Tuesday, November 20, 2012

શિક્ષણ અને ધર્મ : ડો. મહેબૂબ દેસાઈ



જન શિક્ષણ અંગે વિશાદ છણાવટ કરવા હાલમાં જ ત્રીજી જન શિક્ષા પરિષદ ૧૯ થી ૨૩ નવેંબર દરમિયાન ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ અને લોકભારતી,સણોસરાના ઉપક્રમે યોજાઈ ગઈ. પરિષદમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના વિવિધ આયામો અંગે વિસ્તૃત ચર્ચાઓ થઇ. શિક્ષણના વ્યવસાયકરણના વિકૃત સ્વરૂપ અંગે પણ છણાવટ થઇ. એક સમયે શિક્ષણ સેવાના સ્વરૂપે પ્રચલિત હતું. આપણી પ્રાચીન શિક્ષણ પ્રથામાં શિક્ષણ ધર્મ અને આશ્રમ શાળાઓ સાથે અતુટ રીતે સંકળાયેલું હતું. પ્રાચીન સમયમાં સમાજમાં ચાર વર્ણો અસ્તિત્વમાં હતા. બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય અને શુદ્ર. આ વર્ણ વ્યવસ્થા સાથે તેના વ્યવસાયો પણ નિશ્ચિત હતા. એ મુજબ બ્રાહ્મણો ધર્મના અર્થ ઘટનનું અને શિક્ષણનું કાર્ય કરતા હતા. એ જ રીતે એ સમયે વ્યક્તિના જીવન કર્મને પણ ચાર વિભાગોમાં વિભાજીત કરવામાં આવ્યું હતા. ૧ થી ૨૫ વર્ષ દરમિયાન વ્યક્તિ બ્રમચર્ય વ્રતનું પાલન કરતો. ગુરુના આશ્રમમાં રહેતો. ગુરુની સેવા કરો. આશ્રમનું કાર્ય કરતો. ભિક્ષા માંગવા જતો. અને સાથે સાથે ગુરુ પાસેથી જ્ઞાન પણ મેળવતો. આશ્રમના કુદરતી વાતાવરણમાં મેળવેલ એ જ્ઞાન પુસ્તકિયું જ્ઞાન ન હતું. એ સાચા અર્થમાં જીવન જ્ઞાન હતું. આપણાં જાણીતા શાયર નિદા ફાજલીએ તેમના એક શેરમાં આવી જ કંઈક વિભાવનાને શબ્દ દેહ આપતા લખ્યું છે,

"ધૂપ મેં નીકલો, ઘટાઓ મેં નહાકર દેખો
ઝીંદગી કયા હૈ કિતાબો કો હટા કર દેખો"

પ્રાચીન સમયની આપણી આશ્રમ શાળાઓ આપણી સંસ્કૃતિના અવિભાજ્ય અંગ જેવી હતી. ગાંધીજીએ આપેલ બુનિયાદી શિક્ષણના વિચાર સાથે તે મહંદ અંશે સામ્ય ધરાવે છે. એ પછી મધ્યકાલીન ભારતમાં તુર્ક-અફઘાન શાસન અને મોઘલ શાસનકાળ દરમિયાન મકતબ અને મદરેસાઓ શિક્ષણનું કેન્દ્ર બન્યા. મોટેભાગે આવા મદ્રેસાઓ મસ્જિતમાં ચાલતા. ફજર(પ્રભાત)ની નમાઝ બાદ મદ્રેસા શરુ થતા અને છેક ઝોહર(બપોર)ની નમાઝ સુધી ચાલતા. એમાં ધાર્મિક જ્ઞાન સાથે જુદા જુદા વિષયનું જ્ઞાન પણ આપવામાં આવતું. એ સમયે પણ ઉસ્તાદ કે મૌલવીના શિષ્ય સાથેના સબંધમાં વેતન કેન્દ્રિ સ્થાને ન હતું. ઉસ્તાદ વેતન એટલું જ લેતા જેટલી તેમની જરૂરિયાત હતી. કારણ કે શિક્ષણ સેવા સાથે સંસ્કારો અને મુલ્યોના જતનનું કાર્ય પણ કરતુ હતું. પણ મેકોલ નામના અંગ્રેજે ભારતીય શિક્ષણના સમગ્ર માળખાને બદલી નાખ્યું. જેમાં શિક્ષણ કેળવણી ન રહેતા. માત્ર વહીવટી કારકુનો બનાવવાનું કારખાનું બની ગયું. આજે પણ શિક્ષણનું એ જ માળખું આપણે યથાવત જાળવી રાખ્યું છે.પરિણામે શિક્ષણનો  સેવા,સંસ્કારો અને મુલ્ય સાથે દૂર દૂર સુધીનો નાતો રહ્યો નથી. શિક્ષણના મુલ્યો અને સંસ્કારોને વ્યક્ત કરતા ઇસ્લામ યુગના બે દ્રષ્ટાંતો જાણવા જેવા છે. બે ઉમદા દ્રષ્ટાતો ઇસ્લામ યુગમાં જાણીતા છે.

