Monday, December 8, 2014


સૂફીસંત અનવર મિયાં

રાહે રોશન

ડૉ. મહેબૂબ દેસાઈ

ગુજરાતના સૂફીસંતોમાં વિસનગરના સૂફીસંત મર્હુમ કાજી અનવર મિયાંનું નામ અગ્ર છે. વિસનગરમાં સવંત ૧૮૯૯ (ઈ.સ. ૧૮૪૩) ના વૈશાખ વદ ૭ શુક્રવારના દિવસે જન્મેલ અનવર મિયાંના પિતા આજમીયા અનુંમીયા ધર્મ પ્રેમી હતા. બાલ્યાવસ્થા પછી યુવાનીમાં કદમ માંડતા અનવર મિયાં વિદ્યાભ્યાસ તરફ દોરાયા. ધર્મ અભ્યાસમાં તેમનું મન સક્રિય બનતું ગયું. પરિણામે પોતાના આત્મકલ્યાણ અર્થે તેઓ જંગલ, કબ્રસ્તાન અને પીરોની કબરો પર વધુને વધુ સમય ગુજારવા લાગ્યા, શારીરિક કષ્ટો સહન કરીને પણ તેઓ એ સ્થાનો પર એકાગ્ર ચિતે મનન ચિંતન કરતા. તેમના આ પ્રકારના જીવન અંગે તેમના એક અંતેવાસી મનસુખલાલ ચુનીલાલ લખે છે,

"આ પ્રમાણે જંગલ અને કબ્રસ્તાનમાં પડી રહેવાને કારણે તેમના સબંધીઓ, ભક્તો અને શિષ્યો અને ખાસ કરીને મારા સ્વર્ગવાસી વડીલ બંધુ હઠીસંગ ચુનીલાલનું મન બહુ દુખવા લાગ્યું. તેથી તેમને જંગલમાં અને કબ્રસ્તાનમાં નહિ રહી ગામમાં રહી મસ્જિતમાં પ્રભુ ભક્તિ કરવા આગ્રહ કર્યો. આમ સૌના અતિશય આગ્રહ ને કારણે તેઓ ગામમાં રહેવા લાગ્યા"

અનવર મિયાં ગામમાં આવ્યું ત્યારે કાજીવાડમાં એક જૂની મસ્જિત હતી. તેમાં રહી તેમણે ઈબાદત સિવાય દુન્વયી તમામ કાર્યોનો ત્યાગ કર્યો. સંવત ૧૯૩૭માં તેઓ મક્કા મદીના હજ પઢવા ગયા. એ પછી તેમની ખ્યાતી દિનપ્રતિદિન વધવા લાગી. લોકો તેમને  મળવા, તેમના દીદાર કરવા, તેમની દુવા લેવા આવતા. પણ આ બધું તેમને ગમતું નહિ. તેમને તો સામાન્ય માનવી બની એકાંતમાં ઈબાદત કરવાનું વધુ પસંદ હતું. પરિણામે આ બધાથી મુક્ત થવા એક દિવસ તેઓ વિસનગરના હરિજનવાસમાં એક એકાંત નાનકડી ઓરડીમાં રહેવા ચાલ્યા ગયા. પણ તેમના ભક્તો ત્યાં પણ પહોંચી ગયા. અંતે ભક્તોના અતિ આગ્રહને માન આપી તેઓ પાછા પોતાના મૂળ સ્થાને રહેવા આવી ગયા.

અનવર મિયાની ખ્યાતીથી પ્રેરાયને ઈ.સ. ૧૯૧૪માં એક યુવક વડોદરા મુકામે તેમને મળવા આવ્યો. અને પોતાને તેમનો શિષ્ય બનાવવા વિનંતી કરી. અનવર મિયાએ એક પ્યાલામાંથી પાણીના બે ઘુંટડા પી, એ પ્યાલો પેલા યુવાનને આપ્યો. અને ફરમાવ્યું,

"બચ્ચા, યે પી જા"

એ યુવાને એક પળનો પણ વિચાર કર્યાં વગર એ પી ગયો. એ પ્યાલાનું પાણી એ યુવાન માટે જ્ઞાનનું અમૃત બની ગયું. એ યુવાન તે ગુજરાતના જાણીતા સૂફીસંત સતારશાહ ચિસ્તી. એ ઘટનાને વાચા આપતા સતાર શાહ ચિસ્તી ઠેર ઠેર ગાતા,

 

 "એવી પ્યાલી પીધી મેં, મારા સદગુરુના હાથે

 પીતાં મારે પ્રીત બંધાણી, મારા પ્રતીમજી સંગાથે"

