Tuesday, January 22, 2013

ગેગરેંપના ગુનેગારો પ્રત્યે ઇસ્લામિક દ્રષ્ટિકોણ : ડો. મહેબૂબ દેસાઈ


હાલમાં જ ગુજરાત વિદ્યાપીઠના સભાખંડમાં વિદ્યાર્થીઓ વચ્ચે એક જૂથચર્ચાનું આયોજન થયુ હતું. સમાજવિદ્યાના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો વચ્ચે ગેંગરેપ જેવી ઘટનાઓ માટે કોણ જવાબદાર છે, તેની વિષાદ છણાવટ સાથે ચર્ચા થઇ. તેમાં ત્રણ બાબતો તરી આવી.
૧. આવા કિસ્સાઓ માટે આપણા માધ્યમો જેવા કે અખબારો, ફિલ્મો કે ચેનલો પર આવતી જાહેરાતો કે   દ્રશ્યો જવાબદાર છે.
૨.  સ્ત્રીઓ પણ પોતાના પોશાક અને અંગ પ્રદર્શન દ્વારા દ્વારા પુરુષોને ઉશકેરવાનું કાર્ય કરે છે.
૩. કેટલાક વિદ્યાર્થીઓએ  આપણા સમાજની બદલતી જતી વિચારધાર અને સંસ્કારોને  જવાબદાર ઠેરવ્યા.
બંને પક્ષે લગભગ એકાદ કલાક ચર્ચા ચાલી. એ ચર્ચા યુવાનોમાં આવી રહેલ જાગૃતિના પ્રતિક સમાન હતી. ચર્ચામાં યુવાનો એ બાબત પર સહમત થયા કે સ્ત્રીના પોશાકો સમાજમાં વિકૃત દ્રષ્ટિને વિકસાવતા ન હોવા જોઈએ. આજ બાબત ઇસ્લામમાં જરા જુદી રીતે કહેવામાં આવી છે. ઇસ્લામમાં સ્ત્રીના પોષક અને શ્રુંગાર માટે કહેવામાં આવ્યું છે કે,
સ્ત્રીના પોષક અને શ્રુંગાર એ સૌ માટે દેખાડો કરવા નથી હોતા
કુરાને શરીફમાં એ પણ કહ્યું છે,
દરેક સ્ત્રીની સુરક્ષાની જવાબદારી પુરુષની છે
સાથે સાથે પુરુષોને પણ હિદાયત આપવામા આવી છે કે,
મોમીન મર્દો ને કહી દો કે તે તેમની નજર નીચી રાખે અને શર્મગાહને સુરક્ષિત રાખે
ચર્ચા સમયે કેટલાક વિદ્યાર્થી ભાઈ-બહેનો પ્લે કાર્ડમાં સુત્રો લખી લાવ્યા હતા. ગેંગરેપ કરનાર નરપિશાચોને તેમાં સજા સૂચવવામાં આવી હતી. તેમાં મોટે ભાગે તેમને ફાંસી અથવા તેમના લિંગનું છેદન મુખ્ય હતા. એ જોઈ મને મધ્યયુગમાં મહંમદ બેડાના સમયમાં ઘટેલ એક ઐતિહાસિક ઘટના યાદ આવી ગઈ.
મહમદ બેગડાને ચાર રાણીઓ હતી. એ ચારેને એક એક પુત્ર હતો .પ્રથમ રાણી રૂપ મંજરી , જેની કબર માણેકચોક (અમદાવાદ)માં છે. તેને મુહમદ નામક પુત્ર હતો . બીજી રાણી શેહપરી (સીપરી). જેના પુત્રનું નામ આબાખાન હતું. ત્રીજી રાણી હીરાબાઈ ના પુત્રનું નામ હતું ખલીલખાન (મુઝફ્ફરખાન) .