૨૧ એપ્રિલના રોજ આપણા જાણીતા શાયર ડૉ. ઇકબાલની
પુણ્યતિથી છે. ડૉ.ઇકબાલે ભારતને તરાના-એ-હિન્દ નામક અદભૂત રાષ્ટ્ર ગીત આપ્યું છે.
તેના સર્જનનો પણ એક રસમય ઈતિહાસ છે. ૧૯૦૪મા ડૉ. ઇકબાલ
લોહોરની સરકારી કોલેજમાં વ્યાખ્યાતા હતા. એ દિવસોમાં લાલા હર દયાલ નામના એક
વિદ્યાર્થીના આગ્રહથી કોલેજના એક કાર્યક્રમમાં ડૉ. ઇકબાલ અધ્યક્ષ સ્થાને આવવા સંમત
થયા. ત્યારે સૌ તેમનું અધ્યક્ષીય વ્યાખ્યાન સાંભળવા ઉત્સુક હતા. પણ ડૉ. ઇકબાલે
અધ્યક્ષ સ્થાનેથી ભાષણ આપવાને બદલે સો પ્રથમવાર એ કાર્યક્રમમાં તરાના-એ-હિન્દ"સારે
જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા"નું ગાન કર્યું. અને સૌ અભિભૂત બની તે સાંભળી રહ્યા. ઉર્દૂ ભાષામાં અને
ગઝલ શૈલીમાં લખાયેલ આ ગીતની આઠ કડીઓમાં ભારતની ભવ્યતા,સુંદરતા અને ઐતિહાસિકતાનું
સુંદર વર્ણન છે.એ પછી આ ગીત ૧૬ ઓગસ્ટ ૧૯૦૪ના રોજ "ઇત્તેહાદ" નામના ઉર્દૂ
સાપ્તાહિકમા પ્રસિદ્ધ થયું. અને ૧૯૨૪મા ડૉ.ઇકબાલના પુસ્તક
"બંગ-એ-દારા"મા પ્રસિદ્ધ થયું. ભારતની રાષ્ટ્રીયતાને વાચા આપતા આ ગીતની
પ્રારંભિક બે ત્રણ કડીઓ સિવાય મોટે ભાગે
આપણે તેનાથી અપરિચિત છીએ. એટલે એ ગીતની કેટલીક માણવા જેવી અજાણી પંક્તિઓ અત્રે જુ
કરું છું.
"सारे जहाँ
से अच्छा हिन्दोस्तान हमारा
हम बुलबुले हैं इसकी ये गुलसिता हमारा
हम बुलबुले हैं इसकी ये गुलसिता हमारा
परबत वो सब से ऊंचा हमसाय आसमाँ का
वो संतरी हमारा वो पासबा हमारा
वो संतरी हमारा वो पासबा हमारा
गोदी मे खेलती है इसकी हजारो नदिया
गुलशन है जिनके दम से रश्क-ए-जना हमारा
गुलशन है जिनके दम से रश्क-ए-जना हमारा
मज़हब नहीं सिखाता आपस मे बैर रखना
हिन्दी है हम वतन है हिन्दोस्तान हमारा
हिन्दी है हम वतन है हिन्दोस्तान हमारा
कुछ बात है की हस्ती मिटती नही हमारी
सदियो रहा है दुश्मन दौर-ए-जमान हमारा
सदियो रहा है दुश्मन दौर-ए-जमान हमारा
ડૉ. ઇકબાલના દાદા મૂળ કાશ્મીરી પંડિત હતા. તેમણે
ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને મુસ્લિમ બન્યા.શાલની ફેરી કરતા ઇકબાલના દાદાના
પુત્ર નૂર મહંમદ નિરક્ષર હતા. વ્યવસાયે દરજી અને ટોપીઓ પર ગૂંથણ કરવામાં માહિર
હતા.તેઓ સૂફી વિચારધારાથી પ્રભાવિત હતા. એટલે જ તેમના મિત્રો તેમને "નિરક્ષર
દાર્શનિક" કહેતા.તેમના દરજી કામની કુશળતા જોઈ, એક સ્થાનિક અધિકારીએ તેમને
સિંગર મશીન ભેટ આપ્યું. જે એ સમયે લોકો
માટે અજાયબી સમાન હતું. પણ થોડો સમય રાખી તે મશીન તેમણે તે અધિકારીને પરત કરતા
કહ્યું,
"મારા હાથમાં ખુદાએ જે હુનર બક્ષ્યો છે તે આ
મશીનમાં નથી"
૧૯૦૫મા ઇકબાલ યુરોપ ગયા. એ સમયે તો ભારતમાં
તેમનું નામ જાણીતું થઇ ચૂક્યું હતું. તેમના કાવ્ય સંગ્રહો "નાલા-એ યતીમ"
અર્થાત યતીમનું ગીત,"અબ્ર-એ-ગોહરબર" અર્થાત ખુદાને સમર્પિત,
"તસ્વીર-એ-દર્દ" "પરિંદે કી ફરિયાદ" અને
"તરાના-એ-હિન્દ"પ્રસિદ્ધ થઇ ચૂકયા હતા. "પરિંદે કી ફરિયાદ" મા
તેમણે ખુલ્લા આકાશમા ઉડનાર પક્ષીના પ્રતિક તરીકે ભારતની આઝાદીની વાત કરી હતી.
