Wednesday, December 17, 2014

બાપુ બાલમશાહ : ડૉ. મહેબૂબ દેસાઈ

મોઘલ બાદશાહ અકબર પુત્રની ઝંખના પૂર્ણ કરવા સલીમ ચિશ્તીની દરગાહ પર પગપાળા ગયા હતા. અને પુત્ર માટે દુવા માંગી હતી. એ દુવા ફળી અને તેમને ત્યાં પુત્રનો જન્મ થયો. એ ઘટના ભારતના ઇતિહાસમાં જાણીતી છે. ભાવનગર રાજ્યના મૂળ વંશજ મોખડાજી(ઈ.સ ૧૩૦૯-૧૩૪૭) પણ પુત્રની પ્રાપ્તિ માટે ખરકડી (તા.ઘોઘા જી. ભાવનગર)ના પીર બાલમ શાહ પાસે ગયા હતા. અને તેમની દુવાથી મોખાડાજીને પુત્ર પ્રાપ્ત થયાની કથા બહુ ઓછા લોકો જાણે છે. અલબત્ત તેના ઉલ્લેખો વિવિધ સાહિત્યમાં જોવા મળે છે. આપણા જાણીતા સાહિત્યકાર ગુણવત આચાર્યએ લખેલ "પીરમનો પાદશાહ" પુસ્તકમાં તેનો ઉલ્લેખ છે. એજ રીતે ઈ.સ. ૧૯૬૧માં પ્રસિદ્ધ થયેલ નાનકડી પુસ્તિકા "બાપુ બાલમ શાહ" (લે.બરકત વિરાણી અને જશવંત ભટ્ટ)માં પણ એ ઘટના આલેખાયેલી છે. એ નાનકડી પુસ્તિકા હમણાં જર્જરિત હાલતમાં જ મારા હાથમાં આવી. તેમાં બાલમ શાહ પીર અંગે લખવામાં આવ્યું છે,

"આ એ મકબરો મોટા આલીમ સાચી શરીયતના મદદગાર બરકાતોવાલા મહાન શૈખ

 અબુમોહંમદ જીકરીયા બિન મોહંમદ ગૈસબિન અબુબક્કર નીલ કુરેશી (બાલમ શાહ બાપુ) નો છે.

તેઓની અમ્મા સાહેબનું નામ ફાતિમાબીબી તે શૈખ ઇસાબીન શૈખુશ ઇસ્લામેવલ મુશ્લેમીન ગૌસુરસકલૌન શૈખ મોહ્યુદ્દીન અબ્દુલકાદર જીલાની છે.

તેઓનું જન્મ હિજરી સન ૫૬૬ના માહે રમજાનની તા ૨૭ જુમ્માની રાતે છે. ને ૧૦૦ વર્ષની જીંદગીએ હિજરી સન ૬૬૬ માહે સફર તા. ૭ના રોજ જોહર અને અસર વચ્ચે ખુદની રહેમતમાં પહોંચ્યા."

આ ઐતિહાસિક વિગતોના આધારે આજે પણ મુસ્લિમ સવ્વાલ માસની નવમી તારીખથી નાનકડા ખરકડીમાં માનવ મહેરામણ ઉભરાયા છે. હિંદુ મુસ્લિમ સૌ સમાન ભાવે હજારોની સંખ્યામાં ઉર્સની ઉજવણી મેળાના સ્વરૂપે કરે છે. એ દિવસે ખરકડી ગામનું વેરાન પાદર ડેરા તંબુઓ થી ભરાઈ જાય છે. ઉર્સની રાત્રે સીદી બાદશાહોની ટોળકી કવ્વાલીની રમઝટ બોલાવે છે. અને બાલમ શાહની શાનમાં કવ્વાલી અને ગીતો ગાય છે. લોકજીભે રમતા એ ગીતો માનવા જેવા છે. જેમાં બાલમ શાહ પીરના કાર્યોની પ્રશંશા જોવા મળે છે. આ ગીતો આજ દિન સુધી માત્ર લોક્જીને જીવંત રહ્યા છે.