અને ચોથી રાણીના પુત્રનું નામ હતું અહેમદશાહ. આ ચારે રાણીઓમાં શેહ્પરી અત્યંત ખુબસુરત અને પ્રભાવશાળી હતી. તેનો પુત્ર આબાખાન રંગીન મિજાજનો માલિક હતો. એક દિવસ આબાખાનની સવારી ખાડિયા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. પ્રજા એ સવારીને નિહાળવા રસ્તાની બંને બાજુ ઉભી હતી. રસ્તા પરના એક મકાનના કઠેરામાં એક અત્યંત ખુબસુરત કન્યા પણ શાહજાદાની સવારીને નિહાળી રહી હતી. . આબાખાનની નજર એ કન્યા પર પડી અને આબાખાન પોતાના રંગીન મિજાજને રોકી ન શક્યો. આબાખાને તે કન્યાને પ્રેમ ભર્યો ઈશારો કર્યો. પ્રજા આબાખાનના આ અપકૃત્યને જોઈ ગુસ્સે ભરાણી અને આબાખાન અને તેના રસાલા પર તૂટીપડી. શાહ્જદાના કિમંતી વસ્રતોના લીરેલીરા ઉડી ગયા . તેના સિપાયો ભાગી ગયા.
આ ઘટનાની જાણ મુહમદ બેગડાને થઈ. તેણે રાણી શેહ્પરી (સીપરી) અને પુત્ર આબાખાનને ખુલ્લા દરબારમાં બોલાવ્યા. અને ઘટનાની સત્યતા તપાસી.પ્રજાના નિવેદન સાંભળ્યા. અને પછી ઇન્સાફ કરતા કહ્યું ,
" આ સામે પડેલ ઈશ્ખોલ (પ્યાલો) ઉપાડો. તેમાં ઝેરની પડીકી નાખો. તેને પાણી ,ઓહ ભુલીયો આ તો શાહજાદો છે , તેને પાણીમાં ઝેર ન અપાય. તેને શરબત-એ-ગુલાબમાં ઝેર ઘોળીને આપો."
રાણી શેહ્પરી (સીપરી) આ સાંભળી ધ્રુજી ગઈ. મુહમદ બેગડાને તેણે આક્રંદ સાથે વિનંતી કરી,
" જહાંપના, શાહજાદો આબાખાન આપનો પુત્ર છે. આ તેની પહેલી ખતા છે. તેને આવી કડી સજા ન કરો.
મુહમદ બેગડો પોતાની પ્રિય રાણીની વ્યથા જોઈ રહ્યો. તેના ચહેરા પર તેની બિલકુલ અસર ન હતી. પોતાના ઇન્સાફને વળગી રહેતા તે બોલ્યો ,
"આ તમારો પુત્ર છે અને જેને તેણે બીભ્સ્ય ઈશારો કર્યો છે તે મારી પ્રજાપુત્રી છે. મારી પ્રજાની ઇઝ્ઝત આબરુની હિફાઝત કરવાની મારી પ્રથમ ફર્ઝ છે. પ્રજાના રક્ષકો જ પ્રજાના ભક્ષકો બનશે તો સૂફીસંતોની આ ધરા ધ્રુજી ઉઠશે."
રાણી શાહ્પારી (સીપરી)એ પોતાની વિનંતી ચાલુ રાખતા કહ્યું ,
"પણ, જહાંપના આટલી નાની બાબતની આટલી મોટી સજા ? "
આ સાંભળી મુહમદ બેગડો બોલી ઉઠ્યો ,
" આપની વાત સાચી છે. પણ મારો ઇન્સાફ આપના શાહજાદાની જિંદગી બરબાદ કરી નાખશે.
તેના હાથ પગ કાપી નાખવાનો મારો હુકમ તેને આખી જિંદગી રીબાવશે. અને એક માં તરીકે આપ એ જોઈ નહિ શકો. માટે ઝેર દ્વારા મુક્તિ એ જ એના માટે ઉત્તમ સજા છે."
અને રાણી શેહ્પરીએ પોતાના એકના એક પુત્રને શરબત-એ-ગુલાબમાં ઝેર ઘોળીને આપ્યું. આખો દરબાર મુહમદ બેગડાના ઇન્સાફને ચકિત નજરે જોઈ રહ્યો. થોડી જ પળોમાં શાહજાદા આબાખાનના શરીરમાં ઝેર પ્રસરી ગયું. અને એક સુલતાન બાપની ફર્ઝ ભૂલી પોતાના અદલ ઇન્સાફને ભીની આંખે તાકી રહ્યો.
આજે પણ આસ્ટોડિયા દરવાજા બહાર આવેલી શેહ્પરી (સીપરી)ની મસ્જિતમાં રાણી સીપરીની કબર
પાસે જ શાહજાદા આબાખાનની કબર મુહમદ બેગડાના ઇન્સાફની સાક્ષી પુરતી હયાત છે.

