Wednesday, January 9, 2013

લગ્ન કે નિકાહ ધાર્મિક સંસ્કાર છે. : ડૉ. મહેબૂબ દેસાઈ



હમણાં જ એક મહાનુભાવએ લગ્નને કરાર કહી એક નવા વિવાદને જન્મ આપ્યો છે. કોઈ પણ ધાર્મિક સંસ્કારને કરાર કહી તેનું અવમુલ્યન કરવાની ક્રિયા કોઈ પણ સમાજ માટે યોગ્ય નથી. લગ્ન કે નિકાહને કરારમાં ખપાવતું આ વિધાન થોડો વિચાર માગી લે છે. સૌ પ્રથમ તો લગ્ન કે નિકાહ બે વ્યકિતઓનું માત્ર શારીરિક મિલન નથી. બે વ્યક્તિઓ વચ્ચેની આદાનપ્રદાનની કાયદાકીય પ્રક્રિયા નથી. પણ એ બે કુટુંબોનું મિલન છે. સામાજિક અને ધાર્મિક સંસ્કારો સાથેનું સ્વેચ્છિક આત્મીય બંધન છે. જેમાં ત્યાગ અને સમર્પણ કેન્દ્રમાં છે. જેમાં જીવનભર એક બીજા માટે ન્યોછાવર થવાની ભાવના પડેલી છે. વળી, પતિ પત્ની વચ્ચેના ત્યાગ અને સમર્પણમા કોઈ શરતોને અવકાશ નથી. તેમાં આપ લેનો કોઈ લેખિત કે મૌખિક કરાર નથી. ભારતીય વૈદિક પરંપરા મુજબ લગ્ન એ સંસ્કાર છે.તે જીવનભરનું ધાર્મિક બંધન છે, જે લગ્ન સમયે પતિ-પત્ની સ્વેચ્છિક રીતે સ્વીકારે છે. અને જીવનભર નિભાવે છે. ઇસ્લામ અને હિંદુ ધર્મ બંને માને છે કે,
"નિકાહ કે લગ્ન એ તો સ્વર્ગમાં જ નક્કી થઈ જાય છે. આપણે તો બસ તેની ઉજવણીની વિધિ જ કરીએ છીએ"
લગ્ન કે નિકાહની ક્રિયામાં કે તેના શ્લોકો કે આયાતોમાં પણ કયાંય બાંયધરી કે શરતોનો ઉલ્લેખ સુધ્ધાં નથી. માત્ર ખુદા કે ઈશ્વરના નામે એક બીજા સાથે જીવનભર સાથ નિભાવવાની સ્વેચ્છિક સંમતી છે. પ્રેમ અને વિશ્વાસના સોગંદ છે. જેમાં સામાજિક કે ધાર્મિક બંધન અને તેના પાલનની આત્મીય અભિવ્યકિત છે. અને એટલે જ કોઈ પણ ધર્મની  સંસ્કૃતિમા લગ્ન કે નિકાહનું મહત્વ કરાર કે બંધન પૂરતું સીમિત કે સંકુચિત નથી. કાયદાની પરિભાષામાં કરાર એ આર્થિક કે વ્યવસાયિક વ્યહાર છે, બંધન છે. જેમાં આર્થિક કે વ્યવસાયિક આપલેની ક્રિયા કેન્દ્રમાં હોઈ છે. નફો અને તોટો એ કરારનો ભાગ છે. જયારે લગ્ન કે નિકાહમાં આર્થિક આપ લે કે વ્યવસાયિક વ્યવહાર બિલકુલ નથી. તેમાં તો જીવનસાથી સાથેનું સ્નેહબંધ છે. સપ્રેમ એક બીજાના ગુણો અને મર્યાદાઓ સાથે જીવનભર નિભાવવાનું વચન છે. સંસ્કારોને જાળવવાનું આહવાન છે. તેમાં નફો તોટોની ગણતરી નથી. જેમા આવક જાવક કે સેવાનું મુલ્ય મેળવવાની ભાવના નથી.
કુરાને શરીફમાં કહ્યું છે,
"સ્ત્રી-પુરુષનું સર્જન એકબીજાના નિકાહ દ્વારા સર્જાતા મિલનમાંથી ઉત્પન્ન થતા આત્મસંતોષ અને પ્રેમ માટે થયું છે."
લગ્ન કે નિકાહ દ્વારા મળતો પતિ-પત્નીનો દરજજો તેમને સામાજિક, ધાર્મિક અને નૈતિક જવાબદારીઓ અદા કરવામાં સહાયક બને છે. પતિ-પત્ની બંને માટે તે ધાર્મિક અને સામાજિક સમર્પણ છે, બંધન છે. એ બંધનમાં કોઈ ફરજીયાત વ્યવહારને સ્થાન નથી. બળજબરીની ભાવના કે પ્રેમ વિહોણી અપેક્ષાઓ નથી. તેમાં તો છે માત્ર નિર્મળ પ્રેમ છે. અને એ પ્રેમને પામવા માટે ત્યાગ અને સમર્પણ અનિવાર્ય છે. દરેક ધર્મમાં લગ્ન કે નિકાહનો સ્વીકાર દેવો કે પયગમ્બરોએ કર્યો છે. અને કરવાનો આદેશ આપ્યો છે. જેમ કે
હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)એ ફરમાવ્યું છે,
 "તમારામાંથી જેઓ કુંવારા છે તેમના નિકાહ કરાવી દો અને તમારા ગુલામ તથા દાસીઓમાં પણ જે નિકાહને લાયક છે તેમના પણ નિકાહ કરાવી દો."
 અર્થાત ઇસ્લામમાં નિકાહ સુન્નત છે. હિંદુ દેવો અને ઇસ્લામના મોટા ભાગના પયગંબરોએ નિકાહ કે લગ્ન કર્યા છે.રામ, કૃષ્ણ, શંકર મહંમદ સાહેબ કે હજરત ઇસાને બાદ કરતાં ઇસ્લામના દરેક નબી-પયગમ્બરે નિકાહ કર્યા છે અને એ પવિત્રબંધનને ત્યાગ અને સમર્પણથી જીવનભર નિભાવ્યું છે. રામ-સીતા, શંકર-પાર્વતી કે મહંમદ સાહેબ અને હઝરત ખદીજા તેના ઉત્તમ ઉદાહરણો છે.
દરેક ધર્મમાં લગ્ન કે નિકાહ પછી સ્ત્રી-પુરુષને સમાન દરજજો આપવામાં આવ્યો છે. ઇસ્લામમા તો નિકાહનો આરંભ જ સ્ત્રીની સમંતિથી થાય છે. પ્રથમ સ્ત્રી ત્રણ વાર પોતાની સંમતિ વકીલ(કાયદાની ભાષામાં મનાતા વકીલ નહિ) અને બે સાક્ષીઓની હાજરીમાં આપે છે, પછી પુરુષની સમંતિ લેવાય છે નિકાહ પછી દામ્પત્યજીવનમાં પણ સ્ત્રી-પુરુષના સમાન અધિકારને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
ઇસ્લામના એક સંત હજરત બશરે નિકાહ નહોતા કર્યા એટલે તેમના એક અનુયાયીએ તેમને પૂછ્યું, 'હજરત આપે મહંમદ સાહેબ (સ.અ.વ.)નો નિકાહ કરવાનો આદેશ કેમ પૂર્ણ નથી કર્યો?'
હજરત બશરે ફરમાવ્યું,
 "જેવા પતિના પત્ની પર અધિકારો છે તેવા જ પત્નીના પતિ પર અધિકારો છે. કુરાને શરીફની આ આયાત મને નિકાહ કરવાથી રોકે છે. અનાયાસે પણ પત્નીનો કોઇ અધિકાર મારાથી અદા ન થાય તો હું ખુદાનો ગુનેગાર બનું. એ ભયે જ મેં નિકાહની સુન્નત અદા નથી કરી."