હારૂન રશીદ બગદાદના ખલીફા હતા. તેમનો પુત્ર અને તેના મામા બંને હજરત ઇમામ કસાઈ પાસે શિક્ષણ લેવા જતા. એક દિવસ ગુરુ બંને શહેજાદાઓને ભણાવીને ઊઠયા. બંને શહેજાદાઓ ગુરુના ચંપલ લેવા દોડયા અને બંને વરચે ઝઘડો થયો. કોણ ગુરુને ચંપલ પહેરાવે? અંતે ગુરુએ ન્યાય કર્યો બંને એક એક ચંપલ પહેરાવે. ખલીફા હારૂન રશીદને આ ઘટનાની જાણ થઇ. તેમણે ગુરુને દરબારમાં હાજર કરવા હુકમ કર્યો. હજરત ઇમામ કસાઈ દરબારમાં હાજર થયા. ખલીફા હારૂને ભર દરબારમાં આપને પૂછ્યું,
આપે મારા રાજકુમારો પાસે ચંપલ ઉપડાવી, તે આપને પહેરાવવાનું કહ્યું હતું?’
હજરત ઇમામ કસાઈએ હા પાડી. આવો એકરાર સાંભળી દરબારીઓ ભયભીત થઈ ગયા. હમણાં ખલીફા હારૂન હજરત ઇમામ કસાઈનું માથું ઉતારી લેશે. પણ થોડીવાર એક નજરે હજરત ઇમામ કસાઈને જૉઈ ખલીફા હારૂન બોલ્યા,
આપે મારા રાજકુમારોને આપના ચંપલ ઉચકવા ન દીધા હોત તો ખરેખર આપ સજા પામત, પણ આપે તો તેમને ગુરુની ઇજજત કરવાના સંસ્કારો આપ્યા છે.
દરબારીઓ ખલીફાનું આ વલણ જોઈ ખુશ થયા. જયારે હજરત ઇમામ ખલીફાને કુરનીશ બજાવી ચાલતા થયા ત્યારે ખલીફાનો અવાજ તેમના કાને પડયો. થોભો, મેં આપને જવાની આજ્ઞા હજુ નથી આપી.
પોતાના આસન પરથી ઊભા થઈ. ખલીફા હારૂન રશીદ ગુરુ પાસે આવ્યા અને તેમને દસ હજાર દિનાર આપતા બોલ્યા, ‘આપે મારા રાજકુમારોને જે કંઈ આપ્યું છે તેની તુલનામાં આ તો ઘણું આછું છે. છતાં સ્વીકારીને આભારી કરો.
દરબારીઓ ખલીફા હારૂન રશીદનો આ વ્યવહાર અવાચક બની જોઈ રહ્યા.
ગુરુની નીતિમત્તા અને મૂલ્યોના જતનનો આવો જ એક અન્ય કિસ્સો માણવા જેવો છે.
અલીગઢના અપાર ધનાઢય મૌલવી ઇસ્માઈલને હદીસનું જ્ઞાન મેળવવાની ઇરછા થઈ. તેમણે અત્યંત વિદ્વાન હજરત મૌલાના કાસીમ નાનોતવીનો સંપર્ક સાઘ્યો. ગુરુ હજરત કાસીમે શિષ્ય ઇસ્માઇલ સામે એક નજર કરી પછી પોતાની શરત સંભળાવતાં કહ્યું,
તમને હદીસનો અભ્યાસ તો કરાવું પણ તનખ્વાહ(વેતન) મારી ઇરછા મુજબ લઈશ.
શિષ્ય ઇસ્માઇલે તરત કહ્યું, ‘આપ કહો તે તનખ્વાહ (વેતન) મને મંજૂર છે. અને ગુરુ-શિષ્યનો નાતો બંધાયો.  એક માસને અંતે વેતન આપવાનો સમય આવ્યો ત્યારે ગુરુ કાસીમે કહ્યું,
 ‘મને માત્ર પંદર રૂપિયા તનખ્વાહ આપો. આ સાંભળી ધનાઢય શિષ્ય ઇસ્માઇલ તો અવાક બની જોઈ રહ્યો. માત્ર પંદર રૂપિયા !. પણ આવા જ્ઞાની ગુરુ પાસે દલીલને અવકાશ ન હતો. એટલે મૌન રહી પંદર રૂપિયા આપી દીધા. એકાદ માસ થયો ત્યાં તો એક દિવસ ગુરુ કાસીમે પોતાના ધનાઢય શિષ્યને કહ્યું, ‘મારે તનખ્વાહ બાબત તારી સાથે વાત કરવી છે.
શિષ્ય ઇસ્માઇલ તો ખુશ થયો. તેને લાગ્યું વેતનમાં વધારો કરવાનો પ્રસ્તાવ ગુરુ મૂકશે. પણ ગુરુ કાસીમ બોલ્યા, ‘આ માસથી મને પંદરને બદલે માત્ર દસ રૂપિયા જ વેતનના આપજો.
હવે ધનાઢય શિષ્યથી ન રહેવાયું, ‘આપ જેવા જ્ઞાની પાસેથી હદીસનું ગૂઢ જ્ઞાન મેળવવું એ તો તકદીરની વાત છે છતાં આપ આટલું ઓછું વેતન શા માટે માગો છો ?’
હજરત કાસીમ બોલ્યા, ‘પંદર રૂપિયા મારી જરૂરિયાત પૂર્ણ કરવા પૂરતા હતા. મારા કુટુંબનું ખર્ચ દસ રૂપિયા અને પાંચ રૂપિયા મારા વાલીદ (પિતા)ને આપતો. પણ ગઈ કાલે તેમનું અવસાન થયું એટલે હવે પાંચ રૂપિયાની મારે જરૂર નથી. જે પૈસાની જરૂર ન હોય તેનો બોજો મારે શા માટે વહન કરવો જૉઈએ?’ આટલું કહી ગુરુ કાસીમે વિદાય લીધી.
આજે શિક્ષણ સેવા ન રહેતા વ્યવસાય બનું ગયું છે. શિક્ષણમાં જ્ઞાન કરતા માહિતીનું મહત્વ વધ્યું છે. ત્યારે ઉપરોક્ત દ્રષ્ટાંતો આપણી આદર્શ શિક્ષણ પરપરાગતના અવશેષો માત્ર બની રહ્યા છે.

No comments:

Post a Comment