Sunday, January 13, 2013

ઈદ-એ-મિલાદ: "નરાશંસ" મહંમદ સાહેબ : ડૉ. મહેબૂબ દેસાઈ



૨૫ જાન્યુઆરીના રોજ ઇસ્લામના અનુયાયીઓ મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબનો (ઈ.સ.૫૭૧ થી ૬૩૨)૧૪૪૨મો  જન્મદિવસ ઉજવશે. ઇસ્લામના પુનઃ સર્જક અને પ્રચારક મહંમદ સાહેબ(સ.અ.વ.)નો જન્મ ઇસ્લામી માસ રબ્બી ઉલ અવ્વલની ૧૨મી તારીખ સોમવાર,અંગ્રેજી તારીખ ૨૦ અપ્રિલ ઈ.સ.૫૭૧ના રોજ થયો હતો. ભારતના ત્રણ મોટા વિદ્વાનો ડૉ.વેદ પ્રકાશ ઉપાધ્યાય,(રિસર્ચ સ્કોલેર, સંસ્કૃત,પ્રયાગ વિશ્વવિદ્યાલય) ડૉ. એમ.એ.શ્રીવાસ્તવ અને ડૉ. ધરમવીર ઉપાધ્યાયના સંશોધન મુજબ ૬૧ વર્ષનું આયુષ્ય ભોગવનાર મહંમદ સાહેબ(સ.અ.વ.)ના દુનિયામાં આગમનની આગાહી તો ૪૦૦૦ હજાર વર્ષો પૂર્વે પવિત્ર વેદોમાં થઇ હતી. જેમાં મહંમદ સાહેબનો ઉલ્લેખ "નરાશંસ"તરીકે કરવામાં આવ્યો છે. ચારેય વેદોમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. પવિત્ર વેદોમાં તેમના આગમનની ભવિષ્યવાણી ભાખતા જે નિશાનીઓ ઉપરોક્ત વિદ્વાનોએ આપેલ છે તે જાણવા જેવી છે.
૧. પવિત્ર વેદોમાં આપવામાં આવેલ "નરાશંસ" શબ્દનો અર્થ "મનુષ્યો દ્વારા પ્રશંસિત ઇશદૂત" થાય    છે(ઋગ્વેદ,સંહિતા,૧/૧૩/૩). અરબી ભાષાના"હમ્દ"શબ્દનો અર્થ પણ પ્રશંશા થાય છે. અને "મહંમદ" શબ્દનો અર્થ "પ્રશંસિત" થાય છે. એ મુજબ "મહંમદ" શબ્દનો અર્થ પણ "મનુષ્યો દ્વારા પ્રશંસિત ઇશદૂત" એવો થયા છે.   
૨. પવિત્ર વેદોમાં કહેવામાં આવ્યું છે કે "નરાશંસ"ની બોલવાની શૈલી કે ઢંગ નરમ અને મૃદુ હશે. અથવા તેમની વાતચીત માનવીને વશીભૂત કરી નાખે તેવી હશે. મહંમદ સાહેબના વ્યક્તિત્વનું ઊંડાણથી સંશોધન કરનાર વિદ્વાનો પણ એ બાબત સાથે સહમત છે કે મહંમદ સાહેબ(સ.અ.વ.)નો સ્વભાવ નમ્ર. મૃદુ અને સાલસ હતો. આ અંગે કુરાને શરીફમાં પણ કહ્યું છે,
"હે પયગમ્બર, આ અલ્લાહની મોટી કૃપા છે કે તમે આ લોકો માટે ઘણા વિનમ્ર સ્વભાવના છો, નહિ તો જો તમે કઠોર સ્વભાવના અને પાષણ હદયના હોત, તો આ સૌ તમારા પાસેથી વિખરાઈ જાત"
૩. પવિત્ર વેદોમાં વર્ણવ્યા મુજબ "નરાશંસ" ભવિષ્યવાણી કરવાની શક્તિ પણ ધરાવતા હશે (ઋગ્વેદ,સંહિતા,૫/૧૫/૨ અને ૧/૩/૨). ઇસ્લામના ધર્મગ્રંથો મુજબ મહંમદ સાહેબ પયગમ્બર(સ.અ.વ.) હતા. તેથી હઝરત જિબ્રીલના માધ્યમ દ્વારા મહંમદ સાહેબ(સ.અ.વ.)ને ખુદાનો સંદેશ અને ભવિષ્યનું જ્ઞાન પ્રાપ્ત થતું હતું. જેમ કે મહંમદ સાહેબે પોતાના જીવનકાળ દરમિયાન ભવિષ્યવાણી કરી હતી કે રોમ ઈરાન ઉપર વિજય મેળવશે. મહંમદ સાહેબની એ ભવિષ્યવાણી ઈ.સ.૬૫૭મા સાચી પડી હતી.
૪.પવિત્ર વેદોમાં કહ્યું છે "નરાશંસ"નું વ્યક્તિત્વ અનહદ ચિત્તાકર્ષક હશે(ઋગ્વેદ,સંહિતા,૨/૩/૨)અર્થાત "નરાશંસ" અત્યંત સુંદર અને જ્ઞાનના પ્રચારક હશે. મહંમદ સાહેબ(સ.અ.વ.)પણ મનમોહક વ્યક્તિત્વ ધરાવતા હતા. અરબસ્તાનના અંધકાર યુગમાં તેમણે જ્ઞાન ની રોશની પ્રગટાવી હતી.
