લીધી. તે ટોપી પહેરતો હતો ત્યારે મેં તેને કહ્યું,
ટોપી પહેરી નમાઝ પઢવાની પ્રથા ભારતમાં છે. મક્કા મદીનામા મેં અનેક મુસ્લિમોને ટોપી વગર નમાઝ પઢતા  જોયા છે. પણ અહિયાં સૌ ટોપી પહેરીને નમાઝ પઢે છે. એટલે હૂં પણ તેને પહેરવાનું પસંદ કરું છું. તે મને એક ધ્યાને સંભાળી રહ્યો.
અમે મસ્જિતમા પ્રવેશ્યા. અને વઝુખાના પાસે પહોંચ્યા. તે મારી બાજુમાં જ વઝું કરવા બેઠો. અને બહુ જ સુંદર રીતે તેણે મારી નકલ કરી વઝું કર્યું. પછી અમે મસ્જિતમા પ્રવેશ્યા. મને કમરના દુખાવાને કારણે નીચે બેસવાની મનાઈ હોઈ, મેં મસ્જિતમાથી ખુરશી શોધી તેના પર સ્થાન લીધું. અને તેને મેં મારી આગળની સફ અર્થાત લાઈનમાં બેસાડ્યો. થોડીવારે ખુત્બા પછી નમાઝ શરુ થઈ. મને મનમાં થોડો ડર હતો. પણ મારા વિદ્યાર્થીએ મારી ખુબજ સિફતથી લાજ રાખી. એણે સૌની સાથે સુંદર રીતે નમાઝની ક્રિયાઓ કરી. નમાઝ પછી સૌએ દુવા માટે હાથ ઊંચા કર્યા. બરાબર એ જ રીતે તેણે પણ દુવા માટે હાથ ઊંચા કર્યા. અને આમ એક હિંદુ વિદ્યાર્થીએ બખૂબી નમાઝ પૂર્ણ કરી. ત્યારે મને મારા એ વિદ્યાર્થી પર મનોમન ગર્વ થયો. જો કે આ ઘટનાની જાણ તેના કેટલાક હિંદુ મિત્રોને થતા તેમણે તેની ટીકા કરી. ત્યારે મારી પાસે આવી દુઃખ વ્યક્ત કરતા એ બોલ્યો,
સર, મને મારા ધર્મમા અતુટ શ્રદ્ધા છે. પણ તેથી અન્ય ધર્મને જાણવા સમજવાનો પ્રયાસ કરવો એ કોઈ ગુનો તો નથી ને ?
અને મારા જવાબની અપેક્ષા રાખ્યા વગર તે જતો રહ્યો. હૂં નવભારતના સર્જક સમા એ યુવાનને જતા એક નજરે તાકી રહ્યો.


Tuesday, December 6, 2016

અકીદતના કલામ : ડૉ. મહેબૂબ દેસાઈ


હાલમાં જ એટલે કે ૧૨ ડીસેમ્બરના રોજ આપણે ઈદે-એ-મિલાદ અર્થાત મહંમદ સાહેબના જન્મ દિવસની ઉજવણી કરી. વિશ્વની અનેક ભાષાઓમાં હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.) સાહેબ અંગે ગદ્ય અને પદ્ય બંને શૈલીમા ઘણું લખાયું છે. આજે તેમની પ્રશંશામા શાયર મનસુર કુરેશીએ રચલે  કેટલીક રચનાઓ વિષે વાત કરવી છે. શાયર મનસુર કુરેશી આપણા જાણીતા શાયર કિસ્મત કુરેશીના ફરજંદ છે. હાલમા જ તેમનો એક સંગ્રહ
હિદાયતની રોશની પ્રગટ થયો છે. જેમા ઇસ્લામિક અકીદાના કેટલાક સુંદર કલામો આપવામાં આવ્યા છે. ૪૦ પાનાની આ નાનકડી પુસ્તિકા રસ ધરવતા સૌને તેઓ વિના મુલ્યે વહેચી રહ્યા છે. કોઈ પણ મુસ્લિમ બિરાદર એ મેળવવા માટે તેમનો સંપર્ક (દિવાનપરા રોડ, કાઝીવાડ મસ્જિત પાસે, ભાવનગર. મો. ૯૬૬૨૦૪૦૬૪૯) કરી શકે છે. પુસ્તિકામાં અલ્લાહ, હઝરત મહંમદ સાહેબ, હઝરત અલી, હઝરત હુસૈન, હઝરત બિલાલ, ખુલફા-એ-રાશિદીન, હઝરત ખ્વાજા હઝરત મુઈનુદ્દીન ચિશ્તી જેવા ઇસ્લામના આધાર સ્તંભો સમા વ્યક્તિત્વો અને કરબલા, રમઝાન, નમાઝ, ઈદ, દુઆ જેવા વિષયો પરના અકીદતના કલામો અર્થાત પદ્ય રચનાઓ આપવામાં આવી છે.તેમની આ તમામ રચનાઓ ઇસ્લામિક સામયિકો નન્હે મુન્ને તબ્લીગ અંજુમન વોઈસ અને બયાને મુસ્તુફા પ્રસિદ્ધ થઈ ચુકી છે. તેમના આ નાનકડા સંગ્રહને દારુલમ અકવાડાના મોહતમિમ મૌલાના મહંમદ હનીફ વસ્તાનવી સાહેબ અને જનાબ મૌલાના હસન ભડકોદ્રવી સાહેબની દુવા પ્રાપ્ત થયેલ છે. આજે એ નાનકડી પુસ્તિકામાંથી હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.) અંગેની કેટલીક સુંદર રચાનોની માણીએ.
મહંમદ સાહેબની શાનમા સૌ પ્રથમ રચના રહમતુલ લિલ આલમીન (સ.અ.વ.)માં મનસુર કુરેશી લખે છે,

