Tuesday, September 13, 2016

હૈદરાબાદની બે ઐતિહાસિક મસ્જિતો : ડૉ. મહેબૂબ દેસાઈ


૨૪ થી ૨૬ ઓગસ્ટ દરમિયાન શૈક્ષણિક હેતુ સર હૈદરબાદના ઓસ્માનીય વિશ્વ વિદ્યાલયની મુલાકાત લેવાનું થયું. ૨૬ ઓગસ્ટ શુક્રવાર હોઈ, મનોમન નક્કી કરેલું કે જુમ્માની નમાઝ હૈદરાબાદની મક્કા મસ્જિતમા પઢીશ. મક્કા મસ્જિત ભારતની બીજા નંબરની સૌથી મોટી મસ્જિત છે. ભારતની પ્રથમ મોટી મસ્જિત દિલ્હીના ચાંદની ચોકમાં આવેલ જામા મસ્જિત છે. જેમાં એક સાથે ૨૫૦૦૦ હાજર માણસો નમાઝ અદા કરી શકે છે. તેનું સર્જન મોઘલ શાશક શાહજહાંએ ૧૬૪૪ થી ૧૬૫૬ દરમિયાન કર્યું હતું. એ સમયે લગભગ એક કરોડ રૂપિયાના ખર્ચે બનેલ આ મસ્જિતનું ઉદઘાટન બુખારા (હાલ ઉઝેબીક્સ્તાન)ના ઈમામ દ્વારા થયું હતું. તેના ત્રણ મોટા દરવાજાઓ અને ચાર મિનારાઓનું સર્જન લાલ પથ્થરો અને સફેદ સગેમરમર દ્વારા કરવામાં આવ્યું છે.  આ મસ્જિતનું સ્થાપત્ય લાહોર(પાકિસ્તાન)મા આવેલ અને ઔરંગઝેબ દ્વારા નિર્માણ થયેલ જામા મસ્જિતને હુબહુ મળતું આવે છે.

ભારતની બીજા ક્રમની સૌથી મોટી મસ્જિત હૈદરબાદની મક્કા મસ્જિત છે. જે હૈદરાબાદ(તેલંગણા રાજ્ય)ના લાડ બાઝાર અને ચાર મિનાર જેવા ઐતિહાસિક સ્થાનો પાસે આવેલી છે. હૈદરાબાદની ઐતિહાસિક મક્કા મસ્જિતના બાંધકામનો આરંભ હૈદરબાદના છઠ્ઠા સુલતાન મુહમ્મદ કુલી કુતુબ શાહ દ્વારા ઈ.સ. ૧૬૧૭મા કરવામાં આવ્યો હતો. એમ કહેવાય છે કે કુતુબ શાહે સૌ પ્રથમ પથ્થર મક્કાથી લાવી તેના બાંધકામનો આરંભ કર્યો હતો. પરિણામે તેનું નામ મક્કા મસ્જિત પડ્યું છે. કુતુબ શાહે આ મસ્જિત નું નિર્માણ ફીજુલ્લાહ બેગ અને રંગીયાર ચૌધરીની દેખરેખમાં શરુ કરાવ્યું હતું. એ  પછી તેનું નિર્માણ અબ્દુલ્લાહ કુતુબ શાહ અને તના કુતુબ શાહના સમયમાં પણ શરુ રહ્યું હતું. ઈ.સ ૧૬૯૪મા મુઘલ સમ્રાટ ઔરંગઝેબના સમયમાં તેનું નિર્માણ પૂર્ણ થયું હતું. આમ ૮૦૦૦ કારીગરોની ૭૭ વર્ષની સખત મહેનત પછી મક્કા મસ્જિત પૂર્ણ થઇ હતી.

ઇસ્લામિક સ્થાપત્યને ઉજાગર કરતી મક્કા મસ્જિતમા એક સાથે દસ હજાર મુસ્લિમો નમાઝ અદા કરી શકે છે. 
ગ્રેનાઈટના પથ્થરોથી બનેલી આ મસ્જિતના મુખ્ય હોલની ઉંચાઈ ૭૫ ફીટ છે. જયારે ૨૨૦ ફીટ તેની ઊંડાઈ છે. સમગ્ર હોલની લંબાઈ ૧૮૦ ફીટ છે. મસ્જિતની વિશાળ ઈમારત સામે જ આકાશ સાથે સંવાદ કરતુ મોટું મેદાન આવેલું છે. જુમ્માની નમાઝ સમયે તે નમાઝીઓથી ચિક્કાર ભરાઈ જાય છે. એ જ મેદાનમાંથી ડાબી બાજુ નજર કરો તો ચાર મિનારના દીદાર થાય છે. મસ્જિતનું પ્રવેશદ્વાર કલાનો બેનમુન નમુનો છે. હું શુક્રવારે ૧૨ વાગ્યે જુમ્માની નમાઝ માટે મસ્જિત પર પહોચ્યો ત્યારે મને તેમાં પ્રવેશતો અટકાવવામાં આવ્યો. મુલાકાતીઓ માટે મસ્જિત બપોરે ત્રણ વાગ્યા પછી જ ખુલ્લી મુકાય છે. ૧૮ મેં ૨૦૦૭ના રોજ આતંકવાદીઓએ મસ્જિતના પ્રવેશ દ્વારા પર વિસ્ફોટ કર્યો હતો. પરિણામે ત્યારથી મસ્જિતની સુરક્ષા બમણી કરી નાખવામાં આવી છે. એટલે મુલાકતીઓ માટે તેને બપોરે ત્રણ વાગ્યા પછી જ ખુલ્લી મુકવામાં આવે છે. પણ જયારે મેં સુરક્ષા કર્મીઓને જણાવ્યું કે હું તો જુમ્માની નમાઝ પઢવા આવ્યો છું ત્યારે તેમણે મને અંદર પ્રવેશ આપ્યો હતો. ચાર મિનાર અને મક્કા મસ્જિત બંનેને સરકારે હેરીટેજ સ્મારકોની શ્રેણીમા મુક્યા છે. જેથી બંનેની જાણવાની ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