૫. પવિત્ર વેદોમા લખ્યું છે કે "નરાશંસ" ઉંટ પર સવારી કરશે અને તેમને ૧૨ પત્નીઓ હશે
(અથર્વેદ, ૨૦/૧૨૭/૨).મહંમદ સાહેબનું રહેણાંક અરબસ્તાનના મક્કા મદીના શહેરમા હતું. એ પ્રદેશ રણમા છે. તેથી મહંમદ સાહેબ મોટે ભાગે ઉંટ પર જ મુસાફરી કરતા હતા. એ જ રીતે મહંમદ સાહેબ જ દુનિયાની એવી ધાર્મિક હસ્તી છે જેને ૧૨ પત્નીઓ હતી.
૬. વેદોની અન્ય એક ભવિષ્યવાણી છે કે"નરાશંસ"ની લોકો પ્રસંશા કરશે(અથર્વેદ, હિન્દી ભાષ્ય,૧૪૦૧ અને ઋગ્વેદ,સંહિતા,૧/૧૩/૩). એ સત્ય છે કે મહંમદ સાહેબ(સ.અ.વ.)ના જીવનકવનની વિશ્વના અનેક મહાનુભાવોએ પ્રશંશા કરી છે. અને કરતા રહે છે.વળી, ઇસ્લામના અનુયાયીઓ તો દિવસમાં પાંચ વખતની નમાઝની અઝાનમા બુલંદ અવાજમાં મહંમદ સાહેબનું નામ લે છે.
૭. પવિત્ર વેદોમાં કહ્યું છે કે ઈશ્વર "નરાશંસ"ને નિમ્ન લિખિત વસ્તુઓ પ્રદાન કરશે(અથર્વેદ, ૨૦,૧૨૭/૩) અ. ૧૦ ગળાના હાર બ. ૧૦૦ સોનાના સિક્કા ક. ૩૦૦ ઘોડા ડ. ૧૦૦૦૦ ગાયો.
આ ભવિષ્યવાણીનું અર્થઘટન કરતા ઉપરોક્ત વિદ્વાનો કહે છે પ્રથમ હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)ના દસ અંગત વફાદાર સાથીઓ હતા.જે ગળાના હાર સમાન હતા. મહંમદ સાહેબના ૧૦૦ સહાબીઓ એવા હતા, જેમણે પોતાનું સર્વસ્વ ત્યાગીને ઇસ્લામના પ્રચાર પ્રસારમાં સમગ્ર જીવન વ્યતીત કર્યું હતું. એજ રીતે મહંમદ સાહેબને મક્કાના ૧૦૦૦ અધર્મીઓ સામે માત્ર ૩૧૩ સહાબીઓને લઈને યુદ્ધ કરવું પડ્યું હતું. ત્યારે તેમના ઘોડેસવારોની સંખ્યા ૩૦૦ની હતી. હિજરીસન આઠમાં મહંમદ સાહેબ સાથે મક્કાવાસીઓએ કરેલ સંધીનો ભંગ કરી યુદ્ધ આરંભ્યું. ત્યારે મહંમદ સાહેબે ૧૦૦૦૦ સહાબીઓને એકત્રિત કરી કોઈ પણ પ્રકારની હિંસા કે યુદ્ધ કર્યા વગર મક્કાને જીતી લીધું હતું. તેથી એ ૧૦૦૦૦ સહાબીઓને અહિંસક ગાયો સાથે સરખાવવામાં આવેલ છે.
૮.અને વેદોની અંતિમ ભવિષ્યવાણી એ હતી કે ઈશ્વર પવિત્ર "નરાશંસ"ને ૬૦૦૯૦ શત્રુઓથી બચાવશે (ઋગ્વેદ,મ.પ, સૂ. ૨૭,મ,૧).આ ભવિષ્યવાણીનું અર્થઘટન કરતા વિદ્વાનો કહે છે,
"જયારે મક્કાવાસીઓએ જોયું કે તેઓ ઇસ્લામને ફેલાતો રોકી શકે તેમ નથી.ત્યારે તેમણે મહંમદ સાહેબની હત્યાની કાવતરું રચ્યું. એક રાત્રે ૪૫ પરિવારોના ૪૫ સૈનિકોએ મહંમદ સાહેબને ઘેરી લીધા. જેથી મહંમદ સાહેબ જેવા ઘરની બહાર નીકળે કે તુરત તેમની હત્યા કરી નાખવામાં આવે. પણ એ રાત્રે મહંમદ સાહેબ ઘરની બહાર નીકળ્યા છતાં દુશ્મનો તેમને જોઈ ન શકાય.અને મહંમદ સાહેબ તેમની વચ્ચેથી  હિજરત કરી, મદીના પહોંચી ગયા. આ વખતે મક્કાની વસ્તી ૬૦૦૦૦ હતી.અને તેમને ઘેરનાર ૪૫ પરિવારોના ૪૫ સૈનિકો હતા."