"તસ્વીર-એ-દર્દ" "નયા શિવાલા" અને
"તરાના-એ-હિન્દ"મા તેમણે હિંદુ મુસ્લિમ એકતાની વાત કરી હતી. ડૉ. ઇકબાલની
શાયરીના કેન્દ્રમાં પ્રકૃતિ, ખુબસુરતી કે સ્ત્રી ન હતા. પરંતુ તેમની શાયરીના
કેન્દ્રમાં ગતિશીલ માનવી હતો. અને એટલે જ ડૉ. ઇકબાલ કહેતા,
"જબ તક ગતી હૈ જાન હૈ,
રફતાર ગઈ તો જાન ગઈ"
ફારસી અને ઉર્દુમાં તેમને લખેલ કાવ્યો બુદ્ધિજીવી
અને આમ માનવી બંનેમા પ્રચીલિત હતા. તેનું ઉત્તમ ઉદાહર તેમના બે કાવ્યો
"શિકવા"અને "જવાબે શિકવા"છે. "શિકવા"નું સૌ પ્રથમ
ગાન એપ્રિલ ૧૯૧૧મા અંજુમન હિમાયત-એ-ઇસ્લામ,લાહોરના વાર્ષિકોત્સવમા ડૉ. ઇકબાલે
કર્યું હતું. ૩૧ કડીઓમાં લખાયેલ આ કાવ્યમાં ડૉ ઇકબાલે ઇસ્લામની જીવન શૈલી અને
તેના મૂળભૂત સિદ્ધાંતો સાથે ખુદાને કરેલ
ફરિયાદનું અસરકારક આલેખન છે. તેના શબ્દોની પસંદગી અને વિચારોને અસરકારકતા કોઈ પણ
વાચકને સ્પર્શી જાય તેવા છે. તેનું એક દ્રષ્ટાંત માણવા જેવું છે. ડૉ. ઇકબાલ ખુદાને
સંબોધીને લખે છે,
"તુને
માટી બનાઈ, મૈ ને પ્યાલે બનાયે
તુને
ધરતી કો વન, પહાડ, ઔંર રેગીસ્તાન દિયે
મૈ ને
હસતી હુઈ વાટિકાયે સજાઈ, ફૂલ ખિલાયે
યે
માલિક, સચ સચ બતા તું બડા યા મૈ"
"શિકવા"ના લગભગ બે વર્ષ પછી ૧૯૧૩મા ડૉ.
