Sunday, September 4, 2016

નવતર સર્વધર્મ પ્રાર્થના : ડૉ. મહેબૂબ દેસાઈ


થોડા દિવસ પૂર્વે એક અજાણ્યો ફોન આવ્યો. પરિચયમાં પોતાનું નામ અતુલ ભટ્ટ જણાવ્યું. અતુલભાઈ નિજાનંદ અર્થે માનસિક અને શારીરિક વિકલાંગ બાળકોની એક અનૌપચારિક યુનિક ચિલ્ડ્રન કલબ ચલાવે છે. જેમાં કોઈ પણ જાતના ધર્મ કે જ્ઞાતિના ભેદભાવો રાખ્યા વગર વિકલાંગ બાળકો અને તેમના વાલીઓને મદદ રૂપ થવા પ્રયાસ કરે છે. એ માટે  દર માસે પોતાના ગાંઠના ખર્ચે વિકલાંગ બાળકો અને તેમના માતા-પિતાની એક બેઠક રાખે છે. તેમાં સૌને નાસ્તો કરાવે છે. સારા પુસ્તકો ભેટ આપે છે. અને અનુકુળતા ગોઠવાય તો કોઈ સારા વકતો કે વ્યક્તિને બોલાવી તેમની સાથે વિકલાંગ બાળકો અને વાલીઓના સંવાદ પણ ગોઠવે છે. આમ વિકલાંગ બાળકો અને તેમના વાલીઓના જીવનમાંથી હતાશા દૂર કરી, જીવવાનું નવું બળ આપવા તેઓ સતત પ્રયાસ કરે છે. આવું સેવાકીય કાર્ય અતુલભાઈ છેલ્લા તેર વર્ષોથી કરે છે. છતાં એક પણ પૈસાની તેમણે કોઈની પણ પાસે ક્યારેય અપેક્ષા રાખી નથી. માત્ર પોતાના નિજાનંદ માટે તેઓ આ કાર્ય કરતા રહે છે. અને એટલે જ સર પ્રભાશંકર પટ્ટનીએ કહ્યું છે,

થયેલા દુષ્ટ કર્મોના છૂટા જંજીરથી થાવા,
 જરા સત્કાર્યોની નાની, ઉઘાડી રાખજો બારી

દર માસે મળતી યુનિક ચિલ્ડ્રન કલબની વિકલાંગ બાળકો અને તેમના વાલીઓ સાથેની અનોપચારિક બેઠકનો આરંભ સર્વધર્મ પ્રાર્થનાથી થાય છે. એવી જ એક બેઠકમાં મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ આપવા અતુલભાઈએ મને ફોન કર્યો હતો. વિકલાંગ બાળકોને મળવાનું મને ગમે. પણ તેમને વ્યાખ્યાન આપવામાં હું કાચો પડું. છતાં અતુલભાઈના આગ્રહને કારણે મેં સંમતી આપી. બીજા દિવસે અતુલભાઈ તરફથી એક નિમંત્રણ પત્ર અને એક સર્વધર્મ પ્રાર્થના મને મળ્યા. એ નવતર સર્વધર્મ પ્રાર્થના હું એક બેઠકે વાંચી ગયો. મને એ પ્રાર્થના ગમી ગઈ. આજે એ પ્રાર્થના અંગે થોડી વાત કરવી છે.

આમ તો મોટે ભાગે સર્વધર્મ પ્રાર્થનામાં સર્વધર્મનો વિચાર જોવા મળે છે. પણ અતુલભાઈએ સર્જેલ પ્રાર્થનામાં દરેક ધર્મના ઈશ્વર કે ખુદના નામનો સૌ પ્રથમ ઉલ્લેખ જોવા મળે છે. મને મોકલેલ પ્રાર્થનાના પત્રના આરંભમાં જ્યોત સે જ્યોત જલાતે ચલો પ્રેમ કી ગંગા બહાતે ચલો ના સૂત્રની વચ્ચે સર્વ ધર્મના પ્રતીકો વ્યક્ત કરતો એક લોગો મુકવામા આવ્યો છે. એ પછી લખ્યું છે,
અનન્ય શિશુ મંદિરના અનન્ય બાળકોની અનન્ય નિત્ય પ્રાર્થના
એ પછી પ્રાર્થના આપવામાં આવેલા છે. સૌ પ્રથમ એ પ્રાર્થના માણીએ.

યહોવા ઈલોહીમ ઈશુ: મનશની ચ ગવશની ચ !
 કુનશની રહેમાન અલ્લાહ ઓમકાર બહ્મા ઈશ્વર: !!