હિંદુ વિદ્વાનોની ઉપરોક્ત દલીલો સિદ્ધ કરે છે કે મહંમદ સાહેબના જન્મની ભવિષ્યવાણી પવિત્ર વેદોમાં ૪૦૦૦ વર્ષો પૂર્વે થઈ હતી. એ માટે ઇસ્લામનો દરેક અનુયાયી તેમનો આભારી છે. અને એટલે આ લેખની પુર્ણાહુતી પ.પૂ. મોરારીબાપુએ મહંમદ સાહેબ માટે કહેલા શબ્દોથી કરીએ,
"મહંમદ સાહેબ (સ.અ.વ.)ઝીંદગી અને બંદગીને જુદી નહોતા માનતા"
ઈદે મિલાદના આ પ્રસંગે ચાલો આપણે પણ ઝીંદગી અને બંદગીને એકાકાર કરી જીવવાની પ્રતિજ્ઞા લઈએ.

Wednesday, January 9, 2013

લગ્ન કે નિકાહ ધાર્મિક સંસ્કાર છે. : ડૉ. મહેબૂબ દેસાઈ



હમણાં જ એક મહાનુભાવએ લગ્નને કરાર કહી એક નવા વિવાદને જન્મ આપ્યો છે. કોઈ પણ ધાર્મિક સંસ્કારને કરાર કહી તેનું અવમુલ્યન કરવાની ક્રિયા કોઈ પણ સમાજ માટે યોગ્ય નથી. લગ્ન કે નિકાહને કરારમાં ખપાવતું આ વિધાન થોડો વિચાર માગી લે છે. સૌ પ્રથમ તો લગ્ન કે નિકાહ બે વ્યકિતઓનું માત્ર શારીરિક મિલન નથી. બે વ્યક્તિઓ વચ્ચેની આદાનપ્રદાનની કાયદાકીય પ્રક્રિયા નથી. પણ એ બે કુટુંબોનું મિલન છે. સામાજિક અને ધાર્મિક સંસ્કારો સાથેનું સ્વેચ્છિક આત્મીય બંધન છે. જેમાં ત્યાગ અને સમર્પણ કેન્દ્રમાં છે. જેમાં જીવનભર એક બીજા માટે ન્યોછાવર થવાની ભાવના પડેલી છે. વળી, પતિ પત્ની વચ્ચેના ત્યાગ અને સમર્પણમા કોઈ શરતોને અવકાશ નથી. તેમાં આપ લેનો કોઈ લેખિત કે મૌખિક કરાર નથી. ભારતીય વૈદિક પરંપરા મુજબ લગ્ન એ સંસ્કાર છે.તે જીવનભરનું ધાર્મિક બંધન છે, જે લગ્ન સમયે પતિ-પત્ની સ્વેચ્છિક રીતે સ્વીકારે છે. અને જીવનભર નિભાવે છે. ઇસ્લામ અને હિંદુ ધર્મ બંને માને છે કે,
"નિકાહ કે લગ્ન એ તો સ્વર્ગમાં જ નક્કી થઈ જાય છે. આપણે તો બસ તેની ઉજવણીની વિધિ જ કરીએ છીએ"
લગ્ન કે નિકાહની ક્રિયામાં કે તેના શ્લોકો કે આયાતોમાં પણ કયાંય બાંયધરી કે શરતોનો ઉલ્લેખ સુધ્ધાં નથી. માત્ર ખુદા કે ઈશ્વરના નામે એક બીજા સાથે જીવનભર સાથ નિભાવવાની સ્વેચ્છિક સંમતી છે. પ્રેમ અને વિશ્વાસના સોગંદ છે. જેમાં સામાજિક કે ધાર્મિક બંધન અને તેના પાલનની આત્મીય અભિવ્યકિત છે. અને એટલે જ કોઈ પણ ધર્મની  સંસ્કૃતિમા લગ્ન કે નિકાહનું મહત્વ કરાર કે બંધન પૂરતું સીમિત કે સંકુચિત નથી. કાયદાની પરિભાષામાં કરાર એ આર્થિક કે વ્યવસાયિક વ્યહાર છે, બંધન છે. જેમાં આર્થિક કે વ્યવસાયિક આપલેની ક્રિયા કેન્દ્રમાં હોઈ છે. નફો અને તોટો એ કરારનો ભાગ છે. જયારે લગ્ન કે નિકાહમાં આર્થિક આપ લે કે વ્યવસાયિક વ્યવહાર બિલકુલ નથી. તેમાં તો જીવનસાથી સાથેનું સ્નેહબંધ છે. સપ્રેમ એક બીજાના ગુણો અને મર્યાદાઓ સાથે જીવનભર નિભાવવાનું વચન છે. સંસ્કારોને જાળવવાનું આહવાન છે. તેમાં નફો તોટોની ગણતરી નથી. જેમા આવક જાવક કે સેવાનું મુલ્ય મેળવવાની ભાવના નથી.
કુરાને શરીફમાં કહ્યું છે,
"સ્ત્રી-પુરુષનું સર્જન એકબીજાના નિકાહ દ્વારા સર્જાતા મિલનમાંથી ઉત્પન્ન થતા આત્મસંતોષ અને પ્રેમ માટે થયું છે."
લગ્ન કે નિકાહ દ્વારા મળતો પતિ-પત્નીનો દરજજો તેમને સામાજિક, ધાર્મિક અને નૈતિક જવાબદારીઓ અદા કરવામાં સહાયક બને છે. પતિ-પત્ની બંને માટે તે ધાર્મિક અને સામાજિક સમર્પણ છે, બંધન છે. એ બંધનમાં કોઈ ફરજીયાત વ્યવહારને સ્થાન નથી. બળજબરીની ભાવના કે પ્રેમ વિહોણી અપેક્ષાઓ નથી. તેમાં તો છે માત્ર નિર્મળ પ્રેમ છે. અને એ પ્રેમને પામવા માટે ત્યાગ અને સમર્પણ અનિવાર્ય છે. દરેક ધર્મમાં લગ્ન કે નિકાહનો સ્વીકાર દેવો કે પયગમ્બરોએ કર્યો છે. અને કરવાનો આદેશ આપ્યો છે. જેમ કે
હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)એ ફરમાવ્યું છે,
 "તમારામાંથી જેઓ કુંવારા છે તેમના નિકાહ કરાવી દો અને તમારા ગુલામ તથા દાસીઓમાં પણ જે નિકાહને લાયક છે તેમના પણ નિકાહ કરાવી દો."
 અર્થાત ઇસ્લામમાં નિકાહ સુન્નત છે. હિંદુ દેવો અને ઇસ્લામના મોટા ભાગના પયગંબરોએ નિકાહ કે લગ્ન કર્યા છે.રામ, કૃષ્ણ, શંકર મહંમદ સાહેબ કે હજરત ઇસાને બાદ કરતાં ઇસ્લામના દરેક નબી-પયગમ્બરે નિકાહ કર્યા છે અને એ પવિત્રબંધનને ત્યાગ અને સમર્પણથી જીવનભર નિભાવ્યું છે. રામ-સીતા, શંકર-પાર્વતી કે મહંમદ સાહેબ અને હઝરત ખદીજા તેના ઉત્તમ ઉદાહરણો છે.
દરેક ધર્મમાં લગ્ન કે નિકાહ પછી સ્ત્રી-પુરુષને સમાન દરજજો આપવામાં આવ્યો છે. ઇસ્લામમા તો નિકાહનો આરંભ જ સ્ત્રીની સમંતિથી થાય છે. પ્રથમ સ્ત્રી ત્રણ વાર પોતાની સંમતિ વકીલ(કાયદાની ભાષામાં મનાતા વકીલ નહિ) અને બે સાક્ષીઓની હાજરીમાં આપે છે, પછી પુરુષની સમંતિ લેવાય છે નિકાહ પછી દામ્પત્યજીવનમાં પણ સ્ત્રી-પુરુષના સમાન અધિકારને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
ઇસ્લામના એક સંત હજરત બશરે નિકાહ નહોતા કર્યા એટલે તેમના એક અનુયાયીએ તેમને પૂછ્યું, 'હજરત આપે મહંમદ સાહેબ (સ.અ.વ.)નો નિકાહ કરવાનો આદેશ કેમ પૂર્ણ નથી કર્યો?'
હજરત બશરે ફરમાવ્યું,
 "જેવા પતિના પત્ની પર અધિકારો છે તેવા જ પત્નીના પતિ પર અધિકારો છે. કુરાને શરીફની આ આયાત મને નિકાહ કરવાથી રોકે છે. અનાયાસે પણ પત્નીનો કોઇ અધિકાર મારાથી અદા ન થાય તો હું ખુદાનો ગુનેગાર બનું. એ ભયે જ મેં નિકાહની સુન્નત અદા નથી કરી."