દુનિયાને રાહ સાચો બતાવી ગયા છો આપ
 જુલ્મો-સિતમ જગતના મિટાવી ગયા છો આપ

રહમત બનાવી મોકલ્યા અલ્લાહે આપને
ઈલ્કાબ સાચી રીતે દીપાવી ગયા છો આપ

દોલત જે આપી ઇલ્મની ના ખૂટશે કદી,
કેવો અખૂટ ખજાનો લુંટાવી ગયા છો આપ.

પથ્થર ફેંકનારને આપી હતી દુઆ,
દરિયાદીલ કેવી બતાવી ગયા છો આપ.

મમતા, દયા ને પ્રેમનું આચરણ, જગે-
ઈસ્લામને મહાન બનાવી ગયા છો આપ.

ઉમ્મ્તને માટે રડતા રહી જિંદગી સુધી,
અપરાધ સૌ અમારા મિટાવી ગયા છો આપ.

આ રચનામાં હઝરત મહંમદ પયગંબર સાહેબની રહેમત, ઇલ્મ, ઉદારતા, દયા અને ત્યાગના ગુણોનું આલેખન કરવામાં આવ્યું છે. એક અન્ય રચના હુઝૂરમા મહંમદ સાહેબ અંગે લખે છે,

ઇલ્મ છે દરિયો અને એનો કિનારો આપ છો,
દીનના ગુંબજ તણો ઊંચો મિનારો આપ છો.

આપને મેરાજને માટે ખુદાએ નોતર્યા,
જેમને કીધું ફરીશ્તાએ, પધારો આપ છો.

ચાંદ બે ટુકડા થયો સૂરજ ફરી પલટી ગયો,
આંગળી ઊંચકી કર્યો જેણે ઈશારો, આપ છો.

બસ શિફારિશ આપની મળી જાય જો મનસૂર ને,
હશ્રમા ઉમ્મ્તનો બસ એક જ સહારો આપ છો

આ રચનામાં  શાયરે હઝરત મહંમદ સાહેબની શાનમાં કહ્યું છે કે આપ દીન અર્થાત ઈલ્મે ઇસ્લામનો ઊંચો મિનારાઓ છો. આપણે જ ખુદાએ જન્નત (સ્વર્ગ)મા નોતર્યા હતા. અને ખુદા ફરીશતાઓએ આપનું સ્વાગત કર્યું હતું. હઝરત મહંમદ સાહેબને ખુદાએ બક્ષેલ અલૌકિક શક્તિનો અહિયાં શાયરે ઉલ્લખ કર્યો છે. તેનું આલેખન કરતા શાયર કહે છે કે આપે જ ચાંદના બે ટુકડા કર્યા હતા. સૂરજની સ્થિતિને બદલનાર પણ આપ જ છો. અંતિમ ન્યાયના દિવસે આપની ઉમ્મતને અર્થાત કોમને ખુદા પાસે આપની થોડી ભલામણનો જ સહારો છે. અન્ય એક રચના પણ માણવા જેવી છે. જેનું મથાળું છે હુઝૂરે અકરમ (સ.અ.વ.) અર્થાત એવી વિભૂતિ જેને દુનિયાના કોઈ ક્રમમાં ન મૂકી શકાય.

