Tuesday, April 2, 2013

વિસરાઈ ગયેલ વિદ્વાન : કરીમ મહંમદ માસ્તર : ડૉ. મહેબૂબ દેસાઈ


ગુજરાતના સામાજિક અને ધાર્મિક ચિંતકો અને સુધારકોમાના એક કરીમ મહંમદ માસ્તર (૧૮૮૪-૧૯૬૨) આજે તો ઇતિહાસના પડળોમાં દટાઈ ગયા છે. પણ તેમણે લખેલ ગ્રંથો
“મહા ગુજરાતના મુસલમાનો”, “પંચસુરા” અને “મુસલમાન વકફ આકટ” આજે પણ તેમના અસ્તિત્વનો અહેસાસ કરાવતા રહે છે.૧૮ ઓગસ્ટ ૧૮૮૪મા સુન્ની વહોરા કુટુંબમાં જન્મેલ કરીમ મહંમદ માસ્તરનું લેખન કાર્ય આજે પણ ગુજરાતના વાચકો વિચારકોને માર્ગ ચીંધતું રહ્યું છે. કરીમ મહંમદ માસ્તરે પ્રારંભના કાળમાં અર્થાત ઈ.સ. ૧૯૨૮મા નડિયાદમાં વકીલ તરીકે પોતાની કારકિર્દી શરુ કરી હતી. એ પછી સદર અદાલત,જુનાગઢમા જજના ઉચ્ચ હોદ્દા પર કાર્ય કર્યું. અને ઈ.સ. ૧૯૪૮મા તેઓ સેવા નિવૃત્ત થયા.પણ તેમની સેવા નિવૃત્તિ અંગ્રેજ સરકારની નોકરી પુરતી સીમિત રહી. નિવૃત્તિ પછી તેમણે ગુજરાતના મુસ્લિમો અંગેના તેમના સંશોધનને ગતિ આપી. અને તેને પરિણામે ગુજરાત અને વિશ્વને એક આધારભૂત ગ્રંથ “મહા ગુજરાતના મુસલમાનો” ભાગ-૧,૨, સાંપડયો. ગુજરાતમાં વસતા મુસ્લિમોની તલસ્પર્શી માહિતીથી સભર આ ગ્રંથ આજે તો સૌ કોઈ પાસે ઉપલબ્ધ નથી. મહારાજા સયાજીરાવ વિશ્વ વિદ્યાલય, વડોદરાના પ્રાચ્ય વિદ્યા મંદિર દ્વારા ઈ.સ. ૧૯૬૯મા તેનું પુનઃ મુદ્રણ થયું હતું. ૬૦૬ પૃષ્ટો અને ૧૩ રૂપિયાની કીમતનો ગુજરાતી ભાષામાં લખાયેલ આ ગ્રંથ આજે તો રેર ગ્રંથોની શ્રેણીમાં આવે છે. પણ તેના અભ્યાસ અને આધાર વગર ગુજરાતના મુસ્લિમોનો અભ્યાસ કરવો લગભગ અશક્ય છે. Encyclopaedia of the World Muslims: Tribes, Castes and Communities, Volume 1(edited by Nagendra Kr Singh, Abdul MabudKhan,Global vision publishing House, Delhi,2001)મા આ ગુજરાતી ગ્રંથના અઢળક આધારો લેવામાં આવ્યા છે.
ગ્રંથના સર્જનકાળ પર પ્રકાશ પાથરતા કરીમ મહંમદ માસ્તર તેની પ્રસ્તાવનામાં લખે છે,
“મને પુરતો અવકાશ તો ઇ.સ.૧૯૪૮મા હું નિવૃત થયો ત્યારે જ મળ્યો. દરમિયાન, મારી છુટક છુટક કરેલી નોંધો તૈયાર હતી. મૂળ પુસ્તકમાં તે સાંકળી લીધી હતી. “મહાગુજરાતના મુસલમાનો”અને સરકારી ગેઝેટીયર અર્ધી સદી અગવની માહિતી આપતા હતા.તેથી તેઓની જૂની થઇ ગયેલી અને બિન જરૂરી માહિતી કમી કરી,નવી માહિતી ચાલુ વૃતાંતમા થડકો ના લાગે તેવી રીતે સંકલિત કરી હતી”
આ ગ્રંથમા ગુજરાત અને સૌરષ્ટ્રમા મુસ્લિમોનું આગમન, તેમનો વેપાર અને ધર્મ પ્રચાર,મુસ્લીમોના પેટા વિભાગો,તેમના મૂળ,વ્યવસાય, રીતરીવાજો,વિસ્તાર,ઇસ્લામના ફીરકાઓ,ઈમામો  અને મુસ્લિમોની વર્તમાન સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે.
કરીમ મહંમદ માસ્તર જેવા વિદ્વાનને પણ જીવનના કાંટાળા માર્ગ પર અનેક જખમો સહેવા પડ્યા હતા. ઈ.સ ૧૯૪૫મા તેમના સિવિલ જજ પુત્ર ઈબ્રાહીમ (૧૯૦૫ થી ૧૯૪૫)નું ૪૦ વર્ષની ભર યુવાવયે આકસ્મિક અવસાન થયું. ત્યારે જરા પણ વિચલિત થયા વગર તેઓ સ્વસ્થ રીતે પોતાના જીવન ઉદેશને વળગી રહ્યા હતા. તેની સાક્ષી પૂરતું એક અવતરણ તેમના “પંચસુરા”નામના પુસ્તકના આરંભમાં જોવા મળે છે. હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબે ૬૦ વર્ષની ઉમરે પોતાના દોઢ વર્ષના પુત્ર ઈબ્રાહીમના અકાળ અવસાન સમયે કહેલા શબ્દોનો ગુજરાતીમાં કાવ્યત્મક શૈલીમાં અનુવાદ કરી,કરીમ મહંમદ માસ્તરે પોતાના પુસ્તક “પંચસુરા”ના  આરંભમાં લખ્યું છે,