નિકાહના સંબંધોમાં ત્યાગ અને સંયમને પણ ઇસ્લામે ઇબાદત (ભકિત) સમાન ગણેલ છે. હજરત યુનુસની પત્ની અતિશય આકરા સ્વભાવની હતી. એક વખત હજરત યુનુસ તેમના અનુયાયીઓથી ધેરાયેલા બેઠા હતા ત્યારે તેમની પત્નીએ હજરત યુનુસનું અપમાન કર્યું. હજરત યુનુસ એક શબ્દ બોલ્યા વગર હસતા રહ્યા. અનુયાયીઓ નવાઇથી જોઇ રહ્યા. પત્ની બેફામ બોલ્યાં પછી ચાલ્યાં ગયાં. ત્યારે હજરત યુનુસે કહ્યું,

"આમાં નવાઇ પામવા જેવું કશું નથી. પત્નીના ગેરવર્તન સમયે સંયમ રાખવાનું કાર્ય પણ 'જિહાદ' સમાન છે. એવા સમયે સબ્ર રાખવી એ પણ ઇબાદત છે."

ટૂંકમાં કોઈ પણ ધર્મમાં લગ્ન કે નિકાહ એ કોઇ કરાર નથી. એ સંસ્કૃતિ અને સભ્યતાના સંસ્કારોનું પ્રતીક છે. કરારમાં નફો-તોટો જોવાય છે. કરારમાં લેખિત નિયમોનું પાલન હૃદયના ધબકારાઓના અહેસાસ વગર કરવાનું હોય છે, જયારે લગ્ન કે નિકાહના પાયામાં જ પ્રેમ, સમર્પણ અને ત્યાગ રહેલાં છે એટલે તેને કરાર જેવું નામ આપવું એ ભારતીય સંસ્કારોનું અવમૂલ્યન છે.

Wednesday, January 2, 2013

ગાંધીજીની આશ્રમ ભજનાવલી : ડૉ. મહેબૂબ દેસાઈ



જાન્યુઆરી માસ પ્રજાસત્તાક દિન અને ગાંધીજીની શહાદત માટે જાણીતો છે. ૨૬ જાન્યુઆરીના  પ્રજાસત્તાક દિનની ઉજવણીના આનંદ પછી તુરત ૩૧ જાન્યુઆરીએ આવતી ગાંધીજીની પુણ્યતિથી આપણને દુઃખી કરી મુકે છે. એ દિવસે ગાંધીજી પોતાના વિચારો, આદર્શો અને આચરણમાં મુકાયેલા સત્યોને કારણે શહીદ થયા. તેમની શહીદીના સમાચાર માત્રથી ભારતનો દરેક નાગરિક દુઃખના દરિયામાં ડૂબી ગયો. ચોધાર આંસુઓથી ખરડાઈ ગયો. સૌ નાનામોટા નેતાએ પોતાની લાગણીને અંજલીના શબ્દોમા ઢાળી, તેમની શહાદતને બિરદાવી. પણ એક નાનકડા શાયરે ગાંધીજીને અંજલી આપતા બે લાઈનો કહી. તે તેમના સમગ્ર વ્યક્તિત્વને સાકાર કરતી હતી. મજાજ લખનવી નામના એ શાયરે  ગાંધીજીની શહાદતને બિરદાવતા કહ્યું હતું,
"ન હિંદુ ચલા ગયા,
 ન મુસલમાન ચલા ગયા
 ઇન્સાનિયત કી જુસ્તજુ મેં
 એક ઇન્સાન ચલા ગયા"
અર્થાત, ગાંધીજી કર્મે ન હિંદુ હતા, ન મુસલમાન હતા. પણ સાચા અર્થમાં તેઓ એક મહામાનવ હતા, જે માનવતાની સ્થાપનાનાનો સંધર્ષ કરતા કરતા શહીદ થઇ ગયા. ગાંધીજીએ દરેક ધર્મનો ઊંડાણ પૂર્વક અભ્યાસ કર્યો હતો. અને તેમાંથી ઉમદા સિદ્ધાંતોને તેમણે જીવનમાં અને આશ્રમના આચરણમાં અપનાવ્યા હતા. ગાંધીજી જીવનમાં પ્રાર્થનાને અતિ મહત્વની માણતા હતા. તેઓ કહેતા,
"જેમ શરીર માટે ખોરાક આવશ્યક છે, તેમ જ આત્મા માટે પ્રાર્થના આવશ્યક છે.માણસ ખોરાક વગર ઘણા દિવસ ચલાવે, પણ પ્રાર્થના વિના ક્ષણ વાર પણ ન જીવી શકાવું જોઈએ...મને તો શંકા નથી કે, આજે આપણું વાતાવરણ કજિયા, કંકાસ અને મારામારીથી ભરેલું છે, તેનું કારણ એ છે કે આપણામા સાચી પ્રાર્થનાની ભાવના નથી... જો તમારે વિદ્યાર્થીઓએ શુદ્ધ ચારિત્ર અને ચિત્તશુદ્ધિ ઉપર તમારી કેળવણીનો પાયો નાખવો હોય, તો નિત્ય નિયમિત પ્રાતઃકાળે અને સંધ્યાકાળે પ્રાર્થના જેવો સરસ ઉપાય બીજો એકે નથી"
અને એટલેજ ગાંધીજીએ આશ્રમવાસીઓ માટે એક ખાસ પ્રાર્થના ભજનાવલી તૈયાર કરી હતી.તે આશ્રમ ભજનાવલીની સર્વ ધર્મ પ્રાર્થનાઓ જાણવા અને માણવા જેવી છે. આશ્રમમાં નિયમિત સવારે પ્રાર્થનામા એ ભજનો ગવાતા. જેમાં કે વૈદિક પ્રાર્થનાનોના શબ્દો હતા,

"લે જા અસત્ય સે સત્ય કે પ્રતિ
 લે જા તમસ સે જ્યોતિ કે પ્રતિ
 મૃત્યું સે લે જા અમૃત કે પ્રતિ
 ચલે સાથ ઔર બોલે સાથ
 દિલ સે હિલ મિલ જીયે સાથ
 અચ્છે કર્મ કરે હમ સાથ
 બેઠકે સાથ ભજે હમ નાથ
 હો સંકલ્પ સમાન સમાન
 હો જન જન કે હદય સમાન
 સબ કે મનમેં ભાવ સમાન
 નિશ્ચય સબ હો કાર્ય સમાન" 
એજ રીતે જૈન પ્રાર્થનામા ગવાતું,
"ક્ષમા મેં ચાહતા સબસે
 મૈ ભી સબકો કરું ક્ષમા
 મૈત્રી મેરી સભી સે હો
 કિસી સે બેર નહિ હો"
બૌદ્ધ પ્રાર્થના પણ આશ્રમમા અવશ્ય થતી. જેમાં ગવાતું,
"જીતો અક્રોધ સે ક્રોધ
 સાધુત્વ સે અસાધુત્વ
 કંજુસી દાન સે જીતો
 સત્ય સે જુઠવાદીતા
 બેર સે ન કદાપી
 મિટતે બેર હૈ નહિ
 મૈત્રી હી સે મિટે બેર
 યહી ધર્મ સનાતન"
ઈસાઈ પ્રાર્થના પણ મુલ્યોના સમાગનું ઉત્તમ ઉદાહરણ હતી.
"શાંતિ કા વાદ્ય બના તું મુઝે પ્રભુ
 હી તિરસ્કાર જહાં કરું સ્નેહ
 હો હમલા તો ક્ષમા કરું મે.....શાંતિ કા

હો જહાં ભેદ અભેદ કરું
હો જહાં ભૂલ મૈ સત્ય કરું.....શાંતિ કા

હો સંદેહ વહાં વિશ્વાસ
ઘોર નિરાશા વહાં કરું વાસ.....શાંતિ કા

હો અંધિયાર વહાં પે પ્રકાશ
હો જહાં દુઃખ ઉસે કરું હાસ.....શાંતિ કા

કુરાને શરીફમા સૌ પ્રથમ આયાત "અલ્હમ્દો લીલ્લાહે રબ્બીલ આલમીન" છે. તેનું પણ સુંદર કાવ્યત્મક પ્રાર્થનામાં રૂપાંતર ગાંધીજીની આશ્રમ ભજનાવલીમા કરવામાં આવ્યું છે. એ ઇસ્લામિક પ્રાર્થના તરીકે આશ્રમમાં નિયમિત ગાવામાં આવતી. ઇસ્લામના અનુયાયીઓએ તે જાણવા અને અપનાવવા જેવી છે.
"દયાવાન કો કરું પ્રણામ
 કૃપાવાન કો કરું પ્રણામ
 વિશ્વ સકલ કા માલિક તું
 અંતિમ દિન કા ચાલક તું
 તેરી ભક્તિ કરું સદા
 તવ અવલંબન રહો સદા
 દિખા હંમે તું સીધી રાહ
 જીન પર તેરી રહમ નિગાહ
 એસો કી જો સીધી રાહ
 દિખા હંમે વહ સીધી રાહ
 જિન પર કરતા હૈ તું ક્રોધ
 ભ્રમિત હુએ યા હૈ ગુમરાહ
 ઉનકે પથ કા લું નહિ નામ
 દયાવાન કો કરું પ્રણામ"

ગાંધીજીની સર્વધર્મ સમભાવની ભાવના આ ભજનોમાંથી નીતરે છે. જે ભારતનું સાચું અને આદર્શ ચિત્ર સર્જવામાં આપણે અવશ્ય ઉપયોગી થઇ પડશે એ જ પ્રાર્થના- આમીન