બહુ ઓછા લોકો જાણતા હશે કે ચાર મિનારએ માત્ર ચાર મિનારા નથી. પણ તેના અંતિમ માળે એક સુંદર અને ભવ્ય મસ્જિત પણ આવેલી છે.  મુસ્લિમ શિયા પંથના સુલતાન મુહમ્મદ કુલી કુતુબ શાહએ ઈ.સ. ૧૫૯૧મા તેનું સર્જન કરાવ્યું હતું. હાલ તે તેલંગાણા રાજ્યનું હૈદરાબાદ શહેરનું સૌથી પ્રસિદ્ધ સ્મારક છે. મુસી નદીના કાંઠે અને લાડ બાઝાર પાસે આવેલ આ ઈમારતના ચારે મિનારાઓ મુસ્લિમ સ્થાપત્યના અદભુદ નમુનાઓ છે.  ચાર મિનારના સર્જનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર સુલતાન મુહમ્મદ કુલી કુતુબ શાહનો મુખ્ય પ્રધાન મીર મોમીન અસ્ત્રબાડી હતો. તેણે હૈદરાબાદ શહેરના સર્જન સાથે સૌથી પ્રથમ ઈમારત તરીકે ચાર મીનારનું સર્જન કર્યું હતું. તેના આયોજન મુજબ હૈદરબાદ શહેર ચારે  મિનારાઓની દિશાઓમાં વહેચાયેલું છે. જે આજે પણ ચાર મિનાર ઉપરથી શહેરનું નિરીક્ષણ કરતા માલુમ પડે છે. ચાર દરવાજા ઉપર અવલંબિત ચારે મિનારાઓ ૪૭.૭ મીટર અર્થાત ૧૬૦ ફીટ ઉંચા છે.

હાલ ભારત સરકારના પુરાતત્વ વિભાગ તરફથી ચારે  મિનારાઓનું સ્મારકમ ચાલી રહ્યું છે. મેં જયારે તેની મુલાકાત લીધી ત્યારે એક મિનારાનું સમારકામ પૂર્ણ થઈ ગયું હતું. જયારે બાકીના ત્રણ મિનારામાંથી બેનું સમારકામ પુર જોશમાં ચાલુ હતું. ટૂંક સમયમાં હૈદરાબાદના આ વિશ્વ વિખ્યાત ચાર મિનારા પુનઃ સજધજ સાથે લોકો સમક્ષ મુકાશે. પણ ત્યારે કદાચ તેની ઉપર ચડવાની પરંપરા બંધ કરી દેવામાં આવશે. એમ ત્યાના એક સરકરી ગાઈડે અમને માહિતી આપી હતી.

હવે ચાર મિનારાના આખરી માળ પર આવેલી નાનકડી મસ્જિતની થોડી વાત કરીએ. ચાર મિનારના અંતિમ મજલા પર એક સુંદર પણ નાનકડી મસ્જિત આવેલી છે. કહેવાય છે આ મસ્જિતમા શાહી કુટુંબના સભ્યો નમાઝ પઢતા હતા. આ મસ્જિતનું નિરીક્ષણ હવે તો દુર્લભ બની ગયું છે. પરિણામે બહુ ઓછા પ્રવાસીઓ તેનાથી પરિચિત છે. એ મસ્જિતનો કીબલો પણ અન્ય મસ્જિતો જેમ પશ્ચિમ તરફ છે. પથ્થરમાં કોતરેલ સુંદર વેલ અને બુટ્ટાઓથી સુશોભિત આ મસ્જિતમા પ્રવેશવાના પાંચ દરવાજાઓ છે. તેને  પંજતનના પ્રતિક સમાન માનવમાં છે. ઇસ્લામના પાંચ મહાનુભાવોનો તે નિર્દેશ કરે છે. હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ), હઝરત અલી (અ.સ.), હઝરત ફાતિમા, હઝરત હસન અને હઝરત હુસૈન. આ નાનકડી મસ્જિતમા ૪૮ મુસ્લાઓ (નમાઝ પઢવાના નિશ્ચિત માપના કપડાઓ) છે. અર્થાત અહિયાં ૪૮ મુસ્લિમો નમાઝ પઢી શકે તેટલી સગવડતા છે. ચાર મિનારની જાળવણીના સંદર્ભે હાલ આ મસ્જિતમા જવા પર પ્રતિબધ મુકવામાં આવેલ છે.



1 comment: