૨૫ જાન્યુઆરીના રોજ ઇસ્લામના અનુયાયીઓ મહંમદ
પયગમ્બર (સ.અ.વ.) સાહેબનો (ઈ.સ.૫૭૧ થી ૬૩૨)૧૪૪૨મો
જન્મદિવસ ઉજવશે. ઇસ્લામના પુનઃ સર્જક અને પ્રચારક મહંમદ સાહેબ(સ.અ.વ.)નો
જન્મ ઇસ્લામી માસ રબ્બી ઉલ અવ્વલની ૧૨મી તારીખ સોમવાર,અંગ્રેજી તારીખ ૨૦ અપ્રિલ
ઈ.સ.૫૭૧ના રોજ થયો હતો. ભારતના ત્રણ મોટા વિદ્વાનો ડૉ.વેદ પ્રકાશ ઉપાધ્યાય,(રિસર્ચ
સ્કોલેર, સંસ્કૃત,પ્રયાગ વિશ્વવિદ્યાલય) ડૉ. એમ.એ.શ્રીવાસ્તવ અને ડૉ. ધરમવીર
ઉપાધ્યાયના સંશોધન મુજબ ૬૧ વર્ષનું આયુષ્ય ભોગવનાર મહંમદ સાહેબ(સ.અ.વ.)ના
દુનિયામાં આગમનની આગાહી તો ૪૦૦૦ હજાર વર્ષો પૂર્વે પવિત્ર વેદોમાં થઇ હતી. જેમાં મહંમદ સાહેબનો ઉલ્લેખ "નરાશંસ"તરીકે
કરવામાં આવ્યો છે. ચારેય વેદોમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. પવિત્ર વેદોમાં તેમના
આગમનની ભવિષ્યવાણી ભાખતા જે નિશાનીઓ ઉપરોક્ત વિદ્વાનોએ આપેલ છે તે જાણવા જેવી છે.
૧. પવિત્ર વેદોમાં આપવામાં આવેલ "નરાશંસ"
શબ્દનો અર્થ "મનુષ્યો દ્વારા પ્રશંસિત ઇશદૂત" થાય છે(ઋગ્વેદ,સંહિતા,૧/૧૩/૩). અરબી ભાષાના"હમ્દ"શબ્દનો
અર્થ પણ પ્રશંશા થાય છે. અને "મહંમદ" શબ્દનો અર્થ "પ્રશંસિત"
થાય છે. એ મુજબ "મહંમદ" શબ્દનો અર્થ પણ "મનુષ્યો દ્વારા
પ્રશંસિત ઇશદૂત" એવો થયા
છે.
૨. પવિત્ર વેદોમાં કહેવામાં આવ્યું છે કે
"નરાશંસ"ની બોલવાની શૈલી કે ઢંગ નરમ અને મૃદુ હશે. અથવા તેમની
વાતચીત માનવીને વશીભૂત કરી નાખે તેવી હશે. મહંમદ સાહેબના વ્યક્તિત્વનું ઊંડાણથી
સંશોધન કરનાર વિદ્વાનો પણ એ બાબત સાથે સહમત છે કે મહંમદ સાહેબ(સ.અ.વ.)નો સ્વભાવ
નમ્ર. મૃદુ અને સાલસ હતો. આ અંગે કુરાને શરીફમાં પણ કહ્યું છે,
"હે પયગમ્બર, આ અલ્લાહની મોટી કૃપા છે કે તમે
આ લોકો માટે ઘણા વિનમ્ર સ્વભાવના છો, નહિ તો જો તમે કઠોર સ્વભાવના અને પાષણ હદયના
હોત, તો આ સૌ તમારા પાસેથી વિખરાઈ જાત"
૩. પવિત્ર વેદોમાં વર્ણવ્યા મુજબ "નરાશંસ"
ભવિષ્યવાણી કરવાની શક્તિ પણ ધરાવતા હશે (ઋગ્વેદ,સંહિતા,૫/૧૫/૨ અને ૧/૩/૨).
ઇસ્લામના ધર્મગ્રંથો મુજબ મહંમદ સાહેબ પયગમ્બર(સ.અ.વ.) હતા. તેથી હઝરત જિબ્રીલના
માધ્યમ દ્વારા મહંમદ સાહેબ(સ.અ.વ.)ને ખુદાનો સંદેશ અને ભવિષ્યનું જ્ઞાન પ્રાપ્ત
થતું હતું. જેમ કે મહંમદ સાહેબે પોતાના જીવનકાળ દરમિયાન ભવિષ્યવાણી કરી હતી કે રોમ
ઈરાન ઉપર વિજય મેળવશે. મહંમદ સાહેબની એ ભવિષ્યવાણી
ઈ.સ.૬૫૭મા સાચી પડી હતી.
૪.પવિત્ર વેદોમાં કહ્યું છે "નરાશંસ"નું
વ્યક્તિત્વ અનહદ ચિત્તાકર્ષક હશે(ઋગ્વેદ,સંહિતા,૨/૩/૨)અર્થાત "નરાશંસ"
અત્યંત સુંદર અને જ્ઞાનના પ્રચારક હશે. મહંમદ સાહેબ(સ.અ.વ.)પણ મનમોહક
વ્યક્તિત્વ ધરાવતા હતા. અરબસ્તાનના અંધકાર યુગમાં તેમણે જ્ઞાન ની રોશની પ્રગટાવી
હતી.