આવા મસ્ત મૌલા સૂફી સંત  અનવર મિયાંએ અનેક ભજનો, ગઝલો અને ગીતો ખુદાની શાનમાં રચ્યા છે. એ ગીતોનો સંગ્રહ "અનવરના કાવ્યો" ના નામે વર્ષો પહેલા પ્રસિદ્ધ થયો હતો. એમાની કેટલીક રચાનોને માણીએ. એક ગઝલ "જાની ઉઠા લે અબ તો" માં અનવર મિયાં લખે છે,

"જાની ઉઠા લે અબ તો એ પરદા નીકાબકા

 આશકકે રૂબરૂ હૈ કયા આઅસ હિજાબકા"

ખુદા કે પરમેશ્વરને સંબોધીને ભક્ત કહે છે, હે પરમાત્મા, હવે તું મારી સામેથી તારા મો ઉપરનો પરદો ઉઠાવી લે, આશાકની આગળ પરદો રાખવાનું શું કારણ છે ? દરેક સૂફી પોતાને ખુદાનો આશક ગણે છે. ખુદાને તેની પ્રેમિકા મને છે. બીજી કડીમાં અનવર મિયાં કહે છે,

"આશકકો ઇન્તઝાર હૈ દીદારકા તેરે

 કયું છુપા રહા હૈ, પહેનકે જામા તુરાબકા"

અર્થાત "આ આશક તારા મુખનું દર્શન કરવા ઘણો આતુર છે, તું શા માટે શરીર રૂપી માટીનો જામો પહેરીને સંતાઈ રહ્યો છે ?"

અનવર મિયાંની ખુદાપરસ્તી વ્યક્ત કરતી ગઝલો જેવાજ તેમના નસીહતનામા પણ  પ્રચલિત છે. જેમાં પામર માનવીની પામર આદતોનો ચિતાર આપતા અનવર મિયાં લખે છે,

"ઔર ફિર ગીબત કા આકર ઇસ તરહે ચલતા હૈ કામ

 રાત દિન હોતી હૈ લોગુંકો ઉમર ઉસમે તમામ"

 નહી કુછ ઇસમે હાથ આતા પાઈ પૈસા ઔર બદામ

 હોતે હૈ નાહક ગુન્હગાર ઔર ખાતે હૈ હરામ"

ગીબત એટલે ટીકાટીપ્પણ. લોકોની ટીકા કરવાનું રાત દિવસ અહિયા એવું કામ ચાલે છે કે તેમાં આખી જીંદગી પસાર થઇ જાય છે. અને એ કાર્યમાં નથી કશું મળતું. માત્ર માનવી ગુનેહગાર બને છે અને હરામની રોટી ખાય છે.

"અબ કિસીકી અકલકો કોઈ પસંદ કરતા નહિ

 જો કહે હક્ક બાત ઉસ પર ધ્યાન કોઈ ધરતા નહિ

 અબ તો યે કહેતે હૈ સચ મેં પેટ કુછ ભરતા નહિ

 જુઠ બોલે બીન ચકસીકા કામ અબ સરતા નહિ"

હવે તો કોઈની અકલને કોઈ પસંદ કરતુ નથી. સત્યને કોઈ ગણકારતું નથી.કારણ કે સત્યથી પેટ ભરાતું નથી. જુઠ બોલ્યા વગર હવે તો કોઈ કામ થતું નથી.મુસલમાનો માટે પણ અનવર મિયાએ એક વસિયતનામું કાવ્ય સ્વરૂપમાં લખ્યું હતું. જેની પ્રથમ પંક્તિઓ જાણવા જેવી છે,

 

"અય મુસલમાનો સુનો ઈમામ કી બતો તમામ

 ઔર રખો યાદ અપને દિલમે ઉસે સૂબહ શામ

 કર અકીદા અપના મોહકમ ઔર ખુદા કા લે નામ

 તુમ સમાલો અપના ઈમાં અય મુસલમાં એક નામ

 ઔર અકાયદ યાદ કર પકડો સરીયત પર કાયમ"

 

અય મુસલમાનો ઈમાનની વાતો સાંભળો અને હંમેશ તેને યાદ રાખો. ખુદા પર યકીન રાખો અને સરીયતના નિયમોનું પાલન કરો. .

આવા મસ્ત મૌલા સૂફી ફકરીની વફાત (અવસાન) ૨૨.૧.૧૯૧૬ના રોજ હિજરી સન ૧૩૩૪ રબીઉલ અવ્વલની ૧૬મી તારીખે બપોરે અઢી વાગ્યે થઇ. આજે પણ વિસનગરમાં આવેલી તેમની મઝાર શ્રદ્ધાળુઓ ઉભરાય છે.

 

 

No comments:

Post a Comment