 "બાલમ શાહ બળવાન રે, રબ કો રીઝને વાલે

 રબ કો રીઝને વાલે, શેર મુલતાન કે રહનેવાલે

 પડા થા મુલતાન મેં કાલ, સબ હોતે  થે બેહાલ

  ખિલાતે અજા બચાતે ખાલ, જિંદા બનાને વાલે 

  આયે દિલ્હી કે દરમિયાન, વહાં ભેખોં કા નહિ માન

 પિસાતા ચકીયાતોના દાન, ઉસકો ફિર છુડાને વાલે"


"મુલતાન મુલકથી ઔલિયા આવ્યા ને

 ખરકડી એ કીધા મુકામ

 ને જો મારીને વીરડો ગાળ્યો

 નદીએ ખળકયા નીર"

આ પંક્તિમાં બાલમ શાહની દુવાથી ઉજ્જડ રેતીના પટમાંથી નીકળેલ વીરડાની વાત છૂપાએલી છે. પાણી માટે તરસતી પ્રજાની યાતનાઓથી વાકેફ બાલમ શાહ એ પોતાના એક અનુયાયી ખાનજીને રેતાળ પ્રદેશમાં વીરડા માટેની જગ્યા બતાવતા કહ્યું,

"ખાનજી, બિસ્મિલ્લાહ બોલી આહી વીરડો ગાળો"

"બાપુ, કાળે ઉનાળે અહિયા તો કાંકરા ઉડે છે. અહિયા પાણી કયાથી મળે"

"તું ખાડો તો કર, મને ખુદામાં વિશ્વાસ છે"

અને ખાનજીએ ખાડો કર્યો. પળવારમાં તો વીરડાના અંતર પટમાંથી પાણીની આછી સરવાણીની ફૂટી. અને

"બાપુ, પાણી " કહેતા ખાનજી તો હર્ષના આવેશમાં નાચી ઉઠ્યો. જયારે બાપુ બાલમ શાહએ વીરડાના પાણીથી વઝું કર્યું. અને વીરડા પાસે જ બે રકાત શુક્રાનાની નમાઝ પઢી, ખુદનો શુક્ર અદા (આભાર માન્યો) કર્યો.


"જીકારીયા પાસ આવે, પરસિદ્ધ મુરાદ પાવે

 દેખે દાલીદાર જાવે, કષ્ટ હરને વાલે હય

 દરગાપે નૂર સારે, બજે ગગને નગારે

 સચ્ચે દીન કે ઉજારે, સબ કે લીયે ન્યારે હય

પાક જાત હોકે પ્યારે, નાબીસાબ'કે નિવાસે

મહંમદ કે દુલારે, દુબે જહાજ તારે હય"


હિંદુ ભક્તોએ રચેલ આ રચનામાં બાલમ શાહના કાર્યની પ્રશંશા જોવા મળે છે. એ યુગના સંતો માત્ર કોઈ એક મઝહબ કે ધર્મના ન હતા. તેઓ સાચા અર્થમાં સમાજ સુધારકો પણ હતા. ભીમાની દારૂ અને જુગારની લત છોડાવવા અડધી રાત્રે તેના ઘરે બાલમ શાહ બાપુ જાય છે અને ભીમને કહે છે,

" જો તું દારૂ જુગાર નહિ છોડે તો, હું ગામ છોડીને ચાલ્યો જઈશ"

અને ભીમો બાપુના ચરણોમાં પડી જાય છે. એ દિવસથી તેણે દારૂ અને જુગાર હંમેશ માટે છોડી દીધા.

ખુદાના આવા બંદોઓ એ જ ભારતમાં ન્યાત જાત કે ધર્મના ભેદો ને વિસરી જઈ, મહોબ્બત અને એખલાસને જીવંત રાખનું ઉમદા કાર્ય કર્યું છે. વર્ષો પહેલા બાલમ શાહ બાપુની સુવાસને પોતાની કલમ દવારા પ્રસરાવનાર હિંદુ મુસ્લિમ એકતાના પ્રતિક સમા બરકત વિરાણી અને જશવંત ભટ્ટને પણ આકાશભરીને અભિનંદન.    

No comments:

Post a Comment