Sunday, January 18, 2015

સૂફીસંત શાહ લતીફની રહસ્યમય રચનો : ડો. મહેબૂબ દેસાઈ

સિંધના રહસ્યવાદી સૂફી સંત શાહ લતીફની રચનોનું ગુજરાતી ભાષાંતર હાલ મારા અભ્યાસમાં આવ્યું. તેમના કથનો અને રચનાઓ સમજવા વાચકે આધ્તાત્મિક ઊંડાણને પામવું પડે. તેઓ કહેતા,

"તમારા મસ્તકને બંને ગોઠણ વચ્ચે દબાવીને એકાંતમાં જીવો"

અર્થાત તમારા અહંકારને તમારામાં જ ઓગળી એકાન્તમાં જીવવાનું કહેનાર શાહ લતીફ આગળ કહે છે,

"જ્યાં જ્યાં હું દ્રષ્ટિ કરું છું ત્યાં ત્યાં હું માત્ર એને જ (પરમાત્મા) નિહાળું છું. દરેક ચીજ એનો  ઉદઘોષ કરે છે. દરેક વ્યક્તિ મન્સુર બની ગઈ છે. કહો આમાંથી કેટલાને ફાંસીને માંચડે લટકાવું ?"

જીવનની પાઠશાળામાં ભણેલા લતીફ તેમના પિતા પાસેથે ફારસી અને અરબી શીખ્યા હતા. તેમની રચાનોમાં ભાષાનું સોંદર્ય અને અર્થની ગહનતા બંને ભારોભાર જોવા મળે છે.

"ઉપવાસો અને પ્રાર્થનાઓ ! ચોક્કસ પણે

 તેઓ પોતાનું મુલ્ય ધરાવે છે જ ;

 તેમ છતાં પ્રિયતમના દીદાર કરવા માટે

 એકબીજા પર રોશની છે,

 એ રોશની એટલે પ્રેમભાવની રોશની"

બે ગોવાલણો વાતો કરતી હતી. એક ગોવાલણે બીજીને કહ્યું,

"હું તો મારા પ્રિયતમને આટલીવાર મળી, તું કેટલીવાર મળી ?"

બીજી ગોવાલણે કહ્યું ,

"બહેન,પોતાના પ્રેમીને કેટલી વખત મળવાનું થયું તેનો હિસાબ શા માટે રાખવો જોઈએ ?" શાહ લતીફ આ સંવાદો સાંભળી બોલી ઉઠ્યા,

 "એમના દેહ જ જપમાળા

 મન છે એમના મણકા

 એમના હદય છે વીણા

 તૂ હી તૂ  "તૂ હી તૂ "નું અંતરગાન

 એવા (મહાત્માઓ) કે જેની નિંદ્રા પણ પ્રાર્થના બની છે

 તેઓ ઊંઘમાં પણ જાગૃતિમાં હોય છે" 

એક વખત શાહ લતીફ રસ્ત્તાની એક બાજુ બેઠા હતા. ત્યારે થોડા યાત્રિકોને તેમને મક્કા તરફ જતા જોયા. એ વખતે તેમના મનમાં પણ મક્કા જવાની ઈચ્છા થઇ. એ જ વખતે એમણે તરસ્યા ઘેટા-બકરાનું ટોળું જોયું. એ ટોળાએ બાજુના ઝરણાના સ્વચ્છ, પારદર્શક પાણીમાં પ્યાસ બુઝાવી અને તે ઝરણા સામે આભારનો દ્રષ્ટિપાત કર્યો.

અને ઘેટા-બકરાનું ટોળું ચાલવા માંડ્યું. એ જોઈ શાહ લતીફના મુખમાંથી કવિતા ફૂટી,

"કદાચ આ જન્મ હું તને શોધ્યા કરીશ,

 શોધ્યા જ કરીશ,

 પરંતુ કદાચ હું તને કદીયે ન મળી શકું"

કહેવાય છે કે શાહ લતીફને તેમના શિક્ષકે "અલીફ" પછી "બે" શીખવાડવાનો પ્રયાસ કર્યો. અને તેમને તે શબ્દ શીખવાની ના પડી દીધી. તેમના એક કાવ્યમાં તેઓ લખે છે,

 "તમારા હદય પ્રદેશમાં

 "અલીફ" (અલ્લાહ)નો ખેલ ચાલતો રહે

 તેથી તમને તમારી કોરી વિદ્વતાની

 અર્થવિહીનતા મીથ્થ્યાભિમાનનું ભાન થશે

 તમને એ ચોક્કસ સમજાશે કે

 જીવન પ્રત્યે પવિત્ર દ્રષ્ટિ જોવા  

 એક માત્ર અલ્લાહનું નામ પર્યાપ્ત છે.