ખુદાનો પરિચય કરાવી ગયા છે.
અને માર્ગ સાચો બતાવી ગયા છે.

સબક સૌને આપ્યો છે ઈન્સાનિયતનો,
જહાલાતને જગતથી મિટાવી ગયા છે.

રડ્યા જિંદગીભર એ ઉમ્મતને માટે,
જહન્નમથી અમને બચાવી ગયા છે.

જગત માટે રહેમત બનીને જ આવ્યા
અમલથી એ જગતને બતાવી ગયા છે.

અબૂબક્ર, ઉમર, ઉસ્માન, હૈદર,
એ અણમોલ હીરા અપાવી ગયા છે.

ઇસ્લામના ચાર ખલીફાનો અત્રે ઉલ્લેખ જોવા મળે છે. જેમણે મહંમદ સાહેબ પછી ઇસ્લામના પ્રચાર પ્રસારનું અમુલ્ય કાર્ય કર્યું હતું. આવીજ એક અન્ય કૃતિ અમારા નબીજીમા કહ્યું છે,

છે દિલમાં અમારા, અમારા નબીજી
 અને સૌથી પ્યારા અમારા નબીજી

સહ્યા જુલમ ઇસ્લામ ફેલાવાને,
સબરના કિનારા અમારા નબીજી

ઇમામત હુઝૂર (સ.અ.વ.)ની નામક રચનામાં પણ શાયરે હઝરત મહંમદ પયગંબર સાહેબની શાનમા કહ્યું છે,

મશહૂર છે જગતમાં શરાફત હુઝૂરની
 રબને હતી પસંદ ઈબાદત હુઝૂરની

કેવા હતા અબૂબક્ર, ઉમર ઉસ્માન ને અલી
જેણે કદી ના છોડી ઇતાઅત હુઝૂરની

છે કેવો આલી મરતબો અલ્લાહથી મળ્યો
જિબ્રઈલ લઈને આવે ઈજાઝત હુઝૂરની

મહંમદ સાહેબની શાનમા વ્યક્ત થયેલા આ તમામ રચનાઓમા મહંમદ સાહેબની ઈસ્લામને બુલંદ કરવાની ખ્વાહીશ અને નિષ્ઠા જોવા મળે છે. મહંમદ સાહેબે કંડારેલ માર્ગ પર ચાલનાર ચારે ખલીફાઓનું નૈતિક અને સાદગીપૂર્ણ જીવન પણ ઇસ્લામના પ્રચાર પ્રસાર માટે કારણભૂત હતું. એ બાબત ગાંધીજીના હઝરત ઉમર પરના એક અવતરણ પરથી જાણી શકાય છે.એ અવતરણ સાથે આ લેખ પૂર્ણ કરવાની રજા લઈશ.ગાંધીજીએ નવજીવનના એક અંકમાં લખ્યું છે,
શું તમે માનો છો કે ખલીફ ઉમ્મરની ફકીરીથી, સાદગીથી કશો લાભ નથી થયો ? તેમના અમીરોએ જયારે મેદો પસંદ કર્યો ને રેશમી કપડાં ધારણ કર્યા, ત્યારે તેમણે તેમને ઠપકો આપ્યો. તેઓ પથ્થરની ઘંટીથી દળેલો, વગર ચાળેલા આટાની રોટી ખાતા ને ખાદી જ પહેરતા. તેમની પાસે કરોડો રૂપિયા હતા. તેનો ઉપયોગ તેમણે ન કર્યો. તેના તેઓ પોતાને રક્ષક ગણતા. તમે પણ તેમના જેવી સાદગી અને ફકીરી ધારણ કરો ત્યારે જ તમે દેશની ને ધર્મની સેવા કરી શકો. મારપીટથી કઈ ધર્મની સેવા થતી નથી.