૫. પવિત્ર વેદોમા લખ્યું છે કે "નરાશંસ"
ઉંટ પર સવારી કરશે અને તેમને ૧૨ પત્નીઓ હશે
(અથર્વેદ, ૨૦/૧૨૭/૨).મહંમદ સાહેબનું રહેણાંક
અરબસ્તાનના મક્કા મદીના શહેરમા હતું. એ પ્રદેશ રણમા છે. તેથી મહંમદ સાહેબ મોટે
ભાગે ઉંટ પર જ મુસાફરી કરતા હતા. એ જ રીતે મહંમદ સાહેબ જ દુનિયાની એવી ધાર્મિક
હસ્તી છે જેને ૧૨ પત્નીઓ હતી.
૬. વેદોની અન્ય એક ભવિષ્યવાણી છે કે"નરાશંસ"ની
લોકો પ્રસંશા કરશે(અથર્વેદ, હિન્દી ભાષ્ય,૧૪૦૧ અને ઋગ્વેદ,સંહિતા,૧/૧૩/૩). એ સત્ય
છે કે મહંમદ સાહેબ(સ.અ.વ.)ના જીવનકવનની વિશ્વના અનેક મહાનુભાવોએ પ્રશંશા કરી છે.
અને કરતા રહે છે.વળી, ઇસ્લામના અનુયાયીઓ તો દિવસમાં પાંચ વખતની નમાઝની અઝાનમા
બુલંદ અવાજમાં મહંમદ સાહેબનું નામ લે છે.
૭. પવિત્ર વેદોમાં કહ્યું છે કે ઈશ્વર "નરાશંસ"ને
નિમ્ન લિખિત વસ્તુઓ પ્રદાન કરશે(અથર્વેદ, ૨૦,૧૨૭/૩) અ. ૧૦ ગળાના હાર બ.
૧૦૦ સોનાના સિક્કા ક. ૩૦૦ ઘોડા ડ. ૧૦૦૦૦ ગાયો.
આ ભવિષ્યવાણીનું અર્થઘટન કરતા ઉપરોક્ત વિદ્વાનો
કહે છે પ્રથમ હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)ના દસ અંગત વફાદાર સાથીઓ હતા.જે ગળાના હાર
સમાન હતા. મહંમદ સાહેબના ૧૦૦ સહાબીઓ એવા હતા, જેમણે પોતાનું સર્વસ્વ ત્યાગીને
ઇસ્લામના પ્રચાર પ્રસારમાં સમગ્ર જીવન વ્યતીત કર્યું હતું. એજ રીતે મહંમદ સાહેબને
મક્કાના ૧૦૦૦ અધર્મીઓ સામે માત્ર ૩૧૩ સહાબીઓને લઈને યુદ્ધ કરવું પડ્યું હતું.
ત્યારે તેમના ઘોડેસવારોની સંખ્યા ૩૦૦ની હતી. હિજરીસન આઠમાં મહંમદ સાહેબ સાથે મક્કાવાસીઓએ
કરેલ સંધીનો ભંગ કરી યુદ્ધ આરંભ્યું. ત્યારે મહંમદ સાહેબે ૧૦૦૦૦ સહાબીઓને એકત્રિત
કરી કોઈ પણ પ્રકારની હિંસા કે યુદ્ધ કર્યા વગર મક્કાને જીતી લીધું હતું. તેથી એ
૧૦૦૦૦ સહાબીઓને અહિંસક ગાયો સાથે સરખાવવામાં આવેલ છે.
૮.અને વેદોની અંતિમ ભવિષ્યવાણી એ હતી કે
ઈશ્વર પવિત્ર "નરાશંસ"ને ૬૦૦૯૦ શત્રુઓથી બચાવશે (ઋગ્વેદ,મ.પ, સૂ.
૨૭,મ,૧).આ ભવિષ્યવાણીનું અર્થઘટન કરતા વિદ્વાનો કહે છે,
"જયારે મક્કાવાસીઓએ જોયું કે તેઓ ઇસ્લામને
ફેલાતો રોકી શકે તેમ નથી.ત્યારે તેમણે મહંમદ સાહેબની હત્યાની કાવતરું રચ્યું. એક
રાત્રે ૪૫ પરિવારોના ૪૫ સૈનિકોએ મહંમદ સાહેબને ઘેરી લીધા. જેથી મહંમદ સાહેબ જેવા
ઘરની બહાર નીકળે કે તુરત તેમની હત્યા કરી નાખવામાં આવે. પણ એ રાત્રે મહંમદ સાહેબ
ઘરની બહાર નીકળ્યા છતાં દુશ્મનો તેમને જોઈ ન શકાય.અને મહંમદ સાહેબ તેમની વચ્ચેથી હિજરત કરી, મદીના પહોંચી ગયા. આ વખતે મક્કાની
વસ્તી ૬૦૦૦૦ હતી.અને તેમને ઘેરનાર ૪૫ પરિવારોના ૪૫ સૈનિકો હતા."
હિંદુ વિદ્વાનોની ઉપરોક્ત દલીલો સિદ્ધ કરે છે કે
મહંમદ સાહેબના જન્મની ભવિષ્યવાણી પવિત્ર વેદોમાં ૪૦૦૦ વર્ષો પૂર્વે થઈ હતી. એ માટે
ઇસ્લામનો દરેક અનુયાયી તેમનો આભારી છે. અને એટલે આ લેખની પુર્ણાહુતી પ.પૂ.
મોરારીબાપુએ મહંમદ સાહેબ માટે કહેલા શબ્દોથી કરીએ,
"મહંમદ સાહેબ (સ.અ.વ.)ઝીંદગી અને બંદગીને
જુદી નહોતા માનતા"
ઈદે મિલાદના આ પ્રસંગે ચાલો આપણે પણ ઝીંદગી અને
બંદગીને એકાકાર કરી જીવવાની પ્રતિજ્ઞા લઈએ.
No comments:
Post a Comment