નામભેદસ્થિત: એક: પ્રોક્ત: અનેકધા !
શક્તિ શાંતિ તથાનંદ ભગવાનમ પ્રેમ દદાતુ ન:

આ બે શ્લોકોમા સંસ્કૃત, ફારસી, અરબી અને હિબ્રુ ભાષાના શબ્દોનો પ્રયોગ થયો છે. તેમાં જુદા જુદા નામધરી ભગવાનના નામોનો ઉલ્લેખ કરી તેની પાસે યાચના કરવામાં આવેલ છે. એ દ્રષ્ટિએ આ પ્રાર્થનામા સર્વધર્મ આધ્યાત્મિક પ્રાર્થનાને સુંદર રીતે સાકાર કરવામાં આવેલ છે. સૌ પ્રથમ તેનું ગુજરાતી ભાષાંતર જોઈએ.
યહોવા ઈલોહીમ ઈશુ, પરમ કૃપાળુ અલ્લાહ, ઓમકાર બ્રહ્મ સ્વરૂપ ઈશ્વર, આપ સૌ જુદાજુદા નામો ધરાવો છો, છતાં અમને શુદ્ધ વિચાર, શુદ્ધ હદય, શુદ્ધ આચાર સાથે શક્તિ, શાંતિ, આનંદ અને પ્રેમ અર્પજો
યહોવા ઈલોહીમ ઈશુ એ ખ્રિસ્તી ધર્મનું પ્રતિક છે. ખ્રિસ્તી ધર્મના પવિત્ર ગ્રંથ બાઈબલમાં ભગવાન ઈસુને યહોવા કહ્યા છે. ગુજરાતીમાં તેનો ઉચ્ચાર યહોવા થાય છે. જયારે અંગ્રેજીમાં તે Jehovah લખાય છે. એટલે સૌ પ્રથમ ભગવાન ઈસુને પ્રાર્થનામાં યાદ કરવામાં આવ્યા છે. ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફના આરંભમાં જ કહ્યું છે,
બિસ્મિલ્લાહ અર રેહમાન નીર રહીમ અર્થાત શરુ કરું છું અલ્લાહના નામથી જે પરમ કૃપાળુ અને દયાળુ છે
એ જ શબ્દ રહેમાન અલ્લાહ અર્થાત દયાળુ અલ્લાહ શબ્દનો પ્રયોગ પ્રાર્થનામાં બીજા ક્રમે થયો છે. એ પછી હિંદુ ધર્મના શબ્દ ઓમકાર બ્રહ્માનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઓમ શબ્દ અ, ઉ, અને મનો બનેલો છે. અ એટલે બ્રહ્મા. જેમણે જગતનું સર્જન કર્યું. ઉ એટલે  વિષ્ણુ.  જેમણે જગતનું પાલન પોષણ કર્યું. અને મ એટલે શંકર. જેમણે જગતનું કલ્યાણ કર્યું. એ અર્થમાં જગતનું સર્જન કરનાર, પોષણ કરનાર અને કલ્યાણ કરનાર ઈશ્વરને અત્રે સંબોધવામા આવ્યા છે. અને તેમની પાસે યાચના કરવામાં આવી છે. આમ એક સાથે ઈશ્વર, અલ્લાહ અને ઇસુ પાસે પ્રાર્થના કરવામા આવી છે. શ્લોકમા આવતા મનશની ગવશની અને કુનશની ત્રણે શબ્દો ફારસી ભાષાના છે. જેનો અર્થ થાય છે શુદ્ધ વિચાર, શુદ્ધ હદય અને શુદ્ધ આચાર. આમ ત્રણે ભગવાનોને સંબોધીને પ્રાર્થના કરવામાં આવી છે કે હે ભગવાન, અમને શુદ્ધ વિચાર, શુદ્ધ હદય, શુદ્ધ આચાર સાથે શક્તિ, શાંતિ, આનંદ અને પ્રેમ આપજો.

આવા સર્વધર્મ સમભાવ ઉદેશને વરેલ અનોપચારિક યુનિક ચિલ્ડ્રન કલબના સભ્યોએ જન્માષ્ટમી ના તહેવારની ઉજવણી ધર્માંષ્ટમી ના નામે કરી હતી. જેમાં સૌ ધર્મના દેવો અને મહાનુભાવોનો જન્મોત્સવ સુંદર નૃત્ય નાટિકા દ્વારા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સૌએ સાથે મળી ઉજવ્યો હતો. આ જ સાચા ભારતની આજે આપણે સૌ ઝંખના કરીએ છીએ. અને જ્યાં સુધી આવા વિચારોને સાકાર કરતા  અતુભાઈઓ ગલી ગલી મોહ્લ્લોમાં જીવંત હશે, ત્યાં સુધી આપણું એ ભારત સદાકાળ ધબકતું રહેશે.



No comments:

Post a Comment