Friday, December 2, 2016

“કહાં હૈ મેરા હિન્દોસ્તાન” : ડૉ. મહેબૂબ દેસાઈ


ગુજરાતની જાણીતી બાળ કવિયત્રી, હિન્દુધર્મની વિદુષી અને ગુજરાતી સાહિત્યની નિવૃત્ત અધ્યાપિકા
ડૉ.રક્ષાબહેન પ્રા. દવેએ ૨૮ નવેમ્બરની સવારે મને જાણીતા શાયર અજમલ સુલતાનપુરીનો તરન્નુમમા શાયરી પઠન કરતો એક વિડીયો વોટ્શોપ પર મોકલ્યો. રક્ષાબહેન સાથે મારો નાતો વર્ષો જુનો છે. હિન્દુધર્મ અને બાળ સાહિત્યના તેઓ જ્ઞાતા છે. હિંદુ ધર્મ પરના તેમના પુસ્તકો અને વ્યાખ્યાનો ઘણા લોકપ્રિય છે. હિંદુ ધર્મ અને સંસ્કૃતિના કોઈ શ્લોક અંગે જયારે મને કોઈ દ્વિધા જન્મે ત્યારે મેં અવશ્ય તેમને ફોન કરી પરેશાન કર્યા જ હોય. તેમની વિદ્વતા અંગે મને માન છે. કારણ કે તેમણે હિંદુ ધર્મ પર અઢળક વાંચ્યું છે, વિચાર્યું છે અને વ્યાખ્યાન સ્વરૂપે લોકો સુધી પહોંચાડ્યું છે. તેમના અનેક પ્રવચનો ગ્રંથો સ્વરૂપે પ્રસિદ્ધ થયા છે. જેમાંના કેટલાકનો અત્રે ઉલ્લેખ કરવાની રજા લઉં છું.
વમિતમ્ મધુરમ્--ગીતા પ્રવચનો, ગીતા સુગીતા કર્તવ્યા--ગીતા પ્રવચનો, અનુભવઃ મધુરઃ-મધુરાષ્ટકમ્ સ્તોત્ર-પ્રવચન, અવિનયમ્ અપનય--શંકરાચાર્યકૃત ષટ્પદી સ્તોત્રમ્ ઉપર પ્રવચનો, ભીષ્મસ્તુતિ: ભાગવત અંતરગત આવતી આ સ્તુતિ ઉપર પ્રવચનો, સમા સમાનાં કીર્તનો--સ્વરચિત છાંદસ કીર્તનો ઉપર પ્રવચનો,ૐ શિવાય નમઃ--શિવમહિમ્નઃ સ્તોત્ર –પ્રવચનો, શ્રીમદ્ ભગવદ્ ગીતા : એક જીવન-ગ્રંથ-જિલ્લા જેલમાં 14 દિવસ સુધી ગીતાના 18 અધ્યાય  ઉપર આપેલાં પ્રવચનોની V.D.O.-D.V.D.ભાગ 1-2, યાનિ નામાનિ ગૌણાનિ --વિષ્ણુસહસ્રનામસ્તોત્રમ્ ઉપર પ્રવચનો, વૃત્રાસુરકૃતા ભગવત્સ્તુતિ:--ભાગવતની એ સ્તુતિ ઉપર વિવરણ, શું આપ ઇશ્વરને માનો છો?--રાજેન્દ્રકુમાર ધવનના લેખનો અનુવાદ, શ્રીમદ્ ભાગવતજીનાં બે બાલ ચરિત્રો :ધૃવજી અને પ્રહ્લાદજી, પૂ. રમેશભાઈ ઓઝા સ્થાપિત હરિમંદિરના આઠમા પાટોત્સવ વખતે કરેલું પ્રવચન, આવત આધે નામ--રામરક્ષા સ્તોત્ર ઉપર પ્રવચનો, લક્ષ્ય હવે દૂર નથી--સ્વામી શ્રી રામસુખદાસજીનાં પ્રવચનોના રાજેન્દ્રકુમાર ધવને કરેલ સારસંગ્રહનો અનુવાદ. આવા ગૂઢ ધાર્મિક વિષયો પર મનન, ચિંતન અને વ્યાખ્યાનો આપનાર રક્ષાબહેન જયારે એક ઉર્દુ શાયરના અખંડ ભારત અંગેના બિન સાંપ્રદાયિક વિચારોને વાચા આપતી તરન્નુમમા ગાયેલી રચના મને મોકલે ત્યારે ભારતવાસી હોવાનો એક બુદ્ધિજીવી નાગરિક તરીકે મને ગર્વ થાય છે.

અજમલ સુલતાનપુરી ભારતના જાણીતા કવિ અને ઉર્દુના શાયર છે. ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાના હરખપુર ગામના વતની અજમલ સુલતાનપુરીને ઉત્તર પ્રદેશ સાહિત્ય અકાદમી દ્વારા  ૨૦૧૬મા લાઈફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ તેમની બે રચનોથી ખુબ જાણીતા બન્યા છે. કહાં હૈ મેરા હિન્દોસ્તાન અને આગરા મેં તેરા શાહજહાં અત્રે તેમની પ્રથમ રચના કહાં હૈ મેરા હિન્દોસ્તાનની આપણે વાત કરી રહ્યા છીએ. જેમાં તેઓ અખંડ હિન્દોસ્તાનની  ખ્વાહીશ કરે છે, એ હિન્દોસ્તાન સમયે ન પાકિસ્તાન હતું , ન બાંગ્લાદેશ હતો. જેનો ધર્મ અથવા મઝહબ પ્રેમ હતો. જ્યાં હિંદુ મુસ્લિમ એક બીજાની જાન લેવા કરતા, એક બીજા પર જાન કુરબાન કરતા હતા. જ્યાં હિંદુ ગીતો અને ઉર્દુ ગઝલો એકસાથે ગવાતા હતા. જ્યાં મીર, ગાલીબ, તુલસીદાસ અને કબીર લોકોના માનસમાં વસતા હતા. એવા નિર્મળ અને પ્રેમથી છલકાતા હિન્દોસ્તાનની અજમલ સુલતાનપુરી તેમની આ રચનમા તલાશ કરી રહ્યા છે. રચના મને પ્રથમ વાંચનમાં જ સ્પર્શી ગઈ હતી અને તમને પણ અવશ્ય ગમી જશે. રચનાનું શીર્ષક છે,

કહાં હૈ મેરા હિન્દોસ્તાન

મુસલમાન ઔર હિંદુ કી જાન
કહાં હૈ મેરા હિન્દુસ્તાન
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં

મેરે બચપન કા હિન્દોસ્તાન
ન બાંગ્લાદેશ દેશ, ન પાકિસ્તાન
મેરી આશા, મેરા અરમાન
વો પૂરા પૂરા હિન્દોસ્તાન
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં

વો મેરા બચપન, વો  સ્કૂલ
વો કચ્ચી સડકે, ઉડતી ધૂલ
લહકતે બાગ મહકતે ફૂલ
વો મેરે ખેત,મેરા ખલીયાન
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં

વો ઉર્દુ ગઝલે, હિન્દી ગીત
કહી વો પ્યાર, કહી વો પ્રીત
પહાડી ઝરનો કે સંગીત
દિહાતી લહરા, પુરબી તાન
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં

જહાં કે કૃષ્ણ, જહાં કે રામ
જહાં કી શ્યામ સલોની શામ
જહાં કે સુબહ બનારસ ધામ
જહાં ભગવાન કરે સ્નાન
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં

જહાં થે તુલસી ઔર કબીર
જાયસી જૈસે પીર ફકીર
જહાં થે મોમીન, ગાલીબ, મીર
જહાં થે રહમત ઔર રસખાન
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં

વો મેરી પુરખો કી જાગીર
કરાંચી, લાહોર ઔર કશ્મીર
વો બિલકુલ શેર જેસી તસ્વીર
વો પૂરા પૂરા હિન્દોસ્તાન
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં

જહાં કી પાક પવિત્ર જમીન
જહાં કી મીટ્ટી ખુલ્નશીન
જહાં મહારાજ મૌંયુનિદ્દીન
ગરીબ નવાઝ હિન્દોસ્તાન
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં

વો ભૂખા શાયર, પ્યાસા કવિ
સિસકતા ચાંદ, સુલગતા રવિ
વો ઇસ મુદ્રા મેં એસી છબી
કરા દે અજમલ કો જલપાન
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં
મેં ઉસકો ઢૂંઢ રહા હૂં


આવો ફરી એકવાર આપણે સૌ ભેળા થઈ અજમલ સુલતાનપુરીની કલ્પનાના હિન્દુસ્તાનને સાકાર કરીએ, જ્યાં સૌનો મઝહબ માત્ર પ્રેમ, પ્રેમ અને પ્રેમ જ હોય : આમીન.