  “અશ્રુ સરે છે આંખથી, કલ્પાંત થાયે અંતરે
 ઇબ્રાહીમો ! તુજ યાદમાં, હા,ઝૂરવું બાકી હવે
 ને તોય હું મુખથી વદૂ, અલ્લાહને જે પ્રિય છે,
 ‘આવ્યા સહુ અલ્લાહથી, પાછા જવાનું ત્યાં જ છે”
“પંચસુરા” નામક તેમનું પુસ્તક તેમના ઇસ્લામિક જ્ઞાન અને ઊંડાણને વ્યક્ત કરે છે. જેમા તેમણે
કુરાન-એ-શરીફની  જુદી જુદી ૧ થી ૨૬ સુરાઓનો ગુજરાતીમાં સુંદર અનુવાદ કર્યો છે. ૧૯૫૪માં પ્રસિદ્ધ થયેલ એ પુસ્તકની પ્રસ્તાવનામા કરીમ મહંમદ માસ્તર કેટલાક કડવા સત્યોને ઉજાગર કરતા લખે છે,
“પંચસુરા”નો નિત્યપાઠ કેટલા બધા મુસલમાનો કરે છે ! છતાં, તેમાંના કેટલા તેનો અર્થ સમજે છે ? અથવા સમજવા કોશિશ પણ કરે છે ? ”યાસીન”જેવી અગત્યની સુરા, જે હરેક મુસલમાનની મરણ ઘડીએ પઢવામાં આવે છે,તેનો ય અર્થ, સંભાળનાર તો શું, પણ પઢનાર પોતે ય, મોટે ભાગે સમજે છે ખરા ? તેનો પઢવાનો આશય એટલો જ હોય છે કે વિદાય લેતી રુહને તેની તે પછીની હાલતથી વાકેફ કરવામાં આવે. પરંતુ તે હેતુ બર આવે છે ખરો ? નમાઝમાં નિત્ય પઢાતી સુરાઓ “અલ્હમ્દો” અને “કુલહોવલ્લાહ”જેવી અગત્યની સુરાઓનો પણ બહુ સારાંશ સમજનાર છે,પણ તેનું ખરું હાર્દ સમજનાર કેટલા છે ? બીજી અનેક દુવાઓ નમાઝ પછી પઢવામાં આવે છે, પરંતુ તે યંત્રવત ! આ સ્થિતિ શું સોચનીય નથી. તો. તેને નિવારવા પ્રયત્ન કરવો જોઈએ નહિ ? તેવો અલ્પ પ્રયાસ મેં અહીં કરેલો છે”
કુરાન-એ-શરીફની પ્રથમ આયાત “અલ્હમ્દો” અંગે “પંચસુરા”ના પૃષ્ટ ૮૬ પર સમજ આપતા કરીમ મહંમદ માસ્તર લખે છે,
“આ સુરા આખા કુરાનના સાર રૂપે છે. તેથી તેને કુરાઆન’લ-અઝીમ કહે છે. આ સુરાની સાત આયાતો દરેક નમાઝમાં, દરેક રકાતમાં પઢવી પડે છે. માટે તેને સબ-ઉલ-મસાની અર્થાત વારંવાર પઢાતી સાત આયાતો કહે છે.આ સુરા કુરાનમાં સૌથી અગત્યની છે. માટે તેને ઉમ્મુલ કુરઆન અથવા ઉમ્મુલ કિતાબ
પણ કહે છે. દરેક દુવા પઢવામાં આ સુરા આવશ્યક અંગ છે. માટે તેને સુરતુદ્’દુવા  કહે છે. તે જ અર્થમાં, અલ્લાહનો ઉપકાર માનવાની દુવા તરીકે તેને સુરતુશ્’શુક્ર કહે છે.”
કરીમ મહંમદ માસ્તરે લખેલા અન્ય ગ્રંથોમાં ઇસ્લામની ઓળખ, અલ્લાહ નામાવલી, હઝરત મહંમદ મુસ્તુફા અને કરીમ મહંમદના કાવ્યો અને લેખોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં મુસ્લિમ વકફ એકટના ઘડતરમાં અને તેની પ્રસિદ્ધિમાં પણ કરીમ મહંમદ માસ્તરનું પાયાનું પ્રદાન હતું. તેનું ઉત્તમ દ્રષ્ટાન ઈ.સ. ૧૯૨૮માં તેમણે તૈયાર કરેલ અને સુન્ની મુસ્લિમ વકફ કમીટી, માણેકચોક, અમદાવાદ દ્વારા પ્રસિદ્ધ થયેલ પુસ્તક “મુસલમાન વકફ આકટ” છે. ૨૧ ડીસેમ્બર ૧૯૬૨ના રોજ ૭૮ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. ઘણીવાર માનવીના એકાદ-બે કાર્યો પણ તેને ઇતિહાસમાં અમર બનાવી દે છે. એ મુજબ “મહા ગુજરાતના મુસલમાનો”, “પંચસુરા” અને “મુસલમાન વકફ આકટ” નામક આધારભૂત ગ્રંથો દ્વારા કરીમ મહંમદ માસ્તર ઇતિહાસના પાનાઓ પર આજે પણ જીવંત છે અને રહેશે.

