ગત શુક્રવારે જુમ્માની નમાઝ અદા કરી ઉસ્માનપુરામાં આવેલા સૂફી સંત હઝરત ઉસ્માન(ર.અ)ના
મકબરામા આવેલી શાહી મસ્જિતમાંથી બહાર નીકળ્યો, ત્યારે એક છોકરાએ મારા હાથમાં એક પત્રિકા થમાવી દીધી. આમ તો આવી પત્રિકાઓ વ્યવસાયિક જાહેરાતોની હોય છે. પણ પત્રિકા પર નજર કરી તો નવાઈ લાગી. એ પત્રિકા એક શૈક્ષણિક નિબંધ સ્પર્ધાની હતી. શિક્ષણમાં નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન વિદ્યાર્થીઓના જ્ઞાન અને ચરિત્ર ઘડતર માટે થાય છે. આવી જ એક સ્પર્ધામાં વિદ્યાર્થીઓને જોડાવાનું નિમંત્રણ આપતી એ પત્રિકાનું મથાળું હતું
"સીરત નિબંધ સ્પર્ધા" ઉર્દુમાં સીરત શબ્દ ચરિત્ર માટે વપરાય છે. એ અર્થમાં મુહમ્મદ પયગમ્બર સાહેબ(સ.અ.વ.)ના જીવન ચરિત્રના ત્રણ પાસાઓને આવરી લેતી આ સ્પર્ધાનું આયોજન ઇસ્લામી સાહિત્ય એકેડેમી, ગુજરાત (૨, જુમસ્ન ચેમ્બર્સ, અરબ મસ્જિત પાછળ,પથ્થર કુવા, રીલીફ રોડ, અમદાવાદ) દ્વારા કરવામાં આવેલ છે. હઝરત પયગમ્બર સાહેબ(સ.અ.વ.)ના જીવન ચરિત્રના ત્રણ પાસાઓ આ સ્પર્ધામા આવરી લેવામાં આવ્યા છે.
૧. પયગમ્બર હઝરત મુહમ્મદ સાહેબ (સ.અ.વ.) : એક વિશ્વ વિજેતા
૨. પયગમ્બર હઝરત મુહમ્મદ સાહેબ (સ.અ.વ.) : ઇસ્લામી દાઈ (નિમંત્રક)
૩. પયગમ્બર હઝરત મુહમ્મદ સાહેબ (સ.અ.વ.) : એક સર્વ શ્રેષ્ટ સમાજ સુધારક
આ નિબંધ સ્પર્ધાનું ઉત્તમ પાસુ એ છે કે ૯ થી ૧૨મા ધોરણમાં અભ્યાસ કરતા કોઈ પણ કોમ કે ધર્મના વિદ્યાર્થીઓ તેમાં ભાગ લઇ શકે છે. એ પત્રિકામાં ૩૦૦ થી ૪૦૦ શબ્દોમાં પયગમ્બર હઝરત મુહમ્મદ સાહેબ(સ.અ.વ.) ના ઉપરોક્ત ત્રણ પાસામાંથી કોઈ પણ એક પર નિબંધ લખવાનું નિમંત્રણ આપવામાં આવ્યું છે. આવું ઉદેશ્ય લક્ષી આયોજન કરવા બદલ સ્પર્ધાના
આયોજકોને અભિનંદન. જો કે મારે અત્રે એ સ્પર્ધા અંગે વધુ વાત નથી કરવી. પણ ઉપરોક્ત વિષય માટે સ્પર્ધકો કે વિદ્યાર્થીઓએ કયા આધારભૂત ગ્રંથો રીફર કરવા જોઈએ તે અંગે થોડી વાત કરવી છે.
દરેક ધર્મના સંતો,પયગમ્બરો કે મહામાનવો સમગ્ર સમાજ માટે આદર્શ અને અનુકરણીય હોય છે. મુલ્યનિષ્ઠ સમાજના ઘડતરમાં તેમનો ફાળો નીવ કી ઈંટ સમાન હોય છે. પયગમ્બર હઝરત મુહમ્મદ સાહેબ(સ.અ.વ.) એવા જ ઇસ્લામના અંતિમ પયગંબર હતા.
મહાન ઇતિહાસકાર
અર્નોલ્ડ ટોયનબી તેમના પુસ્તક "ઘી પ્રીચિંગ ઓફ ઇસ્લામ"માં લખે
છે,
"મહંમદ
સાહેબને એકી સાથે ત્રણ વસ્તુઓ સ્થાપવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. એક કોમ (નેશન),એક
રાજ્ય (સ્ટેટ) અને એક ધર્મ. ઇતિહાસમાં ક્યાય આ જાતનો દાખલો જોવા મળતો નથી."
અગ્રેજ લેખક માઇકલ હાર્ટ તેમના પુસ્તક "ધી ૧૦૦" મા લખે છે,
"પયગમ્બર હઝરત મુહમ્મદ સાહેબ(સ.અ.વ.) વિશ્વની સૌથી પ્રભાવશાળી વ્યક્તિ હતા"
બ્રિટીશ લેખક બોસબર્થ લખે છે,
"જો કોઈ વ્યક્તિ માટે એવું અધિકારથી કહેવું હોય કે તેણે સપૂર્ણ પણે ન્યાય અને ખુદાઈ આદેશ અનુસાર જીવન વિતાવ્યું અને શાસન સંભાળ્યું છે, તો એ માટે એક માત્ર નામ છે પયગમ્બર હઝરત મુહમ્મદ સાહેબ(સ.અ.વ.)"