નિકાહના સંબંધોમાં ત્યાગ અને સંયમને પણ ઇસ્લામે ઇબાદત (ભકિત) સમાન ગણેલ છે. હજરત યુનુસની પત્ની અતિશય આકરા સ્વભાવની હતી. એક વખત હજરત યુનુસ તેમના અનુયાયીઓથી ધેરાયેલા બેઠા હતા ત્યારે તેમની પત્નીએ હજરત યુનુસનું અપમાન કર્યું. હજરત યુનુસ એક શબ્દ બોલ્યા વગર હસતા રહ્યા. અનુયાયીઓ નવાઇથી જોઇ રહ્યા. પત્ની બેફામ બોલ્યાં પછી ચાલ્યાં ગયાં. ત્યારે હજરત યુનુસે કહ્યું,

"આમાં નવાઇ પામવા જેવું કશું નથી. પત્નીના ગેરવર્તન સમયે સંયમ રાખવાનું કાર્ય પણ 'જિહાદ' સમાન છે. એવા સમયે સબ્ર રાખવી એ પણ ઇબાદત છે."

ટૂંકમાં કોઈ પણ ધર્મમાં લગ્ન કે નિકાહ એ કોઇ કરાર નથી. એ સંસ્કૃતિ અને સભ્યતાના સંસ્કારોનું પ્રતીક છે. કરારમાં નફો-તોટો જોવાય છે. કરારમાં લેખિત નિયમોનું પાલન હૃદયના ધબકારાઓના અહેસાસ વગર કરવાનું હોય છે, જયારે લગ્ન કે નિકાહના પાયામાં જ પ્રેમ, સમર્પણ અને ત્યાગ રહેલાં છે એટલે તેને કરાર જેવું નામ આપવું એ ભારતીય સંસ્કારોનું અવમૂલ્યન છે.

No comments:

Post a Comment