4 comments:

  1. મા અસ્સલામ,ઘણો આભાર ડો.મહેબૂબ સાહેબ.જે પોતાને નથી ઓળખતો એ પોતાના રબને ઑળખી શકતો નથી.
    આવા પરિચયા દ્વારા આપે ઘણું સહરાનીય નેક કામ કર્યું છે. રબ્બે કરીમ આપને બન્ને જહાનમાં જઝાએ ખેર અતા ફરમાવે.અને મર્હુમ જનાબ કરીમ મોહમ્મદ માસ્તર સાહેબને રહમતથી નવાઝી મગફિરત ફરમાવે(આમીન)
    ---મુહમ્મદઅલી વફા

    ReplyDelete
    Replies
    1. મા. વફા સાહેબ,
      એક અધ્યાપકનું કામ જે મને ખુદાતાલા દ્વ્રારા સોંપાયું છે, તે વફાદારી પૂર્વક કરવાનો પ્રયાસ માત્ર કરું છું. ખુદા આપની દુવાઓ કબુલ ફરમાવે અને આપ માટે પણ તે તમામ દુવાઓ કબુલ થાય, તેવી મારી દિલી દુવા છે. કારણ કે આપ અને હું બંને એક જ પંથના રાહી છીએ.
      મહેબૂબ દેસાઈ

      Delete
  2. Assalamu alaykum

    Sir , i m a dental student.
    I want to say about my sub cast(sumra).
    .
    We r sumra and we came in early time of islam in india.
    We came from saudi arabia.(saudi arabia-shiraz(iran)-sindh-kutch(gujrat).
    .
    Pls.find these informatio and tell to all with proof.

    Thank u
    samir gunga
    form -gondal,rajkot(gujrat)

    ReplyDelete
  3. મહાગુજરાતના મુસ્લિમાનો ભાગ ૧ અને ૨ મારે સંશોધન અર્થે જોઈએ છે તો આ ક્યાથી કેવી રીતે મલશે તે જણાવી આપનો આભારી કરશો
    મારો સંપર્ક નંબર 9904345434 માહિતી આપશો

    ReplyDelete