ઇસ્લામના અંતિમ પયગમ્બર મુહમ્મદ સાહેબ(સ.અ.વ.) અંગે આજ દિન સુધી અનેક ગ્રંથો લખાયા છે. પણ મુહંમદ સાહેબનું પ્રથમ જીવનચરિત્ર લખવાનો યશ ઈબ્ન હિશામનીને જાય છે. ઈબ્ન હિશામનીનું મૂળ નામ તો ઘણું લાંબુ છે. મુહંમદ ઈબ્ન હિશામની ઈબ્ન યાસીર ઈબ્ન ખિયાર. પણ ઇસ્લામી ઇતિહાસમાં તેઓ ઈબ્ન હિશામની તરીકે જાણીતા છે. ઈ.સ. ૭૦૪મા મદીનામાં જન્મેલ ઈબ્ન હિશામનીના પિતા આરબોના કેદી હતા. ઇસ્લામનો અંગીકાર કરતા તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. એ પછી તેઓ મદીનામાં આવી વસ્યા. નાનપણથી જ હિશામની મુહંમદ સાહેબના નામ અને કામથી ખુબ પ્રભાવિત હતા. પરિણામે નાનપણથી પિતા અને કાકા સાથે તેઓ મુહંમદ સાહેબની વિગતો એકત્રિત કરવા લાગ્યા હતા. તેમનો એ શોખ ગાંડપણની હદ સુધી વિસ્તર્યો. દિનપ્રતિદિન ઈબ્ન હિશામની તેમાં ઊંડા ઉતરતા ગયા. અને એક દિવસ એવો આવ્યો કે તેઓ મુહંમદ સાહેબની આધારભૂત વિગતો માટેનું મૂળભૂત સ્રોત બની ગયા.
બગદાદમાં વસવાટ દરમિયાન જ ઈબ્ન હિશામની મુહંમદ સાહેબ અંગે જાણવાની શરૂઆત કરી હતી.એ પછી મદીના આવી મુહંમદ સાહેબ અંગે બાકાયદા સંશોધન આરંભ્યું. સંશોધને અંતે તેમણે મુહંમદ સાહેબનું સૌ પ્રથમ જીવનચરિત્ર લખ્યું. ઈબ્ન હિશામનીએ લખેલા મુહંમદ સાહેબના એ જીવનચરિત્રનનું
નામ છે
"સીરતુન-નબી સ.અ.વ." એ મૂળ ગ્રંથનું ૬૦ વર્ષ પછી પુનઃ પ્રકાશન થયું છે. એ જ ગ્રંથનો અંગ્રેજી અનુવાદ એ. ગુલ્લ્યુંમે ૧૯૫૫મા "ધી લાઇફ ઓફ મુહંમદ" નામે કર્યો હતો. આજે પણ ઈબ્ન હિશામનીએ લખેલ અસલ ગ્રંથનો ગુજરાતી અનુવાદ ચાર ભાગોમાં "સીરતુન-નબી
સ.અ.વ."
નામે ઉપલબ્ધ છે. જેનો ગુજરાતી અનુવાદ અહમદ મુહમદ હથુરાણીએ
કરેલ છે. અરબી ભાષાની સૌથી પ્રમાણભૂત અને સાડા બાર સો વર્ષ પહેલા લખાયેલી આ સીરત સ્પર્ધામાં ભાગ લેનાર દરેક યુવકે સૌ પ્રથમ તપાસવી જોઈએ, વાંચવી જોઈએ. એ પછી દ્વિતીય કક્ષાના સાહિત્યમાં તો મહંમદ સાહેબના મુસ્લિમ
લેખકોએ લખેલા અનેક જીવન ચરિત્રો ઇસ્લામિક બૂક સેન્ટરોમા ગુજરાતી, હિન્દી, ઉર્દૂ
અને અગ્રેજીમાં ઉપલબ્ધ છે. પણ એ સાથે પંડિત સુખલાલજીએ લખેલ "મહંમદ અને
ઇસ્લામ" (નવજીવન પ્રકાશન,અમદાવાદ) પણ ખાસ વાંચવા મારી ભલામણ છે. મહંમદ
સાહેબના ચરિત્રને બખૂબી રજુ કરવામાં પંડિત સુખલાલજી સફળ રહ્યા છે. એ જ રીતે "ઇસ્લામો સુવર્ણ યુગ"
લે. ચુનીલાલ બારોટ(પ્ર.ગુજરાત વિદ્યાપીઠ,અમદાવાદ) પણ જોઈ જવા વિનંતી છે. સ્પર્ધામા
ભાગ લેનાર સૌ વિદ્યાર્થી મિત્રોને મારી આકાશભરીને શુભેચ્છાઓ.
No comments:
Post a Comment