૧૬ નવેમ્બરે મુસ્લિમ માસ મહોરમનો આરંભ થાય છે.
મહોરમ હિજરી સંવંતનો પ્રથમ માસ છે. મુસ્લિમોના નવા વર્ષનો આરંભ આ જ માસથી થાય છે.
મહોરમ અરબી ભાષાનો શબ્દ છે. તેનો અર્થ થાય છે ગમ , શોક કે
દુ:ખ. આ જ માસના ૯ અને ૧૦માં ચાંદે હઝરત ઈમામ હુસેન અને તેમના સાથીઓની શહાદત થઈ
હતી.સત્ય અને અસત્યની એ લડાઈમાં ઈમામાં હુસેન શહીદ થયા. માટે જ આ માસ મુસ્લિમો
માટે ગમ, શોક અને દુ:ખનો માસ છે. મોહંમદ સાહેબ (સ.અ.વ.)ના
પુત્રી હઝરત ફાતિમા (ર.અ.)ના નિકાહ હઝરત અલી (ર.અ.) સાથે થયા હતા.તેમના સંતાન હઝરત
ઈમામ હુસૈન (ર.અ.) કરબલાના યુદ્ધમાં તેમના ૭૨ સાથીઓ સાથે શહીદ થયા.એ ઘટના ઇસ્લામી
ઇતિહાસની અત્યંત કરુણ ઘટના છે. હઝરત ઈમામ હુસેનનો જન્મ મદીનામાં ૫ શાબાન હિજરી
સંવંત ૪મા થયો હતો. નાના હઝરત મોહંમદ સાહેબ (સ.અ.વ.)નો ખોળો ખુંદી અત્યંત લાડકોડમાં
ઉછરેલા હઝરત ઈમામ હુસેનની ઈબાદત અને સખાવત ઇસ્લામના ઇતિહાસમાં જાણીતી છે. ૨૫ વખત
પગપાળા હજજ કરનાર ઈમામ હુસેનની સખાવત ચોમેર પ્રસરેલી હતી. વયોવૃદ્ધ , અશક્ત
અને આબરૂદાર માનવીઓને ઈમામ હુસેન મોં માંગી મદદ કરતા. બેરોજગારોને એક હજાર દીનાર
અને એક હજાર બકરીઓ વિના હિચકિચાટ તેઓ આપી દેતા. એકવાર એક નિર્ધન, પણ
આબરૂદાર માનવી આપના દ્વારે આવ્યો. એક નાનકડી ચબરખીમાં તેણે લખ્યું,
" હું અત્યંત ગરીબ છું . જવનો એક દાણો ખરીદવા જેટલા
પૈસા પણ મારી પાસે નથી. માત્ર એક વસ્તુ મારી પાસે છે, અને તે
મારી આબરૂ . તેને વેચવા આપની પાસે આવ્યો છું.આપ તેની જે કિંમત આંકો તે મને મંજુર
છે."
હઝરત ઈમામ હુસેન આ ચબરખી વાંચી બહાર દોડી આવ્યા.
પેલા આબરૂદાર માનવીના હાથમાં દસ હજાર દીનાર મુકતા આપે ફરમાવ્યું,
"હાલ તુરત આનાથી વધારે રકમનો બંદોબસ્ત
મારાથી થઇ શકે તેમ નથી. આપ એમ જ સમજ જો કે આપે સવાલ નથી કર્યો અને મેં આપની આબરુની
કિંમત નથી આંકી" આવા ઉદાર,સખાવતી અને ખુદાની ઇબાદતમાં હંમેશા લીન રહેતા.
કુફા શહેરની પ્રજા તાનાશાહ યઝદીના અત્યાચારી
શાસનથી ત્રાસી ગયા હતા.કુફાની પ્રજાએ વારંવાર તેની જાણ હઝરત ઈમામાં હુસૈનને કરી
હતી. અને યાઝાદીના અત્યાચારોથી મુક્ત કરાવવા વિનંતી કરી હતી. પરિણામે હઝરત ઇઅમામ
હુસૈને તેની તપાસ કરવા જનાબ મુસ્લિમ બિન અકીલ ને કુફા મોકલ્યો.
પ્રજાની ફરિયાદ સાચી લગતા હઝરત ઈમામ હુસૈને હિજરી સન ૬૧ (ઈ.સ.૬૮૦)મહોરમ માસની બીજી તારીખે
પોતાના ૭૨ સાથીઓ સાથે કુફા તરફ પ્રયાણ કર્યું. કરબલાના મૈદાન પાસે "કુરાત"ના
કાંઠે સૌએ પડવા નાખ્યો. પણ યઝદીના ૩૬૦૦૦ના લશ્કરે તેમને ઘેરી લીધા.અને હઝરત ઈમામ
હુસૈનના પડાવના તંબુઓ તોડી નાખ્યા. છતાં ઇઅમામ હુસૈન અસત્ય અને અત્યાચાર સામે
ઝૂકવા તૈયાર ન થયા. અને કહ્યું,
"હું શહદાતમાં મુક્તિ જોવું છું"
મહોરમની દસમી તારીખે હઝરત ઇઅમામ હુસૈન અને તેમના
સાથીઓને યુદ્ધ કરવું પડ્યું. એ યુદ્ધ આત્મરક્ષણ માટેનું હતું. હઝરત ઈમામ હુસેન અને તેમના ૭૨ સાથીઓ જયારે
દુશ્મન યઝીદના લશ્કરથી ઘેરાય ગયા ત્યારે પણ તેમનો આ સ્વભાવ યથાવત હતો. મહોરમ માસની
૭, ૮ અને ૯મી તારીખે તો પાણીના એક એક બુંદ માટે નાના મોટા સૌ તડપતા હતા.