ઇકબાલે લાહોરના મોચી ગેટ પાસેના એક જાહેર
જલસામાં "જવાબે શિકવા"નું પઠન કર્યું હતું. ૩૬ કડીઓમાં લખાયેલ આ
કાવ્યમાં ડૉ. ઇકબાલે ખુદાને કરેલી ફરિયાનો જબાવ આપ્યો છે. પણ જેટલી પ્રસંશા
"શીકાવા"ને મળી, તેટલી "જવાબે શિકવા"ને ન મળી. ડૉ. ઇકબાલ
ઇસ્લામને બે પ્રકારે મૂલવતા હતા. એક વિશુદ્ધ અને બીજો ભ્રષ્ટ ઇસ્લામ. વિશુદ્ધ
ઇસ્લામને જાણનાર અને સમજનાર માનવીઓની સંખ્યા જુજ છે. અલબત્ત ઇકબાલ પણ પોતાનો
સમાવેશ તેમાં કરતા હતા. ભ્રસ્ટ ઇસ્લામ એટલે ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતોને પોતાની
સગવડતા કે અનુકુળતા મુજબ ઢાળી તેનો અમલ કરવો. ડૉ. ઇકબાલ ખુદ કહેતા,
"હું પણ ભ્રસ્ટ ઇસ્લામનો અનુયાયી છું"
ઇસ્લામના ધાર્મિક અને રાજનૈતિક દર્શન પર વિશેષ
લખનાર ડૉ. ઇકબાલે મ્યુનિચ વિશ્વ વિદ્યાલયમાંથી "ફારસી તત્વ મીમાંસા" પર
ડોકટરેટની પદવી મેળવી હતી. અને એટલે જ પ્રારંભમા ડૉ. ઇકબાલ ઇસ્લામ અને તવસુફ્ફ
વચ્ચેના સબંધને સ્વીકારવા તૈયાર ન હતા. ઇસ્લામના સૂફી સંતોની મઝારો પર માથું
ટેકવાની પ્રથાનો તેમણે વિરોધ કર્યો હતી. પણ જિંદગીના અંતિમ દિવસોમાં તેમના એ
વિચારમાં પરિવર્તન આવ્યું હતું. ભારત અને
તેની સંસ્કૃતિ પ્રત્યેનો ડૉ. ઇકબાલનો લગાવ તેમના એક કાવ્યમાં છલકાય છે.
"ઇસ
દેશ મેં હુએ હૈ હજારો મુલ્કો સિરસ્ત,
મશહુર જિનકે દમ સે હૈ દુનિયા મેં નામે હિન્દ,
હૈ રામ કે વજુદ પે હિન્દોસ્તા કો નાઝ
અહલે નઝર
સમઝતે હૈ ઇસ્કો ઈમામે હિન્દ
તલવાર કા
ધની થા, શુજાઅત (વીરતા)મેં ફર્દ (અજોડ)થા,
પાકીઝગી
(પવિત્રતા)મેં, જોશે મહોબ્બત્મે ફર્દ થા"
અંતિમ દિવસોમાં(૧૯૩૮ના નવા વર્ષ)મા ઓલ ઇન્ડિયા
રેડીઓ, લાહોર પરથી તેમણે કરેલ અંતિમ ભાષણમા તેમણે કહ્યું હતું,
"માત્ર એકતા જ ભરોસા પાત્ર છે. અને એ એકતા
છે માનવીના ભાઈચારાની. જે જાતિ, રંગ અને ભાષાથી પર છે.જ્યાં સુધી લોકો પોતાન
કાર્યોથી એ સિદ્ધ નહિ કરે કે આ સમગ્ર વિશ્વ ખુદાનો પરિવાર છે, ત્યાં સુધી આઝાદી,
સમાનતા અને ભાઈચારોના તમામ સુંદર વિચારો જેમના તેમ જ રહેશે"
૨૧ એપ્રિલ ૧૯૩૮મા તેમણે પોતાના એક યુવા કદરદાનના
આગ્રહથી પોતાની છેલ્લી ચાર લાઈનો સંભળાવતા કહ્યું હતું,
"ગયા રાગ આયે ન આયે,
હેજાજ કિ
બયાર આયે ન આયે
ઇસ ફકીર
કે દિન પૂરે હુએ
દુસરા
દીદાવર આયે ન આયે"
આ છેલ્લો શેર સંભળાવ્યાના થોડા કલાકો પછી તેમની
તબીયત વધુ બગડી. અને પોતાના ૧૪ વર્ષના પુત્ર જાવેદના ખોળામાં જ તેમણે અંતિમ શ્વાસ
લીધો. ડૉ. ઇકબાલ આજે આપણી વચ્ચે સદેહે નથી. પણ વિશ્વના ફલક પર "તરાના-એ
હિન્દ"ના સર્જક તરીકે તેઓ હંમેશા જીવંત રહેશે.
No comments:
Post a Comment