 જેમના હ્દયોમાં તીવ્ર ઈચ્છા છે.

 તેઓ એ જ (જીવન) પૃષ્ટ વાંચશે

 જેના પર તેમને પ્રિયતમાના દીદાર થશે"

એકવાર શાહી કુટુંબની રાજકુમારી બીમાર પડી. શાહ લતીફના પિતા હકીમ હતા. તેઓ જઈ શકે તેમ ન હતા. એટલે તેમણે પુત્ર લતીફને રાજકુમારી પાસે મોકલ્યો. યુવાન શાહ લતીફ રાજકુમારીનું સોંદર્ય જોઈ તેના પ્રેમમાં પડ્યા. પણ રાજકુમારીના પિતાએ તેનો ઇનકાર કર્યો. અને શાહ લતીફ સંસાર ત્યાગી નીકળી પડ્યા.

"હે વિસ્મયકારક, કયા છુપાયો છે તું ? ખીલેલા કમળ અને ઉડતા હંસમા સોંદર્યવાન પ્રિયતમાને શોધું છું. એકાદવાર તેની ઝાંખી તો થઇ હતી. પણ અત્યારે તે અતિ સૂદૂર લાગી રહ્યા છે"

તેમની એક રચનામા આ વિચાર સાકાર થયો લાગે છે.

 "કમળના મૂળ તો તળિયામા પથરાયેલા હોય છે

 અને મધમાખી તો નિવાસી છે આકાશની

 (તેમ છતાં) ધન્ય છે એ પ્રેમ જે એ બંને ને જોડી દે છે.

 ગહરાઈની ગહનતામાં હંસ વસવાટ કરે છે

 જો તું એ ઊંડાણ પર એક વખત

 પ્રેમભરી દ્રષ્ટિ કરીને હંસ નિહાળશે

 તો તું ક્યારેય પછી બીજા પક્ષીઓ

 જોડે નહિ જ રહી શકે."

તેમના કેટલાક કાવ્યોમા સરળતા અને સૂફીઝમની સુગંધ પણ ભરેલી જોવા મળે છે.

"શું તું પોતાની જાતને પતંગિયું કહે છે !

 તો પછી આગને જોઈને પીઠ ન ફેરવતો ;

 પૂછ પરવાનાને, જલી જવું એટલે શું ?

 આ આગે ઘણાને ભસ્મીભૂત કર્યા છે

 આ આગમાં હોમી દે પોતાની જાતને

 આનંદો ! આનંદો તમે !  

 આનંદ સમાધી તો દેખતા ને થાય

 આંધળાને આનંદસમાધી વળી કેવી ?

 તેઓએ આનંદ ખરીદી લીધો છે

 અને તેને તેઓ હંમેશા પોતાની સાથે રાખે છે

 આ સ્થિતિ શબ્દની પેલે પારની છે

 તેઓની નજર જો પોતાના શત્રુ પર પણ પડે છે

 તો  તેઓ તેનામાં પણ પ્રિયતમના દર્શન કરે છે"

શાહ લતીફ કહે છે " સત્ય, કલ્યાણ અને સૌન્દર્ય, જયારે આપણે તેના દર્શન કરીએ છીએ ત્યારે આપણો આત્મા ગાઈ ઉઠે છે,

 "મિત્રો, તમે એને એ રીતે નથી જોઈ શકતા જે રીતે એને હું

 નિહાળું છું

 તે વધુ પ્રકાશિત છે સુર્ય અને તારામંડળથી

 ચંદ્રમાંથી અને નક્ષત્રોમાંથી

 તે માખણ, મધ અને શેરડી કરતાંય વધુ મીઠો છે.

 શાહ લતીફ જાહે છે કે પ્રિયતમનો જન્મ અંદર થયા છે."

રહસ્યવાદી સંતો અને કવિઓ જ આવી રચનો સર્જી શકે છે કારણ કે તેઓ દિવ્ય જ્ઞાનથી પ્રજવલિત હોય છે.
 
 
 
 

No comments:

Post a Comment