છ માસના બાળક અલી અસગર ત્રણ ત્રણ દિવસથી પાણી મળ્યું ન હતું. ૯ અને ૧૦મી વચ્ચેની રાત તો કતલની રાત હતી.યઝીદના
ચાર હજાર ઘોડેસવારોએ અહિંસાના પુજારી સમા ઈમામ હુસેનના ૭૨ સાથીઓને ઘેરી
લીધા.ત્યારે હઝરત ઈમામ હુસૈન બોલી ઉઠ્યા હતા,
"માનવ મુલ્યો અને આદર્શોનો નાશ થઇ રહ્યો
છે.સદાચાર અને નીતિમત્તાનું પ્રમાણ ઘડામાં રહેલા પાણીના ટીપા જેટલું જ રહ્યું છે. દુરાચાર
અને અનીતિનું આચરણ વ્યાપક છે. આ સ્થિતિમાં સત્યને માર્ગે ચાલનારે પોતાની જાતને
વહેલામાં વહેલી તકે અલ્લાહને હવાલે કરી દેવી જોઈએ" ૧૩૬૪ વર્ષ પૂર્વે હઝરત
ઈમામ હુસૈને ઉચ્ચારેલા આ એક સત્યાગ્રહીની સાચી મનોદશા વ્યક્ત કરે છે.
અને એટલે જ કરબલાના મૈદાનમાં હિંસાને રોકવા હઝરત
ઈમામ હુસેને પોતાની જાતને અર્પણ કરતા યઝદીને સંદેશો પાઠવ્યો હતો,
" મને મારી નાખો, કેદ કરી
લો પણ મારા નિર્દોષ સાથીઓ, બાળકો, સ્ત્રીઓ ને ન મારશો "
પણ ક્રૂર યઝદી તેમની વાત ન માન્યો અને પોતાનું
વિશાલ લશ્કર ઈમામ હુસેનના સાથીઓ
પર છોડી મુક્યું . ઈમામ હુસેનના સાથીઓએ હિંમતભેર
તેનો સામનો કર્યો. ઈમામ હુસેનના સંતાનો પણ પિતાના આદેશ અનુસાર એક પછી એક મૈદાને
જંગમાં અસત્યના યુધ્ધમાં જોડાયા હતા અને શહીદ થયા હતા. જેમકે હઝરત અલીઅકબર. જયારે
તેમના પુત્ર હઝરત જૈનુંઅલ આબીદીન બીમારીને કારણે યુધ્ધના મેદાનમાં અવસાન પામ્યા
હતા. સત્ય અને અસત્ય, ધર્મ અને અધર્મ, નીતિ
અને અનીતિની એ લડાયમાં હઝરત ઈમામ હુસેનન ૭૨ સાથીઓ પણ યઝદીના વિશાલ લશ્કરને ભારે
પડ્યા હતા. અને યઝદીને પીછેહટ કરવી પડી અને તેથી તે ઉશ્કેરાયો. યુદ્ધના તમામ નિયમો
નેવે મૂકી તેણે આડેધડ કતલેઆમ શરુ કરી. અને આમ હઝરત ઈમામ હુસેન અને તેમના સાથીઓ
શહીદ થયા. એ દિવસ હતો ૧૦ મોહરમ ,શુક્રવાર હિજરી સંવંત ૬૧, ઈ.સ.
૬૮૦ ઓક્ટોબર માસની ૧૦ તારીખ. ઈમામ હુસેનની આ શહાદતના શોકમાં મોહરમ માસમાં મુસ્લિમો
શોક પાળે છે. ઈમામ હુસેન માટે દુઆ કરે છે અને તેમની શહાદતને આંસુભીની આંખે યાદ કરે
છે.
સલામ પ્રો. મહેબૂબ સાહેબ,
ReplyDeleteઆપનો આ સુંદર પોસ્ટ વાચ્યો. આપના હઝરત ઈમામ હુસૈન (અ.સ.) પ્રત્યેના વિચારો વાંચીને ઘણોજ આનંદ થયો. પરંતુ આ પોસ્ટ માં રહેલી એક ખામી તરફ હું આપનું ધ્યાન દોરવા માંગું છું. આપના લખાણ અનુસાર હઝરત ઈમામ હુસૈન (અ.સ.) ના પુત્ર હઝરત જૈનુંઅલ આબીદીન (અ.સ.) બીમારીને કારણે યુધ્ધના મેદાનમાં અવસાન પામ્યા હતા, જે સત્ય થી ઘણુંજ વેગળું છે. ખરેખર તો હઝરત જૈનુંઅલ આબીદીન (અ.સ.) યુદ્ધ બાદ પણ જીવંત હતા. આશા રાખું છું કે આપ સત્ય પર પ્રકાશ નાખશો.
અલ્લાહ હાફીઝ.